Φ अपना विषय खोजे

Saturday, May 19, 2012

સિરક્રીક વિવાદ?


ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર આવેલ સિરક્રીક (દરિયાઈ ખાડી) ની એક તરફ આપણું કચ્છ છે તો બીજી તરફ પાકિસ્તાનનો સિંધ પ્રદેશ છે. ૯૬ કિલોમીટરની આ ક્રીકનો વિભાવાદ આઝાદી અને ગલા વખતથી ચાલ્યો આવે છે. સિરક્રીક વિસ્તારમાં ઓઈલ અને ગેસનો જથ્થો હોવાની શક્યતા છે. દરિયા અને નદીનું ખારું-મીઠું પાણી ભેગું થતું હોવાથી આ વિસ્તારમાં કીમતી માછલીઓ પાકે છે. અલબત્ત, વિવાદિત જગ્યા હોવાથી આ ક્રીક સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ વિવાદ ઉકેલવા માટે અનેક મંત્રણાઓ થઈ છે. તા. ૧૪થી તા. ૧૬ મે વચ્ચે નવી દિલ્હીમાં બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણાઓ થવાની હતી પણ સિયાચીનનો મુદ્દો વચ્ચે નાખી પાકિસ્તાને મંત્રણા મુલતવી રાખી. આખરે શું છે આ સિરક્રીક વિવાદ?
ભારતની આઝાદી ભાગલા લઈને આવી હતી. ૧૯૪૭થી પાકિસ્તાન સાથે અનેક મુદ્દે વિવાદો ચાલતા રહ્યા છે અને યુગો સુધી ચાલતા રહેશે. પાકિસ્તાન આપણાથી જ છૂટું પડેલું આપણું સૌથી નજીકનું પડોશી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મુદ્દે ચકમક ઝરતી રહે છે. તેમાં એક છે કશ્મીર, બીજું સિયાચીન અને ત્રીજું સિરક્રીક. એમ તો જૂનાગઢ અને હૈદરાબાદ મુદ્દે પણ પાકિસ્તાને ઉહાપા કર્યા છે પણ ત્યાં પાકિસ્તાન કંઈ કરી શકે તેમ નથી. આ બંને શહેર ભારતની ભૂમિ વચ્ચે આવેલાં છે, પણ બાકીના ત્રણેય વિસ્તારો બોર્ડર પર છે અને તેની માલિકી અને કબજાના મામલે બંને દેશ વચ્ચે બંદૂકો અને તોપો ધણધણતી રહે છે.
જો બધું જ નિર્ધારિત સમય મુજબ ચાલ્યું હોત તો તા. ૧૪ મી મેથી આજ દિવસ સુધી નવી દિલ્હીમાં ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે સિરક્રીક મુદ્દે મંત્રણા ચાલતી હોત.
પાકિસ્તાને છેલ્લી ઘડીએ સિરક્રીક મંત્રણાની બેઠક પાછી ઠેલી દીધી અને કહ્યું કે પહેલાં સિયાચીન મુદ્દે વલણ સ્પષ્ટ થાય પછી સિરક્રીક મુદ્દે વાત કરીશું. જૂનની ૧૧મી તારીખથી બંને દેશો વચ્ચે સિયાચીન મુદ્દે વાતચીત થવાની છે. એ પછી ૨૨મી જૂને સિરક્રીક મુદ્દે મંત્રણા કરવાનું નક્કી થયું છે. જોકે તેનો આધાર સિયાચીનની મંત્રણામાં શું થાય છે તેના ઉપર રહેશે. સિરક્રીકની મંત્રણા મુલતવી રાખવા પાકિસ્તાન ભલે ગમે તે બહાનાં કાઢે પણ વધુ એક વખત તેની દાનત છતી થઈ ગઈ છે.
પાકિસ્તાનની હાલત અત્યારે એવી છે કે ભારત સાથેના સંબંધમાં તે નથી આગળ વધી શકતું કે નથી પાછળ જઈ શકતું. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારી થોડા સમય અગાઉ અજમેરમાં જિયારતના બહાને ભારત આવી ગયા. એ સમયે તેઓએ બધા મુદ્દે ખુલ્લા દિલે વાતચીત આગળ વધારવાની વાત કરી હતી. ત્યારે એવું લાગતું હતું કે સિરક્રીક મંત્રણાઓ સારી રીતે થશે પણ એવું થયું નહીં.
