આપણા જમાનાના ભારે આગવા પત્રકાર શ્રી હસમુખ ગાંધી એમની લાક્ષણિક વેધક શૈલીમાં અવારનવાર કહેતાઃ માણહનો બચ્ચો ને ઈર્ષ્યાળુ ના હોય એમ બને? માણસ અને ‘સેવા’ - કહેતા ભી દીવાના, સુનતાભી દીવાના. સુષ્ઠુ સુષ્ઠુ વાતો સાંભળીને જાતને છેતરવા ટેવાયેલા શાહમૃગોને શ્રી ગાંધીની વાત કદાચ કડવી ઝેર જેવી લાગે, પણ શ્રી ગાંધીનાં નિરીક્ષણોમાં સચ્ચાઈનો વેધક પ્રકાશ હતો એ નકારવો બહુ મુશ્કેલ છે.
મુઠી ઊંચેરા સિદ્ધ થયેલા સફળ, ઉચ્ચ પદે પહોંચેલા જણ પ્રત્યે જનસામાન્યનો અભિગમ કેવો હોય છેઃ ભારે રસપ્રદ મનોવૈજ્ઞાનિક સંશોધનનો વિષય છે. કોઈ પ્રાધ્યાપક યુવાન હોય, દેખાવડો હોય, પોતાના વિષયનો મહારથી હોય અને અધૂરામાં પૂરું નાની વયે અન્ય કરતાં સવાશેર હોય, કોઈ યુવતી નમણી કે સુંદર હોય ને સાથે સફળતા અને સત્તા પામી હોય, તો આજુબાજુનો સમાજ અચૂકપણે કશુંક કલંક શોધવા માટે અહર્નિશ પાછળ લાગેલો હશે. આપણા જેવો ‘જાતીયતા-અતૃપ્ત’ (સેક્સ-સ્ટાર્વેશનથી પીડાતો) દંભી સમાજ હશે તો એની સતત નજર લિંગ-સંબંધો પર લાગેલી હશે. પેલા કે પેલીની પ્રતિભા, નિષ્ઠા, વિશેષતા ગયાં તેલ પીવા!
લોકલ ટ્રેનથી માંડી સ્ટાફરૂમોના અતૃપ્ત અને ક્ષુલ્લક જણોને જ્યારે ‘ચન્દ્રમાં કલંક શોધવાની’ હરકત કરતા જોઈએ ત્યારે હસવું, રડવું કે નફરત - દર્શાવવી તે સૂઝે નહીં. કોઈ કથાકારની વિદ્વતા - માધુર્ય, રજૂઆત બાજુમાં રહી જાય ને રસ-ચર્ચાનું કેન્દ્ર એણે બાંધેલા બંગલા, વાડી વજીફા બની જાય!
હકીકતમાં ચન્દ્રમાં ભૌગોલિક રીતે ખાડા - હોય એમાં કશું જ અજુગતું નથી. ખાડા હોવા સ્વાભાવિક છે, અલબત્ત દૂરથી એ કલંક જેવા લાગે એ જુદી વાત છે, પરંતુ તમે કોને વધુ મહત્ત્વ આપો છોઃ ચન્દ્રનાં ધવલ-શીતળ-શાતાદાયી રૂપને કે કાળાશ પડતા ધાબાને એ મુદ્દાની વાત તમારી પોતાની દષ્ટિ, તમારી છૂપી દોષ દષ્ટિને છતાં કરે છે.
કોઈ ગાયકને નબળો સાબિત કરવો હોય તો તેની તુલના ઓમકારનાથ કે મહમદરફી સાથે કરો. કોઈ નવલકથાકાર પ્રત્યેની ઈર્ષ્યાની ખંજવાળ શાંત કરવી હોય તો તેની તુલના સીધી કનૈયાલાલ મુનશી સાથે કરો. જ્યારે કોઈની સફળતાથી આંખો અંજાઈ જાય ત્યારે વ્યક્તિનું વર્તન કેટલું હાસ્યાસ્પદ અને કંગાળ હોય છે એ સમજવા જેવું છે. હા, એની શૈલીમાં તર્ક હોય, વ્યવસ્થા હોય, દલીલ-ચાતુર્ય હોય, પણ કેન્દ્રમાં પેલી ચન્દ્રમાં કલંક શોધવાની વૃત્તિ હોય! ગયા મહિને એક બાળ-કિશોરીની નૃત્ય-શિક્ષાનાં ‘આરંગેત્રમ’માં હાજરી આપવાનો લાભ મળ્યો. બાલિકાની નિષ્ઠા સાથેની સંવાદિતા ખરેખર ભારે પ્રભાવશાળી હતી પણ ‘કાર્યક્રમ’ના અંતે મારી સાથેના એક વડીલભાઈએ અલ્પાહારની ટેબલ પાસે ગુલાબજાંબુ મોઢામાં મૂકતાં લુચ્ચી આંખે વિધાન કર્યુંઃ ‘છોકરીનો બાપ મૂળ તો ભારે વગદાર ને પૈસાદાર, બાકી કળા-બળા તો જાણે સમજ્યા. ‘આરંગેત્રમ’ના કાર્ડ છપાવવામાં કેટલું નાણું ખર્ચ્યું છે, જુઓ તો ખરા! આ વડીલ પાછા પેલી કિશોરીના પારિવારિક સંબંધી હતા.
ક્યારેક લાગે કે માણસને રસજ કલંક-પૂજામાં હોય છે, ચાંદનીની કદર કરવામાં નહીં. કોઈ સમારંભમાં તમે વ્યાસપીઠ (સ્ટેજ) પર વધુમાં વધુ કેટલાં માથાંને સમાવી શકો? પછી સભાગૃહમાં જે ‘રહિતો’ બચી ગયા કે બાકી રહી ગયા હોય એમની મનોદશા કદી નિરખી છે? એમનું મોટા ભાગનું ધ્યાન સ્ટેજ પર બેઠેલાના કલંક, સ્ટેજ વ્યવસ્થાની ભૂલો શોધવામાં હશે! આપણા જેવાં જ કાળાં માથાંનો માનવી અન્ય કરતાં મુઠ્ઠી ઊંચેરો છે એવું આપણી જાત સાથે કબૂલ કરવાનું કેટલું પીડાજનક હોય છે, નહીં? સમકાલીનને વખાણીએ તો વખાના માર્યા વખાણીએ, બાકી તો મડદાંની પૂજા આપણી લાક્ષણિકતા છે, કારણ કે મૃત વ્યક્તિ પડકારરૂપ બનતી નથી!
ચન્દ્રમાં કલંક શોધવાની ઈર્ષ્યાળુ વૃત્તિ સાર્વત્રિક! |
No comments:
Post a Comment