Φ अपना विषय खोजे

Tuesday, April 24, 2012

કમ્યુનિઝમમાં સ્ટેટ હંમેશા બળવાન હોય છે

વિકાસના વાયરામાં વકરેલા ‘સ્ટેટ’ને સમાજ નિયંત્રિત કરે



દેશને આઝાદ થયાને 65 વર્ષ થશે. દેશમાં 65 વર્ષમાં ખૂબ મોટા પરિવર્તનો આવ્યા છે. સમાજજીવનની અંતરંગ વાતો બદલાઈ છે, આર્થિક વ્યવહારો બદલાયા છે, ધંધા-વેપારની વાતોમાં મોટા ફેરફારો થયા છે. તેની સાથે રાજકારણના અનેક રંગો પણ આપણે ભારતના લોકોને જોવા મળ્યા છે. આ 65 વર્ષોની ભારતની આઝાદીની યાત્રા 1000 વર્ષની ગુલામીના તબક્કાથી પણ વરવી રહી છે. આ 65 વર્ષમાં ભારતના સમાજનું સતત નબળું બનવું અને ભારતમાં સ્થપાયેલું રાજ્ય સમાજ પર જોહુકમી કરતું નજરે પડયું છે. પછી તે સામાજિક સુધારાની વાત હોય કે સામાજિક સુધારાના નામે સમાજને વકરાવી નાખવાની વાત હોય. કાયદાના નામે ભારતીય સમાજની આગવી બાંધણીને તોડવાના ભરચક પ્રયત્નો ભારતીય રાજ્ય થકી થયા છે. ભારતમાં રાજ્ય અત્યારે સમાજ કરતાં બળવાન દેખાઈ રહ્યું છે અને સમાજ નબળો દેખાઈ રહ્યો છે.

હકીકતમાં આ માનો કે ન માનો ભારતમાં પાછલા બારણે પગપેસારો કરેલા કમ્યુનિઝમનું પરિણામ છે. કમ્યુનિઝમમાં સ્ટેટ હંમેશા બળવાન હોય છે અને એટલી હદે બળવાન થતું જાય છે કે તે દરેક વાતમાં તાનાશાહી ચલાવે છે. કમ્યુનિસ્ટ સ્ટેટમાં સમાજ અને માનવીની કોઈ ગણના હોતી નથી. સ્ટેટ રાજસત્તા પર એકહથ્થું નિયંત્રણ ચલાવે છે. ભારતમાં આગામી પચ્ચીસ વર્ષમાં આ પરિસ્થિતિ આવી જશે. આ દેશનો સમાજ આઝાદી પહેલા અને આઝાદી વખતે જેટલો એકજૂટ અને શક્તિશાળી હતો, તેટલો એકજૂટ અને શક્તિશાળી આઝાદીના 65 વર્ષે રહ્યો નથી. સમાજથી ચાલતા સેવાકાર્યો અને સમાજકાર્યો આઝાદી વખતે જેટલા પ્રમાણમાં ચાલતા હતા, તેમા ઘટાડો અને ભ્રષ્ટતા આજનું ભાગ્ય બની ગયું છે. આઝાદી વખતે સત્તાને સમાજ નિયંત્રિત કરતો હતો. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ છે. સમાજને સત્તા અનામત, આર્થિક લાભો, નોકરીની લાલચો અને નીતનવા ઉધામા કરીને નિયંત્રિત કરે છે. ભારતીય સમાજને સત્તા જોડતી હોય તેવું લાગી રહ્યું નથી, પરંતુ જાતિ-ધર્મ-ભાષા-પ્રાંત-વર્ગના જુદાંજુદાં ઓઠાં નીચે સમાજને તોડતી હોય તેવું વધારે પ્રતિપાદિત થઈ રહ્યું છે. ભારતીય સ્ટેટ સમાજના ભોગે વધારે શક્તિશાળી બની ગયું છે. જેના કારણે ભારતીય સ્ટેટ પર અત્યારે સૌથી વધારે બોજો છે. તેની પાછળનું કારણ એટલું છે કે સમાજની કલ્યાણ વૃતિ ભારતીય સ્ટેટની કથની અને કરણીમાં ધોવાઈ ગઈ છે. અત્યારે પરિસ્થિતિ એવી આવી છે કે ભારતીય સ્ટેટને તમામ કલ્યાણકારી કામોનો બોજો ઉઠાવવો પડે છે. તેના માટે તે નવી વ્યવસ્થાઓ પણ કરી રહી છે. પરંતુ જે વ્યવસ્થામાં સમાજ ભાગ ન લે અને જે વ્યવસ્થામાં સમાજનો હિસ્સો ન હોય તે વ્યવસ્થા ક્યારેય સફળ થતી નથી.

