FB મજબૂત નહીં હોય તો ચૂંટણી હારી જવાશે!
If FB is not strong enough, one can loss the election
ઈન્ફર્મેશન એજમાં ઈન્ફર્મેશનથી પાવર છે. ઈન્ફર્મેશનના પ્રસાર માટે ઈન્ટરનેટ સૌથી મોટું માધ્યમ બન્યું છે અને તેમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. 2013માં ભારત ઈન્ટનેટ યૂઝર્સની સંખ્યાની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે આવી જશે. ભારતમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ કરીને પોતાનો પક્ષ મૂકવામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નંબર વન છે. પરંતુ ગુજરાત પ્રદેશ ખાતેના કોંગ્રેસી નેતાઓ મોદીની સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સપરની સક્રિયતા સામે વામણા પુરવાર થઈ રહ્યા. જાણકારોના મતે 2012ની ચૂંટણીના સાત-આઠ માસમાં કોંગ્રેસી નેતાઓ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર સક્રિયતા વધારે તો તેમના વાસ્તવિક સોશ્યલ નેટવર્કિંગ પર પણ સારો એવો પ્રભાવ પડી શકે છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું સોશ્યલ નેટવર્કિંગ ખૂબ સરસ છે. તે તેમના ચૂંટણી વખતના સોશ્યલ એન્જિનિયરીંગથી સ્પષ્ટ બને છે. નરેન્દ્ર મોદીનો ગજબનાક કરિશ્મો છે. નરેન્દ્ર મોદીની નાનામાં નાની બાબતો પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવે છે. ગુજરાતના વિકાસપુરુષ તરીકે સ્થાપિત થયેલા નરેન્દ્ર મોદીની ખ્યાતિ દેશ અને દુનિયા બંને ઠેકાણે આસમાને છે.
ચૂંટણીમાં થોકબંધ મળેલા વોટ તેમની ઘરઆંગણે લોકપ્રિયતા કહી દર્શાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર પણ ખૂબ જ એક્ટિવ છે. તેઓ સોશ્યલ મીડિયા પર મસ્ટ ફોલો પોલિટિશ્યન કેટેગરીમાં પાંચમો મેશાબલ વાર્ષિક એવોર્ડ પણ મેળવી ચુક્યા છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મીડિયાની તાકાતને જાણે ખૂબ સારી રીતે જાણે છે અને તેનો ખૂબ જ પ્રભાવી રીતે પોતાની તરફે ઉપયોગ કરે છે.
અમુક મોકા આવ્યા છે, ત્યારે તેમની સામે ભરપૂર નકારાત્મક પ્રચાર થયો છે. અઢળક રીતે તેમને અપખોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ તેમણે આવા સંજોગોમાં સોશ્યલ મીડિયાનો પોતાની સામેના નકારાત્મક પ્રચારને ખાળવામાં સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. મોદી ટ્વિટર, ફેસબુક, યુટ્યુબ, ગુગલ પ્લસ, ટમ્બલર અને અન્ય મુખ્ય પ્રવાહની સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક હુસેન ઓબામાને પણ પાછળ પાડી શક્યા છે. નરેન્દ્ર મોદીના હાલ ટ્વિટર પર 425675 ફોલોવર્સ છે. નરેન્દ્ર મોદીને ફેસબુક પર લાઈક કરનારાઓની સંખ્યા 440,633 છે. આ સિવાય નરેન્દ્ર મોદીના નામના ફેસબુક પર ઘણાં એકાઉન્ટ ક્રિએટ કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને તે અર્થના પણ ફેસબુક એકાઉન્ટ ઉપલબ્ધ છે. નરેન્દ્ર મોદી સામેના દરેક નકારાત્મક પ્રચારનો જવાબ તેમણે સોશ્યલ નેટવર્કિંગની મદદથી આપ્યો છે.
નરેન્દ્ર મોદીની પોતાની ઓફિસિયલ સાઈટ અને બ્લોગ પણ ઉપલબ્ધ છે. નરેન્દ્ર મોદીની વેબસાઈટ અને બ્લોગ નિયમિત અપડેટ થાય છે. ગુલર્મગ કાંડમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસઆઈટી રિપોર્ટ સ્થાનિક કોર્ટને સોંપવાનો નિર્ણય આવ્યો ત્યારે નરેન્દ્ર મોદીએ ગોડ ઈઝ ગ્રેટ એવું ટ્વિટ કર્યું હતું. ત્યાર બાદ સદભાવના મિશનના ઉપવાસો સંદર્ભેની માહિતી પણ તેમણે વેબસાઈટ પર નિયમિત અપડેટ કરી છે. મોદીની વેબસાઈટ પર પણ નવા રંગરૂપ સાથે ઈન્ટરએક્ટિવ ફોર્મમાં રજૂ કરવામાં આવી છે. હવે મોદીને વેબસાઈટ પર સૂચનો પણ મોકલી શકાશે.
