સુશીલાબહેનનાં સસરાના મિત્ર ગામડેથી આવ્યાં હતાં. તેઓ તો ચા-નાસ્તો કરીને વિદાય થતા હતા પણ સુશીલાબહેને આગ્રહ કરીને જમવા માટે એમને રોક્યા. એ કાકા સુશીલાબહેનનાં સસરાના બાળપણના ગોઠિયા હતાં. તેમણે બાળપણની ઘણી વાતો હેતથી કરી. કાકા સુશીલાબહેનનાં વિનય વિવેક અને સ્નેહ જોઈને પ્રસન્ન પ્રસન્ન થયા હતા અને કાકાની પ્રસન્નતા જોઈને સુશીલાબહેન ધન્યતા અનુભવતાં હતાં.
પરંતુ સુશીલાબહેનના દીકરા તેજસની હમણાં જ પરણીને આવેલી પત્ની ચૈતસીને આ બધું ગમ્યું નહીં. તેણે સાસુને તો કંઈ કહ્યું નહીં પણ તેજસને કહ્યું, ‘‘તારી મમ્મીને લોકોને ખવડાવવાનો બહુ ધખારો છે, તારા દાદાના મિત્ર ના પાડતાં હતા છતાં તારી મમ્મીએ આગ્રહ કરીને એમને રોક્યા અને જમાડ્યા. કમાવાની મહેનત તું કરે અને તારી મમ્મી પૈસા ઉડાવે. તને કેટલી મહેનત પડે છે ત્યારે હાથમાં પૈસા આવે છે તે જોવાની એમને ક્યાં દરકાર છે? એમને તો પોતાની વાહ વાહ કરાવવી છે એટલો તો ઘરને જાણે સદાવ્રત બનાવી દીધું છે. જે આવે એને ખવડાવે પીવડાવે અને પોતે ફૂલાય. તું આવી ખોટી વાતને પોષે છે શું કામ? આવી મૂર્ખામી ના ચલાવી લેવાય.’’
તેજસને ચૈતસીની વાતમાં તથ્ય લાગ્યું અને એણે રુક્ષ અવાજે સુશીલાબહેનને પૂછ્યું, ‘‘મમ્મી આજે ચા, ખાંડ, અનાજ, મસાલા અને ઘી-તેલના ભાવ કેટલાં વધ્યાં છે એની તને ખબર છે?’’
‘‘હા, ખબર છે બેટા, પણ આપણું કોઈ સ્નેહીજન આવે એનો પ્રેમથી સત્કાર કરવાનું મને ગમે છે અને આ રીતે જ સંબંધની મીઠાશ વધે અને જીવન વધારે સુંદર અને મધુર બને.’’
‘‘પણ મમ્મી, સત્કાર મફત નથી થતો’’ તેજસે સંવેદનહીન સૂરે કહ્યું.
સુશીલાબહેન મૌન રહ્યાં, આગળ કંઈ બોલ્યા નહીં. તેઓ સમજી ગયાં કે દીકરાના આ શબ્દો અને વિચાર તેના પોતાના નથી. આજ સુધી એને સગાં-સ્નેહીઓનું સ્વાગત થાય એ ગમતું હતું. તો આજે વિરોધી સૂર કેમ? આ શબ્દો અને વિચાર ચૈતસીના છે. ચૈતસી સ્નેહ અને સંબંધને તાતિ્ત્વક રીતે નહીં પણ લાભાલાભની ગણતરીથી માપે છે.
સગાંનો સત્કાર કરવાની જહેમત હું ઊઠાવું છું, એ નહીં. એ તો હમણાં પરણીને આવી છે, આ ઘરનાં રીત-રિવાજ, પ્રથા એ જાણતી નથી. આ ઘરમાં આવતા સ્નેહીજનોનો સત્કાર કરવાનો ઉત્સાહ એને કેમ જાગતો નથી?
ચૈતસી ડબલ ગ્રેજ્યુએટ છે. એનું શિક્ષણ જોઈને અમે પ્રભાવિત થયાં હતાં. પણ આ તે કેવું શિક્ષણ? આધુનિક શિક્ષણ લેનારનાં બુદ્ધિ અને તર્કશક્તિ વધતા જાય છે પણ માનવીય મૂલ્યો જેવાં કે સ્નેહ, વિનય, વિવેક ઘસાતાં જાય છે.
