જાનકીબહેન હરખાતાં હૈયે દરેકને કહેતાં હતાં, ‘મારી કુંતલને બહુ સરસ મળ્યું. એણે જાતે જ ખોળ્યું છે. અમારા વહેવાઈ બિલ્ડર છે, એમણે કુંતલને જોઈ અને તરત બોલી ઊઠ્યા કે વાહ આપણા વૈભવને શોભાવે એવી સુંદર, રૂપાળી છે. અમારી દીકરીને ભગવાને ખોબલે ખોબલે રૂપ આપ્યું છે. એવું જ ઉજળું એનું નસીબ છે. અમારા જમાઈ રવિકુમાર પણ કુંતલના પડખે શોભે તેવા છે. હવે મારે કોઈ ચિંતા ના રહી. આ બધી ઉપરવાળાની મહેરબાની છે, નહીં તો છોકરીનાં માબાપ તો કેટલે ઠેકાણે વાત મૂકે કેટકેટલી દોડાદોડ કરે ત્યારે દીકરીનું ઠેકાણું પડે, જ્યારે અમારે તો સામે પગલે અમને બધું મળ્યું. અમે ધાર્યું ન હતું, કલ્પના ય ન હતી કરી એટલું સરસ મળ્યું. અમારે કંઈ છોડવું નથી પડ્યું.’
આમ જાનકીબહેન હરખાતાં હતાં અને કહેતાં હતાં, ‘હવે તો અમારે ય કમર કસવી પડશે. વહેવાઈના માનમોભા પ્રમાણે આપણે ય થોડું ખેંચાવું પડશે ને! હવે તો મુર્હૂત જોવડાવીને હોલ શોધવા માંડીએ.’ પણ... આઠ દસ દિવસ થયાં ને વાત સાંભળી કે કુંતલની સગાઈ તૂટી ગઈ. કેમ? છોકરા-છોકરીનાં મન મળ્યાં’તાં ને શું થઈ ગયું? બેઉ જણાં કોલેજમાં સાથે ભણતાં હતાં, ત્રણેક વરસથી એકબીજાને ઓળખતાં હતાં, કુંતલ છોકરાના માબાપને ય ગમી હતી, આવી સંસ્કારી, સોહામણી, આવડતવાળી વિવેકી છોકરી કોને ના ગમે? તો આવું કેમ થયું? કોઈક મતભેદ હોય તો એનો ઉકેલ આવે, ક્યાંક ગેરસમજ હોય તો ગેરસમજ દૂર થાય પણ આ તો સગાઈ તૂટી જ ગઈ સમાધાન માટે પ્રયત્ન ય ના થયા. હવે તો સંબંધ જ ના રહ્યો. કેમ, કેમ આવું થયું? બધાંને આઘાત લાગ્યો. પછી વાત જાણવા મળી કે સગાઈ થયા પછી લગ્નની તૈયારીની વાત આવી ત્યારે રવિકુમારના પપ્પાએ એક આલ્બમ કુંતલના પપ્પા સુધીરભાઈને આપીને કહે, ‘‘જુઓ અમારી દીકરી રૌપ્યાના લગ્નનું આ આલ્બમ. અમારો રવિ એકનો એક છે. અમારા દીકરાનું લગ્ન પણ ધામધૂમથી થવું જોઈએ. આવી જ તૈયારી તમે કરજો. જુઓ, લગ્ન ફાર્મમાં કરવાના છે તમે ફાર્મ નક્કી કરતાં પહેલાં એ સ્થળ અમને બતાવજો. કારણ કે અમારા બધાં આમંત્રિતો વટવાળા, ઊંચા હશે, એમનું સ્વાગત રાજાશાહી થવું જોઈએ. બધી જાતના ડેકોરેશનનો ખ્યાલ તો તમને આલ્બમ જોશો એટલે આવી જશે. ક્યાંય ભૂલ ન થવી જોઈએ.’
રવિના પપ્પાએ બોલવાનું પૂરું કર્યું પછી રવિનાં મમ્મી સુધાબહેન બોલ્યાં, ‘અમારી જ્ઞાતિમાં કરિયાવર બતાવવાનો રિવાજ છે, અમારાં સગાંવહાલાં સૌ કહેશે. વહુ શું લાવ્યાં એ બતાવો એટલે તમારી દીકરીને અમારા મોભા પ્રમાણે શોભતું બધું આપજો અને પહેરામણી કોને કેટલી કરવાની એનું લિસ્ટ હું તમને આપી દઈશ.’ સુધાબહેનના અવાજમાં અભિમાન અને તુમાખી હતાં.
વહેવાઈ વહેવાણની વાત સાંભળીને કુંતલનાં મમ્મી પપ્પા થીજી જ ગયાં. ઓહ, વહેવાઈ વહેવાણ કહે છે એ પ્રમાણે ખરચો કરવાનું અમારું તો ગજું જ નથી. એમના દીકરા અને અમારી દીકરીએ પ્રેમ કર્યો છે, જ્યાં પ્રેમ હોય, સુમેળ હોય ત્યાં ખરી રીતે કોઈ શરતો હોવી જ ના જોઈએ. વહેવાઈએ તો એમ જ કહેવાનું હોય કે છોકરા-છોકરીનાં મન મળ્યાં છે, હવે તો બાહ્ય વિધિ કરવાની છે એ તમારી રીતે કરજો. તમે બોલાવશો એ દિવસે જાન લઈને અમે હાજર થઈ જઈશું. અને કરિયાવરની ચિંતા છોડો, આવી સુંદર સંસ્કારી દીકરી આપો છો એનાથી અધિક અમારી કોઈ માગણી નથી. એના બદલે આમની માગણીઓની કોઈ સીમા નથી. આમાં પ્રેમ ક્યાં રહ્યો? સંબંધનું સૌંદર્ય અને માધુર્ય ક્યાં?