નરેન્દ્ર મોદી લોકો સાથે સંવાદનો એકપણ રસ્તો બાકી મૂકતા નથી. પ્રત્યક્ષ સંવાદ અને સંપર્કથી માંડીને સોશ્યલ મીડિયા દ્વારા પરોક્ષ સંપર્ક અને સંવાદનો સેતુ તેમણે કાયમ કર્યો છે. જો કે તેમની સામે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ ખાતેના નેતાઓ વામણા પુરવાર થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં ગણતરી પામતા પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, નરહરિ અમીન, સિદ્ધાર્થ પટેલને હજી પણ પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્ક અને સંવાદ માટે જનતા વચ્ચે ઘણું કરવાનું બાકી છે. ફેસબુક પર અર્જૂન મોઢવાડિયાના 5000 ફ્રેન્ડ છે. જ્યારે ખૂબ જ પ્રબુદ્ધ ગણાતા કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલના ફેસબુક પેજને લાઈક કરનારાઓની સંખ્યા 7266ની છે. ચૂંટણીના સોશ્યલ નેટવર્કિંગમાં પાવરધા શંકરસિંહ વાઘેલાની સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પરની સક્રિયતા તદ્દન નહીંવત છે. ગુજરાત પ્રદેશ કક્ષાએ કોંગ્રેસી નેતાઓનું સોશ્યલ નેટવર્કિંગ અને તેના માટે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ કરવામાં નિષ્ક્રિયતા તેમને મોદી સામે પ્રચારમાં ફાઈટ આપવામાં ખાસી અસર પહોંચાડી રહી છે.
જ્યારે એકદમ લોપ્રોફાઈલ રહેતા ગુજરાતના કદ્દાવર કોંગ્રેસી નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલને ફેસબુક પર લાઈક કરનારની સંખ્યા 1029ની છે અને તેમના વિશે 12 લોકોએ વાતચીત કરી છે. આ સિવાય પણ ગુગલ જેવા સર્ચ એન્જિનમાં નરેન્દ્ર મોદી એમ અંગ્રેજીમાં લખતાની સાથે જ 1 કરોડ 76 લાખ રિઝલ્ટ સામે આવે છે. જ્યારે ગુગલ ઈમેજ સેક્શનમાં નરેન્દ્ર મોદી અંગ્રેજીમાં સર્ચ કરતા 1 કરોડ 20 લાખ ઈમેજનું રિઝલ્ટ મળે છે. તેની સામે કોંગ્રેસી નેતાઓની ખૂબ જ નહીંવત પ્રમાણમાં તસવીરો ગુગલ ઈમેજ પર ઉપલબ્ધ છે. ગુગલ ઈમેજમાં અર્જૂન મોઢવાડિયા સર્ચ કરવાથી માત્ર 4230 રિઝલ્ટ મળે છે અને શક્તિસિંહ ગોહિલ સર્ચ કરવાથી 6190 રિઝલ્ટ અને શંકરસિંહ વાઘેલા સર્ચ કરવાથી 7580 રિઝલ્ટ મળે છે. ગુગલ સર્ચ એન્જિનમાં અર્જૂન મોઢવાડિયાનું નામ અંગ્રેજીમાં લખતા 57,400 રિઝલ્ટ, શક્તિસિંહ ગોહિલ સર્ચ કરતા 11700 રિઝલ્ટ અને શંકરસિંહ વાઘેલા સર્ચ કરતાં 33,100 રિઝલ્ટ મળે છે.
આજનો યુગ ઈન્ફોર્મેશનનો છે. ઈન્ફોર્મેશન એજમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સની પબ્લિક ઓપિનિયનને મૂવ કરાવવામાં ઘણી મોટી ભૂમિકા રહેલી છે. વિવાદાસ્પદ કોંગ્રેસી નેતા શશી થરુર, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, ભાજપના નેતા સુષ્મા સ્વરાજ, લાલકૃષ્ણ અડવાણી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર ખૂબ સારા પ્રમાણમાં એક્ટિવ છે.તેનો તેમને લાભ પણ મળી રહ્યો છે. કોઈપણ રાષ્ટ્રીય મુદ્દા પર અડવાણી પોતાનો અભિપ્રાય બ્લોગના માધ્યમથી જણાવીને મીડિયામાં હેડલાઈન બનાવવાની ક્ષમતા ધરાવે છે. સુષ્મા સ્વરાજે સદભાવના મિશનના ઉદ્ઘાટન પ્રસંગે મહેબૂબા મુફ્તિના રાષ્ટ્રીય એકતા પરિષદમાં નરેન્દ્ર મોદી સંદર્ભે કરેલા વખાણના વિવાદને ટાંક્યા બાદ ઉઠેલો વિવાદનો વંટોળ ટ્વિટરના માધ્યમથી પોતાની તરફેણમાં શાંત કરવામાં સફળતા મેળવી હતી. તો જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પણ જુદાજુદા મુદ્દાઓ પર અવાર-નવાર ટ્વિટ કરીને પોતાના વિચાર રજૂ કરે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ પોતાની વાતો મૂકવા માટે બ્લોગનો સહારો લીધો હતો. સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સના ઉપયોગનો આધાર ઈન્ટરનેટ છે. ભારતમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ડીસેમ્બર-2011 સુધીમાં 121 મિલિયનની હતી. એક રિપોર્ટ પ્રમાણે, દુનિયાભરમમાં 2013 સુધીમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા 2.2 અબજને આંબી જશે અને ભારત વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ઈન્ટરનેટ યૂઝર્સ ધરાવતો દેશ બનશે. તેવા સંજોગોમાં ભારતમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સનો પ્રભાવ પણ વધી જશે.
