| આપનું મંતવ્યસર્વોત્તમ જ્ઞાન વારંવાર મળતું નથી. તેથી જ એ મોડું પ્રાપ્ત થાય તો પણ કોઇએ એનો તિરસ્કાર કરવો નહીં. - ફ્ેલિક્સ ફ્રેન્કફર્ટર
ભણ્યાગણ્યા તો ઘણા હોય અને રોજેરોજ અનુભવનું ભાતું પણ સૌ બાંધતા જ હોય. એના પછી એ સર્વોચ્ચ કે કહો જિંદગીની રૂખ પલટાવી નાખનારું જ્ઞાન સહેલાઇથી પ્રાપ્ત થતું નથી. આ એ જ્ઞાન છે જે ગઇકાલના અંધકારને આવતીકાલના ઉજાસમાં ફેરવી નાખે છે. ભૂલો પછી ભૂલો કરતા જ રહ્યા હોઇએ તેમાં આ એક ફેરફાર કે પરિવર્તન કે પ્રતીતિ રાતોરાત બધું બદલાવી નાખવાની અમાપ શક્તિ આપતું હોય છે. એને સ્વીકારવા માટે કાયમી સ્વભાવ અને આદત બેઉનો ત્યાગ કરવો પડે છે. સર્વોચ્ચ જ્ઞાન એ છે જેના થકી જૂના શરીરમાંથી નવા વ્યક્તિત્વનો જન્મ થાય છે. પોતાને એવા જ્ઞાનની પ્રાપ્તિ માટે તૈયાર રાખો. વીતેલી વાતોથી વિચલિત થયા વિના આવનારા સમયના શહેનશાહ બનવાની ધગશ રાખો. બધું બરાબર થઇ રહેવાનું, જો સાચા જ્ઞાનને મન પાકે પાયે સમજી જવાનું. | | |
| આપનું મંતવ્ય| એક સરસ કિસ્સો મમળાવીએ. અબ્રાહમ લિંકનનો અમેરિકાના પ્રમુખપદે પહેલો દિવસ હતો. અનેક માન્યવરો સાથેની એમની સભા હતી. એમાં એક જાણીતા વેપારીએ કહ્યુંઃ ‘મિસ્ટર લિંકન, તમારા પિતા મારા પરિવાર માટે જોડાં બનાવતા હતા.’ સભામાં હસાહસ થઇ ગઇ. પ્રમુખના પિતા વિશેની આવી ટિપ્પણી એટલે કેવી ક્ષોભજનક વાત. પણ લિંકન વિચક્ષણ હતા, એમ અપમાનિત થાય તેમાંના નહોતા. એમણે વેપારીને કહ્યું, ‘વાત સાચી છે તમારી. કદાચ અહીં ઉપસ્થિત બીજા કેટલાય શ્રીમંતો માટે એમણે જોડાં બનાવ્યાં હશે. કેમ કે મારા પિતા જેવાં જોડાં કોઇ બનાવી શકતું નહોતું. એમના માટે જોડાં બનાવવાનું કામ એમનો આત્મા હતો, એમનો ગર્વ હતો. તેઓ પોતાના કામને સર્વસ્વ સમર્પિત કરી દેતા હતા. મારે એટલું જ પૂછવું છે તમને કે મારા પિતાએ બનાવેલાં જોડાં પહેરીને ક્યારેય કોઇ તકલીફ થઇ? ક્યારેય કોઇ ફરિયાદ કરવી પડી?’ પેલાએ ના પાડી અને લિંકને ઉમેર્યુંઃ ‘એટલે જ મારા પિતા માટે મને અભિમાન છે.’ હવે કોઇ બોલે તો શું બોલે? | | |
