રાજકીય વ્યવસ્થા દેશના શાસન-સત્તામાં ગરીબોને પ્રતિનિધિત્વ આપે
વ્યવસ્થા જ્યારે કંઈ સુધારો કે પરિવર્તન કરી શકતી નથી, ત્યારે તેના પર પ્રશ્નાર્થ લાગવા સ્વાભાવિક છે. ભારતમાં પણ વ્યવસ્થા દ્વારા કોઈ મોટા પાયાના જલદ પરિવર્તનો થયા નથી. ભારતમાં વ્યવસ્થાનું પરિણામ જ છે કે 32 રૂપિયા રોજના માંડમાંડ કમાનારા લોકોની સંખ્યા 42 ટકા છે. તેમા વધારો થવાની પણ સંભાવના દર્શાવાય છે. જ્યારે બીજી તરફ દેશમાં અબજોપતિની સંખ્યા વધી રહી છે. એટલે કે સીધી સમજ પ્રમાણે દેશના લોકોમાં સંપત્તિની વહેંચણીમાં ઘણી મોટી ખામી છે. કરોડો લોકોની સંપત્તિ આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો પાસે પહોંચી રહી છે. તેમ છતાં ભારતમાં અમીર વધારે અમીર થાય અને ગરીબ વધારે ગરીબ થાય તેવી વ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે અને સુદ્રઢ થઈ રહી છે.
તેની પાછળ સૌથી મોટું કારણ છે, દેશની રાજકીય વ્યવસ્થા. દેશની રાજકીય વ્યવસ્થા શરૂઆતથી ગરીબો માટેની વ્યવસ્થા રહી નથી. દેશની ભૂતકાળની સંસદો અને વિધાનસભાઓથી માંડીને પ્રવર્તમાન સંસદ અને વિધાનસભાનો સર્વે કરવામાં આવે તો તુરંત માલૂમ પડશે કે દેશના ધારાસભ્યો અને સાંસદો બનવામાં ધનકુબેરો અગ્રસ્થાને છે. દેશમાં 32 રૂપિયા રોજના ન કમાઈ શકનારો વ્યક્તિ ક્યારે દેશની સંસદ અથવા વિધાનસભામાં બેઠો હોય તો તેઓ કિસ્સો અમુક અપવાદોને બાદ કરતા બન્યો નથી અને બની રહ્યો નથી.
દેશમાં દરેક જાતિ-ધર્મ-વર્ગને પ્રતિનિધિત્વ આપવા માટે અનામત (શિક્ષણ અને નોકરીમાં)આપવામાં આવી રહ્યું છે. એસસી-એસટીને અનામત, મહિલાઓને અનામત, ઓબીસીને અનામત, મુસ્લિમોને અનામત, ખ્રિસ્તીઓને અનામત.જો કે આમાથી એસસી અને એસટીને બાદ કરતા અન્ય કોઈ વર્ગ-જાતિ-ધર્મને રાજકીય અનામત નથી. પણ આ બધાં અનામતમાં ગરીબોને દેશની સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળતું નથી. દેશમાં ગરીબીની રેખા નીચે જીવતા લોકો 42 ટકા છે, તો ગરીબીની રેખા ઉપર જીવતા અને ગરીબ એવા લોકોની સંખ્યા પણ એટલા જ ટકા છે. ત્યારે આવા આર્થિક રીતે વિપન્ન વર્ગોને દેશની સંસદ-વિધાનસભામાં બિલકુલ પ્રતિનિધિત્વ મળતું નથી. આ કેવી વ્યવસ્થા છે કે જેમાં દેશના લગભગ 70 ટકા લોકોનું પ્રતિનિધિત્વ ગેરહાજર હોય.
એક એવો પણ અભ્યાસ કરવો જોઈએ કે દેશમાં ગરીબોની વાત કરનારા લોકો આર્થિક અને રાજકીય રીતે કેટલા આગળ વધ્યા છે અને તેના પ્રમાણમાં કેટલું કામ થયું છે. કારણ કે દેશમાં ગરીબી ઘટવાને બદલે વધી છે. અને પરિસ્થિતિ ત્યારે ભયંકર બની છે કે દેશના અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ વધારે ઉંડી થઈ છે. ત્યારે દેશના ગરીબોને દેશની કાર્યપાલિકાઓમાં પ્રતિનિધિત્વ મળે તેના માટે કોઈ પ્રયત્ન ક્યારે થશે?
