Φ अपना विषय खोजे

Wednesday, March 28, 2012

આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

આંગણની તુલસી - અવંતિકા ગુણવંત

દેવેશભાઈ અને યશુબહેન અમદાવાદમાં વસ્યાં છે. એમનો મોટો દીકરો અભિજીત બેંગલોરમાં અને નાનો દીકરો અર્ણવ હૈદ્રાબાદમાં વસ્યો છે. બેઉ દીકરાઓ સારું ભણ્યા છે અને એમની લાઈનમાં અગ્રીમ હરોળમાં સ્થાન પામ્યા છે. બેઉની પાસે સંપત્તિ અને પ્રતિષ્ઠા છે, બેઉ એમની કારકિર્દીના વિકાસમાં વ્યસ્ત છે. બેઉની પત્નીઓ શિક્ષિત છે. સંતાનોય એમને મનપસંદ ક્ષેત્રમાં વિકાસ સાધી રહ્યા છે.

અભિજીત અને અર્ણવ ફોન દ્વારા માબાપના સંપર્કમાં રહે છે. બેઉ દીકરાઓ લાંબી લાંબી વાતો કરે છે. પ્રસન્નતાથી છલકાતી એમની વાતો હોય છે.

શાંત અને સંસ્કારી વિસ્તારમાં દેવેશભાઈનો બંગલો છે. નિયમિત આવક થાય એ રીતે એમણે એમની કમાણીનું આયોજન કર્યું છે, તેથી એમને કોઈ ચિંતા નથી, તકલીફ નથી, કોઈ અભાવ નથી, અછત નથી.

બેઉ પતિપત્ની જીવનના આઠ દાયકા વટાવી ચૂક્યાં છે, પણ તંદુરસ્તી સારી છે, શરીરમાં કોઈ રોગ નથી, મન પણ નિરોગી છે. જિંદગીમાં હરિયાળી જ હરિયાળી છે.

એક દિવસ દેવેશભાઈ યશુબહેનને કહે, ‘આજકાલ જમીનના ભાવમાં નહીં ધારેલો ઉછાળો આવ્યો છે. આપણે સ્વપ્નેય નહીં ધારેલી એટલી આપણા બંગલાની કિંમત બોલાય છે. આપણે કરોડોની સંપત્તિના માલિક થયાં છીએ. આપણા બેઉ દીકરાઓ પાસેય આપણા કરતાંય વધારે સંપત્તિ છે, આપણી સંપત્તિના સીધી લાઈનના વારસદારો આપણા બેઉ દીકરાઓ છે. આપણી સંપત્તિ એમને મળશે ત્યારે એમની સંપત્તિમાં વધારો થશે, પણ આપણી સંપત્તિ એમને ના મળે તો એમને કોઈ ખોટ ના પડે.’ યશુબહેન બોલ્યા, ‘તમે કહેવા શું માગો છો? ચોખ્ખેચોખ્ખા શબ્દોમાં કહોને. મારી દષ્ટિએ તો આપણા દીકરાઓને આપણી સંપત્તિ પર હક પહોંચે છે, ભલેને એમની પાસે ગમે એટલી સંપત્તિ હોય તોય આપણી સંપત્તિ એમને જ મળવી જોઈએ.’

‘યશુ, તારી વાત સાચી છે, આપણી સંપત્તિ આપણા સંતાનોને મળવી જોઈએ. માબાપની સંપત્તિના કાયદેસરના હકદાર એમનાં સંતાનો જ હોય પણ આપણે નવો અભિગમ અપનાવીએ તો? જુદી રીતે વિચારીએ તો!’

સેંકડો વરસની, આપણી પ્રાચીન સંસ્કૃતિ એક વાત આપણને કહેતી આવી છે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. આ ભાવનાને આપણે પ્રજવલિત કરીએ અને વિચારીએ કે આપણા દીકરાઓ ઉપરાંત સમાજને ય આપણી સંપત્તિ પર હક છે.

આપણે ચારેબાજુ જોઈએ છીએ કે કેટલાય બાળકો, કિશોર, કિશોરીઓ ભણવાના બદલે ઘરકામ કરે છે, શાકભાજી વેચે છે, ચાની લારી પર કામ કરે છે. ખેલવા કૂદવાની અને શાળામાં ભણવાની ઉંમરે તેઓને જીવનની વિષમતા અને સંસારની કઠોરતાના પાઠ ભણવા પડે છે. તેમના માટે આપણે કંઈક કરીએ તો! જીવનનો આનંદ અને ઉલ્લાસ આપીને આપણે એમને વિકાસના પથ પર ચડાવીએ તો!’

‘તમારી વાત તો સાચી છે, પણ એ કેવી રીતે શક્ય બને?’