| આપનું મંતવ્ય| સરસ મજાની એક વાર્તા હાલમાં વાચક હસનભાઈએ મોકલાવી. એક અમીર પિતાને એના ઉડાઉ દીકરાની બહુ ચિંતા. એમણે નુસખો અજમાવતાં દીકરાને એકવાર કહી દીધું, ‘‘આજે મહેનત કર, એક રૂપિયો કમાઈને લાવ બાકી રાતના જમવાનું નહીં મળે. દીકરો મુંઝાયો. મહેનત એના સ્વભાવમાં નહીં. એણે મા સામે ધા નાખી. બિચારી મા, લાગણીવશ થઈને એણે દીકરાને રૂપિયો દઈ દીધો. સાંજે દીકરાએ પિતા સામે રૂપિયો ધરી દીધો. ચતુર પિતા સમજી ગયા કે આ રૂપિયો ક્યાંથી આવ્યો. એણે દીકરાને કહ્યું જા, આ સિક્કો સામે કૂવામાં નાખી દે. દીકરાએ કહ્યા મુજબ કર્યું. પિતાએ બીજા દિવસે માને પિયર મોકલાવી. એનો એ આદેશ દીકરાને દીધો. આ વખતે બહેન મદદે આવી. વળી પિતાએ રૂપિયો કૂવામાં ફેંકાવી દીધો. ત્રીજા દિવસે નિઃસહાય દીકરો બજારે ગયો. એક વેપારીએ કામની તક આપતા કહ્યું કે આ બોજો ત્યાં સુધી મૂકી આવ અને રૂપિયો લઈ જા. બોજો ઉઠાવતા છોકરાની પીઠ છોલાઈ ગઈ, હાથ-શરીર દુખી આવ્યા. રૂપિયો એ કમાયો. સાંજે પિતા સામે એણે સિક્કો ધર્યો, પિતાએ હવે પોતે રૂપિયો કૂવામાં નાખવાની ચેષ્ટા કરી ત્યાં છોકરો મોટા અવાજે બોલી પડ્યો, ‘‘આ શું કરો છો? આ રૂપિયો કમાતા મારો દમ નીકળી ગયો. તમે એને કૂવામાં ના ફેંકી શકો.’’ મહેનતના મોલ અને પારકા આધાર વચ્ચે આ છે ફરક. જાતે કશુંક કરશો તો એની કદર રહેશે, કિંમત રહેશે. કાયમ સ્વબળે જીવવાથી સુખ પણ ભરપૂર રહેશે. | | |
| આપનું મંતવ્ય
| કલ્પના જોશી
‘‘બોલો, છ-છ મહિનાથી સામેવાળા પટેલે મેઈન્ટેનન્સ ભર્યું નથી. તોય બધે જવા માટે કાર વાપરવાના અભરખા ઓછા થાય છે એમના?’’ બીજાના ઘરમાં ચાલતી બે વાત કેટલાયને ખોટી પંચાત કરવા પ્રેરે, એક તો એમને ત્યાં ઉમેરાતું જતું સુખ અને બીજી એટલે એમની નાલેશી થાય તેવી કોઈપણ બાબત. કારમાં ફરનાર માણસ એની મરજીથી કારમાં ફરે છે, એની ગોઠવણથી જિંદગી ચલાવે છે. કોને કઈ આર્થિક તકલીફ છે એની બીજાને ક્યાંથી પૂરેપૂરી જાણ હોય? ખરેખર તો પોતાની તકલીફ બીજાને વર્ણવી શકાય. તેમ ના હોય ત્યારે સૌ બોલતા નથી કે, ‘‘મારે શું પ્રોબ્લેમ છે એ તને નહીં સમજાય?’’ મુજ વીતી તુજ વિતશે? એ પંક્તિ સાંભળી નથી? પંચાત કરવામાં કયો વિચિત્ર આનંદ મળે છે. એનાથી પેટ ભરાય છે? બેન્કમાં પૈસા ક્રેડિટ થઈ જાય છે? ચકલી પોતાનો માળો બાંધે ત્યારે એનેય બીજાનો માળો કઈ અવસ્થામાં છે એની ચિંતા હોતી નથી. ચિંતા કરવી જ હોય તો પોતાની કરવાની બુદ્ધિ અને વિચાર એવાં કેનિ્દ્રત રહેવા જોઈએ કે એમની તમામ શક્તિ પોતાના વિકાસ-ઉદ્ધાર માટે થાય. પંચાત કરવામાં બિઝી રહેશો તો જિંદગીમાં પછડાટ સિવાય કાંઈ મળવાનું નથી. તો શું મેળવવું છે? | | |
