ડેવિડ, રૂપેરી પડદે ચમકવા માટે થનગની રહેલો એક નવયુવાન. એ નાદાન યુવક પૈસા, પ્રતિષ્ઠા, વૈભવ જીવનના આરંભે જ પ્રાપ્ત કરવા માટે અધીરો બન્યો હતો. કોઈ પણ વસ્તુ મેળવવા એની કિંમત ચૂકવવી પડે, મહેનત કરવી પડે અને ધીરજ ધરવી પડે એવું તે ભૂલી ગયો હતો. એની આકાંક્ષા પ્રમાણે એનું જીવન રૂપરંગ ધારણ કરતું ન હતું તેથી હતાશ થઈને તે ડ્રગના રવાડે ચડ્યો.
એની મા ખૂબ ચિંતામાં પડી ગઈ, એ બોલી, ‘સફળતા જ જિંદગી નથી. જિંદગી કરતાં સફળતાનું મૂલ્ય તું કેમ વધારે આંકે છે? તું સફળ થઈશ, ધનસંપત્તિ મળશે પણ જો તું જીવન ગુમાવી બેસીશ તો? ‘માટે દીકરા તું ધીરજ રાખ અને ડ્રગથી દૂર રહે.’
ડેવિડ પણ ડ્રગના બંધાણીઓની પ્રાણી જેવી પરવશ જિંદગી જોતો હતો. નૂર અને હીર ગુમાવી બેઠેલા એ યુવાનો નર્કની જિંદગી જીવતા હતા એ બધું જોઈને ડેવિડે ડ્રગ લેવાનું છોડી દીધું. એ બોલ્યો, ‘મોમ, જિંદગી કેટલી સરસ છે, હું ગુમાવવા નથી માગતો. મારે જિંદગી માણવી છે.’
સ્વપ્રયત્ને ડેવિડ નોર્મલ બન્યો હતો ત્યાં એક થ્રીલર પિકચરની એને ઓફર આવી. એના માટે એણે વજન વધારવું પડે એવું હતું. એ વજન વધારવાની ધૂનમાં હતો ત્યાં જ એ અવસાન પામ્યો.
હોસ્પિટલમાંથી ડેવિડની મા લ્યૂસી પર ફોન આવ્યો કે તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચો. લ્યૂસી હોસ્પિટલમાં પહોંચી. સાથે એનો હાલનો પતિ જેમ્સ પણ હતો. લ્યૂસીએ ડેવિડના પિતાથી છૂટાછેડા લઈને જેમ્સ સાથે લગ્ન કર્યા હતા. ડેવિડનો પિતા પણ એની હાલની પત્ની વાયોલેટને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો.
જાણવા મળ્યું કે પોલીસ ડેવિડને છ કલાક પહેલાં હોસ્પિટલમાં લાવી હતી ત્યારે તે લગભગ બેશુદ્ધ હતો. દાકતરી તપાસમાં જણાયું હતું કે ડેવિડે ચોખ્ખું હેરોઈન ઘણાં વધારે પ્રમાણમાં લીધું હતું. તેથી એના હાર્ટ પર દબાણ આવ્યું હતું. પોલીસે એની કારની તપાસ કરી તો સ્ટીરોઈડનું ડ્રગ મળ્યું હતું.
થ્રીલર પિકચરના પાત્રને અનુરૂપ પોતાના સ્નાયુઓ વિકસે માટે ડેવિડ ડૉક્ટરને પૂછ્યા વગર પોતાની જાતે જ ડ્રગ્ઝ લેતો હતો, એ ડ્રગ જીવન માટે ઘાતક છે એ વાત ડેવિડ ભૂલી ગયો.
આવશ્યક પ્રમાણસરની કસરત અને પૌષ્ટિક ખોરાકથી ડેવિડનું શરીર શેઈપમાં આવ્યું જ હતું. ડેવિડને આવા પાવરફૂલ ઈન્જેકશનની જરૂર ન હતી પણ ડેવિડના મનમાં એક ડર હતો કે પોતે કદાચ રોલ ગુમાવી બેસે તો? એ ડરના લીધે એ પ્રમાણભાન ગુમાવીને પાગલની જેમ ડ્રગ લેવા માંડ્યો હતો.