‘જો આપણું આ ઘર મોટું છે, ઉપરના ભાગમાં આપણે રહીએ અને નીચેના ઓરડાઓમાં પ્રાથમિક નિશાળ શરૂ કરીએ તો! આપણે આ બાળકોને અક્ષરજ્ઞાન તો આપીશું જ પણ સ્વચ્છતાના અને આરોગ્યના પાઠ પણ ભણાવીશું. આ બાળકોને શું ભણાવવું, થોડા સમયમાં એ જીવનસંઘર્ષને લાયક થાય એ માટે ઈતિહાસના પાઠ ભણાવીશું. બોધકથાઓ અને ઉપદેશકથાઓ કહીને એમનું ચારિત્રઘડતર કરીશું. આ કામમાં આપણા જેવા બીજાઓનો સહયોગ મળી રહેશે એની મને ખાતરી છે.

હવે આ બાળકોમાંથી જેને નિશાળમાં આગળ ભણવું હોય એમને રેગ્યુલર સ્કૂલમાં દાખલ કરીશું.’

‘તમારો ઉદ્દેશ તો ખરેખર બહુ સરસ છે. આ બાળકોનું જીવન બને, એનાથી ઉત્તમ બીજી કઈ વાત? પણ આપણે આપણી મિલકતનો આવી રીતે ઉપયોગ કરીશું તો આપણા દીકરાને ગમશે? તેઓને આમાં મિલકતનો વેડફાટ નહીં લાગે?’

‘યશુ, આવી ચિંતા આપણે નહીં કરવાની. જો આ મિલકત આપણી સ્વયંમોપાર્જિત મિલકત છે. આખી જિંદગી આપણે કરકસરથી જીવ્યાં છીએ. ભોગવિલાસ કે મોજશોખ કર્યાં નથી. દીકરાઓને જે ભણવું હતું, જેટલું ભણવું હતું એટલું આપણે ભણાવ્યું. તેઓ કમાતા થયા તોય કદીય આપણે એમની પાસેથી એક પાઈ પણ લીધી ન હતી. એમની કમાણી બધી એમની પાસે સચવાઈ છે. જરૂરત કરતાં ઘણું વધારે તેમની પાસે છે. એમના પ્રત્યેની બધી ફરજો આપણે બજાવી છે. હવે આ ઊતરતી અવસ્થાએ આપણને જે યોગ્ય લાગે એ ના કરી શકીએ?’

‘પણ તમે એક વાર એમને તમારી યોજના જણાવી દો, જેથી એમને કોઈ મનદુઃખ ના થાય. દીકરાઓ તો તમને સમજશે, પણ એમની વહુઓ? એમને દાગીનાનો મોહ છે એ તો હું જાણું છું. થોડા સમય પહેલાં નિયતિ મને પૂછતી હતી, ‘મમ્મી તમારી પાસે કેટલા તોલા સોનું હશે?’ મેં કહ્યું કેમ એવું પૂછે છે, તારે જેટલું જોઈએ એટલું તું બજારમાંથી ખરીદી શકે એટલી તારી પહોંચ છે તો નિયતિ કહે પણ તમારા તરફથી સોનું મળે એની મઝા જુદી હોય. તમારા ઘરેણાંનાં ઘાટ મને બહુ ગમે છે. હવે નિયતિને દાગીનાનો મોહ છે એવો જ મોહ જિજ્ઞાસાને પણ હશે એ જ રીતે આ બંગલાનો મોહ પણ હશે.’

દેવેશભાઈ બોલ્યા, ‘બેઉ વહુઓને જે મોહ હોય તો એમણે એમની તાકાત પર એ પૂરો કરવાનો. વહુઓના એ ભૌતિક મોહ કરતાં મને મારા આદર્શ પ્રમાણે જીવવાનો જે મોહ છે એ સંતોષવાની વધારે ઝંખના છે.’

આજે માણસ માણસ વચ્ચે એક ખાઈ નહીં પણ આખો મહાસાગર ઘૂઘવે છે. એક માણસને બીજા માણસની કંઈ પડી નથી, એ વાત મને પીડે છે યશુ, હું હવે જે કંઈ કરીશ એ મારા ખાતર કરીશ, સમગ્ર સમાજ માટે કરીશ. આ કામમાં મારે તારો સાથ જોઈએ છે.’

‘તમારા કામમાં મારો સંપૂર્ણ સાથ છે. તમે જરાય ચિંતા ના કરો. તમારો નિર્ણય જણાવી દો અને આગળ વધો.’ યશુબહેન મક્કમ સૂરે બોલ્યાં.

સમાજનું આપેલું, સમાજને અર્પણ 

No comments:

Post a Comment