વસંતભાઈ અને રંજનબહેન છેલ્લા કેટલાય વર્ષોથી અમેરિકામાં વસ્યાં છે, તેઓની રહેણીકરણી, પહેરવેશ, ખાનપાન અને આદતોમાં પાશ્ચાત્ય રંગ ભળ્યો છે, પણ એમનું માનસ? માનસ તો આજથી પચાસ વર્ષ પહેલાં ભારતમાં રહેનાર દીકરીનાં માબાપનું હોય તેવું જ હતું. તેમની દીકરી કાત્યા હજી તો ભણે છે અને એમણે એના માટે મૂરતિયા જોવાનું શરૂ કરી દીધું છે. તેઓની ઈચ્છા હતી કે કોઈ ભારતીય યુવક સાથે એમની દીકરીના લગ્ન થાય. કારણ કે તેઓ દઢપણે માનતાં હતાં કે ભારતીય યુવકો પતિ તરીકે જવાબદાર અને નિષ્ઠાવાન હોય છે. તપાસ કરતા કરતા એમને સુહૃદ નામના યુવકની માહિતી મળી. સુહૃદ એમના શહેરની હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે નોકરી કરતો હતો. ભવિષ્યમાં સ્વતંત્ર પ્રેક્ટિસનો એનો પ્લાન હતો.
સુહૃદ ગુજરાતી માતાપિતા કુસુમબહેન અને નીલેશભાઈનો દીકરો હતો. એના ઘરમાં પૂરેપૂરું ગુજરાતી વાતાવરણ હતું. ઘરમાં ગુજરાતી ભાષા બોલાતી હતી. રોજના ખાણામાં કુસુમબહેન ગુજરાતી વાનગીઓ જ બનાવતાં હતાં. તેઓ એમના દીકરા માટે સુંદર, સોહામણી, સંસ્કારી યુવતીની શોધમાં હતાં તેઓ કહેતાં હતાં કે ‘અમારો દીકરો ભલે અમેરિકામાં જન્મ્યો ઉછર્યો, મોટો થયો અને ભણ્યો પણ એનામાં પૂરેપૂરા ભારતીય સંસ્કાર છે. અમારા રસોડે પરંપરાગત દાળ, ભાત, શાક, રોટલી બનાવાય છે. અમે સંપૂર્ણ રીતે શાકાહારી છીએ, દીકરો પણ શાકાહારી છે. એણે કદી નોનવેજ વાનગી, દારૂ કે સિગારેટને હાથ પણ અડકાડ્યો નથી. ભલે એ સ્કૂલ કોલેજમાં અમેરિકન છોકરાઓ સાથે ભણ્યો પણ એના મિત્રો તો મોટા ભાગે ગુજરાતી જ છે, તેના માટે અમને ગુજરાતી કન્યાની તલાશ છે.
કુસુમબહેને તો કાત્યાને જોઈને રંજનબહેનને કહી દીધું કે, ‘તમારી કાત્યા અમારા સુહૃદ માટે જ નિર્માણ થઈ છે, તમે મુહૂર્ત જોવડાવીને અમને આમંત્રણ આપો એટલે તરત જાન જોડીને અમે આવી પહોંચીએ.’
‘પણ તમારા દીકરાને તો પૂછો.’ રંજનબહેને કહ્યું.
‘દીકરો અમારો એટલો આજ્ઞાંકિત છે કે અમે કહીએ એ છોકરી સાથે એ પરણે. એ તો અમને કહે છે પપ્પામમ્મી, મારા માટે કન્યા તમારે જ પસંદ કરવાની છે.’
રંજનબહેન આશ્ચર્ય પામી ગયાં આ જમાનામાં આવો આજ્ઞાંકિત દીકરો તો ભારતમાં ય નથી હોતો. રંજનબહેનના આનંદનો પાર ન રહ્યો. એમણે હરખાતા હૈયે વસંતભાઈને દીકરીના લગ્નની વાત કરી. વસંતભાઈ હસ્યા અને બોલ્યા, ‘તું આપણી કાત્યાને તો પહેલાં પૂછ. આપણી કાત્યા સુહૃદને જોયા અને જાણ્યા વગર સ્વીકારી નહીં લે.’
કાત્યાએ આવું સાંભળ્યું એટલે ધૂંધવાઈ ગઈ અને બોલી, ‘એ છોકરો મને પસંદ કરતો હશે એવું અનુમાન કરીને ધન્યતા અનુભવવાનું તમે બંધ કરો. મમ્મી હું બજારમાં વેચાણ અર્થે મુકાયેલી કોઈ પ્રોડક્ટ નથી કે જે મને પસંદ કરે એ મને પામી શકે. હું વગર બોલે તરત એની થઈ જાઉં. મમ્મી-પપ્પા, તમે જૂનવાણી માનસિકતામાંથી બહાર આવો આપણે નવા યુગમાં જીવીએ છીએ.
