પ્રેમયોગની પૂર્વતૈયારી – સ્વામી વિવેકાનંદ
[ ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ અંતર્ગત પ્રકાશિત થયેલ ભાગ-2 ‘ભાષણો અને લેખો’માંથી અમેરિકામાં થયેલંં સ્વામીજીનું પ્રસ્તુત વક્તવ્ય સાભાર લેવામાં આવ્યું છે. ભારતીય દર્શન, અધ્યાત્મ અને સ્વામીજીના સમગ્ર સર્જન વિશે અભ્યાસ કરનાર વ્યક્તિને આ ગ્રંથમાળા ખૂબ ઉપયોગી થઈ પડે તેમ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]या प्रीतिरविवेकानां विषयेष्वनपायिनी ।
त्वामनुस्मरतः सा मे हृदयान्माडपसर्पतु ।।
‘અવિવેકી મનુષ્યોને વિષયોમાં જેવી ગાઢ પ્રીતિ લાગેલી હોય છે, મને તમારા સ્મરણમાં લાગતી તેવી ગાઢ પ્રીતિ, મારા હૃદયમાંથી ન નીકળી જાઓ. કદાપિ ન નીકળી જાઓ.’ જે મનુષ્યોની વિવેકબુદ્ધિ સજાગ ન હોય તેવા લોકો દુન્યવી વિષયો, જેવા કે લક્ષ્મી, પોશાક, પત્ની, બાળકો, મિત્રો અને સંપત્તિ વિશે કેવી જોરદાર આસક્તિ ધરાવે છે તે આપણે જાણીએ છીએ. આ બધી વસ્તુઓ માટે તેમને કેટલી પ્રબળ આસક્તિ હોય છે ! તેથી જ પ્રાર્થનામાં તે (ભક્ત) આ ઋષિ કહે છે કે ‘મારી તે પ્રકારની તીવ્ર આસક્તિ માત્ર તારા પ્રત્યે જ રહો.’
આસક્તિને જ્યારે ઈશ્વર તરફ વાળવામાં આવે છે ત્યારે તે ભક્તિ કહેવાય છે. ભક્તિ એ કોઈ વિનાશક તત્વ નથી; એ શીખવે છે કે આપણને મળેલી કોઈ પણ શક્તિ નિરર્થક નથી; મોક્ષ પ્રાપ્ત કરવાનો સાહજિક માર્ગ તેનાથી જ મળે છે. ભક્તિ આપણી વૃત્તિઓનો નાશ નથી કરતી, આપણી પ્રકૃતિથી વિરુદ્ધ નથી જતી, પરંતુ વધુ ઉચ્ચ અને વધુ પ્રબળ વલણ આપે છે. આપણે વિષયો પરત્વે કેટલી સહજ આસક્તિ ધરાવીએ છીએ ! તે આપણને એટલા વાસ્તવિક લાગે છે કે તેમ કર્યા વગર આપણે રહી શકતા નથી. ઉચ્ચ વસ્તુઓની સત્યતા આપણને સામાન્યતઃ સમજાતી નથી, પરંતુ જ્યારે મનુષ્ય ઈન્દ્રિયગ્રાહ્ય જગતથી પર કોઈ સત્ય તત્વ જુએ છે ત્યારે તેની આસક્તિ તે તરફ જાય છે. વાત એમ છે કે માણસમાં આસક્તિ હોય તેની હરકત નહીં; પણ તે ઈન્દ્રિયાતીત તત્વ એટલે કે ઈશ્વર તરફ લઈ જતી હોવી જોઈએ. અને જ્યારે પહેલાં જે ભાવ ઈન્દ્રિયોના વિષય પરત્વે હતો તે ઈશ્વર પરત્વે થાય છે ત્યારે તેને ભક્તિ કહે છે. આચાર્ય રામાનુજે એ પ્રબળ પ્રેમ પ્રાપ્ત કરવા માટે નીચેનાં સાધનો બતાવ્યાં છે.
