Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

અંતરમમ કરો વિકસિત

આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

ઉમાબહેનનાં દીકરો પર્જન્ય અને વહુ ગૌતમી ઉમાબહેનથી અલગ નથી રહેતાં. તેઓ ઉમાબહેનની સાથે, ઉમાબહેને બંધાવેલા અને વસાવેલા ઘરમાં જ રહે છે. ઉમાબહેનના પતિને અવસાન પામે સાત વર્ષ થઈ ગયા છે. પણ ઉમાબહેનની જીવનપદ્ધતિમાં કોઈ ફરક નથી પડ્યો. ક્યાંય એમને બાંધછોડ નથી કરવી પડી. પોતાની રીતે તેઓ જીવે છે.

બે માળનાં એમના ઘરમાં એમની રૂમ ઉપરના માળે છે. રૂમમાં પલંગ ઉપરાંત ખુરશી ટેબલ છે, પુસ્તકોનું એક કબાટ છે. એમને પ્રિય પુસ્તકો કબાટમાં આકર્ષક રીતે ગોઠવ્યાં છે. બહાર બાલ્કનીમાં હીંચકો છે અને ફૂલછોડનાં કૂંડાં છે. એ રૂમ અને બાલ્કની ઉમાબહેનની દુનિયા છે. ઉમાબહેન પરણીને આવ્યાં ત્યારે તો એક માળનું જ ઘર હતું, પણ એમનાં સાસુએ કહ્યું, ‘આપણે ઉપર એક માળ બનાવડાવીએ તો વહુ દીકરો મોકળાશથી રહી શકે.’ ઉમાબહેનના પતિ સુધીરભાઈ બધા નિર્ણયો ઉમાબહેન પર છોડી દેતા હતા. ઉપરના માળનું પ્લાનિંગ ઉમાબહેનની ઈચ્છા મુજબ થયું હતું. એમની રૂમમાં ક્યાં બારીઓ મૂકવી, કેવડી અને કેટલી બારીઓ મૂકવી, ક્યાં બારણાં મૂકવાં, બાલ્કની કઈ દિશામાં કાઢવી એ બધું ઉમાબહેને નક્કી કર્યું હતું. ઉમાબહેનનાં સાસુ સસરાની રૂમ નીચે હતી. પરિવાર સંયુક્ત હતો પણ જગ્યાની મોકળાશના લીધે દરેકની સ્વતંત્રતા જળવાતી હતી. ઉમાબહેનનો દીકરો પર્જન્ય મોટાભાગે નીચે દાદા દાદી પાસે જ રહેતો હતો. એના દાદીદાદા એના બેસ્ટ ફ્રેન્ડઝ હતા.

સમય પસાર થતો ગયો, ઉમાબહેનના સાસુ સસરા અવસાન પામ્યાં, દીકરો પર્જન્ય મોટો થયો, પર્જન્યના ગૌતમી સાથે લગ્ન થયા, ત્યારે સાસુ સસરાવાળી નીચેની રૂમ ખાલી પડી હતી એ રૂમ પુત્રવધૂ ગૌતમીને આપી.

રૂમમાં બધી સગવડ હતી, એટલે પર્જન્ય અને ગૌતમી ખુશ હતા. વર્ષો વીતતાં ગયાં, પર્જન્ય પણ દીકરી નેકીનો પિતા બન્યો, કુટુંબમાં ક્યાંય વિખવાદ કે વિસંવાદ ન હતો. ત્યાં ઉત્તરાયણના દિવસે જ પતંગ ચગાવતાં ઉમાબહેનના પતિનો શ્વાસ થંભી ગયો, એમના હાથમાં પતંગની દોરી છે, મોંમાં ‘એ કાપ્યો’ એવા શબ્દો હતા અને સુધીરભાઈ ઢળી પડ્યા.