આજે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ સેલિબ્રિટિની લોકપ્રિયતા માપવાની પારાશીશી બની રહી છે. સચિન તેંડૂલકર, અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન સોશ્યલ સાઈટ્સ પર ફોલોવર્સની સંખ્યાના આધારે લોકપ્રિયતાના માપદંડોમાં આગળ-પાછળ રહે છે.
આ સિવાય હાલના સમયમાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સની શક્તિનો પરચો પણ દુનિયાના કેટલાંક દેશોએ જોયો છે. ટ્યુનિશિયા અને ઈજિપ્તની ક્રાંતિઓમાં સોશ્યલ સાઈટ્સની ભૂમિકા ઘણી મોટી હતી. તેના કારણે આ બંને દેશોમાં તખ્તાપલટ થયા. તે સમયે ગભરાયેલા ચીને પોતાને ત્યાં લોકશાહીની તરફેણમાં ચળવળ ફાટી નીકળે નહીં તેના માટે પાણી પહેલા પાળ બાંધીને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સને પ્રતિબંધિત કરી હતી. અણ્ણા હજારેના જનલોકપાલ બિલ માટેના આંદોલનના પહેલા તબક્કામાં દેશભરમાં ઉઠેલા ભ્રષ્ટાચાર વિરોધી વંટોળને પણ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ થકી મોટી ઊંચાઈ પ્રાપ્ત થઈ હતી. આ ઘટના બાદ કપિલ સિબ્બલે વાંધાજનક સામગ્રીના ઓઠાં નીચે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પર શકંજો કસવા માટેનો પ્રયત્ન આદર્યો છે. પરંતુ તેમા તેમને હજી સુધી સફળતા મળી નથી.
ત્યારે એક વસ્તુ સ્પષ્ટ છે કે જેટલી વધારે માહિતી લોકો સામે મૂકવામાં આવશે તેટલું વધારે પ્રમાણમાં લોકો પરિસ્થિતિને સમજવા માટે સ્પષ્ટ વિશ્લેષણ કરીને નિર્ણય લઈ શકશે. આજના જમાનામાં માહિતીઓ આપનારા સ્ત્રોતોના ખુદના પોતાના કેટલાંક સ્થાપિત હિતો હોય છે, જેના પરિણામે જનતા સુધી સંપૂર્ણ અને તમામ માહિતી જેવી હોય તેવા સ્વરૂપમાં પહોંચતી નથી. તેને કારણે જેના તરફી માહિતી હોય છે, તેને ફાયદો અને જેના વિરુદ્ધની માહિતી હોય છે તેને નુકસાનની ભીતિ રહેલી છે. આ પરિસ્થિતિ ટાળવા માટે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. જેનો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભરપૂર ઉપયોગ કરીને પોતાની સામેના તમામ કથિત અપપ્રચારોને ખાળવામાં સફળતા મેળવી છે.
ગુજરાત વિધાનસભાની ટર્મ ડીસેમ્બર-2012માં પૂર્ણ થઈ રહી છે. આવા સંજોગોમાં કોંગ્રેસ પાસે હજી પણ સાત-આઠ માસનો સમય છે કે જેમાં તેઓ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ થકી ઓબામા સાથે સ્પર્ધા કરી રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જવાબ આપવા માટે પ્રયત્ન કરી શકે છે. સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સમાં ગુજરાતમાં મૂળિયામાંથી હચમચી રહેલી કોંગ્રેસને પોતાના મૂળિયા મજબૂત કરવાની માટી નવી પ્રકારના સોશ્યલ નેટવર્કિંગથી પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ પરની સક્રિયતાથી કોંગ્રેસ વધારે ઓપિનિયન મેકર્સ અને ઓપનિયન લીડર્સ સુધી પહોંચવામાં સફળ થાય તેવી પુરી શક્યતા છે. આમ કરવાથી ગુજરાતના વિકાસની સામેની બાજૂ પણ તેઓ જનતા સામે મૂકી શકશે અને જનમતને પોતાના તરફે એક દિશા આપી શકશે.
No comments:
Post a Comment