Φ अपना विषय खोजे

Tuesday, April 24, 2012

નરેન્દ્ર મોદીનો યુદ્ધવિરામ: VHP સાથે નાતો તોડી શક્તા નથી

નરેન્દ્ર મોદીનો યુદ્ધવિરામ: VHP સાથે નાતો તોડી શક્તા નથી


ceasefire of narendra modi with vhp can't break relation with hindu organisation

લાગે છે કે 12મી ફેબ્રુઆરીએ અંબાજી ખાતે નરેન્દ્ર મોદીના સદભાવના મિશનના ઉપવાસ પુરા થશે, પરંતુ તેમનું મિશન સદભાવના ચાલુ રહેશે. 17 સપ્ટેમ્બર, 2011થી શરૂ થયેલા સદભાવના ઉપવાસ 12 ફેબ્રુઆરી, 2012 સુધી મુસ્લિમો પ્રત્યે સદભાવના દેખાડવાનું મિશન છે. પરંતુ ગુજરાત વિધાનસભાની 2012ના આખરમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી સંઘ પરિવાર અને ખાસ કરીને વિશ્વ હિંદુ પરિષદ સાથે સદભાવના મિશનની શરૂઆત કરશે.

ગુજરાત સરકારે સંઘ પરિવાર અને ખાસ કરીને વિશ્વ હિંદુ પરિષદના દબાણ તળે ગુજરાત પબ્લિક એક્ટ ટ્રસ્ટને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ એક્ટને પાછો ખેંચવા માટે વિધાનસભામાં નવું બિલ લાવવામાં આવશે. સરકારનો દાવો છે કે સાધુ-સંતો અને ધાર્મિક સંગઠનો સાથે ચર્ચા કરીને નવેસરથી કાયદો લાવવામાં આવશે. 23 ફેબ્રુઆરીથી શરૂ થતાં બજેટ સત્રમાં ગુજરાત સરકાર પબ્લિક એક્ટનું નવું બિલ રજૂ કરશે.

ગુજરાતના 1.69 લાખ ધાર્મિક-સામાજિક ટ્રસ્ટો અને એનજીઓને અસર કરતાં ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટનો કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયા, વિશ્વ હિંદુ પરિષદના નેતા ડૉ. પ્રવીણ તોગડિયા, સામાજિક કાર્યકર્તા મલ્લિકા સારાભાઈ અને દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી સહીત રાજ્યના સાધુ-સંતોએ એકસૂરમાં વિરોધ કર્યો હતો. સાધુ-સંતોએ પહેલી માર્ચે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટને રદ્દ કરવાની માગણી સાથે ગુજરાત વિધાનસભા સામે ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વ હિંદુ પરિષદ-ગુજરાત દ્વારા યોજાયેલી માર્ગદર્શક મંડળની બેઠકમાં સામેલ સંતોએ એકસૂરમાં ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટને વખોડીને તેને સંપૂર્ણપણે પાછો ખેંચવાની માગણી કરી હતી. આ સંદર્ભે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નેતાગીરી સામે પણ રજૂઆતો કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેવા વખતે હિંદુત્વનો ગઢ ગણાતા ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાધુ-સંતોને નારાજ કરી શકે તેવી સ્થિતિમાં નથી. સાધુ-સંતો પર વિશ્વ હિંદુ પરિષદનું ઘણું મોટું પ્રભુત્વ છે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી સુષુપ્ત અવસ્થામાં આવી ગયેલી વિશ્વ હિંદુ પરિષદ સાધુ-સંતોના માધ્યમથી મોદી સરકાર સામે સક્રિય થાય તો વિધાનસભાની ચૂંટણીમાં મતોના નુકસાનથી કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડે તેવી સ્થિતિના નિર્માણને નકારી શકાય તેમ નથી. આથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ હિંદુ પરિષદના દબાણ સામે ઝૂકીને ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટને સંપૂર્ણપણે પાછો ખેંચવાની જાહેરાત કરી છે.

