માણસના ખોળિયામાં ક્યારેય એક માણસ નથી વસતો હોતો, એકસાથે અનેક માણસ એમાં જીવતા હોય છે અને સમય આવ્યે એનાં અનેક રૂપ પ્રગટ થતાં આપણને જોવા મળે છે. માત્ર રાવણ જ નહીં, સામાન્ય માણસ પણ દસ કે તેથી વધારે માથાંઓ-મહોરાંઓ-ચહેરાઓ ધરાવે છે. માત્ર એક જ ચહેરાથી કેટલા જીવે છે?
અગિયારમી સદીની શરૂઆતમાં જન્મેલા ઉમર ખય્યામની રુબાઈઓનું ભાષાંતર, ફારસીમાંથી દુનિયાની લગભગ બધી જ ભાષાઓમાં થઈ ચૂક્યું છે. અંગ્રેજીમાં થયેલો તેનો એક અનુવાદ આ પ્રમાણે છે.
A religious man said to a whore, ‘you’re drunk, Caught every moment in a different snare.’
she replied, ‘oh shaikh, I am what you say, Are you what you seem?’
(એક ધર્માધિકારીએ એક વારાંગનાને કહ્યું, 'તું તો દરેક પળે કોઈકને ફંદામાં ફસાવવામાં જ રત રહે છે.' વારાંગનાએ જવાબ આપ્યો, 'હે શેખ, તમે જે કહો છો એવી જ હું છું, પરંતુ તમે દેખાવ છો એવા છો ખરા?)
સદીઓ પહેલાં ઉમર ખય્યામે જે વેધક પ્રશ્નો કર્યો છે એ આજે પણ એટલો જ વેધક રહ્યો છે. માણસ જેવો હોય એવો દેખાઈ શકતો નથી. એટલો સરળ એ થઈ શકતો નથી. એનું વ્યક્તિત્વ જેટલું ખુલ્લું હોય છે એના કરતાં અનેક ગણું વધારે ધરબાયેલું હોય છે. માણસ જુદી જગ્યાએ, જુદા સમયે, જુદી વ્યક્તિ સાથે જુદો જ હોય છે. એ ક્યારેય બધી જગ્યાએ, બધા સાથે બધા સમયે એકસરખો હોઈ શકતો નથી. અનેક હત્યાઓ કરનાર ડાકુ પણ પોતાનાં સંતાનોનો તો પ્રેમાળ પિતા જ હોય છે. એક જગ્યાએ એ ક્રૂર હત્યારો છે તો બીજી જગ્યાએ પ્રેમાળ સ્વજન છે.
માણસના ખોળિયામાં ક્યારેય એક માણસ નથી વસતો હોતો, એકસાથે અનેક માણસ એમાં જીવતા હોય છે અને સમય આવ્યે એનાં અનેક રૂપ પ્રગટ થતાં આપણને જોવા મળે છે. માત્ર રાવણ જ નહીં, સામાન્ય માણસ પણ દસ કે તેથી વધારે માથાંઓ-મહોરાંઓ ચહેરાઓ ધરાવે છે. માત્ર એક જ ચહેરાથી કેટલા જીવે છે?
અને માણસ દુનિયામાં જેમ વધુ ને વધુ સત્તા, પૈસા, કીર્તિ મેળવતો થાય છે તેમ તો મનુષ્ય તરીકે એનાં અનેક રૂપો પ્રગટ થવા માંડે છે.
માણસનાં બાહ્ય રૂપ-મહોરાં જેમ જેમ વધતાં જાય તેમ તેમ એ એનો કેદી થતો જાય છે અને સમય જતાં વધુ ને વધુ મજબૂત થતી જતી એની દીવાલો વચ્ચે એ જકડાતો જાય છે. એનાથી છૂટવાનું એના માટે દુષ્કર થતું જાય છે. પોતાની જે સ્થિતિ છે, પોતે જેવો છે એવો ખુલ્લો ન પડી જાય એ માટેના સભાન પ્રયત્નો એના માટે ક્યારેક આત્મઘાતક પણ નિવડે છે.