વહેવાણ વહેવાઈ અમારો તો વિચાર જ નથી કરતા. અમે બે રૂમના ફલેટમાં રહેનાર આટલો ખરચો કેવી રીતે કરી શકીએ? દેવું કરવા જઈએ તો ય અમારી હેસિયત જોઈને કોઈ ધીરેને! અને અમારી આવક એવી મોટી નથી કે દેવું ભરી શકીએ.
લગ્ન આવા ભપકાથી થવા જોઈએ એવું ભારપૂર્વક કહેનાર માણસોના સ્વભાવ કેવા હશે? કોઈ ઉદારતા કે ચલાવી લેવાની વૃત્તિ કે સમભાવ કશું નહીં હોય ને! લગ્ન પછી ય કેટકેટલાં તહેવાર અને પ્રસંગો આવશે, જ્યારે દીકરીનાં માબાપે આપવાનું જ હોય છે. અમે તો વહેવાઈની માગણીઓ સંતોષવામાં પાયમાલ થઈ જઈએ અને છતાંય દીકરીના સુખની ગેરન્ટી શું? ખર્ચાળ લગ્ન સુખની ગેરન્ટી નથી આપતા, એ તો ધનસંપત્તિનું વલ્ગર પ્રદર્શન છે.
આપણા સમાજમાં વહેવાઈઓનો સંબંધ એવો હોય છે કે જેમાં ડગલે ને પગલે બેઉ પક્ષે સમજદારી દાખવીએ સમતાપૂર્વક બાંધછોડ કરવી જ પડે. એ સંબંધમાં કોઈ આગ્રહ કે તુમાખી કે અભિમાન ન હોવાં જોઈએ. કોઈ પણ સંબંધમાં નરમાશ હોય તો જ એ ટકે, કાયમ સામા પક્ષની લાગણી અને માનનો વિચાર કરવો જોઈએ.
ધનસંપત્તિનું જેને અજીર્ણ થયું છે એવા માણસો સાથે સંબંધ કેવી રીતે ચાલુ રહે? સંબંધોની વેલ તો કેવી હોય? લીલી લીલી નાજુક નમણી વેલ હોય તો એની પર નિત નિત સુગંધીદાર ફૂલો ખીલે.
વહેવાઈ અમારી લાચારીનો વિચાર કરવાના બદલે ધનના મદમાં અવળી દિશામાં દોડી રહ્યા છે. આવો સંબંધ ચાલુ ન રખાય. સંબંધ તોડી નાખું આવું સુધીરભાઈ વિચારે છે, પણ એ જરાય ઉતાવળા નથી થતા એમને દીકરીના નાજુક હૈયાનો ખ્યાલ આવે છે. એમને થાય છે કે સોનેરી શમણાં જોતી દીકરીનું દિલ તૂટી જશે. એને કદાચ એવું થશે કે મારાં માબાપ એમની જવાબદારીમાંથી છટકી ગયાં. આવું સાંભળીને દીકરી હતાશામાં સરી પડશે તો! આપઘાત કરી બેસશે તો આવું વિચારતાં તેઓ ઘેર પહોંચ્યા. કકળતા હૈયે આક્રોશભર્યા સૂરે, અદ્ધર જીવે તેમણે દીકરીને બધી વાત કરી.
વાત સાંભળીને કુંતલ તરત બોલી ઊઠી, ‘પપ્પા, ડરો નહીં જરાય વિલંબ કર્યા વિના આપણે આ સંબંધમાંથી મુક્ત થઈ જઈએ. જે કુટુંબ આપણો વિચાર ન કરે એ કુટુંબ સાથે જોડાવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો.’
‘પણ બેટા, તમારો પ્રેમ? કેવી રોમાંચક તાજગીભરી, નાવીન્યપૂર્ણ જિંદગીના તમને અરમાન હશે ને...’
‘મમ્મી, અરમાન કે જિંદગી કશું ખતમ નથી થઈ ગયું, હું તો માત્ર ખોટા માણસ સાથેના સંબંધને ખતમ કરવાનું કહું છું. એ ખોટા માણસને વિદાય કરીશ તો મારી જિંદગીનો અંત નહીં આવી જાય. તમે ચિંતા ન કરો. શાંતિ રાખો. ઉશ્કેરાટ વગર એમને વિવેકથી ના કહેવડાવી દો.’ ખૂબ સ્વસ્થતાથી કુંતલ બોલી.
કુંતલની સ્વસ્થતાએ એની મમ્મી પપ્પાને વિચાર કરવા પ્રેર્યા અને તેમણે કુંતલની વાત માનીને રવિ સાથેની સગાઈ ફોક કરી.
ચચરાટભર્યા સંબંધ ને બદલે શાંતિપૂર્ણ વિચ્છેદ વધુ બહેતર |
No comments:
Post a Comment