આ પહેલા મોકો નથી કે જ્યારે એક વખતના વિશ્વ હિંદુ પરિષદના માનીતા નરેન્દ્ર મોદીને હિંદુ સંગઠન સામે ઝૂકવુ પડયુ છે. આ પહેલા ગોહત્યાના મુદ્દે માલધારી સમાજ દ્વારા ઉઠાવવામાં આવેલા અવાજને કોંગ્રેસ અને વિશ્વ હિંદુ પરિષદે પોતપોતાની રીતે ટેકો આપ્યો હતો. વિશ્વ હિંદુ પરિષદ ગોહત્યાના મામલે મોદી સરકાર સામે બે-બે હાથ કરવાના મૂડમાં હતી. વીએચપીએ ગોહત્યા અટકાવવાની માગણી સાથે અને ગોહત્યા પ્રતિબંધક કાયદાને કડક બનાવીને તેનો કડકાઈથી અમલ કરવાનો ઠરાવ પણ માર્ગદર્શક સમિતિની બેઠકમાં પારીત કર્યો હતો. ગુજરાત હિંદુત્વને લગતા મુદ્દાઓ સંદર્ભે વધારે સંવેદનશીલ છે. તેને કારણે ગોહત્યાના મુદ્દાને વધારે ચગતો જોઈને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તાત્કાલિક ગોહત્યા પ્રતિબંધક કાયદાને કડક બનાવવાની અને ગોહત્યાના ગુના સામે કડક પગલા લેવાની ફરજ પડી છે. ગુજરાત સરકારે કરેલી જોગવાઈ પ્રમાણે, ગોહત્યા માટે મહત્તમ સાત વર્ષની સજા અને પકડાયેલા વાહનની હરાજી કરવા સુધીની જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. મોદી સામેના જ્ઞાનતંતુના યુદ્ધમાં તાજેતરમાં વીએચપીની આ પહેલી જીત હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક સદભાવના મિશન સંમેલનમાં આખા ભારતમાં ગોહત્યા પ્રતિબંધની નરેન્દ્ર મોદીએ તરફેણ પણ કરી છે. જો કે તેની પાછળનો હેતુ ગોહત્યાના મુદ્દાના ઉછળવાને કારણે પોતાને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટેનો જ છે.

વિશ્વ હિંદુ પરિષદ અને નરેન્દ્ર મોદીના સંબંધોમાં ઉતાર-ચઢાવના ઘણાં કિસ્સા છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યમાંથી બહાર ભાજપની જવાબદારી સંભાળી રહ્યા હતા, ત્યારે તેઓ વિશ્વ હિંદુ પરિષદના એકજૂથ સાથે સંપર્કમાં હતા. 2001ના ભૂકંપ બાદ રાજ્યની પેટાચૂંટણીમાં કેશુભાઈના નેતૃત્વમાં થયેલા પાર્ટીના ઉતરતા દેખાવને કારણે મુખ્યમંત્રી બદલવાની રજૂઆતો ભાજપ, સંઘ અને વીએચપીમાં તમામ સ્તરે થઈ હતી. તેમા વીએચપી તરફથી મોદીનું સમર્થન કરતા જૂથે આરએસએસના તત્કાલિન સરકાર્યવાહ એચ. વી. શેષાદ્રિને રજૂઆત કરી હતી. આ રજૂઆતે અડવાણી જૂથના ગણાતા નરેન્દ્ર મોદીને ગુજરાતની ગાદી પર બેસાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી સૌથી પહેલા અમદાવાદના વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્ર વણીકરભવન ખાતે ગયા હતા. 2002ની કમનસીબ ઘટનાઓમાં પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિશ્વ હિંદુ પરિષદ ખૂબ દ્રઢતાથી ઉભી રહી હતી. 2002માં ગૌરવયાત્રા અને ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં આગળ વધી રહેલા ભાજપને જીતાડવામાં પણ વીએચપીની ભૂમિકા ઘણી મોટી હતી. વળી 2002ની ઘટનાઓ વખતે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદેથી ખસેડવાની કોઈપણ પ્રકારની વાતનો વીએચપીના તત્કાલિન આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયાએ આકરો વિરોધ કર્યો હતો. પરંતુ 2002ની ચૂંટણીમાં જીત્યા બાદ નરેન્દ્ર મોદી અને વીએચપીના સંબંધોમાં મુશ્કેલીઓ શરૂ થઈ.