ઉદાહરણ તરીકે માણસ જ્યારે આર્થિક રીતે નબળો હોય પણ એના ઉપર પૈસાદાર માણસનું મહોરું લાગેલું હોય ત્યારે એણે અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પોતાના મિત્રો, સંબંધીઓ કે સગાંવહાલાંઓ સાથે વહેવાર કે સંબંધ જાળવી રાખવા, પોતાનો મોભો જાળવી રાખવા એ જે જાળું રચે છે એમાં એ પોતે જ ફસાતો જાય છે.
આર્થિક ભીંસને કારણે થતી આત્મહત્યાઓના જે સમાચારો આપણે વાંચીએ, સાંભળીએ છીએ એ આનું જ પરિણામ છે. માણસ પોતાની ખરી પરિસ્થિતિને છુપાવતો ફરે છે અને છેલ્લે, પોતાનો ખરો ચહેરો ખુલ્લો ન પડી જાય એ ડરે અંતિમ પગલું પણ ભરી લે છે.
ખય્યામનો જન્મ ખુરાસાનમાં આવેલા નૈશાપુર ગામમાં થયેલો. ફારસીમાં 'નય'નો અર્થ વાંસ થાય છે. કહેવાય છે કે આ શહેર જ્યાં વસેલું છે ત્યાં પહેલાં વાંસનું જંગલ હતું. ખય્યામ ધર્મ અને તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી હતા. ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યામાં પણ પારંગત હતા અને એ બધાથી વિશેષ તેઓ એક મોટા ગજાના કવિ હતા.
કહે છે કે ઉમર ખય્યામનું મૃત્યુ બહુ શાંતિથી થયું હતું. તે દિવસે સાંજ સુધી તેમણે કાંઈ પણ ખાધું નહોતું. નમાજ પઢી તેમણે સિજદામાં માથું નમાવીને કહ્યું હતું, "ઓ ખુદા મારી શક્તિ મુજબ મેં તને ઓળખવા પ્રયાસ કર્યો. તારા વિશેનું જ્ઞાન મારા ગજા મુજબનું આટલું જ પ્રાપ્ત થઈ શક્યું, મને માફ કર.''
ઈ.સ. ૧૮૫૭માં એડવર્ડ ફિટઝેરાલ્ડે ખય્યામની રુબાઈઓનું ભાષાંતર પહેલી વાર અંગ્રેજીમાં કર્યું એ વખતે એની માત્ર ૨૦૦ નકલો છપાઈ હતી, જેના ઉપર કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહોતું. પ્રકાશકે એ પસ્તીના ભાવે વેચવી પડી હતી, પરંતુ એ પછી તો એની અનેક વાર આવૃત્તિઓ થઈ છે અને દુનિયાની અનેક ભાષાઓમાં રુબાઈઓના અનુવાદ થઈ ચૂક્યા છે.
મારો ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાતીમાં, મોરબીના હરિલાલ દ્વારકાદાસ સંઘવીએ ઈ.સ. ૧૯૨૭માં રુબાઈઓનો અનુવાદ પ્રગટ કરેલો છે. મૂળ ફારસી ભાષામાંથી ભારે જહેમત લઈને એમણે એ ભાષાંતર કરેલું છે.
શૂન્ય પાલનપુરીએ પણ ખય્યામની રુબાઈઓનું ફારસીમાંથી જ ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે અને તેમાં એમણે લખ્યું છે કે, "ગુજરાતીમાં મારા જાણવા પ્રમાણે ઘણા અનુવાદો થાય છે. કેટલાક પ્રગટ થયેલા છે તો કેટલાક અપ્રગટ છે. મારો પ્રયાસ લગભગ ચૌદમો ગણાય.''
