Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

મમ્મા, ડોન્ટ પ્રીચ.

આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

શુચિ અને સલોની. મા અને દીકરી. સામાન્ય રીતે એવું મનાય છે કે દીકરી એની મા જેવી જ હોય. રૂપે રંગે સ્વભાવે દીકરી એની માની પ્રતિકૃતિ હોય. પણ, સલોની એની મા જેવી જરાય નહીં. ન દેખાવમાં, ન સ્વભાવમાં, ન બુદ્ધિમાં. સલોની એની મમ્મી શુચિ કરતાં સાવ અલગ હતી.

શુચિ સ્વભાવે કોમળ અને ઋજુ, સામેની વ્યક્તિ ગમે તેટલો દુર્વ્યવહાર કરે પણ શુચિ શાંત રહે. સંયમ અને સમતા એના રુંવેરુંવે હતાં. એ મૌન રહે. એના મનમાં ય કોઈ ડંખ કે વેરઝેર ન હોય. નિર્દંભ અને નિર્દોષ એનું મન. સદ્ભાવ હિલોળા લેતો હોય.

ને સલોની? ભલે એ શિક્ષિત છે, સંસ્કારી વાતાવરણમાં ઉછરેલી છે પણ કોઈ એને કંઈ કહે તો તરત એને પ્રતિભાવ આપે જ આપે. એ કોઈની ટીકા કે ટકોર સાંખી શકે નહીં. ક્યારેક તોએ એવી કઠોરતા દાખવે કે સામી વ્યક્તિ હબકી જાય. સામી વ્યક્તિનું એ અપમાન કરતાં ય ખચકાય નહીં.

શુચિને દીકરીનું આવું વર્તન ના ગમે. સંયત સૂરમાં એ દીકરીને કહે ‘‘બેટા, માણસ એના વિનયથી શોભે છે. લેટેસ્ટ ફેશનનાં કપડાં કે કલાત્મક જ્વેલરી પહેરો પણ વાણી વર્તનમાં વિવેક નહીં હોય તો કોઈ આવકાર નહીં આપે. આવી કડવી જીભથી તો તું બધાની અળખી થઈ પડીશ. કોઈ તને સ્નેહથી બોલાવશે નહીં.

‘‘નથી જોઈતો મારે કોઈનો સ્નેહ, કોઈના અયોગ્ય વચન હું સાંખી ના શકું.’’ ધડ દઈને સલોની બોલી.

‘‘બેટા, તું કેટકેટલાનો વિરોધ કરીશ? કોઈના હેતપ્રેમ વગર જીવનમાં ગરમ ગરમ રેતી ઊડશે.’’

‘‘એવા જૂઠાણાથી હું ના રીઝું. મમ્મી, મારે તારી ફિલોસોફી સાંભળવી નથી.’’

‘‘બેટા આ પુસ્તકિયા ફિલોસોફી નથી, આ તો આપણને જીવનમાં હેતપ્રેમનું કેટલું મહત્ત્વ સમજાવે છે. પોતાના જીવનને સુમધુર પ્રસન્ન બનાવવા બીજાનો પ્રેમ જરૂરી છે. અને બીજાનો પ્રેમ મીઠાશથી મેળવાય, કડવાશથી નહીં.

સલોની બોલી, ‘‘મમ્મી તારી ઉંમર કેટલી થઈ? પિસ્તાળીસ વર્ષ ખરાંને? આટલાં વરસ તું તારી માન્યતા પ્રમાણે જીવી છો ને? તો તને કેટલો પ્રેમ મળ્યો? શું આપણાં સગાંવહાલાં બધા તારા વખાણ કરે છે? મોટાં કાકી, ફઈબા, મામી બધા તને દબાવવા, તને ઝાંખી પાડવા, તારું ઘસાતું બોલવા તૈયાર જ હોય છે. તેઓ તારામાં ખામી શોધે છે અને પોતાની ભલમનસાઈનો દેખાડો કરે છે. તેઓ પોતાનાં ગુણગાન ગાય છે. અને તારામાં ખામીઓ શોધે છે. કોઈ તારા વિનયની કદર કરતું નથી. તારા વિવેકને નિર્બળતા માનીને તારી મજાક ઉડાડે છે. તેઓ દંભી અને સ્વાર્થી છે, તેઓ એકલાં જ નહીં, સમાજમાં મોટા ભાગના માણસો મતલબી અને ઘમંડી હોય છે. એવાની સાથે એમના જેવા થઈએ તો જ રહેવાય. થોડી વાર અટકીને સલોની બોલી, મમ્મી, તું વધારે પડતી સૌજન્યશીલ અને મૃદુ સ્વભાવની છે. કોઈને માઠું ના લાગે, કોઈનું દિલ ના દુભાય એવું માનીને તું સાચી વાત બોલતી નથી, પણ તને શું મળે છે, તારા રસ્તામાં તેઓ કાંટા અને અણીદાર પથ્થર નાખતાં અચકાતા નથી. ભલેને તું ઘવાય, તું પડે આખડે એમને તલમાત્ર અફસોસ નથી થતો. મમ્મી તું તો કઈ માટીની બની છો એ મને સમજાતું નથી, હું તારા જેવી નમ્ર અને સૌમ્ય ના બની શકું. હું તો રાજરાણીની જેમ જીવવામાં માનું છું. મારા માર્ગમાં જે મને નડે એને લાત જ ઠોકું. કચકચાવીને લાત ઠોકું.’’