પ્રથમ સાધન છે વિવેક. આ વસ્તુ ખાસ કરીને પાશ્ચાત્ય લોકોને બહુ વિચિત્ર લાગે છે. રામાનુજના મત પ્રમાણે અહીં વિવેકનો અર્થ ‘આહાર વિશેનો વિવેક’ એવો થાય છે. આપણા શરીર અને મનને ઘડવા માટે જે જે તત્વો જોઈએ તે આહાર પૂરાં પાડે છે; મારા શરીરમાં તે તત્વો સંગ્રહાય છે, સચવાય છે ને નવે નવે રૂપે પરિણામ પામે છે, પરંતુ મારું શરીર અને મન મેં જે આહાર લીધો છે તેનાથી કોઈ રીતે જુદાં નથી. જે રીતે આ ભૌતિક જગતમાંની શક્તિ અને મૂળદ્રવ્યમાંથી શરીર અને મન બને છે, તે રીતે શરીર, મન અને ખોરાક વચ્ચેનો ભેદ મુખ્યતઃ માત્ર અભિવ્યક્તિમાં જ છે. આમ હોવાથી આહારમાં રહેલાં જડ પરમાણુઓ વડે આપણે વિચારનું સાધન મન બનાવીએ છીએ, અને એ માંહેની સૂક્ષ્મ શક્તિથી આપણે વિચારને પણ ઉત્પન્ન કરીએ છીએ. તેથી આટલું સિદ્ધ થાય છે કે આપણા વિચાર, અને તેમનું સાધન મન, એ બન્ને ઉપર આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની અસર થાય છે. કેટલાક પ્રકારના ખોરાકો મનમાં અમુક પ્રકારના ફેરફારો આણે છે; આ આપણો નિત્યનો અનુભવ છે. વળી કેટલાક એવા પ્રકારના ખોરાક છે કે જે પ્રથમ આપણા શરીરમાં પરિવર્તન લાવે છે, અને લાંબે ગાળે મન ઉપર પણ તેની ભારે અસર પડે છે. આ રહસ્ય જાણવું ઘણું અગત્યનું છે. મોટા ભાગનાં જે દુઃખો આપણે અનુભવીએ છીએ તેને માટે આપણો ખોરાક જવાબદાર છે. આપણે જણીએ છીએ કે ભારે અને પચાવવો મુશ્કેલ પડે તેવો ખોરાક ખાધા પછી મનને કાબૂમાં રાખવું મુશ્કેલ બને છે; આખો વખત તે ખૂબ દોડાદોડી અને કૂદાકૂદ કરતું રહે છે. કેટલાક પ્રકારનો ખોરાક બહુ ઉત્તેજક હોય છે; આવો ખોરાક લીધો હોય તો મનને કાબૂમાં રાખી શકાતું નથી. વિશેષ પ્રમાણમાં મદિરા કે અન્ય માદક પીણાં પીધા પછી મન ઉપર કાબૂ રહી શકતો નથી, સંયમની મર્યાદા તે ઓળંગી જાય છે, એ આપણો અનુભવ છે.
શ્રી રામાનુજના મત પ્રમાણે ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવો જોઈએ. તેમાં પ્રથમ ‘જાતિ’ એટલે કે ખોરાકનો વર્ગ, એની પ્રકૃતિ આવે છે; આપણે એ વિશે વિચાર કરવો જોઈએ. દાખલા તરીકે, માંસ જેવા સઘળા ઉત્તેજક ખોરાકનો ત્યાગ કરવો જોઈએ; એવો ખોરાક પ્રકૃતિથી જ અપવિત્ર હોવાથી તે લેવો ન જોઈએ. આવો ખોરાક આપણે અન્ય પ્રાણીનો જીવ લઈને જ મેળવી શકીએ છીએ. ક્ષણભર આપણને તે આનંદ આપે છે, પરંતુ આપણા આવા આનંદની ખાતર અન્ય પ્રાણીઓને પોતાના પ્રાણ આપવા પડે છે. એટલું જ નહીં પણ તેથી આપણે અન્ય માનવીને પણ અધમ બનાવીએ છીએ. જો પ્રત્યેક માંસાહારી મનુષ્ય પોતે જ પ્રાણીનો ઘાત કરીને પોતાનો ખોરાક મેળવતો હોય તો તો કંઈક ઠીક; પરંતુ તેમ કરવાને બદલે સમાજ તેવું કામ કરનારાઓનો એક વર્ગ ઊભો કરે છે, અને પછી તેવા કામ બદલ તેને ધિક્કારે છે. ઈંગ્લૅન્ડમાં જ્યૂરીના સભાસદ તરીકે કોઈ કસાઈ બેસી શકતો નથી, કારણ કે સ્વભાવથી જ તે ક્રૂર છે એમ માનવામાં આવે છે. પણ તેને ક્રૂર બનાવે છે કોણ ? સમાજ. જો આપણે કોઈ માંસ ખાતા જ ન હોઈએ તો કસાઈઓની જરૂર રહે નહીં. જેને ભક્ત થવું નથી અને જેને સખત પરિશ્રમની જરૂર પડે છે તેવા માણસનો માંસાહાર ચલાવી શકાય; પરંતુ જો તમારે ભક્ત થવું હોય તો માંસનો ત્યાગ કરવો જોઈએ. તે સાથે ડુંગળી અને લસણ જેવા ગંધાતા સઘળા પ્રકારના ઉત્તેજક પદાર્થોને પણ ત્યજવા જોઈએ. જે ખોરાક ઘણા દિવસનો વાસી હોઈને બગડી ગયો હોય, જે ખોરાકનો કુદરતી રસ શોષાઈ ગયો હોય તથા જે ખોરાકમાં દુર્ગંધ હોય તેને ત્યજવો જોઈએ.
