લઘુમતી અનામત ભારતમાં સિવિલ વોરનું કારણ બનશે?
-
2014માં યોજાનારી લોકસભાની આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસની તકો ઘણી પાંખી છે. ભાજપને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આંકડે મધ દેખાઈ રહ્યું છે. જો કે કોંગ્રેસે ભાજપને લાભ ન પહોંચે તેના માટે લઘુમતી અનામતના કાર્ડ દ્વારા ચૂંટણીમાં મતના સમીકરણો સરભર કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ એક હકીકત એ છે કે હિંદુઓએ થોડાક અપવાદને બાદ કરતાં ધર્મના નામે વોટિંગ કર્યું નથી. વળી આખા દેશમાં તો હિંદુઓએ એકસાથે ધર્મના નામે વોટિંગ ક્યારેય કર્યું નથી. જેના કારણે ભાજપને દિલ્હીમાં અન્ય પક્ષો સાથે જોડાણો કરીને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો છે. ગઠબંધનની રાજનીતિના તબક્કામાં 1998 પછી ભાજપે હિંદુકાર્ડ પોતાના તુરકમાં પાછું મૂકી દીધું છે, તેઓ હવે વિકાસની રાજનીતિનું કાર્ડ ખેલી રહ્યા છે. પરંતુ તેને કારણે તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર અને હિંદી બેલ્ટમાં ઉભી કરેલી હિંદુ વોટબેંક હાલ વેરવિખેર છે. જેને કારણે મુસ્લિમ વોટો ચૂંટણીની હારજીતમાં ઘણી બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં આવી ગયા છે. કારણ કે માનવામાં આવે છે કે મુસ્લિમ મતો હંમેશા થોકબંધ રીતે કોઈ એક પાર્ટીને મળે છે. જો કે આમા હજી અભ્યાસને અવકાશ છે. પરંતુ એક હકીકત એ છે કે ભાજપને મુસ્લિમ મતો ક્યારેય સારા પ્રમાણમાં મળ્યા નથી.
હિંદુત્વના રાજકારણથી સત્તાના સિંહાસન ભાગીદારીમાં સ્વાદ માણી ચુકેલુ ભાજપ પણ હવે સેક્યુલર રાજનીતિના નામે મુસ્લિમોના મતો મેળવવા માટે જાતજાતની તિકડમબાજી કરી રહ્યા છે. આ એવા સંજોગો છે કે જ્યારે ભારતીય રાજનીતિમાં દરેક પક્ષ લઘુમતી-મુસ્લિમોની સરભરા કરવાની વાત કરી રહ્યો છે. પરંતુ આ સ્થિતિ ભારત માટે બિલકુલ સારી નથી. તેને કારણે ભારતમાં બહુ મોટો વિસ્ફોટ થવાની શક્યતા રહેલી છે. પહેલી જાન્યુઆરીએ અમદાવાદની એક જાહેરસભામાં વિશ્વ હિંદુ પરિષદે લઘુમતી-મુસ્લિમ અનામત સામે દેશવ્યાપી આંદોલનની ઘોષણા કરી છે અને હિંદુઓને પણ વોટબેંક ઉભી કરીને બક્ષીપંચના કોટામાંથી લઘુમતીઓના કોટા સામે લડવાની હાકલ કરવામાં આવી છે. વિશ્વ હિંદુ પરિષદના નવનિયુક્ત આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયાએ કહ્યુ છે કે મુસ્લિમોને અનામત આપવાની તુષ્ટિકરણની નીતિઓ દેશમાં સિવિલ વોરની સ્થિતિ પેદા કરી શકે છે. આ પહેલા ભાજપના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નક્વીએ પણ ધર્મ આધારીત અનામત ભારતમાં સિવિલ વોરનું કારણ બની શકે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.