ભારતમાં કલ્યાણકારી યોજના તરીકે મનરેગાની ગણના થાય છે. પરંતુ સૌથી વધારે ભ્રષ્ટાચારના આક્ષેપો મનરેગાની યોજના સામે થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં એનએચઆરએમ યોજનાના કૌભાંડ અને અનાજ કૌભાંડ આના ઉદાહરણો છે. ગરીબોને મફત કે સસ્તા ભાવે અનાજ આપવાની યોજનાઓમાં પણ અઢળક ભ્રષ્ટાચાર થયો છે અને થઈ રહ્યો છે. દેશમાં હાલ ભારતીય સ્ટેટ એવી વ્યવસ્થા બની ગયું છે કે જેમાં 545 વ્યક્તિઓની સામુહિક તાનાશાહી ચાલી રહી છે. તેમની નીચે રાજ્યોમાં વિધાનસભાના સભ્યોની પણ સામુહિક તાનાશાહી ફૂલીફાલી રહી છે. દેશમાં વિરોધી મત, અલ્પ મત અને અલગ મતને કોઈ સ્થાન મળી રહ્યું હોય તેવું લાગતું નથી. જે પણ કોઈ વાત કરવામાં આવી રહી છે, તેમાં પોતાની સામુહિક તાનાશાહી ચાલે તેવી વ્યવસ્થા સામુહિક પણે ભારતીય સ્ટેટની બનાવટની ભ્રષ્ટ બનેલી વ્યવસ્થામાં સામેલ લોકો કરી રહ્યા છે. ભારતના ભ્રષ્ટાચાર અને વધી રહેલા ભ્રષ્ટાચારનું આ એકમાત્ર કારણ છે. આ ભારતીય સ્ટેટની પ્રવર્તમાન ભ્રષ્ટતાએ આઝાદીના 65 વર્ષે ભારતીય સમાજની ઘણી સારી અને કલ્યાણકારી બાબતોનું ધોવાણ કર્યું છે.

ભારતીય સમાજે રોટલે અને ઓટલે ક્યારેય આજે ચાલી રહી છે, તેવી ચોરી કરી નથી. ભારતમાં 33 કરોડ વસ્તી હતી, ત્યારે પણ 75 લાખ સાધુ-સંન્યાસીઓની સંખ્યા હતી. આજે પણ દેશમાં સાધુ-સંન્યાસીની એક કરોડથી વધારે સંખ્યા છે. સાધુ-સંન્યાસીને રોટલો અને ઓટલો આપવાની સમાજની આગવી વ્યવસ્થા હતી. આ સાધુ-સંન્યાસી થકી ગરીબ-ગુરબાઓ સુધી અન્ન પહોંચે તેવા અન્નક્ષેત્રોની પણ આગવી વ્યવસ્થા હતી. આજે પણ સૌરાષ્ટ્ર જેવા દેશના ઘણાં વિસ્તારોમાં સમાજના માન્યતા પ્રાપ્ત સંતો અને સંસ્થાઓ થકી અન્નક્ષેત્રો ચાલી રહ્યા છે. ભારતમાં અન્નદાનને મહાદાનમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે આવા દેશમાં ગરીબો કુપોષણ રાષ્ટ્રીય શરમ હોવાની વાત ખુદ વડાપ્રધાન મનમોહન સિંહે કરવી પડે છે. આઝાદીના 65 વર્ષે ભારતે અને ભારતના લોકોએ સામુહિકપણે વિચાર કરવો પડે કે દેશમાં આટલી દુર્ગતિનું કારણ શું છે અને તેનું તાત્કાલિક અને લાંબા ગાળાનું પરિણામ શું આવી શકે?

