Φ अपना विषय खोजे

Tuesday, April 24, 2012

રમખાણોનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો હોત!

...તો ગોધરાકાંડ બાદના રમખાણોનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો હોત!


pakistan might take advantage of gujarat riots after gadhra carnage

સરહદે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા લશ્કર ખડકાયું હોય અને દેશની ભીતર કોમી હિંસા ફાટી નીકળે તો તેવી પરિસ્થિતિમાં દુશ્મન દેશને સીધો ફાયદો પહોંચી શકે છે. 13મી ડીસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો થયો અને ત્યાર બાદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આરપારની લડાઈનો નિર્ધાર વ્યક્ત કર્યો. ભારતીય સેના પાકિસ્તાન સરહદે પહોંચી ગઈ અને પાકિસ્તાન સામેના લશ્કરી ઓપરેશનના આદેશની રાહ જોવા લાગી.

તેવા વખતે 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતના ગોધરા જંકશન પાસે સિગ્નલ ફળિયા નજીક ટોળા દ્વારા અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકો સાથેની સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપી દેવામાં આવી. આ ઘટનામાં 58 કારસેવકોના સ્થળ પર જ આગમાં ભડથું થઈ જવાથી મોત નીપજ્યા. પાછળથી વ્યક્તિ મૃત્યુ પામી. આ આગ એટલી વિકરાળ હતી કે ગુજરાતમાં ઠેરઠેર કોમી હુતાસણો ફેલાયા.

ગુજરાતના 151 શહેરો અને 993 ગામડાંઓમાં કોમી હિંસાની આગ ફેલાઈ. રાજ્યના 25 જિલ્લામાંથી 15થી 16 જિલ્લામાં નાનામોટા પ્રમાણમાં કોમી છમકલા થયા. જેમાં 28 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધીમાં કોમી હિંસાની તીવ્રતા સૌથી વધારે હતી. જેની મોટી અસર 15 માર્ચ સુધી ફેલાયેલી રહી. જો કે સમગ્ર કોમી છમકલાં જૂનના મધ્ય ભાગ સુધી ચાલુ રહ્યા. આ કોમી રમખાણોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતને સૌથી વધારે અસર પહોંચી હતી. કારણ કે મોટાભાગના કારસેવકો આ બંને વિસ્તારોમાંથી આવતા હતા. મૃત્યુ પામેલા કારસેવકોમાં પણ તેમની સંખ્યા મોટી હતી. આ સિવાય ઉત્તર-પૂર્વની ગોધરા નજીકની આદિવાસી પટ્ટીમાં કોમી રમખાણોની તીવ્રતા મોટી હતી. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છ અપવાદરૂપ છમકલાંને બાદ કરતાં એકંદરે શાંત રહ્યા હતા.

ગુજરાતમાં 2002ની રમખાણોની ઘટનાનમાં 790 મુસ્લિમો અને 254 હિંદુઓ માર્યા ગયા હતા, જ્યારે 200થી વધારે લોકોને ગુમ થયેલા ગણાવાયા છે. ગોધરાકાંડ બાદ ભડકેલા હુલ્લડોમાં 500થી વધારે સ્થાનો પર તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે 298 દરગાહો, 205 મસ્જિદો, 17 મંદિરો અને 3 ચર્ચોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 61 હજારથી વધારે મુસ્લિમો અને લગભગ 10 હજાર હિંદુઓ પોતાના ઘરમાંથી બેઘર બન્યા હતા. હુલ્લડો બાદ 27901 હિંદુઓ અને 7651 મુસ્લિમોને તોફાનો માટે જવાબદાર ગણીને જેલમાં નાખી દેવાયા હતા. હુલ્લડોને નિયંત્રિત કરવા માટે પોલીસે 10 હજાર રાઉન્ડ ફાયર કર્યા હતા. પોલીસ ગોળીબારમાં 93 મુસ્લિમો અને 77 હિંદુઓના મોત નીપજ્યા હતા.

આ કોમી રમખાણોને ડામવા માટે રાજસ્થાન અને અન્ય સરહદે યુદ્ધની તૈયારી કરીને ઉભેલા સૈનિકોને બોલાવવા પડયા. આ ઘટનાની તીવ્રતા અને સંવેદનશીલતાને જોતા આખા ઉત્તર ભારતમાં કોમી હુતાસણો ફેલાવવાની શક્યતાઓને જોતા સરકારે અન્ય વિશેષ વ્યવસ્થાઓ કરવી પડી હતી. જો કે સદભાગ્યે કોમી હિંસાની ઘટનાઓ ગુજરાત સુધી જ સીમિત રહી.

પરંતુ વિચાર કરો કે આવા સંજોગોમાં પાકિસ્તાન સાથે ભારતનું યુદ્ધ થયું હોત અને કોમી હિંસા ગુજરાત સુધી જ સીમિત ન રહી હોત, તો દેશ કેવી પરિસ્થિતિમાંથી પસાર થયો હોત? શું આવી ઘટનાનો પાકિસ્તાને ફાયદો ઉઠાવ્યો ન હોત? શું દેશના પાંચમી કતારીયાને આવી ઘટનાઓ વધારે સબળ બનવા મૂળિયા મજબૂત કરવામાં મદદરૂપ બની ન હોત? આજે પણ ચૂંટણીઓમાં મુસ્લિમ મતોને ચોક્કસ દિશા આપવા માટે ગુજરાતના રમખાણોને યાદ કરવામાં આવે છે. તો સરહદપાર ચાલતા આતંકવાદી કેમ્પોમાં ભારત વિરુદ્ધ જેહાદ માટે કટ્ટરવાદીઓ દ્વારા મુસ્લિમ યુવાનોની ઉશ્કેરણી કરીને બ્રેઈન વોશ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત રમખાણો બાદ ગુજરાતમાં અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો અને 2008માં અમદાવાદમાં 20 શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની ઘટનાને આતંકવાદી પ્રતિક્રિયા તરીકે જોવામાં આવે છે. ગુજરાત હજીપણ આતંકવાદી હુમલાઓ અને ઘટનાઓ સંદર્ભે સંવેદનશીલ ક્ષેત્રની શ્રેણીમાં ગણવામાં આવે છે.

No comments:

Post a Comment