Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

જરૂર પડે થોડા બોલ્ડ બનીએ તો?

આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

મૂકેશના ગીતોના કારણે અમારે યતીનભાઈ સાથે પરિચય થયેલો. પછી તો પરિચય વધતો જ ગયો. એમનો સૌજન્યશીલ અને સદ્ભાવભર્યો મિલનસાર અને વાતોડિયો સ્વભાવ. હું અને ગુણવંત એમની સાથે કલાકો વાતો કરતાં તેઓ ગીતો ગાતાં અને એમે સાંભળતા. જે ગીત કહીએ એ ગીત ગાતા, એટલો સરળ એમનો સ્વભાવ હતો ત્યારે અમે અવારનવાર સાથે પિકનિક પર જતા.

એક વાર તેઓ પૂછે, ‘હું તમારા ત્યાં રહેવા આવી શકું?’

ગુણવંત કહે, ‘ચોક્કસ વિના સંકોચે રહેવા આવો.’

‘બે-ચાર દિવસ માટે નહીં થોડાં મહિનાઓ એટલે કે પાંચ-સાત મહિના માટે.’

‘હા, હા ઘણી ખુશીથી આવો. અમારું ઘર મોટું છે. તમને બધી સગવડોવાળો અલાયદો રૂમ મળશે.’

‘હું ત્યાં સાવ અલગ રહેવા નથી ઈચ્છતો. હું તો તમારા બેઉ સાથે સમય ગાળવા ઈચ્છું છું. તમારા ધાબા પર ગાદીઓ નાંખીને રાત્રિના શાંત ઉજાસભર્યા વાતાવરણમાં કલાકો સુધી વાતો કરવા માગું છું. રાત અને દિવસ બસ વાતો કર્યા જ કરીએ.’ આટલું બોલીને યતીનભાઈ એકદમ મૌન થઈ ગયા. જાણે અંતરતમના ઊંડાણમાં સરી પડ્યાં.

અમે પણ મૌન જ રહ્યાં. કંઈ બોલ્યા નહીં, કંઈ પૂછ્યું નહીં. થોડી વારે યતીનભાઈ બોલ્યા, ‘તમારી સાથે વાતો કરું છું ત્યારે મને સારું લાગે છે, ઘરે જાઉં છું પછી ય મન પ્રસન્ન રહે છે, પણ બે ચાર દિવસ માટે વળી પાછું એનું એ. પરંતુ મને લાગે છે મને કોઈ દવા સાજો નહીં કરી શકે. ડૉકટર કહે છે મન પ્રસન્ન રાખો, પણ દવાથી મન પ્રસન્ન રહેતું નથી. કહે છે મિત્રો સાથે સમય ગાળો. પણ મારે એવો કોઈ મિત્ર નથી જે મને સાંત્ત્વન આપે, માર્ગદર્શન આપે.

હું સંત મહાત્માની કેસેટો સાંભળું છું પણ મારું મન ખીલતું નથી. હું ધ્યાન, યોગ કરું છું. મારું શરીર એનાથી સુધરતું હશે પણ મારું મન એ તો વારંવાર ઉચાટમાં સરી પડે છે. વિષાદ મારો સ્થાયી ભાવ થઈ ગયો છે. હું ગાવા બેસું છું તો કરુણ ગીતો જ હોઠે આવે છે. મને એવું જ લાગે છે બધું નિરર્થક છે. નિર્વેદથી મારું હૈયું ભરાઈ આવે છે.

હું શું કરું તો પહેલાં જેવો નોર્મલ બનું? મનોચિકિત્સકો કહે છે, વર્તમાનમાં જીવો. કોઈ વળી કહે છે પ્રેરણાત્મક સાહિત્ય વાંચો. હું પુસ્તકો લઈ આવું છું, ખોલું છું, વાંચુ છું. અક્ષરો ઉકેલાતા જાય છે પણ મનમાં કંઈ ઊતરતું નથી. પુસ્તક આખું વંચાઈ જાય, પણ હું તો હતો ત્યાં ને ત્યાં જ રહ્યો હોઉં. પ્રેરણાનો ઝરણું હોય કે ધોધ પણ હું તો કોરોધાકોર.’

યતીનભાઈ એવી સરળતા અને સાહજિકતાથી વાત કરતા હતા કે આપણને આત્મીય સ્વજન લાગે. એમના હૃદયના દ્વાર આજે એમણે ખોલી નાખ્યા હતા.

તેઓ કહે ગઈકાલ સુધીની મારી જિંદગી એકદમ સુપર્બ હતી. સુખી, માબાપના ઘેર જન્મ, એન્જિનિયર થયો અને ફર્સ્ટક્લાસ જોબ મળી. લીના જેવી શિક્ષિત પત્ની મળી. દીકરો ડૉકટર થયો, સદાચારી અને વ્યસનમુક્ત. એની પ્રેક્ટિસ સારી ચાલે છે. પણ કોને ખબર કેમ અમારી વચ્ચે કોઈ નિકટતા નથી. મતભેદ નથી છતાં અબોલા છે. અબોલા એટલે કોઈ વાતચીત થતી નથી મને હાર્ટએટેક આવ્યો ત્યારે મારા પડખે એ રહ્યો હતો પણ એ તો જાણે કોઈ યંત્રમાનવ મારી પાસે ઊભો છે એવું લાગે. કોઈ લાગણી નહીં, કોઈ ભાવ નહીં. મને હોસ્પિટલના બિછાને જોઈને એ જરાય વ્યાકુળ નહતો થયો.