ભારતનું સમાજદર્શન કેવું હતું અને કેવું થઈ રહ્યું છે? તેનો ગંભીરતાથી વિચાર કરવાનો અત્યારે સમય છે અને વિચારના અંતે એક ચોક્કસ દિશામાં પ્રયત્ન કરવાનો વખત છે. જો આ છેલ્લી ટ્રેન ચુકી ગયા, તો ભારત પણ યુનાન, મિસર અને રોમના માર્ગે ઈતિહાસ બની જશે. સામાજિક સ્તરે દયા, કરુણા, કલ્યાણ, ઉદ્ધાર, એકતા જેવી ઉદાત ભાવના જેટલી વધારે તીવ્ર પ્રમાણમાં હોય છે, તેટલો જ સમાજ વધારે સુદ્રઢ, મજબૂત અને શક્તિશાળી બને છે. સમાજની વીરતા સમાજની કરુણામાં રહેલી છે. ભારતમાં ગાયોને બચાવવા, બ્રાહ્મણોને બચાવવા, ગરીબોને બચાવવા અનેક વીરોએ પોતાના માથા ઉતારીને આપી દીધા છે. સામાજિક દયા અને કરુણાએ સમાજને વીરતા માટે બાધ્ય કર્યો છે. ભારતના રાજાઓને ગૌબ્રાહ્મણ પ્રતિપાળ કહેવામાં આવતા તેની પાછળનો તર્ક છે. ભારતમાં ગાય અને બ્રાહ્મણ એટલે વિદ્વાન વ્યક્તિ સંરક્ષણના અધિકારી છે, કરુણાને પાત્ર છે. તેનો રંઝાડ રોકવો રાજ્યની ફરજ ગણાય છે. પરંતુ આજના રાજ્યમાં ગાયો લાખોની સંખ્યામાં કપાઈ રહી છે અને બ્રહ્મત્વ ધરાવતા વિદ્વાન પુરુષોનો રંજાડ પણ વધી રહ્યો છે.

ભારતમાં અત્યારની વ્યવસ્થા એવી બની રહી છે કે સ્ટેટની રાજસત્તા સમગ્ર દેશ પર નિયંત્રણ કરવામાં સફળ થઈ રહી હોય તેમ મહેસૂસ થઈ રહ્યું છે. સ્ટેટ ભારતના અર્થતંત્ર, સમાજતંત્ર, ન્યાયતંત્ર, રાજતંત્ર, સંસ્કૃતિ સુદ્ધાંને નિયંત્રિત કરવામાં સફળ થઈ રહ્યું છે. હંમેશા નિયંત્રણમાં આવનારી વસ્તુ નિયંત્રક વસ્તુ કરતા દુર્બળ હોય છે. નિયંત્રક હંમેશા પ્રભાવી હોય છે. ભારતમાં સ્ટેટ અત્યારે પ્રભાવી અને શક્તિશાળી છે. સ્ટેટ ચલાવનારા લોકો સ્ટેટમાં રહેતા લોકો કરતાં વધારે શક્તિશાળી થઈ રહ્યા છે. તેમની સંપત્તિઓ દિવસે વધતી નથી તેટલી રાત્રિના અંધકારમાં વધી રહી છે. સમાજની સમૃદ્ધિ નષ્ટ થઈ રહી છે. વિકાસ કાર્યોના નામે સમાજના બહુ જૂજ લોકો સંપત્તિવાન બની રહ્યા છે. દેશના સાડા આઠ હજાર લોકો પાસે દેશની બે તૃતિયાંશ સંપત્તિ સંઘરાયેલી પડી છે. આ દેશની વસ્તી 122 કરોડ છે. જેમાંના 42 ટકા લોકોને રોજના 32 રૂપિયા પણ કમાવવાની તક મળતી નથી. સ્ટેટ અંત્યોદય નહીં, પણ અમીરોદયનું સાધન બની રહ્યું છે. સમાજના છેડાનો માનવી વધારે છેડે ધકેલાઈ રહ્યો છે.