2004માં ભાજપના કેશુભાઈ પટેલ જૂથના ગોરધન ઝડફિયા સહીતના પટેલ નેતાઓને વિશ્વ હિંદુ પરિષદના તત્કાલિન આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ તોગડિયા તરફથી આપવામાં આવેલા સમર્થને નરેન્દ્ર મોદીના દિલમાં અણગમો પેદા કર્યો. જેના કારણે વીએચપીની પાંખો કાપવા માટે તેમણે સંઘ પરિવારના નેતૃત્વમાં બાજી ગોઠવવાની શરૂઆત કરી. નરેન્દ્ર મોદીના કથિત ઈશારે વીએચપીના ફંડને અટકાવી દેવાનો કથિત કારસો રચાયો. જેના કારણે તોગડિયા અને મોદી વચ્ચેની ખટાશ વધી. 2007ની ચૂંટણીમાં કડવાશ એટલી હદે વધી કે 2002માં મોદીને સત્તાસ્થાને પહોંચાડનારી વિશ્વ હિંદુ પરિષદની કેડર 2007ની ચૂંટણીમાં મોદી વિરોધીઓ તરીકે સામે આવી. વિધાનસભાની ચૂંટણીમાં વીએચપીએ મોદીનો ખુલ્લો વિરોધ કર્યો. એક તબક્કે પ્રવીણ તોગડિયાએ મોદી સરકારને હિંદુ તરફી સરકાર ગણવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. જો કે તમામ વિરોધો છતાં મોદી ફરીથી સત્તા પર આવ્યા.

ત્યાર બાદ મોદીની કથિત બદનક્ષી કરતા એસએમએસના મામલામાં વીએચપીના નેતા અશ્વિન પટેલની ધરપકડ કરવામાં આવી. વીએચપીના અન્ય નેતાઓ સામે મોદી સરકારે સમન્સ કાઢયા. જેના કારણે મોદી અને વીએચપી વચ્ચેની ખટાશ ચરમસીમાએ પહોંચી ગઈ. તેમા નરેન્દ્ર મોદીએ રસ્તામાં આવતા ધર્મસ્થાનોને હટાવવાની મુહિમ હેઠળ ગાંધીનગર ખાતે 200થી વધારે મંદિરોને ધ્વસ્ત કર્યા. જેના પગલે વીએચપી-ગુજરાત અને મોદી વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બની. જેને ધ્યાનમાં રાખીને વીએચપીના તત્કાલિન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અશોક સિંઘલને ગાંધીનગર દોડી આવવું પડયું હતું. અશોક સિંઘલે તે વખતે નિવેદન કર્યુ હતુ કે મંદિરો તોડવાનું કામ ગઝનવીનું છે. તેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગઝનવી સાથે સરખાવીને બીજા દિવસે પોતાનું નિવેદન ફેરવીને તોળ્યું હતું. જો કે ત્યારબાદ અશોક સિંઘલની મધ્યસ્થતા નીચે વીએચપી-ગુજરાતના દબાણ હેઠળ મોદી સરકારે મંદિરો ધ્વસ્ત કરવાની મુહિમ મોકૂફ રાખી હતી.

વીએચપી અને મોદી વચ્ચેના યુદ્ધવિરામ છતાં બંને વચ્ચે તનાતની ચાલુ રહી. છેલ્લે અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત પદે દિલીપદાસજી મહારાજ આવ્યા ત્યારે યોજાયેલા કાર્યક્રમમાં વીએચપી નેતા પ્રવીણ તોગડિયા અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એકબીજાને અવગણ્યા હતા. મુખ્યમંત્રી મોદી આવ્યા ત્યારે પ્રવીણ તોગડિયા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સાથે વાતો કરી રહ્યા હતા અને પછી કાર્યક્રમમાંથી ચાલ્યા ગયા હતા. તો બીજી તરફ ગુજરાત સરકારના માહિતીખાતાની પ્રેસનોટમાં કાર્યક્રમમાં ઉપસ્થિત નેતાઓના નામમાં તોગડિયાનું નામ લખવામાં આવ્યું ન હતું.

ગુજરાતમાં હિંદુત્વ ફેલવવા અને તેને મૂળિયા સુધી લઈ જવામાં વિશ્વ હિંદુ પરિષદનો મોટો ફાળો છે. 1989ના રામજન્મભૂમિ આંદોલનથી 2002ના રમખાણોના ગાળા સુધી વિશ્વ હિંદુ પરિષદ ગુજરાત સહીત દેશભરમાં એક શક્તિશાળી સંગઠન તરીકે લેખાતી હતી. આજે ગુજરાતમાં વિશ્વ હિંદુ પરિષદ સુષુપ્ત અવસ્થામાં છે. પરંતુ હિંદુત્વના મુદ્દે પરિષદ ફરીથી સક્રિય થાય, તો તેવી સ્થિતિમાં હિંદુત્વના પોસ્ટરબોય તરીકે માન્યતા પ્રાપ્ત મોદી માટે મુશ્કેલીઓની સ્થિતિ જાણકારો નકારતા નથી.