આહાર સંબંધે વિચાર કરવા જેવી બીજી બાબત ‘આશ્રય’ છે. પાશ્ચાત્ય માનસને માટે એ વધારે ગૂંચવણ કરાવનારી છે. ‘આશ્રય’ એટલે જેની પાસેથી આહાર આવતો હોય તે વ્યક્તિ. આ એક અજબ સિદ્ધાંત છે. તે એવો છે કે દરેક મનુષ્ય પોતાની આજુબાજુ એક વાતાવરણ સર્જે છે, અને જે કોઈ વસ્તુને તે અડકે છે તેમાં તે પોતાનું વાતાવરણ, પોતાના વ્યક્તિત્વનો કંઈક અંશ, પોતાની કંઈક અસર મૂકતો જાય છે. એવું મનાય છે કે મનુષ્યનું ચારિત્ર્ય જાણે કે ભૌતિક શક્તિની માફક પોતાની આસપાસ એક તરેહની આભા પાથરતું હોય છે. તેથી જે જે પદાર્થને તે સ્પર્શે છે તેના ઉપર તેની અસર પડે છે. આથી સંધ્યા પછી ખોરાકને કોઈ સ્પર્શે છે તે બાબતની પણ કાળજી રાખવી જોઈએ; કોઈ દુષ્ટ કે દુરાચારી માણસનો તેને સ્પર્શ નહીં થવો જોઈએ. જેણે ભક્ત થવું હોય તેણે દુષ્ટ ગણાતા લોકો સાથે આહાર લેવો ન જોઈએ, કારણ કે તેમ કરવાથી અન્ન દ્વારા તેની દુષ્ટતાની અસર લાગે છે.
આહારશુદ્ધિની ત્રીજી બાબત છે ‘નિમિત્ત’. કચરો અને ધૂળ આહારમાં ન હોવી જોઈએ. ખાદ્ય પદાર્થો બહારથી લાવ્યા પછી તેમને સાફ કર્યા સિવાય ખાવા માટે પીરસવા ન જોઈએ. લાળ તેમ જ અન્ય રસગ્રંથિઓની ક્રિયા પરત્વે પણ આપણે સજાગ રહેવું જોઈએ. જેમ કે આંગળાંથી હોઠનો સ્પર્શ નહીં થવો જોઈએ. હોઠની ત્વચા એ શરીરનો નાજુક ભાગ છે અને સઘળી અસર લાળ દ્વારા સહેલાઈથી ફેલાઈ જાય છે. તેથી તેનો સ્પર્શ, માત્ર ઘૃણાજનક નહીં પણ ભયંકર લેખાવો જોઈએ. વળી અન્યનો છાંડેલો ખોરાક પણ આપણે ખાવો ન જોઈએ. જ્યારે આ બધી બાબતોનો ત્યાગ કરવામાં આવે ત્યારે જ ખોરાક પવિત્ર બને છે. શુદ્ધ આહાર મનને શુદ્ધ બનાવે છે, અને વિશુદ્ધ મનમાં ઈશ્વરસ્મૃતિ નિરંતર જળવાઈ રહે છે.
આ જ વિષય પર અન્ય ભાષ્યકાર શ્રીમદ શંકરાચાર્ય જે કહે છે તે પણ હું તમને કહી દઉં. શંકરાચાર્ય સાવ જુદા પ્રકારે જ વ્યાખ્યા કરે છે. સંસ્કૃતમાં આહાર શબ્દ ‘हृ’ ધાતુ પરથી આવેલ છે. તેનો અર્થ ‘એકઠું કરવું’ એવો થાય છે. ‘આહાર’ એટલે ‘એકઠું કરવું.’ એનો અર્થ શો છે ? શંકરાચાર્ય કહે છે કે ‘આહારશુદ્ધિથી સત્વશુદ્ધિ’નો ભાવાર્થ એ છે કે આપણે ઈન્દ્રિયોના ગુલામ ન બનીએ એટલા માટે આટલી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ – પ્રથમ તો આસક્તિ. ઈશ્વર સિવાય કોઈ વસ્તુમાં આપણે અત્યંત આસક્તિ રાખવી ન જોઈએ. ભલે દરેક વસ્તુ જુઓ, દરેક કામ કરો, પણ તેમાં આસક્ત થાઓ નહીં. તીવ્ર આસક્તિ આવે કે તરત જ મનુષ્ય પોતાને ખોઈ બેસે છે; તે પોતા પર કાબૂ રાખી શકતો નથી અને ગુલામ બની જાય છે. જો કોઈ સ્ત્રી કોઈ પુરુષ ઉપર વિશેષ રૂપે આસક્ત બને છે, તો તે તેની ગુલામ થઈને રહે છે. ગુલામ થવામાં કોઈ અર્થ નથી. કોઈ પણ માનવીનું દાસત્વ સ્વીકારવા કરતાં દુનિયામાં વધુ મહત્વની બીજી ઘણી બાબતો છે. દરેક માનવ પ્રત્યે પ્રેમ રાખો, તેનું કલ્યાણ કરો, પરંતુ કદાપિ તેના ગુલામ ન બનો. પ્રથમ તો આસક્તિ વ્યક્તિગત રીતે આપણને નીચી પાડે છે, અને