લગભગ પાંચેક વરસે નયનાબહેન અને યતીનભાઈ અમેરિકાથી ભારત આવ્યા છે. ભલે તેઓ દૂર પરદેશમાં વસ્યાં છે, ત્યાંના નાગરિક બન્યાં છે, પણ તેઓ પોતાના દેશ, વતન, કુટુંબ સગાવહાલાંથી જરાય દૂર નથી ગયા. મનથી તો તેઓ એકત્વ અનુભવે છે, માની ન શકાય એટલું આકર્ષણ અનુભવે છે. તેથી તેઓએ ભારતની ભૂમિ પર હજી આજ સવારે તો પગ મૂક્યો છે, મુસાફરીનો થાક ઊતર્યો નથી, પરદેશથી લાવેલી બેગો ખોલી નથી અને આ પાંચ વરસ દરમિયાન જે જે પ્રસંગો આવ્યા તેના ફોટો આલબમ જોવા ખૂબ ઉત્સાહ અને પ્રેમથી બેસી ગયા છે. યતીનભાઈના ભત્રીજા પ્રદીપના દીકરા કુણાલના લગ્નનું ફોટો આલ્બમ તેઓ જોઈ રહ્યા છે. સરસ રીતે શણગારાયેલી નવવધૂ પૂર્વાનો મનમોહક ફોટો જોઈને નયનાબેન એમના ભૂતકાળમાં સરી પડ્યા. એમના લગ્નને લગભગ પચાસ વરસ અડધી સદી વીતી ચૂકી છે. એમને થયું મારા લગ્ન તો વીસમી સદીના પૂર્વાર્ધમાં થયાં હતા, અને આ પૂર્વાના લગ્ન એકવીસમી સદીના પ્રથમ દશકમાં છે તો ય નવવધૂ પૂર્વા સાથે કેવો તાદાતમ્યભાવ અનુભવાય છે. પૂર્વાના ફોટોગ્રાફમાં નયનાબેન પોતાને જોઈ રહ્યાં છે. એ શુભ ઘડીએ માહ્યરામાં પગ મૂકતાં જે લાગણીઓથી એમનું હૈયું ધબકતું હતું તે જ લાગણીઓ પૂર્વાની આંખમાં આલેખાયેલી એમણે જોઈ.
માહ્યરામાં યજ્ઞની વેદી સન્મુખ બેઠેલી પૂર્વા, કુણાલ સાથે હસ્તમેળાપ થયો એ સંવેદના, પતિના પગલે પગલે સપ્તપદીના ફેરા કરતી પૂર્વાના મનમાં જે મધુર, સુંદર લાગણીઓ ઉદ્દભવી હશે એવી જ લાગણીઓ નયનાબેનના હૈયે સજીવન થઈ ઊઠી. એ જાણે ઓગણીસ વીસ વર્ષનાં હોય તેવો ભાવ એમની આંખોમાં અને ચહેરા પર છવાઈ ગયો. નયનાબહેનને થયું કે કશું ય બદલાયું નથી. કશુંય બદલાતું નથી. કેટલાય વરસો વીતી ગયા છતાંય એ પ્રસંગ, એ લાગણીઓ, ભાવ, ભાવના વ્યક્તિના હૃદયમાં અકબંધ સચવાઈ રહે છે, એક વાર અનુભવાયેલા એ ભાવ કદી કરમાતા નથી, મરતા નથી, એ જીવે જ છે.
નયનાબેનને થયું, પૂર્વા એમના કરતાં કેટલી નાની છે? વીતેલા વરસોમાં ઘણું બધું બદલાયું હશે, બાહ્યજગત, જીવનશૈલી, માન્યતા, છતા મન શું એનું એ જ રહ્યું છે? વીતેલા સમયે એમને પૂર્વાથી અલગ નથી પાડ્યા. લગ્ન, વ્યક્તિના જીવનની એક મહત્ત્વની ઘટના, અગત્યનો વળાંક નવજીવન આલોકિત એ પરોઢે જે નાજુક ઋજુ લાગણીઓથી એમનું હૃદય છલકાતું હતું એ લાગણીઓ જ પૂર્વાનાં હૃદયે છલકાય છે, જે એના સમગ્ર વ્યક્તિત્વ દ્વારા વ્યક્ત થાય છે.