| આપનું મંતવ્યદક્ષિણના શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાંથી એટલો મોટો ખજાનો મળી આવ્યો કે બધાના મોઢે એની વાત છે. પોતપોતાના ઘરમાંય મોટો ખજાનો છુપાયો હોય છે એની વાત કેટલા લોકોથી થાય છે? ઘરમાં બાળક હોય તો એ નિર્દોષતા અને ઉજળા ભવિષ્યનો ખજાનો છે, ઘરમાં વડીલ હોય તો એ અનુભવ અને લાગણીનો ખજાનો છે, ઘરમાં ભાઈ-બહેન હોય તો એ દોસ્તી અને સાથનો ખજાનો છે, ઘરમાં પત્ની હોય તો એ પ્રેમ અને વિશ્વાસનો ખજાનો છે... જે સ્વજન છે એમની પાસેથી મળતો ખજાનો આ વિશ્વના દરેક ખજાના કરતાં અનેકગણો કીમતી છે. એ ખજાનો જો જીવન સુખી કરવા માટે ખર્ચવામાં આવે તો મજાની વાત એ કે એમાં વૃદ્ધિ થતી જ રહે છે. ભૌતિક ખજાનો તો દુન્યવી ચીજો અપાવી શકે પણ પારિવારિક ખજાનો તો માનસિક, આત્મીય અને સામાજિક સમૃદ્ધિ પણ આપે, પણ આ ખજાનાની બહાર જો નાદાન વર્તનનો નાગ બિરાજમાન થાય અને બેદરકારીનાં તાળાં લાગી જાય તો એ ક્યારેય દેખાય કે અનુભવાય ક્યાંથી? ઘરથી મોટું કોઇ મંદિર નથી અને પરિવારના લોકોથી મોટો ખજાનો કોઇ નથી, આ વાત માન્ય હોય તો પળવારમાં સમજાશે કે આપણેય પદ્મનાભસ્વામીના આશીર્વાદથી માલામાલ છીએ.
| | |
| આપનું મંતવ્યલ્પના જોશી
બીજું કશુંયે બનવાના ધખારા સેવ્યા વિના જે છો તે બનો,
અને તેમાં જ સર્વોચ્ચ થઇને બતાવો.
- સૅન્ટ ફ્રાન્સીસ ડી. સૅલ્સ
એમ. એફ. હુસેને અસંખ્ય પેઇન્ટરની જેમ ફિલ્મોમાં પોસ્ટર્સ ચીતરવાના કામને બેકાર ગણીને વ્યવસાય બદલાવ્યો હોત તો? એકવાર વકીલાત પાછળ મૂકીને આઝાદીની ચળવળ હાથમાં લીધા પછી ગાંધીજીએ ફરી બેરિસ્ટરી કરી હોત તો? દરેક વ્યકિતના જીવન પાછળ દેખીતાં કાર્ય અને વણદેખી શકયતા છુપાયેલી હોય છે. એક એ જવાબદારી હોય છે જેને ટકવા માટે નિભાવવાની છે. એક એ જાદુગરી છે જે કરવા માટે હૈયાની હામ જગાડવાની છે. બીજા કોઇનાય જેવા થવું સૌથી અશક્ય છે. બધા કલાકાર આમ તો અભિનય કરે પણ દરેક કલાકારની સમય જતા આગવી અદા બને. કોઇપણ ક્ષેત્ર હોય અને કોઇપણ હોય માણસ, છેવટે તો એણે પોતાની આગવી પિછાણ બનાવવાની છે. આ સત્યની પ્રતીતિ વહેલાસર નહીં તો વેળાસર થાય તો ઘણું. ખોટા આદર્શ અને ખોટી નકલ બેઉમાં અક્કલનું પ્રદર્શન થાય છે, બીજું કાંઇ જ નહીં. હવે તમારે કાંઇ નોખું કરવાનું છે કે નહીં?
