એક દિવસ, એક તદ્દન અજાણ્યો યુવક મારા ઘરે આવ્યો, મને મળવા. મને નમસ્કાર કહીને એ બેઠો અને બોલ્યો, ‘મારું નામ યુસુફ. તમને ફોન કરીને, સમય લઈને મારે મળવા આવવું જોઈએ, પણ મારે તમને તાત્કાલિક મળવું હતું એટલે ગામથી જે બસ પહેલી મળી એ પકડીને હું તમારી પાસે દોડી આવ્યો છું.’
‘શું પ્રોબ્લેમ છે?’ મેં પૂછ્યું અને એણે એની વાત શરૂ કરી કે એના અબ્બાજાન દુબઈમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. ઘરમાં એ અને એની અમ્મા રહેતાં હતાં. બહેન પરણાવેલી હતી, પણ એને તલાક મળ્યા છે. આ સંજોગોમાં એ મૂંઝાતો હતો તેથી મારી પાસે આવ્યો હતો. મેં પૂછ્યું, ‘તારા અબ્બાજાનને વાત કરી!’
‘ના, અબ્બુ તો બહુ ગુસ્સાવાળા છે અને મારી બહેન તો સાવ મૂઢ થઈ ગઈ છે, કંઈ બોલતી નથી ચાલતી નથી, ખાતી નથી, પીતી નથી. બસ બારણા સામે નજર કરીને બેસી જ રહે છે. હું શું કરું? અત્યારે બધી જવાબદારી મારી ગણાય.’
‘અત્યારે બહેનને એકલી ન પડવા દેશો. એને તમારા હેતપ્રેમનો અહેસાસ કરાવજો. જેથી કોઈ નકારાત્મકતા એના મનમાં ન પેસે અને તારા અબ્બુને સમાચાર આપ. ભલે એ ગુસ્સાવાળા હોય પણ એમના હૈયે તમારું હિત જ હોય.’
યુસુફ બે-ત્રણ દિવસ રોજ મારી પાસે આવે, એની ચિંતા, મૂંઝવણ, વ્યથાની વાતો કરે અને હળવો થઈને જાય. ચોથા દિવસે આવીને એ કહે, ‘હવે હું નહીં આવું, બહેનજી. કોઈ હિંદુ બહેનના ઘેર હું જાઉં છું સાંભળીને એ બહુ ગુસ્સે થઈ ગયા અને મને કેટલીય ગાળો આપીને કહ્યું હું તારું ખૂન કરી નાખીશ. બહેનજી, મારા અબ્બુએ તમને જોયા નથી, જાણ્યા નથી તોય તમારી તરફ કેમ આટલી બધી નફરત?’
‘આ નફરત તો સેંકડો વરસથી ચાલી આવી છે. કોઈ નાદાન, મૂરખ માણસો આખી કોમને ધર્મના નામથી ઉશ્કેરે છે અને વેર, ઝેર ચાલ્યા જ કરે છે, પણ આપણે એ બધું ભૂલી જવાનું છે. તારા અબ્બાજાન આવે ત્યારે તું એમને મારી પાસે લઈને આવજે. મારા ઘરે આવવાનું ના માને તો કોઈ યુક્તિ કરજે પણ લઈ આવજે.
બીજા અઠવાડિયે યુસુફ એના પપ્પાને લઈને આવ્યો. સસ્મિતવદને વિનયભર્યા ઉમળકાથી એમને મેં આવકાર્યા, પણ એમનો ચહેરો તો સંવેદનાહીન અને કઠોર, આંખમાં કરડાકી એ બધું લક્ષ્યમાં લીધા વિના મેં વિવેકથી ભાવભર્યા સૂરે કહ્યું, ‘ભાઈ મારું આ ઘર શકુરમિયાંએ બાંધ્યું છે, અમે એમને જરાય ઓળખતા ન હતા પણ પહેલી મિટિંગમાં જ એમની પર પૂરો વિશ્વાસ પડ્યો મારું ઘર અમે સ્વતંત્રપણે બંધાવતા હતા, પણ શકુરમિયાં પર અમને એટલો બધો વિશ્વાસ હતો કે માલસામાન એમના ભરોસે જ હતો, પણ એ એટલા પ્રામાણિક હતા, કામમાં કે માલમાં કદી દગો કરવાનો એમને વિચારે ન આવે. એમનું બોલવું ચાલવું એવું હતું કે આપણને એમની પર વિશ્વાસ પડે.’ હું બોલે જતી હતી, યુસુફના પિતા સાંભળતા હતા, તેઓ કંઈ બોલતા ન હતા, પણ ચહેરા પરની કઠોરતા ઓછી થતી જતી હતી. હું કહે જતી હતી કે ભાઈ, અમારા પ્રેસમાં કારીગરો બધા મુસલમાન હતા. પ્રેસની બાજુમાં પીરબાપાની દરગાહ હતી એનો એક ગોખલો અમારી બાજુ હતો.