ઉમાબહેને જીવનસાથી ગુમાવ્યો પણ એમના જીવનમાં ક્યાંય રૂકાવટ ના આવી, ઓટ ના આવી. સાહિત્ય અને સંગીતના શોખના લીધે તેઓ ખરા અર્થમાં જીવંત રહ્યાં હતાં.

થોડો સમય તો ઠીક ચાલ્યું પણ એક દિવસ પુત્રવધૂ ગૌતમીએ કહ્યું, ‘મમ્મી, નેકી મોટી થઈ છે, એને હવે રમવાનું ઓછું અને અભ્યાસ કરવાનું વધી ગયું છે, પણ આ નાની દીકરી ખેવના સાવ અણસમજુ છે એ નેકીને વાંચવા દેતી જ નથી. એ તોફાન કરે છે અને નેકી અકળાય છે એને હવે અલગ રૂમ જોઈએ માટે એને તમારો રૂમ આપીએ અને તમારો સામાન નીચે ખસેડાવી દઈએ.’

ગૌતમીની વાત સાંભળીને ઉમાબહેન તો એક આંચકો ખાઈ ગયા. આજ સુધી ઉમાબહેન એમની પોતાની મરજી મુજબ જ જીવ્યાં છે. ગૌતમીએ પોતે કદી ઘરનો નિર્ણય લીધો નથી અને આજે ઉમાબહેનની રૂમ બદલવાનો નિર્ણય ઉમાબહેનને પૂછ્યા વગર લઈ લીધો! ઉમાબહેનને ફાવશે કે નહીં એવું ય પૂછ્યું નહીં? ઉમાબહેનનું મોં બગડી ગયું. નારાજગી સ્પષ્ટ રીતે એમનાં સમગ્ર દેહ પર દેખાતી હતી પણ ગૌતમીને કોઈ પરવા જ ન હતી.

પોતાની અવગણના થઈ એ ખ્યાલે આઘાત પામેલાં ઉમાબહેને એમની બહેનપણી નંદાબહેનને ફોન કર્યો. નંદાબહેન અનુભવી, ઠરેલ અને પરિપક્વ બુદ્ધિનાં છે. ઉમાબહેન પોતાના ભીતરની વાત નંદાબહેનને કહી શકતાં. આજે પણ ઉમાબહેને ફરિયાદ કરી એટલે તેઓ બોલ્યા, ‘ઉમા, સમય બળવાન છે, મનુષ્ય નહીં, આપણે સમય પ્રમાણે વર્તવાનું, બદલાવાનું, આપણે બદલાવું જ પડે.’ ‘એટલે મારે ગૌતમી જે કરે એ કરવા દેવાનું? આ ઘર મારું છે, મારાં સાસુ હતાં ત્યારે ય હું જ બધાં નિર્ણયો લેતી હતી અને મારાં સાસુ કદી વચ્ચે બોલતાં પણ નહીં અને આ ગૌતમી કોણ છે જે મારી રૂમ એની દીકરીને આપવાનું નક્કી કરે? મને પૂછે ય નહીં અને મારો સામાન નીચે ખસેડવાની વાત કરે!’ ઉમાબહેનના અવાજમાં ઉશ્કેરાટ હતો.

‘ઉમા, તું શાંત પડ. તું એટલો ગુસ્સો ના કર કે તારું ગૌરવ હણાય, તારું માન ના રહે. તું શાંત ચિત્તે વિચાર કર, બહારના દરેક ક્ષેત્રે વયોવૃદ્ધ માણસ નિવૃત્ત થઈને પોતાની સત્તા પોતાના અનુગામીને સોંપે છે, એવું ઘરમાં છે. ઘરમાં વહુ આવે, પછી આપણું ઘર એનું બની જાય છે, આપણે મમત્વ છોડી દેવાનું અને આપણી રીતે જીવવાનું, આપણે નવી પેઢીને નડવાનું નહીં.’

