Φ अपना विषय खोजे

Tuesday, April 24, 2012

ભ્રષ્ટાચાર બૂમબરાડા અને અનશન-આંદોલનથી નહીં ભાગે!

ભ્રષ્ટાચાર બૂમબરાડા અને અનશન-આંદોલનથી નહીં ભાગે!




ભ્રષ્ટાચાર સામે ભારત માતા કી જયના સૂત્ર સાથે અનશનવીર ગાંધીવાદી અણ્ણા હજારેએ આ વર્ષે બે વખત ઉપવાસ કર્યા. તેમણે દેશમાં ભ્રષ્ટાચારને કાબુમાં લાવવા માટે જનલોકપાલ બિલની પુરજોર માગણી કરી છે. સરકારે 22 ડિસેમ્બર સુધી ચાલનારા શિયાળુ સત્રમાં મલ્ટીબ્રાન્ડ રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરી આપીને વિવાદના મધપૂડાને જાણીજોઈને છેડી દીધો છે. જેના કારણે શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી 11 દિવસ ચાલી શકી નથી. ત્યારે સરકારની મનસા કદાચ મજબૂત લોકપાલ બિલને શિયાળુ સત્રમાં લટકાવાની હોય તેવા પણ સંકેતો મળી રહ્યા છે. ખુદ અણ્ણાએ પણ આ સંદર્ભે આશંકાઓ વ્યક્ત કરી છે.

ભ્રષ્ટાચાર સામે અણ્ણા અલખ જગાવતા રહે તેની સામે કોઈને કોઈ વાંધો ન હોઈ શકે. ભ્રષ્ટાચાર દેશ માટે આફત છે, ધીમું ઝેર છે. તેનો ઈલાજ થવો જોઈએ. આ બાબતે કોઈ અસંમત નથી. પરંતુ અણ્ણા દાવો કરે છે કે લોકો જાગી ગયા છે અને 27 ડિસેમ્બરે તેમના પ્રસ્તાવિત અનશન માટે જનતા તૈયાર છે. પરંતુ તેની સામે ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ કરપ્શન ઈન્ડેક્સમાં ભારત દેશમાં અણ્ણાના આંદોલન છતાં 11 ક્રમાંક નીચે પછડાયું છે. ભારત કરપ્શન ઈન્ડેક્સમાં 95માં સ્થાને છે. એકથી દસ સ્કેલ પર રેન્કિંગના આધારે તમામ દેશોની વાર્ષિક યાદી બનાવનારી સંસ્થાએ ભારતને ઈન્ડેક્સમાં ચીનથી નીચે રાખ્યું છે, જ્યારે પાકિસ્તાનથી ભારત ઉપરના ક્રમાંકે છે. કરપ્શન ઈન્ડેક્સમાં ભારતથી વિકાસના મામલામાં કોસો દૂર રહેલા ચીનનું સ્થાન 75મું છે. જ્યારે પાકિસ્તાન કરપ્શન ઈન્ડેક્સમાં 134મા સ્થાને છે.

તાજેતરના ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના કરપ્શન ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ પરથી સ્પષ્ટ છે કે ભારતમાં ભ્રષ્ટાચારને ભગાડવો જોઈએ તેની વાત બધાં કરે છે. પરંતુ ભ્રષ્ટાચારને કોઈ ભગાડતું નથી. લોકો વધારેને વધારે ભ્રષ્ટાચારમાં ખૂંચતા જાય છે. તેનું પરિણામ છે કે ભારત ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કરપ્શન ઈન્ડેક્સમાં 11 ક્રમાંક નીચે ઉતર્યું છે. અણ્ણાના આંદોલન વખતે આંદોલનમાં ભાગ લેવા જતાં આંદોલનકારીઓએ ટ્રાફિકના નિયમના ભંગ બદલ થનારા દંડને ટાળવા માટે પોલીસને લાંચ આપી હોવાના કિસ્સા દેશમાં ઘણે ઠેકાણે બન્યા છે. ત્યારે સવાલ એ છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં ભાગ લેવા માટે જનારા લોકો લાંચ આપીને કેવી રીતે ભ્રષ્ટાચારને ભગાડી શકશે?

ભ્રષ્ટાચારને ભગાડવાની વાત કરતાં પહેલા સમજવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર શું છે? ભ્રષ્ટાચાર માનવીય આચાર સાથે સંકળાયેલી બાબત છે. આ એવો આચાર છે કે જે શિષ્ટાચાર નથી, સત્યાચાર નથી, પણ માનવીય સ્વભાવ વિરુદ્ધના રસ્તે લઈ જતો આચાર છે. માણસ પેદા થાય છે, ત્યારે તે પૂર્ણરૂપથી સત્યાચારી હોય છે. તે જેમ જેમ જીવનમાં આગળ વધે છે, તેમ તેમ તેના સત્યાચારી માર્ગ બદલાય છે અને તે ભ્રષ્ટાચાર તરફ આગળ વધે છે. દુનિયાના લગભગ 99 ટકા લોકો સાથે આવી ઘટના બને છે. ભ્રષ્ટાચારી એટલે માત્ર નાણાંની લાંચ આપવી એટલું જ ભ્રષ્ટાચારમાં સામેલ થતું નથી. જીવનમાં મૂલ્યવિહીન, અનૈતિક, સિંદ્ધાત વિરુદ્ધ કરવામાં આવતું દરેક આચરણ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર માનવતાની પણ વિરુદ્ધ છે. કારણ કે તે માનવીય મૂલ્યો, આચાર-વિચાર, સિદ્ધાંત વિરુદ્ધનું વર્તન છે.