આની સંભાવના પ્રબળ છે, રામજન્મભૂમિ પરના અલ્હાબાદ હાઈકોર્ટના હકારાત્મક ચુકાદા બાદ હાલ પૂરતો આ મુદ્દો કોલ્ડ બોક્ષમાં છે. પરંતુ કોંગ્રેસે પોતાના ટૂંકા રાજકીય હિતોને સાધવા માટે વિશ્વ હિંદુ પરિષદ જેવા હાલ સુષુપ્ત અવસ્થામાં રહેલા હિંદુત્વવાદી સંગઠને એક્ટિવ મોડમાં આવવાની તક પુરી પાડી છે. વિશ્વ હિંદુ પરિષદ જેવાં હિંદુવાદી સંગઠનો પાસે હિંદુત્વની રાજનીતિને ફરીથી કેન્દ્રમાં લાવવાનો હાલ મોકો છે. પરંતુ અત્યારે પરિસ્થિતિ એ છે કે હાલ કોઈ હિંદુત્વના મુદ્દાઓને સંપૂર્ણ ટેકો કરનારી પાર્ટી ઉપલબ્ધ નથી. ભાજપથી હિંદુ સંગઠનો સારા એવા પ્રમાણમાં આહત છે. રામમંદિર આંદોલન વખતે ભાજપે ખુલીને વિશ્વ હિંદુ પરિષદને ટેકો આપ્યો હતો. જેથી તેમના દ્વારા થયેલા જનજાગરણને ભાજપ તરફી મતોમાં પરિવર્તિત કરી શકાયું હતું. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં વીએચપી દ્વારા શરૂ કરવામાં આવનારા આવા કોઈ જનજાગરણની રાજકીય સ્તરે ચૂંટણીના માધ્યમથી અભિવ્યક્તિ કરી શકાય તેવો પક્ષ અસ્તિત્વમાં નથી. આરએસએસના સરસંઘચાલક પદે નિમણૂક વખતે મોહન ભાગવતે ભાજપની સર્જરી અને કેમોથેરપીની વાત કરી હતી. પરંતુ ભાજપ પણ હાલના વાતાવરણમાં હાર્ડકોર હિંદુત્વના માર્ગ પર આગળ વધવા માટે તૈયાર દેખાતું નથી.
તેવા સંજોગોમાં હાર્ડકોર હિંદુત્વના મુદ્દાઓ પર લઘુમતી અનામત સામે જાગૃત થનારા હિંદુ મતદારોને કોઈ પાર્ટી દ્વારા રાજકીય અભિવ્યક્તિની તક મળશે નહીં. આવા સંજોગોમાં હતાશ હિંદુ મતદાર અન્ય કોઈ રસ્તો પણ અપનાવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. જ્યારે સમાજની રાજકીય અભિવ્યક્તિનો સામાન્ય વિકલ્પ બંધ થઈ જતો હોય છે, તો તેવા સંજોગોમાં સમાજ રાજકીય મહત્વકાંક્ષાઓ અને ઈચ્છાઓની પૂર્તિ માટે અન્ય માર્ગો પણ અપનાવતી હોય છે. ટ્યુનેશિયા, ઈજીપ્ત અને લીબિયા સહીતના દેશોના ઉદાહરણો આપણી પાસે છે. વળી લોકોને અહિંસક માર્ગે વાળનારા ગાંધી આપણી વચ્ચે 63 વર્ષ પહેલા ચાલ્યા ગયા છે. અહિંસક આંદોલનનો વારસો આગળ વધારનારા ગાંધીવાદી અણ્ણા હજારેની અણ્ણાગીરી મુંબઈમાં મોળી પડી છે. ત્યારે લોકો પોતાની આકાંક્ષા પૂર્ણ કરવા માટે અહિંસક વિકલ્પો સિવાયના અન્ય રસ્તા પર પણ આગળ વધશે તો દેશમાં ઘણી વિસ્ફોટક પરિસ્થિતિ પેદા થશે. આ દેશની સેક્યુલર રાજનીતિ લઘુમતી તુષ્ટિકરણની રાજનીતિમાં ફેરવાઈ ગઈ ત્યારથી જ સિવિલ વોરની સ્થિતિ માટેની પટકથા લખાઈ ચુકી છે.