‘તો હું શું કરું? લાચાર થઈને બેસી રહું, વહુ મને જેમ ફંગોળે એમ ફંગોળાઉં? મને પીડા થાય તો ય હું કાંઈ ના બોલું, એવો દંભ શું કરવા? મને ગુસ્સો આવે તો ય ગુસ્સો ના કરું?’ નંદાબહેન બોલ્યાં, ‘ના ઉમા, તું ગુસ્સો ના કરીશ એ રૂમ તારી છે એ વાત જ તું ભૂલી જા. તું મમત્વ છોડી દે અને નેકીને બોલાવીને પ્રેમથી તારી રૂમ એને આપ. સાથે સાથે આશીર્વાદ આપ. ઉમા, તું દાદી છે, ઘરની વડીલ છે. ઘરમાં માધુર્ય જળવાઈ રહે, સગાઈનું સૌંદર્ય જળવાઈ રહે એ જોવાની ફરજ તારી છે. તું ઉદારતા દાખવ. તારું મોટપણ દાખવ.’

‘ના. ઉદાર બનીને મારે મારું બધું છોડી દેવું નથી. હું સંસારી છું, હું જોગણ નથી કે બધું છોડી દઉં. નંદા તારે તો મને હિંમત આપવાની હોય કે પીછે હટ કરવાનું શીખવાડવાનું હોય? મારી રૂમ વગર મને ચેન નહીં પડે. મારું બધું લૂંટાઈ ગયું હોય એવું લાગે છે.’ આટલું કહીને ઉમાબહેન રડી પડ્યાં.

નંદાબહેન સ્વસ્થ સૂરે બોલ્યાં, ‘ઉમા ક્યાં સુધી તું આ બધી ભૌતિક સંપત્તિને પકડી રાખીશ! હવે બાહ્ય દુનિયાનો મોહ છોડીને આપણે અંદર દષ્ટિ કરવાની છે. ગૌતમીએ શું કર્યું અને એણે શું કરવું જોઈતું હતું એ પળોજણ છોડ અને તારે શું કરવું જોઈએ એ વિચાર. આપણી ભારતીય સંસ્કૃતિ સેંકડો વર્ષથી આપણને શું શીખ આપી રહી છે, એ તું ભૂલી ગઈ?’

ઉમા, આપણો ગૃહસ્થાશ્રમ પૂરો થયો. હવે આપણે વાનપ્રસ્થાશ્રમી છીએ. જીવનનાં સુખસાહ્યબી અને ચીજવસ્તુનો ભોગવટો સંકેલી લેવાનો અને આધ્યાત્મિક વિકાસ વિશે વિચારવાનું. મોહ અને આસક્તિ છોડી દેવાનાં, આપણે કોઈ સ્થળ કે ચીજવસ્તુના ગુલામ નથી.

રૂમ હાથમાંથી જતી હોય તો જવા દે. તારી દુનિયા તો તારી અંદર છે, એને ઉજાસભરી બનાવ અને ખુશ રહે. ઉમા, મારી બહેન, તું જરાય જીવ ના બાળીશ.’

નંદાબહેનની વાતે ઉમાબહેનને વિચાર કરતા કરી મૂક્યાં. એમના મનમાં અનેક પ્રશ્નો ઊઠ્યા કે મારી વસ્તુ છોડતાં મને દુઃખ થાય તો ય મારે છોડી દેવાની? શું કામ છોડી દેવાની? હું ઘરની વડીલ પણ મારા હાથમાં સત્તા નહીં? ગૌતમીએ મારું માન નહીં સાચવવાનું? એની ફરજની યાદ મારે નહીં દેવડાવવાની? મારે એનાથી ડરતાં રહેવાનું? ઉમાબહેનનું મન કચવાય છે પણ એમણે નંદાબહેનની વાત યાદ રાખીને પોતાની રૂમ નેકીને આપી. નેકી રાજી રાજી થઈ ગઈ અને પૌત્રીના એ રાજીપામાં ઉમાબહેનનો કચવાટ ગાયબ થઈ ગયો. ઘરમાં પહેલાં જેવી જ શાંતિ જળવાઈ રહી.



No comments:

Post a Comment