સિરક્રીક સાથે ગુજરાત સીધી રીતે સંકળાયેલું છે. કચ્છની બોર્ડર જમીન અને જળમાર્ગથી પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આ બોર્ડર ભૌગોલિક રીતે એવી છે કે ત્યાં અવરજવર અશક્ય ન હોય તો પણ મુશ્કેલ તો ચોક્કસ છે જ. રણ, ખાડી અને દલદલ આ બોર્ડરને સ્પર્શે છે. કચ્છના જિલ્લામથક ભૂજથી ૧૬૫ કિમી. દૂર જાવ એટલે કોટેશ્વર આવે. કોટેશ્વરથી ૪૦ નોટિકલ માઈલ જાવ એટલે સિરક્રીક આવે. બોર્ડર હોવાથી આ વિસ્તાર પ્રતિબંધિત એરિયા છે. સિરક્રીકની માલિકી અંગે બંને દેશોના દાવાઓ ચાલતા રહ્યા છે.
સિરક્રીક આખરે છે શું? સાવ સરળ ભાષામાં સમજવું હોય તો કહી શકાય કે ભારત અને પાકિસ્તાનની જમીન વચ્ચે આવેલી આ એક દરિયાઈ ખાડી છે. સિરક્રીકની લંબાઈ ૯૬ કિલોમીટર છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલતા આ વિવાદમાં ખાડીની બરાબર વચ્ચેથી ભાગ પાડવાની વાત છે. ખાડીના નકશા ઉપર લાઈન દોરી દેવાની અને અડધી અડધી ખાડી વહેંચી લેવાની. એમ તો આખા વિસ્તારને આંતરરાષ્ટ્રીય દરિયો ગણવાની પણ વાતો થતી આવી છે. બાકી તો બંને દેશ આખેઆખી ક્રીકની માલિકીના દાવા કરે છે. પાકિસ્તાન બોમ્બે ગવર્નમેન્ટ રિઝોલ્યુશન ઓફ ૧૯૧૪નો આધાર આગળ ધરીને સિરક્રીક પર દાવો કરે છે. એ સમયે રાવ મહારાજા ઓફ કચ્છ અને સિંધની સરકાર વચ્ચે સિરક્રીક મામલે એક સમજૂતી થઈ હતી. જોકે એ પછી તો ઘણી ઘટનાઓ બની ગઈ.
સિરક્રીકની એક તરફ આપણું કચ્છ છે તો બીજી તરફ પાકિસ્તાનનો સિંધ પ્રાંત છે. પાકિસ્તાન સિરક્રીકને નેવિગબલ એટલે કે વહાણોની અવરજવર થઈ શકે તેવી ખાડી કહે છે. જ્યારે ભારત સિરક્રીકને નોનનેવિગબલ કહે છે. અત્યારે તો આ વિસ્તારમાં પ્રતિબંધ લાદી દેવાયો છે.
હવે બીજો એક સવાલ. દરિયાઈ ખાડી હોવા છતાં બંને દેશને આ વિસ્તારમાં રસ શું છે? તેનાં અનેક કારણો છે. એક અને સૌથી મોટું કારણ એ છે કે આ વિસ્તારમાં ઓઈલ અને ગેસ મળી આવવાની શક્યતા છે. અલબત્ત, વિવાદના કારણે ત્યાં ખરેખર શું અને કેટલું છે તેનો અભ્યાસ કે તપાસ પણ થઈ શકતી નથી. છતાં આ એક એવી લાલચ છે કે જ્યાંથી આર્થિક ફાયદો થાય. બીજું એક કારણ એ છે કે આ ક્રીક વિસ્તારમાં નદી અને દરિયાના પાણીનું મિલન થાય છે. જે જગ્યાએ ખારા અને મીઠા પાણીનો સંગમ થાય છે ત્યાં કીમતી માછલીઓ પાકે છે. આ માછલીઓ પકડવાની લાલચે ઘણી વાર માછીમારો આ પ્રતિબંધિત વિસ્તારમાં જવા લલચાય છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ પાકિસ્તાની માછીમારોની બોટ પકડે છે અને પાકિસ્તાન કોસ્ટ ગાર્ડ ભારતીય માછીમારોની બોટને.
મુંબઈના આતંકવાદી હુમલા પછી આ ક્રીક સુરક્ષાની દૃષ્ટિએ પણ મહત્ત્વની અને જોખમી બની છે. કચ્છ બોર્ડર પર બીએસએફ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ તહેનાત છે. સામાન્ય રીતે દરિયાઈ સુરક્ષાની જવાબદારી કોસ્ટ ગાર્ડ અથવા તો નેવી હસ્તક હોય છે, પણ કચ્છની વિચિત્ર ભૌગોલિક પરિસ્થિતિને કારણે ભારતમાં સૌપ્રથમ વખત બીએસએફની વોટરવીંગ શરૂ કરવામાં આવી હતી. વોટરવીંગ અહીં સફળ ગઈ પછી દેશના બીજા વિસ્તારોમાં શરૂ કરવામાં આવી હતી.