હરિલાલ સંઘવીએ ગુજરાતીમાં ઉતારેલ બે રુબાઈઓ જોઈએ. "પ્રભુ, તું તો દયાળુ છો, દયા ઉદાર તારી છે, પ્રભુ તો પાપી જન સૌ એ સ્વર્ગની બહાર શીદને છે? અમારી ભક્તિથી દે તો ન તારી એ કરીમી છે, પ્રભુ ઉદ્વાર પાપીને, કરીમી તો જ તારી છે."
ખય્યામ ઈશ્વરને કહે છે કે, હે ઈશ્વર તું દયાળુ કહેવાય છે. અમારી ભક્તિ અને પુણ્યથી જો તું અમને સ્વર્ગ આપે તો એમાં તારું દયાળુપણું ક્યાં આવ્યું? પાપીજનને તું સ્વર્ગમાં સ્થાન આપે તો જ તું ખરો દયાળુ.
બીજી એક રુબાઈનું ભાષાંતર આ પ્રમાણે છેઃ
ખય્યામ! તારા પાપ માટે દુઃખ તું શીદને ધરે, દુઃખી થવાથી શું વધારે ખોટ હાંસલ છે તને?
પાપો નથી જેણે કર્યાં તેને રહમ પર હક નથી, રહમ છે પાપીજન માટે નકામો ના દુઃખી થાજે
સરળતાથી સમજાય એવી આ રુબાઈ વિષે કોઈ ખાસ વિવરણની જરૂર નથી.
'શૂન્ય' પાલનપુરી લખે છે કે રુબાઈઓનો અનુવાદ રુબાઈ તરીકે નહીં, પણ મુક્તક તરીકે મેં કર્યો છે. મુક્તક અને રુબાઈમાં ફેર ફક્ત છંદનો છે. ભાષાનું લાવણ્ય જાળવી રાખવા મારે ક્યાંક ક્યાંક છૂટ પણ લેવી પડી છે.
તત્ત્વજ્ઞાનથી ભરપૂર એવી કેટલીક રુબાઈઓ શૂન્ય પાલનપુરીના શબ્દોમાં જોઈએઃ
શું કુબેરો? શું સિકંદર? ગર્વ સૌનો તૂટશે
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી કાલે કૂંજો ફૂટશે.હું માનું છું કે આ રુબાઈ એટલી સરળ છે કે એના ઉપર પણ કશી ટિપ્પણીની જરૂર નથી.
કુંભાર માટીને ખૂંદીને એને ગુંદીને જુદા જુદા આકાર આપે છે, એ નવું સર્જન કરે છે, પરંતુ અહીં ખય્યામે તત્ત્વજ્ઞાન આપવામાં એનો અદ્ભુત ઉપયોગ કર્યો છે.
કાલ મેં લીલા નિહાળી હાટમાં કુંભારની,
માટી પર ઝડીઓ વરસતી જોઈ અત્યાચારની;
વ્યગ્ર થઈને માટી બોલી, 'ભાઈ કૈં વિવેક રાખ,
મેંય તારી જેમ ચાખી છે મજા સંસારની.
કાલ કૂંજાગરને જોયો બેફિકર અંજામથી,
ચાક પર એને હતું બસ કામ કેવળ કામથી;
રંકના કર મેળવીને રાયના મસ્તક સાથ,
દાંડીઓ ને કાંઠલા ઘડતો હતો આરામથી.
જામ ઘડનારા! કરે છે શું તમે કૈં જ્ઞાન છે?જેને તું ખૂંદી રહ્યો છે એ તો એક ઈન્સાન છે,
આંગળી અકબરની, માથું કોઈ આલમગીરનું,
ચાક પર શું શું ધર્યું છે, મૂર્ખ તૂજને ભાન છે?
કાળની વણઝાર ચાલી જાય છે, ચાલી જશે,
પ્રાણ થઈ જશે પલાયન ખોળિયું ખાલી થશે;
ખુશ રહે કે જેટલાં મસ્તક જુએ છે તું અહીં;એક દિવસ એ બધાં કુંભારના ચરણે હશે.
No comments:
Post a Comment