Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

જ્યાં હોય શ્રધ્ધા મંગળમયી ત્યાં દુઃખ અસ્થાને

આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

આજે ઓફિસેથી આવ્યા પછી ત્રિજય કંઈ હોલતો નથી. સાવ થીજી ગયો છે એની આંખોમાંય શૂન્યતા જ દેખાય છે. રોજ તો એ ઓફિસથી આવીને નાહી લે અને ઘરમાં પહેરવાનાં ચોખ્ખાં કપડાં પહેરીને ફ્રેશ થઈ જાય પરંતુ આજે તો એ સોફા પર બેસી જ રહ્યો છે. નથી એ સંગીત સાંભળતો, નથી ટી.વી. જોતો.

પારમિતા ત્રિજય સામે જોઈ રહી છે, એને હતું ત્રિજય કંઈ તો બોલશે, એના મનમાં ઘૂમરાતી વાતને વાચા આપશે. પણ ત્રિજય તો કંઈ બોલતો નથી. એ પારમિતા સાથે નજર મેળવતો નથી, હસતો નથી. જાણે એ એના પોતાના ઊંડાણમાં ઊતરી ગયો છે.

પારમિતાને ખ્યાલ આવી ગયો કે કદાચ ત્રિજયને લે-ઓફ મળ્યો હતો. લેઓફ મળશે એવી વાત કેટલાય દિવસોથી ચાલતી હતી. ફેકટરીના માલિક કરકસરના પગલાં લઈને ઓફિસના કર્મચારીઓને છૂટા કરશે એવી દહેશત હતી. ત્રિજયને પણ છૂટો કર્યો હશે.

પારમિતા ચિંતામાં પડી ગઈ, હવે અમારા ભવિષ્યનું શું? યુવાનીમાં ઘરે બેસવાનું? કામ વગર માણસ નિરાંતે જીવી શકે?

પારમિતાની નજર સમક્ષ એનું આખું જીવન પસાર થઈ ગયું. ઓહોહો, જીવનમાં કેટલા ઉતાર ચડાવ આવ્યા? કેટલી વાર નીચે પછડાયા, પણ ત્રિજય પુરુષાર્થમાં માનનારો છે, એ પૂરી તાકાત લગાવીને બેઠો થયો છે. કદી એણે હાર નથી કબૂલી, કદી નિરાશ નથી થયો. એના જીવનમાં સવાર ઊગી જ છે, એ આશાવાદી છે, પુરુષાર્થી છે.

જીવનની શરૂઆતમાં ત્રિજય મારકીટમાં સામાન્ય નોકરી કરતો હતો ત્યારેય એ કદી લઘુતા નહોતો અનુભવતો તો પણ આજે સાવ હતાશ થઈને કેમ બેઠો છે?

પતિ કંઈક બોલે, કંઈક બોલે તો એના હૃદયનો ભાર હળવો થાય એ ઉદ્દેશથી પારમિતા બોલી, ‘ત્રિજય તને પેલા ફકીરની વાત યાદ આવે છે, એને બપોરનું ભોજન મળી જાય પછી સાંજના વાળુની ચિંતા નથી કરતો. એને એના ખુદા પર વિશ્વાસ છે કે ખુદા એને ભૂખ્યો નહીં રાખે.’

‘પારમિતા, ફકીરની વાત જુદી છે, આપણે ફકીર નથી, આપણે સંસારી છીએ. આપણી જિંદગી અનેક જવાબદારીઓ અને ફરજોથી બંધાયેલી છે. આપણે સંબંધોમાં જીવનારા સંસારી છીએ, આપણે અનેક વ્યવહારો સાચવવા પડે છે. કેટકેટલા જણ આપણી સામે મીટ માંડીને બેઠાં હોય છે. એ બધાંની આશા, અપેક્ષા આપણે જ સંતોષવાની હોય. આપણે પેલા ફકીર કે નરસિંહ મહેતાની જેમ માત્ર શ્રધ્ધાથી ભગવાનનું સ્મરણ કરીને ન જીવી શકીએ. આપણે આપણું કર્તવ્ય બજાવવા પ્રયત્નશીલ રહેવું જ પડે. પારમિતા, જો આપણે પ્રભુ પર ભરોસો રાખીને હાથપગ જોડીને બેસી રહીએ તો આપણો આ સોનાનો સંસાર નષ્ટ થઈ જાય. ઘણો અનર્થ વ્યાપી જાય. આપણે તો વ્યવસાયમાં મચ્યા રહેવું જ પડે. આપણે આપણી પોતાની જાતને મદદ કરીએ તો પ્રભુ આપણને મદદ કરે, એવું જ્ઞાનીજનો પણ કહી ગયા છે.’

