નકુલભાઈ હમણાથી પોતાના રૂમમાં જ બેસી રહે છે. અલબત્ત તેઓ તદ્દન નિષિ્ક્રય નથી બેસી રહેતા. તેમની પ્રકૃતિ પ્રમાણે તેઓ વાંચવા લખવાનું કામ કર્યા કરતા હોય છે. તેમનાં પત્ની પૂર્ણાબહેન પતિની વિચારશીલ, અધ્યયનશીલ અને ચિંતનશીલ પ્રકૃતિ વર્ષોથી - એટલે કે લગ્ન સમયથી જાણે છે, પોતાની એ પ્રકૃતિ તેમણે સ્વીકારી લીધી એના માટે એ કદી ટકોર નથી કરતા કે ફરિયાદ નથી કરતા.
પણ થોડા દિવસથી તો નકુલભાઈ રૂમમાંથી બહાર જ નથી નીકળતા. પૂર્ણાબહેને કહ્યું, ‘આખો દિવસ તમારી રૂમમાં જ બેસી રહો છો.’ પૂર્ણાબહેન એટલા શાંત સૌમ્ય સૂરમાં બોલ્યાં હતાં કે એમનું કહેવું ફરિયાદ છે કે સામાન્ય વિધાન એ નકુલભાઈ નક્કી ન કરી શક્યા. એ બોલવામાં ફરિયાદની ઉગ્રતા ન હતી પણ કંઈક અકળામણ તો જરૂર હતી.
નકુલભાઈ સંયતસૂરમાં બોલ્યા, ‘હું વિચારું છું કે આપણા સમગ્ર જીવનની ફલશ્રુતિ શું?’ એક આદર્શ જીવનની જે કલ્પના હતી એ મુજબ જીવાય છે?’
પૂર્ણાબહેનને કંઈક આશ્ચર્ય થયું, કારણ કે નકુલભાઈએ એની સાથે બેસીને આદર્શ જીવનની કલ્પના તો કરી ન હતી. છતાં અત્યારે તેઓ મારું જીવન એવું નથી બોલ્યા પણ ‘આપણું જીવન’ બોલ્યા છે. એટલે કે એમની સાથે મારો વિચાર કરે છે. એમના જીવન સાથે મારું જીવન જોડાયું છે, એ સાર્થક થઈ ગયું.
અને પૂર્ણાબહેનને ચાળીસ વરસ પહેલાનો એ સમય યાદ આવી ગયો, જ્યારે એમની સગાઈ થઈ હતી. એમની સગાઈ થઈ ત્યારે જ લોકો નવાઈ પામીને કંઈક ચિંતાજનક સૂરમાં બોલતા હતા કે મિયાં મહાદેવનો રાગ કેટલો આવે છે એ હવે જોવાનું રહ્યું.
આવું નકારાત્મક અનુમાન કરનાર સાવ ખોટા તો ન હતાં, કારણ કે નકુલભાઈ નાનપણથી અંતર્મુખ હતા જ્યારે પૂર્ણાબહેન બર્હિમુખ હતાં. જોકે એમની વચ્ચે કદી વિસંવાદિતા ન હોતી સર્જી છે કે વિખવાદ નહોતો થયો. તેઓ સાચા અર્થમાં એકબીજાના પૂરક હતા. રોજ સવારે નકુલભાઈ ધ્યાન, યોગ અને કસરત કરે જ્યારે પૂર્ણાબહેન આંગણમાં એમણે બનાવેલા બગીચામાં કામ કરે. ક્યારાને ગાર્ડ કરે, નકામા છોડ તણખલાં કાઢી નાખે, પાણી પાય અને સાથે સાથે ગીત-ભજન ગાય. બેમાંથી કોઈ એકબીજાની ટીકા ના કરે. સાંજના સમયે નકુલભાઈ બહાર હિંચકે બેસીને સંગીત સાંભળે, ક્યારેક સ્કેચબુક લઈને સ્કેચ કરે ત્યારે પૂર્ણાબહેન કાં તો બહાર કોઈને મળવા ગયાં હોય અથવા તો કોઈની સાથે ફોન પર ગપ્પાં મારતાં હોય છે. બેઉ પોતપોતાને મનગમતી પ્રવૃત્તિ કરતાં અને પ્રસન્ન રહેતાં. પૂર્ણાબહેનને કદી એવું નહોતું લાગતું કે પતિ એમનાથી દૂર છે અને નકુલભાઈએ કદી એવું નહોતું કહ્યું કે અમે બેઉં તો સમાન્તરે દોડતી રેખાઓ છીએ કદી, અમારું મિલન નથી થયું કદી તદ્રૂપ નથી થયાં. તેઓ એમના બેઉંના સંબંધ વિશે ગૌરવથી વાત કરતાં. તેઓ કહેતા કે મંદિરમાં ઊભેલા બે સ્તંભો દૂર હોય છતાં તેમનું કાર્ય એક જ હોય છે મંદિરની છતને ટેકો આપવો, એ જ પ્રમાણે અમે અન્યોન્યના જીવનને ટેકો આપીને સમૃદ્ધ કરીએ છીએ.