| કલ્પના જોશી
એક ચિત્રકારના અભિવાદનનો દબદભાભર્યો કાર્યક્રમ યોજાયો. સેંકડો લોકોની ઉપસ્થિતિમાં એમનું સન્માન થયું. સરસ મજાનો માહોલ સર્જાયો. એવામાં મંચ
પરની એક વ્યક્તિએ ચિત્રકારને પૂછ્યું,
‘તમારું શ્રેષ્ઠ ચિત્ર કયું?’ ચિત્રકારે પલકવારનો સમય બગાડ્યા વિના કહી દીધું, ‘હવે પછી જે બનાવીશ તે.’ કેટલી ઊંડાણભરી છે આ વાત. આપણે જે કરી ગયા એ થઈ ગયું અને થઈ ગયું તે સમાજનું થઈ ગયું, આપણો ભૂતકાળ થઈ ગયો. હવે શું કરવાનું છે એ સવાલ જ કાયમ કેન્દ્રસ્થાને છે અને રહેવો જોઈએ. આજે દિવસ આવ્યો છે તો ગઈકાલ યાદ કરીને પોતાની પ્રશંસામાં તરબોળ થવા માટે નહીં. આ દિવસ તો
પોતાની આવડતને નવેસરથી જાણીને આવતીકાલને યાદગાર બનાવવા માટેનું માધ્યમ છે. કયારેય એવી વાતોમાં ના ઊતરો કે મેં આવું કર્યું અને મેં તેવું કર્યું. પેટને દિવસમાં બે-ચાર વાર ભૂખ લાગે પણ મનને, જીવનને ચમત્કાર કરવાની ભૂખ સદાકાળ લાગવી જોઈએ. જેને આવી લાગણી થાય, જેને આવી ઈચ્છા થાય એ સૌથી ઉત્તમ પુરવાર થાય જ થાય. |
કલ્પના જોશી
મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય,
મેં મુંબઈ છોડ્યું જ ન હોય!
- વિપિન પરીખ
એક જમાનો એવો હતો, જ્યારે ગુજરાતીઓ પોતાના જાણીતા-માનીતા ગામને છોડીને ક્યાંક વસવાટ કરતા. એટલી હિંમત અને ખુમારી સાથે કે ના પૂછો વાત. મુંબઈ તો સમજ્યા પણ ગુજરાતીઓને તો મોમ્બાસા કે માન્ચેસ્ટર સુધી પહોંચી જતાય કોઈ રોકી શક્તું નહોતું. કશુંક કરી બતાવવાને, ગરીબીનો તંત છોડી પ્રગતિના પંથે વિજયપતાકા લહેરાવવા માટે આવું સાહસ કરતી વખતે એમને કોઈ ભય નડતો નહીં. જેને કૂવો છોડીને સાગર ખેડવો હોય એણે જાણીતી જગ્યા, જાણીતા લોકો અને જાણીતી શાંતિને છોડતા શાને અચકાવાનું? જે ફરે છે તે ચરે છે અને ચરે છે તે એક દિવસ ચમકે છે. આપણને જીવનમાં કશું મળે નહીં તો એમાં બીજા પર દોષારોપણ કરીને શો અર્થ સરવાનો? આપણે પોતે જો હિંમત નહીં દાખવીએ તો પછી ઠેરના ઠેર રહેવું જ પડવાનું. રાધા-મીરાંને પામવાની ખેવના સેવો તો એ માટે ખેપ કરવી પડે. તમારેય પામવું છે તો નીકળી પડો પ્રવાસે. | | |
| આપનું મંતવ્યકલ્પના જોશી
આવડત, જ્ઞાન અને ક્ષમતા માત્ર ત્યારે જ ઉપયોગી છે જ્યારે તમે યોગ્ય જગ્યાએ હોવ અને એનો પૂરી ક્ષમતા સાથે ઉપયોગ કરો છો. - અજ્ઞાત