‘ત્રિજય, તું કહે એ વાત સાચી છે, પરંતુ માણસ માત્રની જિંદગી એટલે જ સંઘર્ષ, માણશ શું પશુ અને જંગલી પ્રાણી પણ જીવન ટકાવવા સંઘર્ષ કરે જ છે. ઈશ્વર પર સંપૂર્ણ શ્રધ્ધા રાખીને જીવનાર પેલા ફકીરને રોજ બે ટંક ભરપેટ ભોજન મળતું જ હશે એવું માની લેવાનું કોઈ કારણ નથી. આપણે અક્ષરશઃ પેલા ફકીરની જેમ જીવવું જોઈએ એવું કહેવા હું નથી માગતી. પણ સંઘર્ષમાં આપણે તૂટી ન જઈએ, નષ્ટ ન થઈ જઈએ એટલા માટે આપણે જલકમલત્ જીવવું જોઈએ એવું હું કહું છું. આપણે સંસારી છીએ, દુન્યવી ફરજોથી બંધાયેલાં છીએ એટલે કમાવાની પ્રવૃત્તિ કરવી જ પડે, એ આપણી ફરજ છે, દિલ રેડીને, સમસ્ત શક્તિ લગાડીને કામ કરીએ પણ હૃદયમનથી અલિપ્ત રહીને કામ કરીએ. કમળ પાણીમાં જન્મે છે, પાણીમાં પાંગરે છે પણ પાણીથી એ અલિપ્ત રહે છે, તેવી જ રીતે ત્રિજય તું કામ કર પણ ચિંતા ન કર.’

‘કામ કરવા તો હું તૈયાર છું, પણ પારમિતા, ક્યાં છે કામ? કામમાંથી અને છૂટા કરવામાં આવ્યા છે. કામ વગર હું ચિંતા કરી કરીને પાગલ થઈ જઈશ.’

‘તું શંકા, કુશંકા કરીને ભવિષ્યની બિહામણી કલ્પના કરવાનું છોડી દઈશ, તો ત્રિજય, તને કશું નહિ થાય. તારું જરાય અશુભ નહીં થાય. તું સામાન્ય માણસ નથી, તું નિર્બળ મનનો નથી. ભૂતકાળમાં તું જ કહેતો હતો કે આપણું જીવન માત્ર પૈસા કમાવા માટે નથી. આપણા વ્યવસાય કરતાં જીવન ઘણું મોટું છે, આપણે સારી રીતે સુખી રીતે જીવવા માટે દુનિયાની બધી વસ્તુઓની જરૂર નથી. ઓછી વસ્તુઓથી જીવવું એ કલા છે અને આપણે એ કલામાં પારંગત થવાનું છે. વસ્તુઓ આપણા માટે છે, આપણે વસ્તુઓ માટે નથી.’

‘તારી વાત સાચી છે પારમિતા, આજે પણ હું એવું જ માનું છું, મારે બાહ્ય વૈભવ નથી જોઈતો, પણ જીવન ટકાવવા જેટલું કેવી રીતે મારે મેળવવું? અલબત્ત અત્યારે હું હેબતાઈ ગયેલો છું, નોકરીમાંથી મને છૂટો કર્યો છે એ વાતે મને આંચકો આપ્યો છે. આજ સુધી હું પુરુષાર્થના ગાન ગાતો હતો પણ કોને ખબર કેમ આજે મારી શ્રધ્ધા ડગી ગઈ છે.’

‘ત્રિજય, શ્રધ્ધાને ડગવા ના દેવાય. તું આપણા જ્ઞાની ઋષિમુનિઓ અને સાધુસંતોએ કહ્યું છે તે યાદ કર. આ સંસાર આપણે ચલાવતા નથી, ઈશ્વર આપણા દ્વારા આ સંસાર ચલાવે છે. આપણે તો ચિત્ત શાંત રાખવાનું અને ઈશ્વર સૂઝાડે એમ કરવાનું. આપણે ચિંતા નહીં કરવાની પણ પ્લાનિંગ કરવાનું, અને ક્ષણે ક્ષણે વિચારવાનું કે ઈશ્વર મારા દ્વારા કંઈ સારું જ કામ કરાવશે. ફેકટરીના કામમાં વધારે પડતા સમય અને શક્તિ વપરાઈ જતા હતા એ ઈશ્વરને મંજૂર ન હતું, તેથી તને ત્યાંથી છૂટો કર્યો, અને હવે બીજું કંઈક કામ કરાવશે. માટે ત્રિજય, તું તર્કવિતર્ક કરીને તારું મન ડહોળી ન નાખ. શાંત રહે, શ્રધ્ધા રાખ.’

ત્રિજય ઉશ્કેરાટથી બોલ્યો, ‘તારી એ બધી ફિલોસોફી મારા મનમાં નથી ઊતરતી. એ જ્ઞાન નથી ગમતું, લાવો કામ લાવો, દ્રવ્ય આપો!’

‘ત્રિજય, ખોટા આવેશમાં ન આવી જા. નહીં તો, તું જ તારી જાતને નુકસાન કરીશ. સાધુસંતની જે વાણીથી તને આશા બંધાય, તારામાં જોમ પ્રગટે, એ યાદ રાખ અને પ્રફુલ્લિત રહે. આપણે બેઉ જીવિત છીએ, અસ્તિત્વનો આનંદ ન હણાવવા દે. ત્રિજય, જીવતો નર ભદ્રા પામે. તું શ્રધ્ધા રાખીશ તો જ તારું જીવન સાર્થક બનશે.’

જ્યાં હોય શ્રધ્ધા મંગળમયી ત્યાં દુઃખ અસ્થાને

No comments:

Post a Comment