કારીગર યાકુબભાઈ દર શુક્રવારે પીરબાપાના ગોખલે નાળિયેર વધેરે. ધૂપ કરે અને જલેબીનો પ્રસાદ કરે. દર શુક્રવારે ગુણવંત એમને પૈસા આપે. એકેય શુક્રવાર પડ્યો નથી. કારીગરો માને પીરબાપા અમારી રક્ષા કરે છે અને ખરેખર પ્રેસમાં કદી અકસ્માત નથી થયો, આગ નથી લાગી. ચોરી નથી થઈ. કારીગરોમાં મુસલમાનની સાથે હિંદુ પણ હતા, પરંતુ અંદરોઅંદર એમની વચ્ચે કદી ઝઘડા નથી થયા. એકબીજાના સારામાઠા પ્રસંગે તેઓએ એકબીજાને મદદ કરી છે. અરે, કરીમ તો મારા દીકરાને સાઈકલ પર ફેરવતો.
‘આટલો બધો વિશ્વાસ? તમારો દીકરો તમે એના હાથમાં સોંપો?’
‘કેમ વિશ્વાસ ન હોય? બધા કારીગરો મને એમની બહેન માનતા. મારો દીકરો એમને મામા કહેતો. ઈકબાલ તો એના માટે ચણા ને રેવડી લાવતો. હું કહું ભાઈ તું શું કામ પૈસા ખર્ચે છે? તો કહે મને ગમે છે, આ મારો ભાણો છે.’
યુસુફના અબ્બાજાન નવાઈથી સાંભળી જ રહ્યા. એ કહે, મને તો તમારા મહોલ્લામાં પેસું ને ક્યાંકથી ‘મારો કાપો’ના અવાજ જ સંભળાવા લાગે છે. કોઈ હિંદુ મારી સામે જુએ અને મને લાગે કે એ મને પહચાની ગયો છે કે હું એમની જમાતનો નથી, હવે મારું આવી બન્યું અને ત્યાંથી ભાગું. હિંદુ મહોલ્લામાં હું કદી જતો નથી, કોઈ હિંદુ સાથે મારે સંબંધ નથી અને આ મારો દીકરો તમારા ઘરે રોજ આવે, મને તો એટલી ચિંતા થાય!
મેં કહ્યું, ‘ભાઈ, અમારા જૈનોનાં તીર્થસ્થાનમાં તો મુસલમાન ડોળીવાળા જ હોય છે, અમે એમની પર પૂરો વિશ્વાસ મૂકીએ છીએ.
અરે ભાઈ હું સમેતશિખર ગઈ હતી. ત્યાં સ્ટેશને ઉતરીને પુલ પરથી બીજી બાજુ જવાનું હતું. દાદરનાં પગથિયાં ચડતાં હું તો હાંફી ગઈ. મારા પતિ આગળ દોડે જાય, ટેક્સી કરવાની ધૂનમાં એ હતા. બગલથેલો એમના ખભે હતો, પણ બેગ મારા હાથમાં હું તો એક પગથિયું આગળ ચડી ના શકું ત્યારે એક યુવકે કહ્યું, ‘અમ્મા, લાવો બેગ મને આપી દો.’
હિંદીભાષી એ યુવક મુસલમાન છે પણ બેગ મેં એને આપી દીધી અને એ સાચવીને મને સ્ટેશન બહાર લાવ્યો. ત્યાં ગુણવંત ટેક્સી નક્કી કરતા હતા એમને બતાવીને મને કહે, ‘દેખો, અંકલજી વહાં હે.’
બેગ એ તો ટેક્સીમાં મૂકી. મેં ગુણવંતને ઈશારાથી કહ્યું, ‘આને કઈંક આપો.’
ગુણવંતે એને પૈસા આપતાં કહ્યું, ‘લે દોસ્ત’ એ યુવક હસ્યો ને બોલ્યો, ‘દોસ્ત સે કભી પૈસા લિયા જાતા હૈ? ઔર યે તો મેરી અમ્મા હૈ.’ અરે એકવાર એક પ્લેટફોર્મ ઉપર અમે પહોંચ્યા. ગાડી પ્લેટફોર્મ પર મૂકાઈ ન હતી અમે કુલીને એના પૈસા આપીને કહ્યું, ભાઈ તમે જાઓ. સામાન અમે ગાડીમાં ચડાવી દઈશું એ ગયો. પણ પંદરેક મિનિટ પછી ટ્રેન પ્લેટફોર્મ પર મૂકાઈ એવો એ દોડતો આવ્યો. ગુણવંત કહે, ભાઈ તું નકામો આવ્યો. હું સામાન ચડાવી દેત. ત્યારે કહે, ‘અમ્મીથી ચલાતું નથી એટલે હું દોડતો આવ્યો. આ ભીડમાં તમે એકલા...’
મેં એનું નામ પૂછ્યું તો કહે, ‘ઈમરાન’. મેં યુસુફના અબ્બાજાનને કહ્યું, ‘ભાઈ, વિશ્વાસથી જીવાય. તમે વિશ્વાસ રાખશો તો સામું માણસ વિશ્વાસ રાખશે. આપણે જેવો ભાવ રાખીએ એવો પડઘો પડે.’
મજહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના |
No comments:
Post a Comment