ભ્રષ્ટાચાર માનવીય માનસ સાથે સંકળાયેલી વસ્તુ છે. ત્યારે પ્રશ્ન એ છે કે એક લોકપાલ લાવી દેવાથી એટલે કે કોઈ તંત્રને દંડો લઈને વ્યવસ્થામાં રહેલા લોકોના વોચડોગ તરીકે બેસાડી દેવું ભ્રષ્ટાચારનો ઉકેલ છે? શું ભ્રષ્ટાચાર લોકોના ટોળા ભેગા કરવાથી, રેલીઓ કાઢવાથી, બૂમો પાડીને ભાષણો કરવાથી, ટેલિવિઝન પર ઉટપટાંગ દલીલો કરવાથી, તર્ક-વિતર્ક-કુતર્કની શ્રેણી ચલાવવાથી, ભારત માતા કી જયની ચીસો પાડવાથી અને દેશભક્તિના ગીતો પર નાચવાથી દૂર થવાનો છે? ભ્રષ્ટાચારનો ઉકેલ કોઈ કડક કાયદા ન હોઈ શકે. ભ્રષ્ટાચાર મૂલ્યો અને સિદ્ધાંતો જોડે સંકળાયેલી વસ્તુ છે. ભારતમાં મૂલ્યો અને સિદ્ધાંતોની શું સ્થિતિ છે? આજે ભારતમાં અનૈતિકતાને ઓજાર, મૂલ્યહીનતાને મિલ્કત અને સિદ્ધાંતહીનતાને સત્ય ગણીને પોતાના હિતો સાધવાને હોશિયારી ગણવાની નવી પરિભાષા સામે આવી છે. આ પ્રકારની પરિભાષા માનવીય માનસને ભ્રષ્ટાચારી બનાવે છે અને ભ્રષ્ટાચારનું મૂળ આ માનસિકતામાં રહેલું છે. અણ્ણા જનલોકપાલ લાવે કે જનતાલને લોકપાલ બનાવે, પણ તેઓ મૂલ્યહીનતા, સિદ્ધાંતવિહીનતા અને અનૈતિકતાને રોકવા માટે કોઈ એક્શન પ્લાન ધરાવતા નથી. ભારતમાં ભ્રષ્ટાચારને રોકવા માટે સેંકડો કાયદા છે. પણ તેમ છતાં ભ્રષ્ટાચારમાં દેશ નંબર વન બનવા તરફ આગળ જઈ રહ્યો છે. તેના કારણમાં ભારતનું માનસ પરિવર્તન છે. સ્વયંસંચાલિત સત્યાચારી ભારતીય વ્યક્તિ મૂલ્યહીનતા અને અનૈતિકાના માર્ગ પર પથભ્રષ્ટ બનીને ભ્રષ્ટાચારી બની ગયો છે. આજે દેશમાં એકપણ વ્યક્તિ એવો નહીં હોય કે જે પોતે 100 ટકા સત્યાચારી હોવાનો અને શૂન્ય ટકા ભ્રષ્ટાચારી હોવાનો દાવો કરી શકે. ખુદ ભ્રષ્ટાચાર ન કરવો તમને માત્ર ભ્રષ્ટાચારી નહીં બનાવે. ભ્રષ્ટાચાર થતો જોવો અને તેને રોકવા માટે કંઈ ન કરવું પણ તમને ભ્રષ્ટાચારી બનાવે છે.

ભારતના મૂલ્યો અને નૈતિકતાને તોડવાનું કામ 1200 વર્ષથી અવિરત ચાલી રહ્યું છે. ભારતના જીવન સિદ્ધાંતો બદલવા માટે જોર-જુલમ અને છેતરપિંડીનો 1200 વર્ષનો ઈતિહાસ છે. અંગ્રેજોએ ભારતના પરંપરાગત મૂલ્ય, સિદ્ધાંતો અને નૈતિકતા પર કુઠારાઘાત કર્યો. તેમના માનસિક ગુલામોએ આ બાબતને ભારતમાં આઝાદી પછી પણ આગળ વધારી. ઉદારીકરણના યુગમાં અંગ્રેજોના માનસિક ગુલામોએ દેશને વધારે પથભ્રષ્ટ કર્યો. દેશ ભોગવાદી બન્યો, દેશમાં પૈસો પરમેશ્વરના સ્થાને આવી ગયો. બસ કોઈપણ રીતે અને કોઈપણ ભોગે પૈસો પોતાની પાસે આવવો જોઈએ. ભોગવિલાસના સાધનો પોતાની પાસે અઢળક માત્રામાં હોવા જોઈએ. બસ આ માનસિકતા સાથેની પથભ્રષ્ટતા મંત્રીથી માંડીને સંત્રી સુધી વ્યાપક અને ઉંડી બની. તેના કારણે આજે 64 કરોડના કૌભાંડમાં હલબલી જનારો દેશ પોણા બે લાખ કરોડના કૌભાંડમાં પણ સંવેદનશીલતા બતાવવા માટે તૈયાર નથી. જે સંવેદનશીલતા દેખાય છે, તે માત્ર દેખાડો હોય તેવું વધારે લાગે છે. તેમા એ આગ નથી કે જે પરિવર્તનનો યજ્ઞ કરી શકે. જેપી આંદોલન જેવી આંચ હજી થઈ નથી. વીપી આંદોલન જેવો ઉભરો હજી આવ્યો નથી.