એના મનમાં સતત સ્વાર્થી ગણતરીઓ ચાલતી હોય છે. કોણ અમારા શું કામ આવવાનું? કેટલું કામ આવવાનું? ગામડેથી કાકા આવ્યા હતા એ તો નિવૃત્ત શિક્ષક હતા. આખી જિંદગી નાના શહેરમાં ગાળી અને હવે નિવૃત્તિ પછી વતનના ગામમાં જ રહે છે. અમે એમના ઘેર કદી જવાના નથી તો પછી એમના માટે ઘસાવાનું શું કામ? એમને જમાડવાના શું કામ?
કાકા કેટલા રાજી થયા એ એની નજરમાં જ નથી આવતું. લાભાલાભની આ આધુનિક ગણતરીઓએ ચૈતસી જેવાને લાગણીહીન બનાવી દીધાં છે. આધુનિક પેઢી લખલૂંટ કમાય છે પણ તે માત્ર પોતાના માટે જ? આટલી બધી સ્વકેન્દ્રી વૃત્તિ?
સુશીલાબહેનને યાદ આવ્યાં એમનાં ચંપાબહેન. ચંપાબહેનના પતિની આવક ટૂંકી હતી. તેઓ એમના દીકરાને શ્રેષ્ઠ શિક્ષણ આપી શકાય માટે એક જજસાહેબના ઘેર રસોઈ કરવા જતાં હતાં. બે-ત્રણ ઘરે નાસ્તા બનાવવાં જતાં હતાં. સમય મળે ત્યારે કોઈના ઘરની સાફસફાઈ કરી આપતાં. કોઈ કામને તેઓ હલકું ન માનતા. એમની મહેનત ફળી. દીકરો ભણ્યો, એને સરકારી નોકરી મળી, સારો પગાર અને રહેવા ફલેટ મળ્યા. બે-ચાર મહિનામાં તો કાર મળી. દીકરાની જિંદગી સાવ બદલાઈ ગઈ. ભોગ, વિલાસ અને એશોઆરામ. પણ એના માબાપને એનો જરાય લાભ નથી મળ્યો.
દીકરો આગળ વધતો જાય છે પણ એના વિકાસના પાયામાં કોની મહેનત અને આશિષ છે એ યાદ કરવાની દીકરાને જરૂર નથી લાગતી. દીકરાની ભૌતિક સાધનસંપત્તિ, સત્તા અને પહોંચ વધતાં જાય છે અને માબાપની શક્તિ ઘટતી જાય છે. ઉંમરની અશક્તિ અને અત્યાર સુધીના વૈતરાએ તેઓને ખોખલાં કરી મૂક્યાં છે પણ હવે માબાપની જરૂર નથી તેથી ચંપાબહેન જેવી સ્નેહાળ મા પણ અવગણના પામે છે. સામાન્ય માનવતા પણ દીકરામાં જાણે રહી નથી.
સુશીલાબહેનના મનમાં પ્રશ્ન ઊઠે છે, વૈભવી જિંદગી આવી હોય? વૈભવશાળી માણસ બીજા માટે ઘસાય તો એનો વૈભવ ઝળહળી ઊઠે, એની જિંદગી સાર્થક બને.
પણ અત્યારે જિંદગી સાર્થક કરવાની કોઈને પડી નથી. અત્યારે તો દંભ અને દેખાડાનું રાજ્ય છે. માણસની ભૌતિક સંપત્તિ વધે એટલે એણે વિકાસ કર્યો કહેવાય. માણસ પોતાના મનમાં ઊઠતી દરેક કામના અને ઈચ્છાની પૂર્તિ કરવામાં મશગુલ રહે છે. ભોગવિલાસથી મળતા ઈનિ્દ્રયસુખ પાછળ એ પાગલ છે. એની દરેક પ્રવૃત્તિના મધ્યમાં હોય છે ભોગવાદ. અમર્યાદિત અને અનિયંત્રિત ભોગવાદ આધુનિક ગણાતા માણસનો એ ધર્મ છે. એના જીવનનો ઉદ્દેશ છે.
પણ આ નવા ખ્યાલથી માણસનું જીવન ખરેખર વધારે શુભ, મંગલ, મધુર અને સુંદર બન્યું છે ખરું?
આધુનિક શિક્ષિત વ્યક્તિ આવી કેમ? |
No comments:
Post a Comment