સૌ જાણે છે કે ભારતનાં જંગલોમાં કેટલાક એવા આદિવાસી આજેય વસે છે જેમની પાસે દેશી ઓસડિયાનું અકલ્પનીય જ્ઞાન છે. કેટલાય સાધુબાવા હિમાલયમાં છે જેમનું જગત વિશેનું જ્ઞાન ભલભલા ચમરબંધીને છક્કડ ખવડાવી શકે છે. પણ આ લોકો અલગારી છે, જનસમુદાયના સીધા સંપર્કથી દૂર છે. સામે પક્ષે મોડર્ન ફેક્ટરી છે, માર્કેટિંગ છે અને લોકોને આકર્ષિત કરી ગ્રાહકમાં ફેરવી નાખવાની થોડીક કંપનીઓની સરસ કળા છે. આ કળા થકી તેઓ જાતજાતની ચીજો બનાવીને બધે પહોંચાડે છે. વેચનારનો વેપાર થાય છે અને ખરીદનારની અપેક્ષા સંતોષાય છે. હવે, જો તમે ટેલેન્ટેડ છો, જ્ઞાની છો અને ભલભલું કામ શ્રેષ્ઠ રીતે કરવાનો આત્મવિશ્વાસ ધરાવવા છતાં પાછળ તો જરા સમજી લેજો. તમારી સ્થિતિ કે જગ્યા પેલા સાધુ કે આદિવાસી જેવી થઈ. તમારે થવું છે ફેક્ટરી, પ્રોડક્ટ કે નફો. એના માટે યોગ્ય જગ્યાએ પહોંચો. અથવા જ્યાં છો તે જગ્યાને જ યોગ્ય મંચ બનાવવાનો પ્રયાસ આદરી દો. એક દિવસ અચૂક તમેય એ પામી શકશો જેની ખેવના સેવો છો. બસ, યોગ્ય જગ્યા સર્જાય તેટલી વાર. | કલ્પના જોશી
પહેલી નજરના પ્રેમની જેમ જ પહેલી જ ક્ષણે થઈ જતી દોસ્તી જેવી કોઈ મિત્રતા નથી. - હરમન મેનવીલે
જે જણ વચ્ચે પ્રશ્નો, પ્રોબ્લેમ, પંચાત અને પીડા વિના જે પાંગરતો રહે એ સંબંધ એટલે મિત્રતા. પછી એ મિત્રતા બાપ-દીકરા વચ્ચેની હોય કે મિત્ર અને મિત્ર વચ્ચે. જેની સાથે સમય કાઢવો ના પડે છતાં પસાર થતો રહે તે વ્યક્તિ કહેવાય સાચો મિત્ર. આવી મિત્રતા માગવાથી મળતી નથી અને બાંધવાથી બંધાતી નથી. પથ્થર ફોડીને કૂંપળ ફૂટે તેમ મિત્રતામાં સમજણ અને લાગણીની સોનેરી કોર આપોઆપ ફૂટી જ નીકળે છે. એટલે જ મિત્ર બનાવવાનો મિથ્યા પ્રયત્ન ક્યારેય કરવો નહીં. મારે મિત્રો ઓછા છે એવી ગ્રંથી કરતાં મારે જે છે એ મિત્રો કેવા છે એના પરત્વે જ ધ્યાન આપવાનું. બે-ચાર મળ્યા કે દસ-બાર, જેટલા સાચા મિત્રો મળ્યા હશે એ પૂરતા જ છે. સર્કલ વધારવા કરતાં મળ્યા છે એ મિત્રો સાથે સંબંધને કાયમ ફાગણ જેવો રાખવાની મજા વધારે છે. કહેવાતા મિત્રો બધે મળશે પણ જેને ખરેખર મિત્ર કહી શકાય તેવા તો ઓછા જ રહેવાના. કેટલા મિત્રો છે તમારા? એમને જો કાયમ કોઈ અપેક્ષા વિના પોતાના કરી રાખશો જો જીવનમાં ક્યારેય ખાલીપો કે ખારાશ અનુભવવાનો વારો નહીં આવે. કેમ કે જરૂર પડશે ત્યારે એ મિત્રો જ કહેશે, ‘‘હું સાથે છું ને?’’
| કલ્પના જોશી
પુસ્તક એવી ભેટ છે જે વારંવાર ઉપયોગમાં લઇ શકાય છે.