એક ધારાસભ્ય અથવા સાંસદને બિનઆધિકારીક રીતે ચૂંટણી જીતવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. ટિકિટ મેળવવાથી લઈને ચૂંટણી જીતવા સુધી તમામ સ્તરે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. શું આ દેશનો ગરીબ આટલો ખર્ચો કરીને શાસનનો ભાગીદાર બની શકે છે? આ દેશમાં મુસ્લિમો વોટબેંક છે, એસસી વોટબેંક છે, ઓબીસી વોટબેંક છે, એસટી વોટબેંક છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પણ વોટબેંક છે. પરંતુ ગરીબ હજી સુધી આ દેશમાં વોટબેંક બની શક્યો નથી. ગરીબને બ્રાહ્મણ, એસસી, એસટી, મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય પંથ-વર્ગમાં વહેંચી દેવામાં આવ્યો છે. અને વ્યવસ્થામાં આ પંથ-વર્ગમાં ધનકુબેર લોકો જ શાસનના ભાગીદાર બની શકે છે અને તેઓ જ આ વર્ગ-પંથનું પ્રતિનિધિત્વ કરી શકે છે.
શું આ રાજકીય વ્યવસ્થાના સ્વરૂપથી આશ્ચર્ય ઉપજતું નથી? શું આ વ્યવસ્થા ભારતના લોકોની વ્યવસ્થા છે? શું આ વ્યવસ્થા ભારતના એક મોટા ઉપેક્ષિત વર્ગ એવા ગરીબ લોકોને સત્તાની ભાગીદારીમાંથી દૂર રાખી રહી નથી? શું આવી વ્યવસ્થામાં ગરીબોની ભાગીદારી માટે કોઈ વ્યવસ્થા થવી જોઈએ નહીં? પરંતુ ગરીબો માટે દિલથી વિચારવાની કોઈને દરકાર નથી, કારણ કે તેઓ ગરીબ નથી એટલે કે ગરીબ વર્ગનું પ્રતિનિધિત્વ કરતા નથી. પછી ગરીબો માટે કંઈ કરવાનો તો કોઈ સવાલ જ ઉભો થતો નથી.
એક બાબત એ પણ છે કે ગરીબને ભીખારી બનાવતી યોજનાઓની દેશમાં કોઈ જરૂર નથી. ગરીબને સ્વાભિમાનની જિંદગી આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે. ગરીબને સ્વાભિમાનની જિંદગી આપવા માટે માત્ર તેનું સસ્તા અનાજથી પેટ ભરવું કે તેને 365 દિવસમાંથી 100 દિવસ ડેલી વેજિસ કરતા પણ ઓછી કિંમતે મજૂરી કામ આપવું પુરતું નથી. તેના માટે એવી વ્યવસ્થાની જરૂર છે કે જેનાથી તેની જિંદગી સ્વાભિમાનપૂર્ણ બને.
તેના માટે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે કે તેનું જીવનસ્તર તબક્કાવાર ઉપર આવે, અમીર તેના ભાગની સંપત્તિ પર વધારે કબજો કરે નહીં, અમીર-ગરીબ વચ્ચેની ખાઈ પુરાય. પરંતુ આવી વ્યવસ્થા કરવા માટે મૂડીપતિઓનું ફંડ લેનારા રાજકીય પક્ષોને કોઈ દરકાર હોય તેમ લાગતું નથી. દેશના કરોડો-અબજોપતિ સાંસદો અને ધારાસભ્યોની સંપત્તિમાં દર પાંચ વર્ષે મોટો વધારો થાય છે. પરંતુ દેશમાં તેટલા જ મોટા પ્રમાણમાં ગરીબોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે દેશની અને દેશના ગરીબોની ગરીબી ઓછી થાય તેના માટેની કોઈ વ્યવસ્થા ઉભી કરવાનો વિચાર કોઈ ક્રાંતિ બનીને દેશની સામે આવશે? શું ગરીબોને દેશના શાસન અને સત્તામાં તેમની સંખ્યાના પ્રમાણમાં ભાગીદારી મળશે?
No comments:
Post a Comment