પૂર્ણાબહેન વિચારે છે આવું કહેનાર પતિ તો પછી આજે આવું કેમ બોલ્યા?
‘જે રસ્તે ચાલ્યા એ ભૂલ હતી? શું બીજા રસ્તે અમારે જવું જોઈતું હતું?
અત્યાર સુધી શું અમે ભટક્યા જ કર્યું છે? શું ચોતરફ અંધકાર જ હતો છતાં અમે મૂઢ કંઈ ના સમજ્યા અને અમે ભ્રમમાં રહ્યા કે વિકાસ કરીએ છીએ, અમારું ભીતર સમૃદ્ધ થાય છે.
માત્ર ભીતર જ કેમ? નકુલભાઈએ એમની પોતાની કમાણીમાંથી નાનકડો પણ બધી જ અદ્યતન સગવડવાળો બંગલો બાંધ્યો છે, કાર ખરીદી છે, ભૌતિક દષ્ટિએ જોઈએ તો પણ તેઓ સમૃદ્ધ છે તો પછી નકુલભાઈના મનમાં આવો વિચાર કેમ આવ્યો?
પૂર્ણાબહેને મુંઝાઈ ગયાં. કદીય નકારાત્મક નહીં વિચારનાર નકુલભાઈ કેમ આવું વિચારે છે? પૂર્ણાબહેનને નકુલભાઈની જેમ વાંચવા અને વિચારવાની ટેવ ન હતી પણ ધીરે ધીરે પૂર્ણાબહેન બદલાતાં જતાં હતાં. નકુલભાઈએ કદી કહ્યું ન હતું, પૂર્ણાબહેને કદી સભાન પ્રયત્ન કર્યો ન હતો, છતાં તેઓ નકુલભાઈના રંગે રંગાતાં હતાં? આજ સુધી તો નકુલભાઈ પોતે જે કંઈ વાંચ્યું હોય, વિચાર્યું હોય એની વાત કરે અને પૂર્ણાબહેને સાંભળે પણ હવે તો તેઓ ચર્ચા કરતા થયા હતા. અલબત્ત પોતાનો મત રજૂ કરીને પ્રસ્થાપિત કરવાનો ઉદ્દેશ કે આગ્રહ ન હોય પણ પોતાનું દષ્ટિબિંદુ તેઓ સ્પષ્ટતાથી રજૂ કરતા અને નકુલભાઈ ધ્યાનથી એમની વાત સાંભળતા. ક્યારેક તો કહેતા ય ખરા, ‘અરે આ દષ્ટિથી તો મેં વિચાર્યું જ ન હતું. માણસે અનેકાંત દષ્ટિ રાખવી જોઈએ, તો એનું વિઝન વધારે સ્પષ્ટ બને. આવું વિચારશીલ દંપતી, પતિ કે પત્ની જે કંઈ બોલે એ બરાબર વિચારીને બોલે.
દઢપણે જે માનતા હોય એ જ બોલે. તો આજે નકુલભાઈ બોલ્યા કે જે રસ્તે ચાલ્યા એ ભૂલ હતી. તો કેવી રીતે એ ભૂલ હતી?
પૂર્ણાબહેન બોલ્યાં, ‘ના, આપણે જીવ્યા એ રીતમાં કોઈ ભૂલ નથી. આપણે સંસારી છીએ, આપણે કદી બહુ મોટી મહત્ત્વાકાંક્ષા સેવી નથી. ઘર, કુટુંબ તરફ ફરજ બજાવી છે અને શક્ય હોય તે સમાજ માટે કંઈ કર્યું છે.
‘પણ જીવનનો એ તબક્કો પૂરો થયો. પૂર્ણા, મને લાગે છે કે આપણે આપણી ફરજનું વર્તુળ વધારીએ.
સ્થૂળ અર્થમાં બધી ભૌતિક સગવડો આપણે વસાવી છે. આપણી જિંદગીમાં ક્યારેય તકલીફ વેઠી નથી અને ભવિષ્યની વ્યવસ્થા પણ કરી રાખી છે.
પરંતુ આપણી આસપાસ જે તકલીફવાળા લોકો છે એમના માટે કંઈક કરીએ એવું મને થાય છે.
આપણે સાદાઈથી જ જીવીએ છીએ છતાં હજી જ્યાં કાપ મૂકી શકાય એમ હોય ત્યાં કાપ મૂકીએ અને એ રકમ બીજાના કલ્યાણ માટે વાપરીએ.
પૂર્ણાબહેને બોલ્યાં, ‘હું તો આપણી બચત બેન્ક કે પોસ્ટમાં મૂકીને વ્યાજ ઉપજાવું છે’, એ હવે બંધ કરીશ અને બીજાના માટે વાપરીશ.
‘બસ પૂર્ણા મારા મનમાં આજ એક ઉમ્મીદ છે, આપણું ઘર એક આશ્રમ બને.
No comments:
Post a Comment