પૂર્વાનો ઉછેર, કેળવણી, ઘર, કુટુંબ બધું નયનાબેનનાં ઘરકુટુંબના વાતાવરણ, ઉછેર અને કેળવણીથી ભિન્ન હશે. ક્યાંક તો કશુંક બદલાયું હશે. છતાંય લગ્ન સમયે અનુભવાતા ભાવોમાં આટલું બધું સામ્ય! કેમ આટલું બધું સામ્ય? મૂળભૂત રીતે માણસ એનો એ જ રહે છે! માણસ ગમે તે સમયનો હોય, ગમે તે દેશનો હોય, ગમે તે ભાષા બોલતો હોય, ગમે તે પહેરવેશ પહેરતો હોય, પણ એ બધા તફાવતો બાહ્ય છે, આંતરિક રીતે, અંતરમાં તો માણસ એક જ છે, મૂળભૂત રીતે માણસ એ જ રહ્યો છે. સંવેદનાની દષ્ટિએ માણસ એ જ રહ્યો છે.
એનો અર્થ એ કે માણસ માત્ર બાહ્ય રીતે જ બદલાય છે. ભૌતિક પ્રગતિ એની પર બાહ્ય રીતે અસર કરે છે. વર્ષો પહેલાં નવવધૂ તરીકે નયનાબેનનાં હૈયે જે કોડ હોંશ હતા એ જ નવવધૂ પૂર્વાના હૈયે છે. જે એની આંખો દ્વારા વ્યક્ત થાય છે. નયનાબેનને થયું એટલે જ એમને અમેરિકન સ્ત્રી કદી અજાણી ન હતી લાગતી. એમની વચ્ચે કદી ગેરસમજ નહોતી ઉદ્દભવતી. દુનિયાના કોઈપણ ખૂણે વસતિ પત્ની કે મા જે લાગણી અનુભવતી હશે એ જ લાગણી ભારતમાં જન્મેલી અને ભારતમાં કેળવાયેલી પત્ની કે મા અનુભવતી હોય છે. આખી માનવજાત જાણે એક વિશાળ પરિવાર છે. આપણી ધાર્મિક પરંપરા, સંસ્કૃતિ, સભ્યતા ભલે ભિન્ન હોય પણ ધાર્મિક સંતોનો ઉપદેશ તો સમાન જ છે કે હૈયે કરુણા રાખો, ભાઈચારો રાખો. વેરઝેર ભૂલી જાઓ. સૌનું કલ્યાણ વાંછો.
અને એટલે જ સૈકાઓ પહેલાં સર્જાયેલું આપણું પ્રાચીન સાહિત્ય આપણા હૃદયને ભાવની આ સમાનતા અને સનાતનપણાના કારણે સ્પર્શે છે. આપણે જે રીતે આપણા મહાન સર્જકો કાલિદાસ, ભવભૂતિ, માઘને વાંચીએ છીએ એ જ ઊલટથી શેક્સપીયરને વાંચીએ છીએ. ટાગોર અને શરદબાબુ કે ખાંડેકરને વાંચીને જે રીતે ભિંજાઈએ છીએ એ જ રીતે ડીકન્સ, શેલી, કીટ્સ અને જેઈન ઓસ્ટીનને વાંચીને ભાવવિભોર થઈ જઈએ છીએ. સાહિત્યનાં એ પાત્રો આપણને આત્મીય લાગે છે. અરે, પાંચેક હજાર વર્ષ પહેલાં રચાયેલાં રામાયણ અને મહાભારતના પાત્રોને આપણે કેટલા બધા સમજી શકીએ છીએ! એમની લાગણીની ઉત્કટતા આજેય આપણને હલાવી નાખે છે, બેચેન બનાવી મૂકે છે. થાય છે સમય કદી દીવાલ બનીને માણસ માણસ વચ્ચે ખડો નથી રહેતો. દેશ-પરદેશનું અંતર પણ માણસ માણસ વચ્ચે આડખીલીરૂપ નથી