શુચિ ધીરજ ગુમાવ્યા વગર જરાય ઉગ્ર થયા વિના સ્નેહભર્યા સૂરમાં બોલી, બેટા, તું મારી દીકરી છે, હું તારી મા છું. તું રાજરાણી જેવું સમૃદ્ધ જીવન જીવે એવું હું ઈચ્છું છું પણ મિજાજ કરવાથી કે કોઈને અપમાનિત કરવાથી રાજરાણી નથી બનાતું.

કઠોર વચનથી તું બધામાં અપ્રિય થઈ પડીશ. કઠોરતા કે અપમાન કોઈને ગમતાં નથી. અરે, તું સત્ય બોલીશ પણ એ કઠોર રીતે બોલીશ તો જેના હિત માટે તે એ સત્ય કહ્યું હોય એનેય નહીં ગમે. સત્ય પણ અપ્રિય વચન કોઈને ગમતાં નથી.’’

શુચિ દીકરીને પોતાની સખી જ માનતી હતી તેથી એ સૌમ્ય ભાષામાં જ સલોનીને સમજાવે છે કે કર્કશ વાણીથી એ બધામાં અપ્રિય થઈ પડશે.

સલોની બોલી, મમ્મી તું આટલી બધી ડરે છે કેમ? ખરેખર, તારો આત્મા નિર્બળ છે. તારામાં ઓજસ જ નથી, તેથી બધાથી દબાતી રહે છે અને ખુશામત કરે છે. તું બધાથી દબાતી રહે છે એટલે તારો પ્રભાવ પડે જ નહીં. તું નીડર બન. મમ્મી, તું મિજાજથી જીવ. તું જે વિચારે એ મક્કમપણે કહે.’’

શુચિ બોલી, ‘‘બેટા, તું મને ગમે તેટલો પાનો ચડાવે, ઉશ્કેરે, પણ હું મારી પ્રકૃતિ નહીં છોડી શકું. તારા કહેવાના લીધે હું નીડર તો નથી બનતી પણ મારું મન ડહોળાઈ જાય છે. પ્લીઝ તું મને મારી પ્રકૃતિ પ્રમાણે વર્તવા દે. મારે કોઈની પર પ્રભાવ નથી પાડવો. તું મને ડિસ્ટર્બ ના કર.મમ્મી, તું તારી પ્રકૃતિ પ્રમાણે જીવવા માગે છે તો તું મને મારી પ્રકૃતિ પ્રમાણે કેમ જીવવા નથી દેતી? આજથી તું મને ડિસ્ટર્બ ના કરીશ, મને બદલવાનો પ્રયત્ન ના કરીશ.

‘‘બેટા, તું વિનય વિવેક નમ્રતા ગુમાવી દે એ મને ના ગમે. તુમાખીવાળી વ્યક્તિ ક્યાંય આવકાર ના પામે. બેટા, જે બીજાને ખુશ કરવા પ્રયત્ન કરે છે એને...

મમ્મી, તારી એ માન્યતા પ્રમાણે જીવવામાં હું કાયરતા સમજું છું. તું તારી નાનીમા પાસે ઉછરી છે એટલે એમની થિયારીમાં તું વિશ્વાસ રાખે. પણ મમ્મી, તારા મનમાં કદીય એવો પ્રશ્ન નથી ઊઠતો કે આટલું બધું શું કરવા સહન કરવાનું? બીજાઓ આપણને સાચવે નહીં ને આપણે એમનો ખ્યાલ રાખવાનો? મમ્મી હવે સમય બદલાયો છે, જીવવાની રીત બદલાઈ છે. તું સમયને ઓળખ, અહિંસાનો ઉપદેશ આપનાર ભગવાને પણ કહ્યું છે કે તું ડંખ ના માર પણ ફૂંફાડો તો માર મમ્મી, તું પૂજારી ના બન. તારી જાતને નાની ના ગણ...’ સલોની બોલે જાય છે પણ શુચિ બોલી, ‘‘દીકરી તું તારી રીતે જીવ. હું કદી તને નહીં ટોકું અને પ્લીઝ તું મને ના ટોકીશ.’’

મમ્મા, ડોન્ટ પ્રીચ...

No comments:

Post a Comment