ગોધરાકાંડના 10 વર્ષ પછી રાજકીય પ્રવાહ બદલાયો છે
Gujarat Modi Godhara: 10 years on, Riot-hit survivors await justice
ગુજરાતના ઈતિહાસમાં ગોધરાકાંડની ઘટના એવી મોટી ઘટનાઓમાંની એક છે કે જેમણે રાજ્યના સમાજજીવન અને રાજકીય જીવનના પ્રવાહને બદલી નાખ્યો છે. 27મી ફેબ્રુઆરી, 2012ના રોજ ગોધરાકાંડને પુરા દસ વર્ષ થશે. પરંતુ આ 10 વર્ષે પણ ગોધરાકાંડના કેટલાંક ગુનેગારોને ફાંસી અને કેદની સજાઓ બાદ પણ પ્રશ્નો તો ઉભા જ રહે છે. ગોધરાકાંડની દસમી વરસીએ આ સવાલોના જવાબ મેળવવા માટે પ્રયાસો થઈ રહ્યા હોવાનું ક્યાંય દેખાતું નથી. સવાલ છે કે એક દાયકાના સમયથી ભગવા રંગમાં રંગાયેલા ગુજરાતમાં ગોધરાકાંડની ઘટના બની.
આ ઘટના આઝાદ ભારતમાં ટ્રેન પર હુમલો કરીને તેને સળગાવી 58 લોકોના જીવ લઈ લેનારી પહેલી ઘટના હતી. આ ઘટનાના પડઘા ગુજરાતમાં ખૂબ ઘેરા પડયા અને ગુજરાતની સદભાવના ખોરવાઈ ગઈ, ગુજરાત કોમી હુતાસણમાં સપડાઈ ગયું. ગુજરાતમાં લગભગ 1 માસ જેટલો લાંબો સમય સુધી ચાલેલા કોમી દંગલોમાં લગભગ 1200 માણસો મોતને ભેટ ચઢયા. આ કોમી રમખાણોની ઘટનાને પરિણામે ગુજરાતને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે કલંક લાગ્યું. આ કલંકના ડાઘ હજીપણ ધોવાયા નથી.
પરંતુ તાજેતરમાં સીટની પુછપરછમાં ગુજરાત રમખાણો માટે જેમના પર આરોપો મૂકાય રહ્યા છે, તેવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના 71 સવાલ-જવાબ લિક થયા છે. મુખ્યમંત્રી મોદીએ ગત વર્ષ સાડા નવ કલાક ચાલેલી સીટની પુછપરછમાં અધિકારી અશોક મલ્હોત્રાના સવાલોના જવાબ આપતા કહ્યુ હતુ કે ગુજરાત માટે રમખાણો નવી વાત નથી. ગુજરાતમાં રમખાણો 1714ની સાલથી થતા રહ્યા છે. આ રમખાણો મારા જન્મ પહેલા ઘણાં વખતથી થતા રહ્યા છે.
ટીકા કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા થઈ શકે છે. તેઓ જવાબદારીમાંથી છટકવા માટે કોમી રમખાણ જેવી ગંભીર ઘટનાને ડાઉન પ્લે કરી રહ્યા હોવાની વાત પણ આમાંથી છલકે છે. પરંતુ એક હકીકત એ છે કે મોદી પહેલાના શાસકોએ છેક 1714થી હંમેશા પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો છે. મોટાભાગે અત્યાર સુધીના તમામ શાસકો તેમા સફળ પણ થયા છે.
ત્યારે ગુજરાતના સોશ્યલ એન્જિનિયરીંગની પેટર્નમાં કોઈ આમૂલ પરિવર્તનની જરૂરિયાત હવે વર્તાઈ રહી છે. જેથી અમુક વર્ષોના અંતરાલથી થતી કોમી રમખાણોની ઘટના રાજ્યની સદભાવનાને બગાડે નહીં. જો કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાના છેલ્લા દસ વર્ષના શાસનમાં 2002ની કમનસીબ ઘટનાઓ બાદ અમુક અપવાદોને બાદ કરતા આવી ઘટનાઓને ડામવામાં સફળ રહ્યા છે. તેમણે તાજેતરમાં પોતાના સદભાવના મિશન અંતર્ગત 36 ઉપવાસ કર્યા છે. પરંતુ સદભાવના મિશન 36 ઉપવાસે પુરું થઈ શકે તેમ નથી.