દીકરી પરદેશ ભણવા ગઈ અને ત્યાં રહી પડી. સાંભળ્યું છે કે કોઈની સાથે લગ્ન વગર રહે છે, લીવ-ઈન-રીલેશનશીપથી રહે એનોય અમને વાંધો નથી, પણ હમણાં એનો મિત્ર એને દગો કરીને ચાલ્યો ગયો, મિત્રની સાથે એણે એની બચતે ગુમાવી. બહારથી અમે સાંભળ્યું પણ એણે અમને કશું કહ્યું નથી. દર અઠવાડિયે ફોન કરે છે ત્યારે ‘કેમ છો? મઝામાંને?’ એવી જ વાત થાય અને ફોન કટ થઈ જાય. માંડ એકાદ મિનિટની એ વાત.

દીકરી અને દીકરો બેઉ દૂર દૂર મારાથી ખૂબ દૂર જતાં રહ્યાં છે. ભલે તેઓ મારા સુખદુઃખમાં ભાગીદાર ન થાય પણ એમના દુઃખની વાત તો કહેને! એમને કોઈ સમસ્યા હોય, ચિંતા હોય, મૂંઝવણ હોય અને મને કહે તો મને આત્મીયતા લાગે, હું બાપ છું પણ મારા સંતાનો માટે હું કંઈ નથી, મારી આ સંપત્તિ એમની જ છે, હું ભેટ સ્વરૂપે કંઈ આપું છું તો સ્વીકારે છે પણ એમના ચહેરા પર કોઈ ખુશાલી, આનંદ નથી.

મારે સંતાન છે, એક નહીં, બે બે સંતાન છે, દીકરી, દીકરો છતાંય જીવન તો ખાલી ખાલી જ છે અમારી વચ્ચે કોઈ આદાનપ્રદાન નથી અને આ વાતે મારા હૃદયને મારી નાખ્યું છે.

હું જાપ કરું છું, પ્રાણાયમ કરું છું, રોજ સવારે ખુલ્લી હવામાં ફરવા જાઉં છું. ગાર્ડનમાં કેટલાક પરિચય થાય છે, કલાકો સુધી વાતો કરીએ છીએ. પણ એ બધું બાહ્ય, સપાટી પરનું. એનાથી મને અંગત રીતે કંઈ મળતું નથી. ઊંડાણમાં તો નિરાશા, ઉદ્વેગ, નિરૂત્સાહ છવાઈ ગયાં છે. મારું અંતરતમ તો સાવ થીજી ગયું છે. કાર્ડિયોલોજિસ્ટ કહે છે, ‘તમારા હાર્ટને કોઈ વાંધો નથી, બસ ચિંતામુક્ત થઈ જાઓ, આનંદથી જીવો.’

મેં પૂછયું હતું, ‘આરામની જરૂર છે?’ તો ડૉકટર કહે ‘થાકો ત્યારે આરામ કરવાનો.’

‘બીજું શું ધ્યાન રાખવાનું?’ ‘તો કહે, ‘આનંદથી જીવો. ‘હું આનંદની શોધમાં છું અને મને તમારી કંપનીમાં આનંદ મળ્યો છે, તો થાય છે, મારું ઘર, મારી દુનિયા છોડીને તમારા ત્યાં આવી જાઉં, જાણે મારો બીજો જન્મ થયો હોય એમ જીવું. મારાં સંતાનોને ભૂલી જાઉં. ભૂતકાળને ભૂલી જાઉં.

અમે યતીનભાઈને અમારા ઘેર રહેવા આવવાનું પ્રેમભર્યું આમંત્રણ આપ્યું. દિવસો પસાર થતા ગયા, તેઓ અમારા ઘેર આવ્યા નહીં તેથી અમે ફોન કર્યા તો એમના પત્ની કહે, ‘તમારા ઘરે રહેવા આવે તો અમારા બીજાં સગાંઓને માઠું લાગે. તેઓ વિચારે અમારે આટલી ઘનિષ્ઠ સગાઈ તોય અમારા ઘેર નહીં? તમે તો અમારા હમણાં હમણાં થયેલા મિત્રો છો.

ગુણવતં કહે, ‘તમે કહેજો ને તમારા ડૉકટર જે યતીનભાઈને ટ્રીટ કરે છે તે અમારી બાજુમાં રહે છે.’

‘ના, ના, એવું જૂઠું ના બોલાય.’ લીનાબેન બોલ્યા ‘આ જૂઠાણાથી કોઈને હાનિ પહોંચવાની નથી અને યતીનભાઈની તબિયત માટે બોલવાનું છે તે બોલી કાઢવાનું. તમારે સગાંઓથી એટલું બધું ડરવાની શી જરૂર?’

લીનાબહેનને ઘણું સમજાવ્યાં પણ તેઓ માન્યા નહીં. યતીનભાઈને લઈને તેઓ અમારા ઘેર આવ્યા નહીં અને યતીનભાઈ ભારપૂર્વક કંઈ કહી શક્યા નહીં. એમનું મન એની મક્કમતા ખોઈ બેઠું હતું સાવ નિર્બળ થઈ ગયું હતું અને ગયા મહિને યતીનભાઈ રાત્રે ઊંઘી ગયા તે ઊંઘી ગયા, સવારે ઊઠ્યા જ નહીં. પલંગમાં એમને મૃતદેહ પડ્યો હતો.

લીનાબહેને હિંમત બતાવીને થોડી સમજદારી દાખવી હોત તો કદાચ યતીનભાઈ આજે હયાત હોત.

જરૂર પડે થોડા બોલ્ડ બનીએ તો?

No comments:

Post a Comment