- ગેરિસન કેઇલર
પ્રસંગોપાત પાર્ટી અને પાર્ટીમાં ગિફટ અને રિટર્ન ગિફટ આપવાનો શિરસ્તો સામાન્ય છે. એટલો જ સામાન્ય શિરસ્તો છે ભેટ-સોગાદમાં એવી વસ્તુઓ આપવાનો જે કદાચ ઘડી બે ઘડી પછી કોઇ કામની રહે નહીં. કોઇને મોંઘામાં મોંઘો ગુલદસ્તો ગિફટ કર્યો તોય શું? એની સુવાસ કેટલા દિવસ રહેવાની? કે પછી રમકડું, ગેઝેટ કે બીજું કશુંક આપ્યું તોય શું? સમયના તેજ વહેણમાં એની ઉપયોગિતા કાયમ ઓછી થવાની જ. ઘરમાં પડેલી એના જેવી જ બીજી અઢળક વસ્તુમાં આવી ગિફટ ખોવાઇ પણ જવાની. પુસ્તક શા માટે ગિફટમાં ના આપીએ? પછી એ રામાયણ હોય, મહાભારત હોય, સ્તવનની પુસ્તિકા કે નવલકથા કે વાર્તાસંપુટ. પુસ્તક એટલે ઘરની શેલ્ફ પર સચવાતું સાહિત્ય. નવરાશની અને કપરી ક્ષણે સમય વિતાવવા કે નવું શીખવામાં સહાય કરતું સાધન. સારા પુસ્તકનું મૂલ્ય વળી ક્યારેય ઘટતું નથી. વાચનાર પણ ગિફટ આપનારને વારંવાર યાદ રાખે એ છોગામાં. તો પછી ચાલો, આ સારું કામ દરેક સારા પ્રસંગે કરીએ. પોતેય સાતિ્ત્વક વાચન કરીએ, સૌને કરાવીએ. | હઠથી સફળતા મળતી નથી. સારી લગનથી જો કે સફળતા મળે જ છે. - અજ્ઞાત |
| કલ્પના જોશી
ચંપા સરોવર પાસે વરસો સુધી શબરીએ રામની પ્રતીક્ષા કરી. એની પાસે રામને મોબાઇલ કે ઇમેઇલ કરીને પૂછવાની સગવડ જ નહોતી કે, ‘પ્રભુ ક્યારે પધારો છો તમે? મારે કેટલી રાહ જોવાની છે?’ મીરાંએ પણ શ્રીકૃષ્ણને ભજવા સિવાય એમને ભાંડવાનું કે પીડવાનું કામ કર્યું નહોતું. રોજિંદા જીવનમાં દરેક જણ જે કરે છે એ શબરી જેવી શ્રદ્ધા અને મીરાં જેવી માયાથી જ મહાન થઇ શકે છે. કરોડો લગાડીને શોરૂમ ખોલો અને ખોટી ગણતરીથી ઉછળતા રહો તો સફળતા મળશે તેવું નથી. અને અમુક સો રૂપિયાની મૂડીથી રસ્તા પર બખોલ જેવો બાંકડો ખોલીને જો લગનથી વેપાર કરો તો શક્ય છે સફળતા મળે. હું કરી બતાવીશ એવો હુંકાર દુનિયાને નીચી દેખાડવા કરવાનો જ નહીં. કરી બતાવવા માટે કહ્યા કરવાથી કયો લાભ થશે? હઠ કોઇ બાબતમાં ઉપયોગી થતી નથી પણ આત્મશ્રદ્ધા અને સાચી લગન બધી જ વાતમાં તારણહાર સાબિત થાય છે. એટલે જ હઠીલા બનવાની જરૂર નથી. બનો તો એવા ધીરગંભીર, સ્પષ્ટ અને ધૈર્યવાન કે સફળતાએ તમારી સામે આવવું જ પડે.રેતી આવી રૂપાળી તો ના હોય!