ભારતે પોતાની દુર્ગતિ ટાળીને સદગતિના પંથે જવું હશે તો જનકલ્યાણનો માર્ગ અપનાવો પડશે. અત્યારે વિકાસની વાતો ઘણી ચાલે છે. વિકાસ એટલે મોટા રોડ, પુલ-બંધો, વીજળી, ઊર્જા, મોબાઈલ, હોટલ, ખૂબ ખર્ચો કરી શકવાની ક્ષમતા વગેરે છે. પરંતુ આ વિકાસની પરિભાષામાં જનકલ્યાણને સ્થાન નથી. જનકલ્યાણ આજના વિકાસમાં ગેરહાજર છે. જનકલ્યાણની ગેરહાજરી હોય તેવા વિકાસથી દેશ દુર્ગતિના માર્ગે ધકેલાય રહ્યો છે. ત્યારે સ્ટેટનો અભિગમ બદલાય તેવી કોઈ વાત થવી જોઈએ. અભિગમ કલ્યાણનો થવો જોઈએ કે જેનો એક ભાગ વિકાસ છે. ભારતમાં કલ્યાણરાજ સ્થાપનારા રાજાઓને ભારતની જનતા આજે પણ યાદ રાખે છે. પછી તે રાજા રામચંદ્ર હોય કે ધર્મરાજ યુધિષ્ઠિર હોય કે પ્રજાકલ્યાણક વિક્રમાદિત્ય હોય કે છત્રપતિ શિવાજી મહારા હોય કે ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી હોય કે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ હોય. આ તમામ રાજાઓએ પોતે સુખનો ઉપભોગ કર્યો નથી, પરંતુ પોતાના કર્મો થકી પ્રજાને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપી છે. પોતાની વિશાળ દ્રષ્ટિ અને કલ્યાણકારી અભિગમે પ્રજાને જીવનસ્તર સહીતની બાબતોમાં ખાસી ઊંચાઈ આપી છે. શું ભારતના હાલના વિકાસના નામે ચાલતા સરકારના વહેપારમાં પ્રજાને આવી ઊંચાઈ પ્રાપ્ત થઈ રહી છે?

ભારતમાં હવે સમય આવી રહ્યો છે, સમાજને શક્તિશાળી કરવા કલ્યાણકારી સુદ્રઢીકરણ કરવાનો. સમાજને દેશના નિયંત્રકની ભૂમિકામાં ફરીથી સ્થાપિત કરવામાં અને સમાજને ભારતીય સ્ટેટ પર પુન: નિયંત્રણ સ્થાપિત કરવા જેટલો શક્તિશાળી બનાવવા માટે સમાજિક નેતૃત્વે પ્રયત્નો તીવ્ર બનાવવા પડશે. ભારતીય સ્ટેટ વિશ્વના શક્તિશાળી સ્ટેટમાં સમાવિષ્ટ બને. તેના માટે પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ ભારતીય સ્ટેટની શક્તિના અનુપાતમાં ભારતીય સમાજની શક્તિ ક્ષીણ ન થવી જોઈએ. ભારતીય સમાજની શક્તિ પણ સ્ટેટ સાથે વધવી જોઈએ અને તેના કરતા વધારે સમાજ શક્તિશાળી બને તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ભારતીય સમાજમાં સુધારવાદી પગલા ભારતીય સ્ટેટ દ્વારા નહીં પણ સમાજના નેતૃત્વ દ્વારા લેવાવા જોઈએ. ભારતીય સમાજ ફરીથી ભારતીય સ્ટેટને ચલાવવા માટેની ડ્રાઈવિંગ સીટમાં આવવો જોઈએ. ભારતીય સમાજ ભારતીય સ્ટેટના નિયંત્રકની ભૂમિકામાં ફરીથી પુનર્પ્રસ્થાપિત થઈ જશે તો ભારતના લોકો માટે સ્ટેટને ફરીથી કલ્યાણકારી બનાવી શકાશે.

No comments:

Post a Comment