બનતું. એટલે તો આપણે પરદેશના અર્વાચીન પ્રાચીન સાહિત્ય અને કલાની સાથે આટલો એકાત્મભાવ અનુભવીએ છીએ. વિદેશમાં બનેલા પિક્ચરમાં આવતા પાત્રો આપણી નિકટ લાગે છે વિદેશી ભાષાના મુવીઝની ભાષા આપણે કદાચ બરાબર ન સમજી શકીએ છતાં એનાં પાત્રોની બોડી લેંગવેજ આપણને બરાબર સમજાય છે. માણસનાં અંગઉપાંગ દ્વારા એના હૃદય મનના ભાવ પ્રદર્શિત થાય છે. અસરકારક રીતે પ્રદર્શિત થાય છે. અઢી હજાર વર્ષ પહેલાં હિપોક્રીટસે કહેલું કે આપણું મન માત્ર આપણા મસ્તકમાં નથી પણ શરીરના અણુએ અણુમાં વ્યાપેલું છે. તેથી જ શરીરના કોઈપણ અંગ દ્વારા અરે નાનામાં નાના અંગ દ્વારા વ્યક્ત થયેલો ભાવ આપણે સમજી શકીએ છીએ. માત્ર આપણે જ નહીં પણ નાનું બાળક આ ભાષા સમજી શકે છે, અરે એ તો સ્પર્શની ભાષા કેટલી વિશદતાથી સમજી શકે છે. એની સમજણ કદી ખોટી નથી હોતી. આપણને વિસ્મય થાય છે કે માણસ માણસને સમજી શકે, ઉંમર, સ્થળ કે સમયનાં કોઈ પણ અંતરાય વગર માણસ માણસને સાચી રીતે, સ્પષ્ટતાથી સમજી શકે માટે આ શબ્દોની ભાષા સિવાય પણ બીજી કેટલી બધી ભાષા છે. આવા અનેક વિચારો નયનાબેનનાં મનમાં ઉદ્દભવવા માંડ્યા, ત્યાં એક પ્રશ્ન એમના મનમાં જોરદાર રીતે ઉઠ્યો કે લાગણીઓમાં આટલી સમાનતા છે, તો પછી માણસ માણસ વચ્ચે આટલી બધી વિસંવાદિતા કેમ છે? વિરોધ કેમ છે? એક જ કુટુંબના સભ્યો વચ્ચે ગેરસમજ કેમ ઉદ્દભવે છે? એક પેઢી અને બીજી પેઢી વચ્ચે મતભેદ ઉદ્દભવે એટલે તરત જ સમાજશાસ્ત્રીઓ કહે છે આનું નામ જનરેશન ગેપ. જનરેશન ગેપ તો રહેવાનો જ. એટલે કે આ મતભેદ, કડવાશ, ઉગ્રતા, વિરોધ રહેવાનાં. સુજ્ઞ સમાજશાસ્ત્રીઓ શું કામ આવું કહીને આ વિરોધને પ્રોત્સાહન આપવાનું કહે છે? માણસ દિલથી જીવે તો કોઈ વિરોધ ન જાગે, માણસ જ્યારે બુદ્ધિથી જીવવા પ્રયત્ન કરે છે ત્યારે એની સમતા, ઉદારતા, સહાનુભૂતિ, અદશ્ય થઈ જાય છે, અને અણગમતી કઠોરતાનો પ્રાદુર્ભાવ થાય છે. માણસમાં લોભ, અભિમાન, કપટ, ક્રૂરતા જેવી નકારાત્મક લાગણીઓ ઉદ્દભવે છે. આ દષ્ટિએ વિચારીએ છીએ ત્યારે થાય છે કે માણસ માણસ વચ્ચેનો વિરોધ નષ્ટ થઈ શકે, આશાવાદી બનીને આપણે મથ્યા રહેવું પડશે.
વિસંવાદિતા વિખેરવા જોઈએ શું? |
No comments:
Post a Comment