બીજું આપણને તે અત્યંત સ્વાર્થી બનાવે છે. આ હલકી વૃત્તિને કારણે સ્નેહપાત્રનું શુભ કરવા ખાતર આપણે અન્યને હાનિ પહોંચાડીએ છીએ. આ દુનિયામાં મોટા ભાગનાં દુષ્ટ કૃત્યો કેટલીક વ્યક્તિઓ પ્રત્યેની આપણી આસક્તિને લીધે બને છે; તેથી સત્કાર્ય સિવાય અન્ય કોઈ પણ બાબત પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો ઘટે. પરંતુ પ્રેમ સર્વ પર રાખવો જોઈએ. પછી લઈએ ઈર્ષ્યા. ઈન્દ્રિયોના વિષયોને માટે ઈર્ષ્યા ન થવી જોઈએ; ઈર્ષ્યા સર્વ અનર્થનું મૂળ છે, અને તે જીતવી અતિ દુષ્કર છે. પછી લઈએ ભ્રમણા. આપણે નિત્ય એક વસ્તુને ભૂલથી અન્ય વસ્તુ તરીકે માનીએ છીએ અને પછી તે પ્રમાણે પ્રવૃત્તિ કરીએ છીએ; પરિણામે આપણે દુઃખી થઈએ છીએ. જે અનિષ્ટ છે તેને આપણે ઈષ્ટ માનીએ છીએ; જે કોઈ બાબત કે વસ્તુ ક્ષણભર આપણા જ્ઞાનતંતુઓને ઉત્તેજન આપે તેને આપણે સર્વશ્રેષ્ઠ તરીકે સ્વીકારીને તેમાં ઝંપલાવીએ છીએ; અને ખૂબ મોડેથી આપણને ભાન થાય છે કે આપણને તેનાથી બહુ મોટો આઘાત પહોંચ્યો છે. હરહંમેશ આપણે આ ભૂલમાં પડીએ છીએ, અને જીવનભર આપણે તેમાં અટવાયા કરીએ છીએ. શંકરાચાર્ય એમ માને છે કે ઈન્દ્રિયો જ્યારે વિશેષ આસક્ત ન રહે, ઈર્ષ્યારહિત અને ભ્રમણામુક્ત બને અને તે પ્રમાણે વ્યવહાર કરે, ત્યારે એ કાર્ય અથવા તેમાંથી ઉત્પન્ન થતા સંસ્કારોનો સમુદાય શુદ્ધ આહાર કહેવાય છે. જ્યારે આવો શુદ્ધ આહાર મળે ત્યારે રાગ, ઈર્ષ્યા કે ભ્રમણારહિત બનીને મન વિષયોને ગ્રહણ કરી શકે છે; ત્યારે મન શુદ્ધ બને છે અને ઈશ્વરનું અવિરત સ્મરણ, ध्रुवा स्मृतिः તેને રહ્યા કરે છે.
શંકરાચાર્યનો અર્થ શ્રેષ્ઠ છે એમ સ્વાભાવિક રીતે જ માણસ કહેવાનો. પણ હું ઉમેરવા માગું છું કે શ્રી રામાનુજે આપેલી વ્યાખ્યાની પણ અવગણના કરવી જોઈએ નહીં. જ્યારે તમે ખરા ભૌતિક આહારને વિશે આવી કાળજી રાખો ત્યારે જ મનની શુદ્ધિ વગેરે બીજું બધું મળી શકે. મન માલિક છે એ ખરું; પરન્તુ વિષયોના બંધનમાં ન હોય એવા લોકો આપણામાં બહુ જ થોડા હોય છે. આપણે બધા જડ પદાર્થોને વશ છીએ ત્યાં સુધી તેને અનુરૂપ જડ સાધનોની મદદ આપણે લેવી જોઈએ; પછી જ્યારે આપણે પૂરા શક્તિમાન થઈ જઈએ ત્યારે આપણે ગમે તે ખાઈ-પી શકીએ. ખાવાપીવામાં આપણે શ્રી રામાનુજના સિદ્ધાંતો અપનાવવા ઘટે. સાથોસાથ આપણે મનને શું ખોરાક આપીએ છીએ તેની પણ કાળજી રાખવી ઘટે. ભૌતિક આહારની બાબતમાં આપણે સહેલાઈથી સાવચેતી રાખી શકીએ. પણ સાથોસાથ માનસિક સંયમ પણ હોવો જોઈએ; પછી આપણો આત્મા ધીમે ધીમે વધુ ને વધુ શક્તિશાળી બનતો જશે અને શરીરનો પ્રભાવ ઘટતો જશે. તે પછી આહાર તમને કંઈ નુકશાન નહીં કરે. મોટી મુશ્કેલી એ છે કે પ્રત્યેક વ્યક્તિ કુદકો મારીને સર્વોચ્ચ આદર્શે પહોંચી જવા માગે છે, પણ તે ખરો માર્ગ નથી. તેનાથી તો આખરે પતન જ થાય છે. આપણે તો અહીં જકડાયેલા પડ્યા છીએ; આપણે એ બંધન ધીરે ધીરે તોડવાં જોઈએ. આનું નામ સદ-અસદ વિચાર એટલે કે વિવેક છે.