મમ્મી, તેં મને જન્મ આપ્યો, ખૂબ લાડ અને કાળજીભર્યા પ્રેમથી ઉછેરીને મને મોટી કરી એ વાત સાચી, મને મારી રીતે ખીલવાની અનુકૂળતા કરી આપી એ વાત પણ સાચી, પરંતુ મારે લગ્ન કોની જોડે કરવા એ નક્કી કરવાનો અધિકાર તો મારો જ છે. હા, તમે કોઈ છોકરો સૂચવી શકો, પણ એના વિશે નિર્ણય કરવાની કે આગળ કંઈ પણ વિચારવાની તમારે જરૂર નથી. માવતર તમે ખરાં, પણ માલિક નહીં. લગ્ન જેવી બાબતમાં નિર્ણય કરવાનો મારો અધિકાર અબાધિત છે, પ્લીઝ તમે નિર્ણય કરવાની બાબતે મને ઉતાવળ ના કરાવો.’
રંજનબહેન ચિડાઈને બોલ્યાં, ‘તું વિચારતી રહીશ અને યોગ્ય છોકરો બીજે પરણી જશે. માટે પિકચરની હીરોઈનની જેમ તરંગમાં રાચવાનું તું બંધ કર. નહીં તો ઊંધા માથે પછડાઈશ. લગ્નમાં હવાઈ ઉડાન ના ચાલે. તું વ્યવહારુ બન, વાસ્તવિકતા સમજ.’
‘મમ્મી, હું વાસ્તવિકતા પૂરેપૂરી સમજી શકું એ માટે તો સમય માગું છું અને કદાચ હું ઊંધા માથે પછડાઈશ તો ય ઊભા થવાની મારામાં તાકાત છે, હું ડીપ્રેશનમાં નહીં સરી પડું. મારું જીવન બનાવવાની મારામાં તાકાત છે, હિંમત છે.’
‘બેટા, જીવન એકલા હાથે બને, પરંતુ જીવનને સુંદર, મધુર બનાવવું હોય તો એક જીવનસાથી જોઈએ- સુહૃદ જેવો યોગ્ય જીવનસાથી, તું સુહૃદને પરણ તો ખરી, પછી ખબર પડશે કે એના સંગે જીવન કેટલું સુમધુર છે.’
‘એટલે હું એક અખતરો કરું?’ લગ્ન અખતરો છે?’
‘કાત્યા, આવી ગાંડા જેવી બહેકી બહેકી વાત કેમ કરે છે? લગ્ન વિશે ગંભીરતાથી વિચાર કર. સમય બગાડ નહીં.’
‘મમ્મી લગ્ન વિશે હું પૂરી ગંભીરતાથી વિચારું છું, પણ ઉતાવળ કરવા હું તૈયાર નથી. લગ્ન કરીને મારે કઈંક મેળવવું છે, ગુમાવવું નથી કે પસ્તાવું નથી.’
‘દીકરી, દરેક સંબંધમાં માણસ કઈંક મેળવે છે તો કઈંક ગુમાવે છે. દામ્પત્યજીવનમાં પણ પ્રેમ મળે, સાથ મળે, સહકાર મળે, ઘણું બધું મળે છે, અરે, સલામતી પણ મળે છે અને ગુમાવવાનું શું હોય છે? કશું નહીં, માત્ર...’
‘મમ્મી, તેં ગણાવ્યું એ બધું મેળવવા મારે ગુમાવવાની હોય છે સ્વતંત્રતા, ગમે નહીં તો ય જીવનસાથીને અનુકૂળ થઈને રહો અને આખી જિંદગી ગુંગળાયા કરો, મમ્મી, મારે મન લગ્ન કરતાં મારું જીવન વધારે મહત્ત્વનું છે, જીવનનો ઉદ્દેશ ધન, કીર્તિ, પદ કે પ્રતિષ્ઠા પામવાનો નથી પણ સ્વયં જીવન છે. મારે જિંદગીની હરપળે જીવંત રહેવું છે માટે મારી જિંદગીને સ્પર્શતા દરેક નિર્ણય હું મારી રીતે જ લઈશ.’
‘આવાં નખરાં કરવામાં તું ભૂલ ખાઈ બેસીશ.’ રંજનબહેન કડવાશથી બોલ્યાં.
‘હું ભૂલ કરીશ તોય તમને દોષ નહીં દઉં, કારણ કે એ ભૂલ મેં કરી હશે મેં. ભૂલ કરવા હું સ્વતંત્ર છું. માટે તમે મારી ચિંતા ન કરો. મને મારી રીતે જીવવા દો.’
લગ્ન મહત્ત્વના કે જિંદગી? |
No comments:
Post a Comment