Φ अपना विषय खोजे

Saturday, May 19, 2012

પાસપોર્ટ કઢાવવા અંગે તમામ વિગત


પાસપોર્ટ કઢાવવા અંગે તમામ વિગત આપશો? પરદેશમાં પાસપોર્ટ ખોવાય તો?

પાસપોર્ટ કઢાવવા માટે અમદાવાદ ખાતેની પાસપોર્ટ ઓફિસમાં જઈ વિગતવાર કાર્યવાહી થઈ શકે. બીજો ઉપાય પોસ્ટ ઓફિસમાં કે પોલીસ સ્ટેશનમાં પણ જવાનો છે. પાસપોર્ટ માટેની ફી એક હજાર રૂપિયા છે. પાસપોર્ટ માટેનું ફોર્મ મેળવી વાંચશો તો તેમાં બધી જ વિગતો આપી હશે. તમે જાતે જ આ ફોર્મ ભરી શકો છો. જો તમે એજન્ટ કે બીજા કોઈ વચેટિયાની મદદ લેવા જશો તો રૂપિયાનું ધોવાણ થશે.
પાસપોર્ટ ફોર્મ ભરતી વખતે એકદમ ચીવટ રાખો. કોઈ વિગત ખોટી ભરશો નહીં. અરજી સાથે જ ફી ડ્રાફ્ટ અથવા રોકડેથી ભરી શકાય છે. તમારા બધા દસ્તાવેજો કમ્પ્લિટ હોય અને પોલીસ ક્લિયરન્સ મળી જાય તો દોઢેક મહિનામાં પાસપોર્ટ મળી જતો હોય છે. જેમને વારંવાર પરદેશ જવાનું થતું હોય એમણે ૪૮ પાનાંનો પાસપોર્ટ કઢાવવો જોઈએ.
પાસપોર્ટ આવી જાય એટલે પહેલા તો તપાસી લો કે બધી વિગતો સાચી છે કે કેમ? જો કશું સુધારા કરવા જેવું જણાય તો તુરંત પાસપોર્ટ ઓફિસનો સંપર્ક કરો. પાસપોર્ટ તૈયાર થયા પછી તમારા ઉપરાંત નજીકનાં સગાં-સબંધીઓને પણ તેની એક નકલ આપી રાખો, જેથી ઇમર્જન્સીમાં કામ લાગી શકે. પરદેશમાં ગયા પછી પાસપોર્ટ ગુમ થાય તો મુશ્કેલી ઊભી થઈ શકે. હવે તો પાસપોર્ટ સહિતના દસ્તાવેજો સ્કેન કરી ઈ-મેઇલમાં પણ સેવ કરી રાખવા જોઈએ. જેથી દુનિયાના કોઈ પણ ખૂણેથી જરૂર પડે તો નકલ મેળવી શકાય.
પરદેશમાં જતી વખતે પાસપોર્ટ સામાન સાથે પેક કરવાની ભૂલ ન કરવી. મુસાફરી દરમિયાન પાસપોર્ટ ખિસ્સામાં રાખવો. પાસપોર્ટ ચેક કરવાનો થાય તો તમે પણ ત્યાં જ હાજર રહો. કોઈને પાસપોર્ટ સોંપી આડાઅવળા ન થવું જોઈએ. પાસપોર્ટ એ પરદેશમાં તમારો એકમાત્ર સરકારી સહારો છે. ગુજરાતની રિજનલ પાસપોર્ટ ઓફિસની અહીં આપેલી વેબસાઇટ પરથી પણ જોઈએ એ વિગતો મળી રહેશે. આ રહી વેબસાઇટ
passport.guj.nic.in
હું એન્જિનિયર છું. અંગ્રેજી ભાષા બરાબર આવડતી નથી, પણ સમજી શકું છું. મને કેટલાક એજન્ટો ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવી દેવાની લાલચ આપે છે. શું કરવું જોઈએ? - જય ગજ્જર, નડિયાદ
એજન્ટો તમને શીશામાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે, પણ તમે સીધા જ લાલચને વશ થવાને બદલે સલાહ લેવાનું કામ કર્યું એ માટે અભિનંદન. તમને જે લાલચ આપતા હશે એ તમારી પાસેથી પહેલા લાખો રૂપિયા પડાવશે. પછી ભલું હશે તો ઓફિસને તાળું મારીને ગુમ થઈ જશે. જો ઓફિસ ચાલુ રાખશે તો પણ તમને વિઝા અપાવી દેશે તેની કોઈ ગેરન્ટી નથી. તમને શું લાગે છે, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા જેવા દેશોની સરકાર શેરીએ શેરીએ ફૂટી નીકળેલા એજન્ટોની સલાહથી વિઝા આપે છે? એજન્ટો કહે એ લોકોને વિઝા આપે છે? બિલકુલ નહીં. પાસપોર્ટ કઢાવવાથી માંડીને વિઝા મેળવવા સુધીની કાર્યવાહીમાં ક્યાંય એજન્ટોનું કામ જ નથી. કોઈ પણ એજ્યુકેટેડ વ્યક્તિ એ કામ જાતે જ કરી શકે છે. તમે એન્જિનિયર છો તો જે દેશમાં જવા માંગતા હો એ દેશની સરકારી ઇમિગ્રેશન વેબસાઇટ પર જઈ તપાસ કરી શકો છો.
એજન્ટો પરદેશ જવા માંગતા લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી ગુમ થવાના અનેક બનાવો નોંધાયા છે. કેટલાક એજન્ટો તો પૈસા પરત નથી આપવા, થાય તે કરી લો એવી ધમકી આપતાં પણ થઈ ગયા છે. માટે બહેતર છે કે એજન્ટની ઝંઝટમાં પડવું જ નહીં.
હું બી.એડ્. થયેલો છું. હાલ ટીચર છું. પરદેશમાં નોકરી મેળવવી છે. - ઇસ્માઇલ શેખ, અમદાવાદ
કેનેડામાં શિક્ષકોની વધારે જરૂરિયાત રહેતી હોય છે. ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની તો અમેરિકા સહિતના દેશોમાં મોટી માંગ છે. તમે જાતે જ કેનેડા સરકારની ઇમિગ્રેશન વેબસાઇટ http://www.cic.gc.ca/english પર જઈ તપાસ કરી શકો છો.

No comments:

Post a Comment