કોંગ્રેસ સહીતના પોતાને સેક્યુલર ગણાવતા અને મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરનારા રાજકીય પક્ષો માટે ખરેખર આત્મવિશ્લેષણ કરવાનો સમય છે કે શું તેઓ દેશમાં હિંદુઓમાં જન્મજાત સેક્યુલારિઝમની ભાવનાને નષ્ટ કરવા માંગે છે? શું તેઓ હિંદુઓને હિંદુ તરીકે વોટ કરવા અને બીજી રાજકીય અભિવ્યક્તિ માટે કટ્ટર બનાવવા માંગે છે? શું તેઓ દેશમાં હિંદુઓને કટ્ટર રાજકીય અભિવ્યક્તિ તરફ ધકેલીને સિવિલ વોરની પરિસ્થિતિ પેદા કરી રહ્યા નથી? શું આગળ જતાં આજે બક્ષીપંચના અનામતમાં લઘુમતીનો ભાગ કર્યો, ભવિષ્યમાં અનુસૂચિત જાતિના અનામતમાં લઘુમતીને ભાગ આપશે અને પછી ઓપન કેટેગરીમાંથી 10 ટકા અનામત કાપીને લઘુમતીઓને રંગનાથ મિશ્ર પંચની ભલામણ પ્રમાણે અનામત આપશે? શું સુપ્રીમ કોર્ટ દ્વારા અનામત માટેની મહત્તમ 50 ટકાની મર્યાદાની લક્ષ્મણ રેખા ઓળંગવા માટે સરકાર બંધારણીય અને કાયદાકીય સ્તરે પ્રયત્નો અને તૈયારીઓ કરી રહી છે?
આ તમામ સવાલોના જવાબ સેક્યુલારિઝમના નામે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરનારા રાજકીય પક્ષોએ આપવા પડશે. કારણ કે દેશ નિશ્ચિતપણે એક બહુ મોટી વિસ્ફોટક પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. લઘુમતી અનામતને ભારતના વિભાજન સાથે જોડીને ફરી ભાગલાના બીજ રોપાયાના પણ દાવા થઈ રહ્યા છે. ભારતનો ઈતિહાસ ધર્મના નામે થયેલી મારકાટથી ભરપૂર છે. છેલ્લા 64 વર્ષમાં ઈતિહાસની ધર્મના નામે થયેલી મારકાટના પ્રમાણમાં ઘણાં નાના છમકલાં થયા છે. પરંતુ કદાચ આ પરિસ્થિતિ હિંદુઓમાં અધિકારો પર ધાડ પડે તેવા નિર્ણયો કરનારને ગોઠતી હોય તેમ લાગતું નથી. લઘુમતીઓને ધર્મના નામે અનામતની રેવડી વહેંચીને ચૂંટણી જીતવા નીકળેલા રાજકીય પક્ષો ફરીથી ધર્મના નામે મારકાટનો દોર શરૂ કરાવવા માંગે છે.
ભારત સેક્યુલર લોકશાહી દેશ છે. પરંતુ ભારતના લોકોને તેવો અનુભવ થઈ રહ્યો નથી. નથી આવો અનુભવ હિંદુને થઈ રહ્યો, નથી મુસલમાનને થઈ રહ્યો, નથી ખ્રિસ્તીને થઈ રહ્યો કે નથી શીખને આવો અનુભવ થઈ રહ્યો. કારણ શું છે, આ બધાંનું? કારણ માત્ર સેક્યુલારિઝમના નામે વિકૃત લઘુમતી તુષ્ટિકરણની રાજનીતિ કરીને બહુમતી હિંદુ સમાજમાં અન્યાય બોધ ઉભો કરવાની રાજકારણીઓની રણનીતિ. શું આ સ્થિતિ એક ભારતીય તરીકે તમને સિવિલ વોરનું કારણ બને તેવી વિસ્ફોટક લાગતી નથી? ઉલ્લેખનીય છે કે અમદાવાદની જાહેરસભામાં વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ હિંદુઓને બંધારણ બદલીને ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની હાકલ કરી છે.
No comments:
Post a Comment