સદભાવના મિશનની જરૂરિયાતોમાં ઉપવાસ સિવાયની ઘણી બધી વાતોની દરકાર કરવી પડશે. હિંદુ-મુસ્લિમની જોડાજોડ વસ્તીવાળા લોકો પોતપોતાની રીતે સમસ્યાઓ આવે તેનો હલ કરતા હોય છે. પરંતુ સેક્યુલારિઝમના નામે હાસ અને આવકાર જેવા આસિયાનાઓમાં 100 ટકા હિંદુ વસ્તીમાં બેસીને હિંદુ-મુસ્લિમ એકતાની વાતો કરનારા ટોળાની ગુજરાતમાં કમી નથી. આવા લોકોના કમીનાપનને કારણે ગુજરાતની શાંતિને સૌથી વધારે જોખમ છે.
ગુજરાતને જોખમ છે, સતત આ ઘટનાઓમાંથી રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરનારા નપાવટ રાજકારણીઓથી. આ રાજકારણીઓને ઈંજન આપવાનું કામ સેક્યુલારિઝમના નામે રાડો પાડનારી કમીનાપનથી છલકતી ટોળકી કરી રહી છે. આ કમીનાપણાએ 10 વર્ષના ગાળામાં ગોધરાકાંડના અંડરકરંટને ગુજરાતના સમાજજીવનમાંથી ક્યારેય દૂર થવાનો મોકો આપ્યો નથી.
તો બીજી તરફ ગોધરાકાંડની વરસીએ તેનો ભોગ બનેલા કારસેવકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. આ કાર્યક્રમોમાં પણ આત્મમંથન કરવાની જરૂરિયાત છે કે ગોધરાકાંડની ઘટના શા માટે બની? ગુજરાતના રાજકારણમાં કોણે તેનો લાભ લીધો? તેનાથી ગુજરાતના લોકોને શું નુકસાન થયું? ગુજરાતના ભવિષ્ય પર છેલ્લા દસ વર્ષના આધારે ક્યાં અને કેવા પડઘાં પડી રહ્યાં છે? સમાજમાં તેના સહિયારા તલસ્પર્શી અને હ્રદયસ્પર્શી ચિંતન અને મંથનની જરૂરિયાત છે. કારણ કે ગોધરાકાંડ જેવી ઘટનાઓ બનશે નહીં, તો ગોધરાકાંડ પછીના કોમી હુતાસણો પણ થશે નહીં.
તેના માટે સમાજજીવનમાં પડેલી હિંદુ અને મુસ્લિમ સંસ્થાઓએ કોઈપણ રાજકારણીના હાથા બન્યા વગર સામુહિક ચિંતન કરવા માટે એકઠા થવું જોઈએ. તેમણે પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક મતભેદોને સમાજજીવનથી અળગા રાખવા માટે કોઈ ચોક્કસ એક્શન પ્લાન બનાવવો જોઈએ. વળી ધાર્મિક અને સાંસ્કૃતિકમાંથી સામાજિક બનેલા પ્રશ્નોના ત્વરીત ઉકેલ માટે પણ સાથે મળીને પરિણામજનક વિચાર કરવો જોઈએ.
ભારતની સંસ્કૃતિ સહજીવનમાં માને છે, ભારતની સંસ્કૃતિ કલ્યાણમાં માને છે. ભારતનો હિંદુ હોય કે મુસલમાન, ભારતનો શીખ હોય કે ઈસાઈ કે અન્ય કોઈ ધર્મી વ્યક્તિ તે સહજીવન અને કલ્યાણની વિભાવનાનો એક યા બીજી રીતે સ્વીકાર કરે છે. જે આ સંસ્કૃતિના સંસ્કાર છે. આ સંસ્કારોના ધોવાણને અટકાવા માટે સમાજજીવનમાં કામ કરતાં અગ્રણી લોકોએ સામાજિકમાંથી રાજકીય બનેલા પ્રશ્નોને ઉકેલવાનો દોર પોતાના હાથમાં લઈ લેવો જોઈએ.
No comments:
Post a Comment