ત્યાર પછી આવે છે ‘વિમોક’. એટલે કે વાસનાઓમાંથી મુક્તિ. જે ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખવા માગે છે તેણે સર્વ વાસનાઓ છોડવી જોઈએ. ઈશ્વર સિવાય કોઈ વસ્તુની વાસના ન રાખો. ઉચ્ચ જીવનમાં પહોંચવા માટે સહાયભૂત થાય ત્યાં સુધી આ દુનિયા ઠીક છે; તેમ ઉચ્ચ તત્વોને પ્રાપ્ત કરવામાં સહાયક તરીકે ઈન્દ્રિયોના વિષયો પણ ચાલી શકે. આ દુનિયા અંતિમ ધ્યેયે પહોંચવા માટેનું એક સાધન છે, સાધ્ય નથી, એ વાત આપણે હમેશાં ભૂલી જઈએ છીએ. જો તે સાધ્ય હોત તો આપણે આ ભૌતિક શરીરે જ અમર થઈ જાત; આપણે કદી મૃત્યુ પામત જ નહીં. પરંતુ આપણે પ્રતિ પળે આપણી આજુબાજુ લોકોને મૃત્યુ પામતા જોઈએ છીએ અને છતાં મૂર્ખની પેઠે આપણે એમ માનીએ છીએ કે આપણે કદી મરવાના નથી; અને એવી ખાતરીથી આપણે આ ભૌતિકજીવન જ અંતિમ લક્ષ્ય છે તેમ માની બેસીએ છીએ. આપણામાંના નવ્વાણું ટકા લોકોની આ સ્થિતિ છે. આ ખ્યાલ એકદમ છોડી દેવો જોઈએ. જ્યાં સુધી આ દુનિયા આપણી જાતને પૂર્ણત્વને પહોંચવાના સાધન રૂપ રહે ત્યાં સુધી તો ઠીક; પરંતુ જે ક્ષણે તે સાધન બનતી અટકી જાય કે તરત તે અનિષ્ટ રૂપ બને છે. એ જ પ્રમાણે પત્ની, પતિ, બાળકો, પૈસો અને વિદ્યા આપણી પ્રગતિમાં મદદરૂપ થાય ત્યાં સુધી તે બધાં ઈષ્ટ છે; પરંતુ તેમ કરતાં તેઓ અટકે ત્યારે તે અનિષ્ટ રૂપ બને છે. જો પત્ની આપણને ઈશ્વર પ્રાપ્તિમાં સહાયભૂત થાય તો તે યોગ્ય પત્ની છે; પતિ, બાળકો વગેરેનું પણ એમ જ સમજવું. વળી જો ધન બીજાને મદદ કરવામાં સહાયભૂત થાય તો તેની કિંમત છે; નહીંતર એ અનર્થનો જ ઢગલો છે, અને જેટલો વહેલો તેનો ત્યાગ થાય તેટલું સારું.
ત્યાર પછીથી આવે છે ‘અભ્યાસ’. મનને સદા ઈશ્વરાભિમુખ રાખવું જોઈએ. તેમાંથી તેને રોકવાનો કોઈને પણ અધિકાર નથી. નિરંતર તેણે ઈશ્વરનું ચિંતન કરવું જોઈએ. બેશક આ ઘણું મુશ્કેલ કાર્ય છે, છતાં સતત અભ્યાસથી તેમ કરી શકાય છે. આપણી આજની સ્થિતિ તે આપણા પૂર્વ અભ્યાસનું પરિણામ છે; તેવી જ રીતે આપણે ભવિષ્યમાં શું બનશું તે પણ અભ્યાસ જ નક્કી કરી શકે છે. તેથી અભ્યાસની દિશા બદલવી જોઈએ; એક રીતના અભ્યાસે આપણને આવા બનાવ્યા છે, તો હવે બીજી રીતે અભ્યાસ કરીને જેમ બને તેમ જલદી આમાંથી મુક્ત થઈ જાઓ. વિષયના ચિંતને આપણને એવી પરિસ્થિતિમાં લાવી મૂક્યા છે કે એમાં ઘડીમાં રડવું, ઘડીમાં હસવું, પ્રત્યેક સંજોગોને ઘડી ઘડી આધીન થવું અને પ્રત્યેકના દાસ બનવું પડે છે. એ શરમજનક સ્થિતિ છે, છતાં આપણે પોતાને આત્મા તરીકે ઓળખાવીએ છીએ. અન્ય