સિરક્રીક એવો વિસ્તાર છે જ્યાં ભરતીના સમયે જ પેટ્રોલિંગ થઈ શકે છે. ઓટ વખતે દૂર સુધી પાણી અંદર ચાલ્યાં જાય છે અને ઘણા કિનારે દલદલ બની જાય છે. આ પંથકમાં જવાનો પણ ફસાઈ ગયા હોય તેવા કિસ્સાઓ અનેક વખત બન્યા છે. એટલે આ વિસ્તાર પણ ખતરાથી ખાલી નથી.
દરિયાઈ ઉપરાંત હવાઈ માર્ગે પણ બોર્ડર વાયોલેશનની ઘટનાઓ બની છે. ગુજરાતના એક મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના વિમાનને પાકિસ્તાની સેનાએ કચ્છ બોર્ડર ઉપર જ ઉડાવી દીધું હતું. ૧૯૯૯માં બનેલી એક ઘટનાએ પણ બંને દેશ વચ્ચે તનાવ ઊભો કરી દીધો હતો. એ દિવસ હતો, ૧૦મી ઓગસ્ટ, ૧૯૯૯નો. કચ્છની બોર્ડર ઉપર ઊડતાં પાકિસ્તાનના નેવલ સર્વેલન્સ પ્લેનને ભારતીય વાયુસેનાના વિમાને ઉડાડી દીધું હતું. પાકિસ્તાનના વિમાનમાં પાકિસ્તાની નેવીના પાંચ ઓફિસરો સહિત ૧૬ લોકો હતા. ભારતના રડારમાં દેખાયું કે આ વિમાન ભારતીય સીમામાં ઘૂસ્યું છે. તરત જ ઇન્ડિયન એરફોર્સનું મીગ-૨૧ જેટ રવાના થયું. એર ટુ એર મિસાઈલ છોડીને પાકિસ્તાનના વિમાનને ઉડાવી દીધું. સોળેસોળ લોકોનાં મોત થયાં. ઇન્ડિયન એરફોર્સનું વિમાન સ્ક્વોર્ડન લીડર પી કે. બુંદેલા લઈને ગયા હતા. પાકિસ્તાનના વિમાનને ઉડાવી દેવાની ઘટના બાદ સ્કવોર્ડન લીડર પી.કે. બુંદેલાને વાયુસેના મેડલ પણ અપાયો હતો.
પોતાનું વિમાન ઉડાવી દેવાતા પાકિસ્તાને બુમરાણ મચાવી હતી અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પણ ફરિયાદ કરી હતી. આ વિમાનમાં શસ્ત્રો હતાં જ નહીં અને એ પાકિસ્તાનના હવાઈ વિસ્તારમાં જ ઊડતું હતું તેવા દાવા પાકિસ્તાને કર્યા હતા. વિમાનનો ભંગાર પણ પાકિસ્તાનની હદમાં જ પડયો હતો. જોકે ભારતે કોઈ દરકાર કરી ન હતી.
કચ્છમાં રણ માર્ગે ઘૂસણખોરીના કિસ્સાઓ બનતા રહ્યા છે. અનેક પાકિસ્તાનીઓ કચ્છ બોર્ડરે પકડાયા છે. અનેક રીતે કચ્છ બોર્ડર અત્યંત સંવેદનશીલ છે, એટલે જ સિરક્રીકનું મહત્ત્વ વધી જાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભૂતકાળમાં સિરક્રીક મુદ્દે અનેક મંત્રણાઓ થઈ છે પણ કોઈ પરિણામ આવ્યું નથી. આ વખતે કદાચ બેઠક થઈ હોત તો પણ કંઈ પરિણામ આવે એવું લાગતું ન હતું. આ વિવાદ ઉકલે એવા કોઈ અણસાર અત્યારે તો જોવા મળતા નથી. આ વિવાદ દાયકાઓથી ચાલ્યો આવે છે અને કદાચ સદીઓ સુધી ચાલતો રહેવાનો છે. વચ્ચે વચ્ચે છમકલાં અને મંત્રણાઓ થતાં રહેશે. જો કે છમકલાંઓને બદલે મંત્રણાઓ થતી રહે તો પણ કંઈ ખોટું નથી. આ વિવાદના કારણે આ વિસ્તારમાં પાકતી માછલીઓને આરામથી જીવી શકે તેવું અભયારણ્ય મળી ગયું છે.       

No comments:

Post a Comment