જો કે બીજી એ પણ હકીકત છે કે વિશ્વ હિંદુ પરિષદ ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષને ટેકો આપે તેવી સ્થિતિ પણ નથી. કારણ કે સંઘ પરિવારમાં માત્ર ભાજપને જ તેમની રાજકીય પાંખ તરીકેની માન્યતા મળી છે. પ્રખર હિંદુત્વવાદી નીતિઓને કારણે કોંગ્રેસને પણ ટેકો આપી શકે તેમ નથી. છતાં રાજકીય મંચ પર વિકલ્પ ઉભો કરવાની વાત વીએચપી વર્તુળોમાં ચર્ચાનો વિષય છે. પરંતુ આ વાત પર આરએસએસના સરસંઘચાલકે પુર્ણવિરામ લગાવતા અમદાવાદ ખાતેના એક સેમિનાર ‘હિંદુત્વ ઈન પ્રેઝન્ટ કોન્ટેક્સ્ટ’ માં કહ્યુ હતુ કે તેઓ ભાજપને ઠીક કરશે. ત્યારે મોદી ન હોય તેવા રાજકીય મંચની તલાશ કરતા વીએચપીના પ્રભાવી જૂથ માટે અત્યારે સુષુપ્ત રહેવાનો જ સમય છે. તેથી તો મોદીના સદભાવના મિશનના ઉપવાસમાં આરએસએસના ગુજરાત રાજ્યના તત્કાલિન પ્રાંત સંઘચાલક ડૉ. અમૃતભાઈ કડીવાલા અને પ્રાંત પ્રચારક પ્રવિણ ઓતિયા મોદીને શુભકામના આપવા ગયા હતા. પરંતુ વિશ્વ હિંદુ પરિષદ સમગ્ર સદભાવના મિશનથી અળગી રહી છે. જો કે તેમણે 2007ની જેમ મોદીનો વિરોધ કર્યો નથી અને સાધુ-સંતો પર પ્રભાવ છતા તેમને સદભાવના મિશનમાં જતા રોક્યા નથી.

ત્યારે સદભાવનાનું રાજકારણ ખેલી રહેલા મોદી હિંદુત્વના મુદ્દા પર કોઈ ભૂલ કરીને વિશ્વ હિંદુ પરિષદને ફરીથી પ્રભાવી બનવા સુધીની સક્રિયતા તરફ દોરી જવાની કોઈ તક આપે તેવી સંભાવના નથી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને 2012ની ચૂંટણીમાં 150થી વધારે બેઠકો પર વિજય મેળવવો છે. ત્યારે તેના માટે તેમને સંઘ પરિવારના સંગઠનોની મદદ જરૂરી બને છે. નરેન્દ્ર મોદીએ મંદિરો હટાવવાની મુહિમ રોકવી, ગોહત્યાના મુદ્દા પર કડક કાયદાકીય જોગવાઈ દાખલ કરવી અને છેલ્લે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટને સંપૂર્ણપણે રદ્દ કરીને નવો કાયદો લાવવા માટે મજબૂર થવું પડયું તે પણ આવી રાજકીય મજબૂરી અને વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે.

જો કે વીએચપીના કેન્દ્રીય અને પ્રાંત સ્તરના માળખામાં તાજેતરમાં ઘણાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્તરે અશોક સિંઘલના સ્થાને હૈદરાબાદના મિઠાઈના વેપારી રાઘવ રેડ્ડીને આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા છે અને પ્રવીણ તોગડિયાના સ્થાને ચંપતરાયને મહામંત્રી બનાવાયા છે. જ્યારે પ્રવીણ તોગડિયાને આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષનો હોદ્દો આપવામાં આવ્યો છે. જેના કારણે એક સંકેત એ સ્પષ્ટ છે કે વીએચપી પણ મોદી સાથે સંબંધો સુધારવા માટે અન્ય નેતાઓને આગળ કરીને વિકલ્પો ઉભાં કરી રહી છે. મોદીના રાષ્ટ્રીય રાજકારણમાં આવવાની શક્યતાઓ વચ્ચે વીએચપી દ્વારા તોગડિયાને આંતરરાષ્ટ્રીય મહામંત્રીના પદેથી હટાવીને સંગઠનની બાબત ચંપતરાયને સોંપવાની વાતને જાણકારો અલગ રીતે જોઈ રહ્યા છે. ત્યારે મોદીએ પણ વીએચપીના દબાણ સામે નમીને ગુજરાત પબ્લિક એક્ટ પાછો ખેંચીને યુદ્ધવિરામના સંકેતો આપી રહ્યા છે.

No comments:

Post a Comment