માર્ગે વળો, ઈશ્વરનું ચિંતવન કરો; મનને ભૌતિક કે માનસિક સુખભોગ તરફ જવા દો નહીં, પરન્તુ એક ઈશ્વર પ્રત્યે જ તેને વાળો. જ્યારે તે બીજી બાબતનો વિચાર કરવા દોડે ત્યારે તેને એવો ફટકો મારો કે તે પાછું વળે અને ઈશ્વરચિંતનમાં લાગી જાય. જેમ એક વાસણમાંથી બીજા વાસણમાં રેડાતું તેલ અવિચ્છિન્ન ધારાથી વહે છે, જેમ દૂરથી આવતા ઘંટનાદના સ્વરો એક જ અવિરામ ધ્વનિ રૂપે કર્ણગોચર થાય છે, તે જ પ્રમાણે મન ઈશ્વર તરફ એક જ પ્રવાહ રૂપે વહેવું જોઈએ. આ અભ્યાસમાં મનને પરાણે પ્રવૃત્ત કરવું જોઈએ, એટલું જ નહીં પરંતુ ઈન્દ્રિયોને પણ તેમાં જોડવી જોઈએ. મૂર્ખાઈભરી વાતો સાંભળવા કરતાં ઈશ્વરની વાતો સાંભળવી જોઈએ; બાલિશ વચનો ઉચ્ચારવા કરતાં ઈશ્વર વિશે વાતો કરવી જોઈએ; નકામાં પુસ્તકો વાંચવાને બદલે જેમાં ઈશ્વરની વાતો હોય તેવા સારા ગ્રંથો વાંચવા જોઈએ. મનમાં ઈશ્વરનું સ્મરણ રાખવાના અભ્યાસનું મોટામાં મોટું સાધન કદાચ સંગીત છે. ભક્તિના મહાન આચાર્ય નારદને ભગવાન કહે છે :
‘नाहं वसामि वैकुण्ठे योगिनां हृदये न च ।
मदभक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारद ।।’
‘નારદ ! નથી હું સ્વર્ગમાં વસતો કે નથી યોગીઓનાં હૃદયમાં વસતો; હું તો મારા ભક્તો જ્યાં મારું કીર્તન કરે છે ત્યાં વસું છું.’ સંગીતની મનુષ્યના મન ઉપર બહુ જબરી અસર થાય છે; સંગીત તેને એક ક્ષણમાં એકાગ્ર બનાવી દે છે. તમે જોયું હશે કે જડ, અજ્ઞાન, પામર અને પશુ જેવા મનુષ્યો, કે જેઓ અન્ય સમયે મનને સ્થિર બનાવી શકતા નથી, તેઓ પણ જ્યારે આકર્ષક સંગીત સાંભળે છે ત્યારે તરત જ મુગ્ધ અને એકાગ્ર બની જાય છે. કૂતરાં, સિંહ, બિલાડાં અને સર્પો વગેરે પ્રાણીઓ પણ સંગીતથી મુગ્ધ બને છે.
પછી આવે છે ક્રિયા – અન્યના કલ્યાણ માટેની પ્રવૃત્તિ. સ્વાર્થી મનુષ્યને ઈશ્વરનું સ્મરણ થતું નથી. જેટલા વધારે પ્રમાણમાં આપણે બહાર નીકળી અન્યના હિત માટે પ્રવૃત્તિ કરીએ તેટલા પ્રમાણમાં આપણાં હૃદયો પવિત્ર બને છે અને ઈશ્વર તેમાં વસે છે. આપણાં શાસ્ત્ર પ્રમાણે આવાં પાંચ પ્રકારનાં કર્મો છે. તેને પંચયજ્ઞો કહે છે. પ્રથમ છે સ્વાધ્યાય. દરેક મનુષ્યે દરરોજ કંઈક પવિત્ર અને સારું વાંચન કરવું જોઈએ; આને ઋષિયજ્ઞ કહે છે. બીજું છે ઈશ્વર, દેવો કે સંતોની ઉપાસના; આને દેવયજ્ઞ કહે છે. બીજું આપણા પિતૃઓ પ્રત્યેનું કર્તવ્ય છે કે જેને પિતૃયજ્ઞ કહે છે. ચોથું મનુષ્યો પ્રત્યેનું કર્તવ્ય છે, એને નૃયજ્ઞ કહે છે. કોઈ પણ મનુષ્ય, જ્યાં સુધી ગરીબ અગર જેને કોઈ રહેવાનો આશરો ન હોય તેને આશરો બંધાવી ન આપે, ત્યાં સુધી તેને પોતાના ઘરમાં રહેવાનો અધિકાર નથી. ગૃહસ્થનું ઘર દીન અને દુઃખી માટે સર્વદા ખુલ્લું રહેવું જોઈએ; ત્યારે જ તે ખરો ગૃહસ્થાશ્રમી કહેવાય. જો તે કેવળ પત્ની સાથે રહી આનંદ માણવા પોતા માટે ઘર બાંધે તો તે કદી ઈશ્વરપ્રેમી બનશે નહીં. કોઈ મનુષ્યને પોતાના એકલાને માટે રસોઈ કરવાનો અધિકાર નથી; રસોઈ અન્યને માટે હોવી જોઈએ. અને બીજાને આપ્યા પછી જે બચે તે જ પોતે ખાવું જોઈએ. ભારતમાં એ સર્વ-સામાન્ય રિવાજ છે જ્યારે કોઈ ઋતુની પહેલી પેદાશ – બોર, કેરી વગેરે – બજારમાં આવે ત્યારે તે ખરીદીને પ્રથમ ગરીબ લોકોને તેની લહાણી કરાય; ત્યાર પછી જ પોતે તેનો ઉપયોગ કરે. આ દેશ (** આ વ્યાખ્યાનો અમેરિકામાં અપાયાં હતાં તેથી અહીં ‘આ દેશ’ એવો શબ્દપ્રયોગ કર્યો છે.**) માટે પણ આ પદ્ધતિનું અનુકરણ કરવું સારું છે. આ જાતનો અભ્યાસ માણસને નિઃસ્વાર્થી બનાવશે અને સાથે સાથે એ તેની પત્ની અને બાળકોને માટે સુંદર બોધપાઠ રૂપ થઈ પડશે. યહૂદી લોકો પ્રાચીન કાળમાં વૃક્ષનું પહેલું ફળ ભગવાનને અર્પણ કરતા. તમામ ચીજોનો પ્રથમ ભાગ ગરીબને આપવો જોઈએ; આપણો હક માત્ર તેમાંથી બચેલા ઉપર જ રહે છે. ગરીબો પ્રભુના પ્રતિનિધિ છે; જે કોઈ દુઃખી છે તે પણ તેનું જ પ્રતીક છે. જે કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુનું દાન કર્યા સિવાય ઉપભોગ કરે છે અને તેમાં આનંદ માણે છે, તે ખરી રીતે પાપનો જ ઉપભોગ કરે છે. પાંચમું આવે છે પ્રાણીઓ પ્રત્યેનું આપણું કર્તવ્ય. એને ભૂતયજ્ઞ કહે છે. તમામ પ્રાણીઓ મનુષ્ય માટે કપાવા અને તેની મરજી મુજબના ઉપભોગ માટે સર્જાયાં છે એમ માનવું એ આસુરી વૃત્તિ છે. તે શેતાનનું શાસ્ત્ર છે, ભગવાન નહીં. એ જ રીતે કોઈ પણ પ્રાણીને મારીને તેનો શરીરના કોઈ ભાગમાં અમુક અમુક નસો તરફડે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવું એ કેટલું શેતાનિયત ભરેલું છે તેની કલ્પના કરવી જ બસ છે ! પરદેશી રાજ્યસત્તાની હકૂમત તળે એને ગમે તેટલું ઉત્તેજન મળે તોપણ અમારા દેશમાં આવી પરિસ્થિતિ હજુ સૌ કોઈ ચલાવી લેતા નથી તે જાણીને મને આનંદ થાય છે. અમારા ઘરોમાં રાંધેલી રસોઈનો એક ભાગ પ્રાણીઓ માટે પણ હોય છે. તેમને રોજ અન્ન આપવું જોઈએ; આ દેશના પણ દરેક શહેરમાં દૂબળાં, લૂલાં, લંગડાં તેમજ આંધળાં પ્રાણીઓ (ઘોડાં, ગાય, કૂતરાં અને બિલાડાંઓ) માટે દવાખાનાં હોવાં જોઈએ તથા ત્યાં તેમને ખોરાક આપીને સંભાળ લેવાની વ્યવસ્થા હોવી જોઈએ.