ક્યાંક કૂવો છુપાયો છે રણમાં
- શોભિત દેસાઈ
શરીરને આવે તાવ તેમાં તો જાણે એવું લાગવા માંડે કે આખી દુનિયા દુઃખનો દરિયો થઇ ગઇ હોય. એવું અસુખ ચારેકોર ફેલાય જાણે ક્યાંય જંપ ના હોય. ખાવાનુંય ભાવે નહીં અને લાંબા થઇને શરીર તાણો તોય ચેન પડે જ નહીં. પણ જો સમજો તો સમજાય છે કે વખતોવખત થતી માંદગી તો શરીરનો કડદો બહાર ફેંકવાની કુદરતની રીત છે. દરેક આફત વાસ્તવમાં મોટી આફત ટળી જાય તે માટેની ગોઠવણ જ છે. બાળપણમાં દોડધામ કર્યા વિના બાળક ખડતલ થાય ખરું? યુવાનીમાં ભૂલો કર્યા વિના કોઇ ગાંભીર્ય કે પૂરેપૂરી સમજદારી મેળવે ખરું? ગમે તેવી મુશ્કેલીઓ સાથે મળી હોય આ જિંદગી પણ એમાં જે મજા છે એની સામે કોઇ પીડાની વિસાત નથી. એ વળી કેમ સાચું એવું વિચારનારને તો ઉપરવાળોય ગળે ઊતરે તેવો જવાબ આપી શકશે નહીં. છીપલામાં મોતી અને દીવડામાં જ્યોતિ, એવી જ રીતે બધી વાતમાં ખરેખર કશુંક સરસ મજાનું છે એ વાત નક્કી. એનો આવિષ્કાર કરવાની તૈયારી સૌએ જાતે રાખવાની, પછી તો ક્યાં આપત્તિ છે? કલ્પના જોશી
ઘરે કાયમ જે તુવેરદાળ આવતી હોય એના સ્વાદ સાથે જીભ અને મગજ બેઉનો નાતો બંધાઇ જતો હોય છે. દાળ શા માટે, જે અનાજ-પાણી નિયમિત લેવાય એ બધાથી આખી સિસ્ટમ સુપરિચિત થઇ જાય છે. એમાં ફેરફાર થાય એટલે તરત એક સિગ્નલ શરૂ થઇ જાય, ‘કાંઇક ગરબડ છે.’ ભગવાને માણસને કોણ જાણે એવી કઇ ગેબી શકિત આપી છે જે એને દરેક અકળ બદલાવથી તરત જ્ઞાત કરી દે છે. એનો સદુપયોગ અજાણતા ઘણીવાર થતો રહે છે. ‘મારું મન માનતું નહોતું એટલે મેં કર્યું નહીં,’ એવું કહીને જે કામકાજ ના કર્યું એના ફાયદા પછીથી દેખાતા હોય છે. જાણી-વિચારીને આ ગેબી શકિતનો ઉપયોગ કરતા આવડે તો શું થાય? અનેક પીડા, આફત અને કસોટી આવતા પહેલાં જ નાસી જાય. સિકસ્થ સેન્સ જેને કહીએ છીએ તે શકિત છે શારીરિક, માનસિક અને બોદ્ધિક સંપૂર્ણતા પામવાને માટે. એને અસરકારક કરવી છે તો મનની વાત સાંભળો. મન જ્યારે જે સિગ્નલ મોકલે તેનું એનાલિસીસ કરો. શા માટે આવી લાગણી થાય છે એ સમજવામાં વિલંબ ના કરો. પછી જુઓ, ધીમે ધીમે કરતાકને કેટલીયે વાતોમાં પોઝિટિવ ચેન્જ વર્તાવા માંડે છે. |
|
| | | |
|
|
|
|
|
|
|
No comments:
Post a Comment