Φ अपना विषय खोजे

Wednesday, April 18, 2012

મંત્રોની શરૂઆતમાં ૐ શા માટે?


ભારતમાં સૌથી વધુ બોલાતો મંત્ર ૐ છે. આ એકાક્ષર મંત્રનો જપ કરનારનાં મન અને શરીર પર તથા આસપાસના વાતાવરણ પર ઘણો જ શુભ પ્રભાવ પડે છે. મોટા ભાગના મંત્રો અને વૈદિક સ્તુતિઓની શરૂઆત ૐથી જ થાય છે.
દરેક પ્રકારનાં શુભ કાર્યોની શરૂઆત પણ ૐના મંત્રોચ્ચારથી થાય છે. ૐ કે હરિ ૐ બોલીને મહેમાનોનું સ્વાગત કે અભિવાદન પણ કરવામાં આવે છે. ૐના આકારની પૂજા કરવામાં આવે છે, તેનું ધ્યાન ધરવામાં આવે છે અને એક શુભચિહ્ન તરીકે તેને ઘરનાં દ્વાર કે મંદિરમાં લગાવવામાં આવે છે.
ૐ (ઓમ)એ ઈશ્વરનું વૈશ્વિક નામ છે અને તે અ, ઉ અને મ એમ ત્રણ મૂળાક્ષરોમાંથી બનેલો છે. ગળામાં આવેલા નાદતંતુઓમાંથી પહેલો ધ્વનિ ‘અ’ હોય છે. બંને હોઠ ગોળાકારમાં આવે ત્યારે ‘ઉ’ બોલાય છે અને હોઠ જ્યારે બીડાઈ જાય ત્યારે ‘મ’નો ઉચ્ચાર થાય છે. આ ત્રણ અક્ષર બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રિદેવોના છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાના છે. ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ એ ત્રણ વેદોના છે. ભુર્, ભવઃ, સ્વઃ એ ત્રિલોક વગેરેનાં પ્રતીક છે. ઈશ્વર આ તમામમાં તથા તેનાથી પણ પરે છે. નિરંજન, નિરાકાર બ્રહ્મ એ ૐના ઉચ્ચાર મધ્યની શાંતિ છે. ૐને પ્રણવ પણ કહે છે. જે નામ દ્વારા ભગવાનના ગુણગાન ગવાય છે તેને પ્રણવ કહેવાય છે. વેદોનો સમગ્ર સાર ૐ છે.
એક પ્રચલિત કથા પ્રમાણે ઈશ્વરે સૃષ્ટિના સર્જનની શરૂઆત ૐ અને અથનો મંત્રોચ્ચાર કરીને કરી હતી, તેથી કોઈ પણ કાર્યનો શુભારંભ ૐકારના ઉચ્ચારણથી કરવામાં આવે છે. ઘંટનાદમાં ૐકારનો પ્રતિધ્વનિ સંભળાય છે, તેથી મનને શાંતિ મળે છે. તે એકાગ્ર થાય છે અને સૂક્ષ્મ ધ્વનિથી પરિપૂર્ણ થાય છે. ૐકારના અર્થનું ધ્યાન કરીએ ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ૐ સર્વસ્વ છે. જીવનનું સાધન અને સાધ્ય જગત તથા તેની પાછળનું સત્ય, જડ અને ચેતન, આકાર અને નિરાકાર, આ બધું જ ૐમાં સમાયેલું છે.                 

No comments:

Post a Comment