ત્યાર પછી આવે છે કલ્યાણ : એટલે પવિત્રતા. તેમાં નીચેના ગુણોનો સમાવેશ થાય છે. સત્ય; જે સત્યપરાયણ છે તેને સત્ય-સ્વરૂપ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. વિચાર, વાણી અને કર્મ સંપૂર્ણ રીતે સાચાં હોવાં જોઈએ. ત્યાર પછી આવે છે આર્જવ, એટલે સરળતા, પ્રામાણિકતા. આ શબ્દનો અર્થ થાય છે હૃદયની નિખાલસતા; હૃદયમાં કશી કુટિલતા એટલે કે અંદર એક અને બહાર બીજું ન રાખવું તે; આડાઅવળા નહીં પણ સીધે રસ્તે જવું તે. પછી આવે છે દયા, કરુણા. પછી આવે અહિંસા એટલે મન, વચન, કર્મથી કોઈને પીડા ન પહોંચાડવી તે. પછી દાનથી ચડિયાતો બીજો કોઈ સદગુણ નથી. જે મનુષ્યનો હાથ લેવા માટે લંબાય છે તે નીચો છે; જેનો હાથ દેવા માટે લંબાય છે તે ઊંચો છે. હાથ દાન દેવા માટે સર્જાયો છે. પોતે ભૂખ્યા રહીને પણ તમારા રોટલાનું છેલ્લું બટકું પણ દાનમાં આપી દો. બીજાને આપવાને કારણે જો ભૂખથી મૃત્યુ પામશો તો તે જ ક્ષણે તમે મુક્ત થઈ જશો; તે જ ક્ષણે તમે પૂર્ણત્વ પ્રાપ્ત કરશો અને ઈશ્વરસ્વરૂપ બની જશો. જેમને સંતાન છે તે લોકો બંધાયેલા છે; તેઓ દાન કરી શકે નહીં. તેમને સંતતિનો આનંદ ચાખવો છે એટલે તેની કિંમત તેમણે ચૂકવવી જ પડે. દુનિયામાં બાળકોનો ક્યાં તોટો છે ? સ્વાર્થી ભાવનાથી પ્રેરાઈને જ માણસ કહે છે કે ‘મારે મારું બાળક હોય તો સારું.’
ત્યાર પછી આવે છે અનવસાદ એટલે વિષાદનો અભાવ, એટલે કે આનંદી સ્વભાવ. વિષાદ એ બીજું ગમે તે હોય, પણ ધર્મ નથી. હમેશાં પ્રાર્થનાથી આનંદી અને હસમુખા બનવાથી મનુષ્ય ઈશ્વરની વધુ સમીપ પહોંચે છે. જે મન વિષાદભર્યું અને જડ હોય તેમાં પ્રેમ ક્યાંથી ઉદ્દભવે ? તેઓ પ્રેમની વાત કરે તો સમજજો કે એ ખોટી છે. એ લોકો તો બીજાને દૂભવવા માગતા હોય છે. ધર્માંધ મનુષ્યોને જુઓ; તેમના ચહેરા ભારેખમ રહે છે, અને તેમનો ધર્મમાત્ર શબ્દો અને આચરણથી અન્ય સાથે ઝઘડવામાં જ સમાઈ જાય છે. ભૂતકાળમાં તેઓએ શું કર્યું છે, અને છૂટા મૂકવામાં આવે તો અત્યારે તેઓ શું કરે તેનો ખ્યાલ કરો. જો તેમને સત્તા મળે તો કાલે જ આખી દુનિયાને લોહીની નદીમાં તરબોળ કરી દે. સત્તાના પૂજારી બનીને, મનમાં વિષાદ રાખીને, તેઓ પોતાના હૃદયમાંથી પ્રેમભાવનાના અંકુરોને જડમૂળમાંથી કાઢી નાખે છે. એ જ પ્રમાણે જે માણસ સર્વદા પોતાને દુઃખી માન્યા કરે છે તે પણ ઈશ્વરની સમીપ કદી પહોંચી શકશે નહીં. ‘હું કેટલો દુઃખી છું !’ એમ કહેવું તે ધર્મ નથી. નર્યો અસુરભાવ છે. દરેક મનુષ્યને પોતાનો બોજો વહેવાનો તો હોય જ છે. જો તમે દુઃખી હો તો સુખી થવાનો, દુઃખ ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરો.
નિર્બળ મનુષ્ય ઈશ્વરને પામી શકશે નહીં. કદી પણ નિર્બળ ન બનો; શક્તિમાન બનો. તમારામાં અનંત શક્તિ ભરેલી છે. બીજી કઈ રીતે વિજયી બની શકશો ? બીજી કઈ રીતે તમે ઈશ્વરની સમીપ પહોંચી શકશો ? પરન્તુ તે સાથે જ તમારે અતિ હર્ષ છોડવો જોઈએ. આવી સ્થિતિમાં રહેતું ચિત્ત કદી શાંત બની શકતું નથી; ચંચળ બને છે. આનંદનો અતિરેક પાછળથી દુઃખ લાવે છે. હર્ષ અને શોકનાં આંસુઓ સહોદર જેવાં છે; મનુષ્યો ઘણીવાર એક છેડેથી એકદમ બીજે છેડે જાય છે. મનને આનંદમાં ભલે રાખો, પણ શાંત રાખો. તમે કોઈ રીતે મનને અતિરેકમાં જવા ન દો, કારણ કે દરેક પ્રકારનો અતિરેક આખરે તેનો પ્રત્યાઘાત લાવે જ છે.
શ્રીરામાનુજના મત પ્રમાણે ભક્તિ માટેની આ બધી પૂર્વ તૈયારી છે.
[આ ભાગના કુલ પાન : 373. (કુલ ભાગ 1 થી 10). કિંમત : અપ્રાપ્ય. પ્રાપ્તિસ્થાન : શ્રી રામકૃષ્ણ આશ્રમ. ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ-360001.]
No comments:
Post a Comment