ડેવિડના મૃત્યુના કારણે એની મા લ્યૂસી ઘેરા શોકમાં ડૂબી ગઈ. દીકરાના મોતનું કારણ એ પોતાની જાતને માનતી હતી. ડેવિડ જ્યારે સાત વર્ષનો હતો ત્યારે એ ડેવિડના પિતાથી છૂટી પડી ગઈ હતી. ડેવિડ બહુ લાગણીશીલ હતો એ એના મમ્મી અને પપ્પા બેઉને બહુ ચાહતો હતો. બેઉ એની પાસે એક જ ઘરમાં રહે તેવું એ પ્રાણપણે ઈચ્છતો હતો, પણ એના મમ્મી-પપ્પા જુદા પડી ગયા. ડેવિડની કસ્ટડી એની મમ્મી લ્યૂસીને મળી. દીકરાને કેળવવાની, ખુશમાં રાખવાની જવાબદારી લ્યૂસીની હતી, પણ લ્યૂસી તો શો બિઝનેસમાં વ્યસ્ત હતી. ડેવિડ દયામણી નજરે એના પપ્પા સામે જોતો હતો, પણ એના પપ્પા ટી.વી. સ્ટાર હતા એ સિરિયલના શૂટિંગમાં વ્યસ્ત રહેતા હતા. ડેવિડ માટે કોઈને સમય ન હતો, દીકરાની પ્રેમની ભૂખ સંતોષવાની મા-બાપને કોઈ દરકાર ન હતી. માબાપના પ્રેમ વગર હિજરાતો ડેવિડ એની દસ વર્ષની ઉંમરે એ હિપ્પીના સંપર્કમાં આવ્યો. એ હિપ્પીના સંગે ડેવિડ પણ હેરોઈનના રવાડે ચડી ગયો.
ડેવિડ નશામાં ચકચૂર થઈને ગમે ત્યાં પડી રહેતો. સ્કૂલે જવાનું એણે છોડી દીધું. ડ્રગ ખરીદવા પૈસા હાથ પર ના હોય ત્યારે એ ચોરીના રવાડે ચડી ગયો. દીકરાનું અધોપતન થતું જતું હતું, પણ માબાપને દીકરાની સામે જોવાની દીકરાના જીવન વિશે વિચારવાનો સમય જ ન હતો. ડેવિડે એનું ઘર છોડી દીધું. હવે તે રસ્તા, ગલીઓ કે કોઈ અવાવરુ, નિર્જન જગ્યાએ પડી રહેતો. એક વખતનો પ્રેમાળ, સંવેદનશીલ, આશાસ્પદ દીકરો ડેવિડ હેતપ્રેમ ઝંખતો ગુનાખોરીની દુનિયામાં જઈ ચડ્યો.
પણ આપણા દેશમાં સમાજસુધારકો અને સેવાભાવી સજ્જનો અને સન્નારીઓ છે તેવી જ રીતે પરદેશમાં પણ હોય છે તેઓ ડેવિડને પ્રેમથી સમજાવીને વ્યસનમુક્તિ કેન્દ્રમાં દાખલ કરતા, ડેવિડ વ્યસનમુક્ત બનતો અને એ કેન્દ્રમાંથી બહાર આવતો પણ ફરી પાછો એ હતાશાથી ઘેરાઈ જતો અને ડ્રગના રવાડે ચડતો. વળી પાછો એ વ્યસનમુક્તિ કેન્દ્રમાં પહોંચી જતો. આમ સમય પસાર થતો ગયો, ડેવિડ બરાબર વીસ વર્ષનો થયો. એનામાં સર્જનાત્મકતા તો હતી જ. એણે કવિતા રચવા માંડી, વાર્તાઓ લખવા માંડી. એ પોતાની લાગણીઓને વ્યક્ત કરતો રહ્યો, પણ નિષ્ફળતાનો આઘાત રુઝાતો ન હતો, પ્રેમની ભૂખ સંતોષાતી ન હતી. ત્યાં થ્રીલર પીકચરની ઓફર આવી. પોતાની જાતને સફળ સાબિત કરવાની ધૂનમાં એણે પોતાની જિંદગી દાવ પર લગાવી દીધી અને એ જિંદગી ગુમાવી બેઠો.
આજના જમાનામાં આવા કમનસીબ ડેવિડની સંખ્યા વધતી જ જાય છે. માબાપ પોતાનામાં મસ્ત રહે છે અને જેને તેમણે પોતે જન્મ આપ્યો છે તેમના તરફ બેદરકાર બને છે, પોતાની ફરજ ભૂલી જાય છે કે જેને તેમણે જન્મ આપ્યો છે એમને આ દુનિયામાં જીવવા માટે કેળવવાની ફરજ એમની છે. માબાપ જો ત્યાગ નહીં કરે તો કોણ કરશે?
ઘડતરની ફરજ કોની? |
No comments:
Post a Comment