Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

દેવિકા એના ચારેક વર્ષના દીકરા પાર્શ્વને લઈને પહેલી વાર પિયર આવી છે. તે કલકત્તા વસેલી છે. પાર્શ્વનો જન્મ કલક્તા થયો હતો, પછી અમદાવાદ પિયર આવવાની અનુકૂળતા દેવિકાને મળતી જ ન હતી. દેવિકા પાર્શ્વ સમજણો થયો પછી અમદાવાદની- મોસાળની બહુ વાતો કરતી હતી. દેવિકા ‘મોસાળ’ શબ્દ બોલે એટલે પાર્શ્વ પૂછે ‘અમદાવાદને તું કેમ મોસાળ કહે છે?’ દેવિકા દીકરાને કહેતી, ‘મોસાળ એટલે મામાનું ઘર- ત્યાં નાનાજી છે, નાનીમા છે, મામા છે, મામી છે, બધાં તને બહુ લાડ કરશે. તું માગે એ બધું આપશે. ત્યાં બહુ મઝા આવશે. ત્યાં તને કોઈ વઢશે નહીં. પાર્શ્વ મોસાળ જવા બહુ આતુર હતો. હરખભેર એ અમદાવાદ આવ્યો હતો. એના નાના નાનીએ ખૂબ વહાલથી એને અને દેવિકાને આવકાર્યા. પાર્શ્વના મામાએ જાતજાતનાં ફળ અને વિવિધ પ્રકારનાં આઈસક્રીમથી ફ્રીજને ભરી દીધું હતું. નાનીમાએ સુંવાળી, સક્કરપારા, ઘૂઘરા વગેરે નાસ્તા બનાવ્યા હતા તો નાનાજી બિસ્કિટ અને જાતજાતના સૂકામેવા લઈ આવ્યા હતા. આટલી બધી ખાદ્યસામગ્રી જોઈને પાર્શ્વ ખુશ ખુશ થઈ ગયો હતો. ‘આટલું બધું મારા માટે’ એ વિચારે એ નાચી ઊઠ્યો હતો.

પાર્શ્વને દ્રાક્ષ બહુ ભાવે છે, એણે જોઈ લીધું હતું કે દ્રાક્ષ ક્યાં મૂકી છે. એણે જાતે દ્રાક્ષ લીધી અને મોંમાં મૂકે એ પહેલાં દેવિકાની ભાભી એટલે કે પાર્શ્વની મામી હાસ્યદા એકદમ તાડૂકી ‘એય ચોર! ચોરી કરે છે?’ હાસ્યદા એટલા મોટેથી બોલી હતી કે દેવિકા દોડતી આવી, ‘કોણ છે ચોર? ભાભી, ક્યાં છે ચોર?’ હાસ્યદા બોલી, ‘આ તમારો કુંવર પાર્શ્વ.’

‘એણે શું ચોર્યું?’

‘દ્રાક્ષ.’

‘દ્રાક્ષ તો ખાવા માટે છે. પાર્શ્વે દ્રાક્ષ લીધી અને ખાધી એ ચોરી કહેવાય?’

‘હાસ્તો એણે પૂછ્યા વગર દ્રાક્ષ લીધી એ ચોરી કહેવાય.’

‘ભાભી, પાર્શ્વ આ ઘરનો ભાણો છે. ખાવાની વસ્તુ માટે એણે કોઈને પૂછવાનું ના હોય.’

‘એ ચોરી કરે અને તમે એનો પક્ષ લઈને એનો બચાવ કરો એટલે ચોરી કરવાનું એને પ્રોત્સાહન જ મળે ને!’ હાસ્યદા બોલી.

દેવિકા હળવાશથી બોલી, ‘પાર્શ્વને દ્રાક્ષ ભાવે છે અને એણે લીધી.’

‘દેવિકાબહેન, પહેલીવાર પાર્શ્વે દ્રાક્ષ લીધી. એ મેં જોયું હતું પણ હું કંઈ બોલી ન હતી. પણ એણે બીજી વાર બેધડક દ્રાક્ષ લીધી એટલે મેં એને ટોક્યો. હું એની મામી છું, હું એની વડીલ છું, એનામાં કુટેવ જોઉં તો એને ટોકી શકું. વળી આ ઘર અમારું છે અને તમે અને પાર્શ્વ તો મહેમાન છો. મહેમાનની જેમ બે દિવસ રહો અને પછી વિદાય થઈ જાઓ. પાર્શ્વ અહીં મહેમાન છે એણે એની મર્યાદામાં રહેવું જોઈએ, પણ તમે એને કંઈ શીખવાડ્યું જ નથી. કલકત્તાનું ઘર એનું ઘર છે. ત્યાં એ જે રીતે વર્તે છે એ રીતે અહીં ના વર્તાય.’ ભાભીની વાત સાંભળીને દેવિકાનો મિજાજ ગયો. એ બોલી, ભાભી, પાર્શ્વ આ ઘરના વારસદારનો છોકરો છે, એને અહીં મહેમાનની જેમ વર્તવાનું ના હોય. એણે ઘરના માણસની જેમ ખાઈ પીને મોજ કરવાની હોય. પાર્શ્વ પારકો નથી. એ તમારો ભાણો છે. તમે એના મામી છો તમે કેમ એને પોતાનો નથી માની શક્તા? હૈયા સોંસરો નીકળી જાય એવો સવાલ સાંભળી હાસ્યદા ભડકી ઊઠી. એણે તીખા સૂરમાં દેવિકાને કહ્યું, ‘નણંદજી, તમારી ફિલોસોફી તમારી પાસે રાખો. પાર્શ્વએ વગર પૂછે દ્રાક્ષ ઊઠાવી એ ચોરી જ કહેવાય. એણે મને પૂછ્યું હોત તો હું આપત. એ ધરાય એટલી દ્રાક્ષ એને આપત.’

‘ભાભી, તમારી થિયરી તમે પોતે બધે લાગુ પાડો છો? તમે આ શ્વાસ લો છો એ પ્રાણવાયુ તમે બનાવ્યો છે? આ હવાના માલિક કોણ છે એ તમે જાણો છો? એ જાણવાની કદી દરકાર કરી છે? તો કોને પૂછીને તમે શ્વાસ લો છો? પૂછ્યા વગર, ઊંઘતા અને જાગતા તમે શ્વાસ લીધા જ કરો છો એ ચોરી ના કહેવાય?’ આ આકાશ- સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે કેવું રંગીન બની જાય છે તમે એ રંગો જોઈને ખુશ થાઓ છો કોને પૂછીને તમે એ રંગો જુઓ છો? નાટક, સિનેમા જોવા જઈએ તો ટિકિટ લેવી પડે છે પછી જ નાટક સિનેમા જોવાય છે. જ્યારે આકાશના રંગો તમે કોઈનીય પરવાનગી વગર ઘેર બેઠાં જુઓ છો, જોયા પછી ય કોઈનો આભાર માનતા નથી, એ ચોરી ના કહેવાય?’ દેવિકાનો સવાલ સાંભળીને હાસ્યદા એકદમ ભડકી ઊઠી અને મોટા અવાજે બોલી, કેવી બેહુદી વાત કરો છો? આકાશના રંગ તો ભગવાનનું સર્જન છે, એને ગરીબ, તવંગર, ગાંડો, ડાહ્યો, નાના મોટા બધા જોઈ શકે એનો ચાર્જ આપવાનો ના હોય. અને તમે ઓક્સિજન-હવાની વાત કરો છો એ તો દરેક સજીવ પ્રાણી, વનસ્પતિ સુદ્ધાં વાતાવરણમાંથી લઈ શકે છે એમાં કોઈને પૂછવાનું ના હોય. ભગવાનદાદાની એ તો મહેર છે.’

‘ભાભી તમે જેમ ભગવાનદાદાની બનાવેલી, આપેલી વસ્તુ બેધડક કોઈને ય પૂછ્યા વગર વાપરો છો, છતાંય એ ચોરી નથી કહેવાતી, એ રીતે જ આ દ્રાક્ષ પાર્શ્વના મોસાળની છે, નાનાજીના ઘરમાં ભાણાને હક પહોંચે છે એ બીજા કોઈના હકની વસ્તુ નથી લેતો. નાનાજી, નાનીમાનું વહાલ જોઈને પાર્શ્વ આ ઘરને એનું ઘર સમજે છે, એ અહીંની વસ્તુને પારકી નથી સમજતો. તેથી એણે દ્રાક્ષ લીધી અને ખાધી, આવી સામાન્ય વાતને તમે ચોરી કહો અને આ નિર્દોષ બાળકને ચોર કહો એ કેટલી ભયંકર વાત છે! આવી તમારી માનસિકતા? અમારા તરફ આટલો બધો અણગમો! ચાર પાંચ વરસે મારા દીકરાને લઈને હું બે દિવસ માટે આવી છું તે ય તમારાથી ના સહન થયું?

કદાચ તમને ના ગમ્યું હોય તો બા, બાપુજી આગળ સ્પષ્ટતાથી જણાવવું હતું તો બાપુજી કોઈ પગલાં લેત.

ભાભી, મારા ભાઈનો હાથ પકડીને તમે આવ્યો છો મારા બાપુજીના ઘરમાં, તમારે તમારી મર્યાદામાં રહેવાનું હોય, તમે આ ઘરના એક માત્ર માલિક નથી. આ બંગલો તમારો બંધાવેલો નથી, તમારો વસાવેલો નથી, તમને જરાય જોર આવ્યું નથી તો અમારા આગમનથી તમને આટલી બધી તકલીફ કેમ થાય છે કે પાર્શ્વને તમે ચોર કહો છો?

‘ચોર’ કોને કહેવાય એ જાણો છો? ‘ચોર’ની વ્યાખ્યા તમને ખબર છે? જે માણસ કોઈ એક વસ્તુ બીજાની છે તેનું જાણવા છતાં છાનામાના એ વસ્તુ ઊઠાવી લે એ ચોર કહેવાય. કોઈના હકની વસ્તુ સિફતથી પડાવી લે અને પોતાની વસ્તુ છે એવું જાહેર કરે એ ચોર કહેવાય. પાર્શ્વ ચોર નથી. ચોરી શું એ તેને ખબર નથી. દ્રાક્ષ એના માટે છે એવું સમજીને એણે ખાધી. આ ઘરમાં દ્રાક્ષ પડી હોય અને એણે તમારા દેખતાં લીધી છે, ચોરની જેમ છાનામાના નથી લીધી છતાંય તમે આ ઉંમરે આવું નિંદનીય કૃત્ય કર્યું?

સારું છે ‘ચોર’ શબ્દનો અર્થ પાર્શ્વને ખબર નથી નહીં તો એને કેવો આઘાત લાગત. જોકે તમારી ત્રાડથી એ થીજી તો ગયો જ છે, એના હૃદયમન પરથી આ આઘાતજનક અસર ઝટ જશે નહીં. વળી એ નાનો છે તેથી પ્રત્યાઘાતરૂપે તમને કંઈ અપમાનજનક કહ્યું નથી, પણ હવે ચેતતા રહેજો. પાર્શ્વ તો શું કોઈ પણ બાળકને ચોર કહેશો નહીં. બાળકના નાજૂક, કોમળ હૈયાને વીંધશો નહીં.

ચોર કોને કહેવાય?

No comments:

Post a Comment