ભ્રષ્ટાચાર કોઈને હટાવવો નથી અને માટે તે હટતો નથી. પણ કોઈને ખુરશી પરથી ઉઠાડી પોતે ખુરશી પર બેસવા માટે ભ્રષ્ટાચારના નામે રાજકારણ ખેલનારા રાજકારણીઓ અને રાજકીય પક્ષોનો ખેલ બરાબર જામ્યો છે. ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સવાળી વ્યવસ્થા હોય તે સદા આવકાર્ય છે. પરંતુ તેનાથી આગળ વધીને વિચારવું પડશે કે ભારતીયોની માનસિકતા જ ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સવાળી બને. તેના માટેની કોઈ જનલોકપાલ કરતા મોટી વ્યવસ્થા વિચારવી પડશે.

તેના માટે સમાજમાં મૂલ્ય, સિદ્ધાંતો અને નૈતિકતાના ભારતીય મૂલ્યોની પુનપ્રતિષ્ઠા કરવી પડશે. તેમની પુનપ્રતિષ્ઠા માટે જો કોઈ પ્રયત્ન થઈ શકે તો તે બાળકના ઉછેરથી શરૂ થઈ શકે. બાળકના ઉછેરમાં સૌથી મોટી ભૂમિકા માતા-પિતા અને શિક્ષક ભજવી શકે છે. તેમની સૌથી મોટી જવાબદારી છે કે બાળક ભ્રષ્ટાચારમુક્ત માનસિકતા સાથે જીવનના મોરચે આગળ વધે. તેના માટે પડી ભાંગેલી ભારતની શિક્ષણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવી પડશે. ભારતની શિક્ષણ વ્યવસ્થામાં અત્યારે મૂલ્ય, સિદ્ધાંત અને નૈતિક વિચારોની બાદબાકી જેવી સ્થિતિ છે. પહેલાના વખતમાં શાળામાં બાળક માત્ર શિક્ષિત જ ન હતો બનતો પણ સંસ્કારી પણ બનતો હતો. પરંતુ હવે શિક્ષણ પદ્ધતિ અને વ્યવસ્થામાં શિથિલતા આવવાને કારણે બાળક શિક્ષિત તો બની જાય છે, પણ સંસ્કારી થઈ શકતો નથી. બાળકને શાળામાં ગણિત, વિજ્ઞાન અને ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે, પણ મૂલ્ય શીખવાડાતા નથી, સિદ્ધાંતો ભણાવાતા નથી અને નૈતિકતા દેખાડાતી નથી.

આનું પરિણામ શું આવ્યું છે, તે આપણે આઝાદીના માત્ર 64 વર્ષમાં જોઈ શક્યા છીએ. 1000 વર્ષના ગુલામી કાળમાં ભ્રષ્ટાચાર ચોક્કસ પ્રકારના ઉપરના સ્તરે હતો. પરંતુ આઝાદીના 64 વર્ષમાં આપણે ભ્રષ્ટાચારને એટલો વિકસવા દીધો છે કે તે છેક નીચલા સ્તરે મૂળ સુધી પહોંચી ગયો છે. તેનું એકમાત્ર કારણ શિક્ષણમાંથી ભારતીય જીવન મૂલ્યો અને તત્વચિંતનની બાદબાકી છે. વ્યક્તિમાં ભારતીય જીવનમૂલ્યો જીવતા હોત, ભારતીય તત્વચિંતન હિલોરા મારતું હોત તો શું તે ભ્રષ્ટાચારી બની શકત? આટલા ભ્રષ્ટાચાર છતાં ભારતમાં હજી સુધી કોઈ સરકાર, નેતા, પક્ષ, એનજીઓ, સમાજસેવકે મૂલ્ય આધારીત શિક્ષણ માટે પરિણામદાયક પહેલ કરી નથી. બાકી ભ્રષ્ટાચારને ભગાડવા માટે અત્યારે જે પ્રયત્ન થઈ રહ્યા છે, તે આભને થીંગડા મારવાની કોશિશ જ સાબિત થવાના છે. બાકી વેલ્યુ એજ્યુકેશન વ્યક્તિને ઢાળમાં પણ ગબડે નહીં તેવો બનાવશે.

No comments:

Post a Comment