'વાલ્મીકિરામાયણ' (૪/૨૫/૫)માં કહ્યું છે : 'કોઈપણ માણસ સ્વતંત્ર રીતે કોઈ કામ કરી શકે છે અને ન તો બીજા કોઈને એમાં જોડવાની શક્તિ રાખે છે. આખું જગત સ્વભાવને આધીન ચે અને સ્વભાવનો આધાર કાળ છે.' આપણે કહીએ છીએ કે, સમય સમયનું કામ કરતો હોય છે. કોઈ જ માણસ પોતાની જાતને ક્યારેય છૂપાવી શકતો નથી. જે છે તે આજે નહીં તો પછી ક્યારેક પણ પ્રગટ થવાનું જ છે. 'વાલ્મીકિરામાયણ' (૬/૧૭/૬૪)માં કહ્યું છે : 'પોતાના આકારને ભલે કોઈ છૂપાવે, પણ તે છૂપાઈ શકતું નથી, પરંતુ માણસની દુષ્ટતા કે સાધુતા તે વધારે રીતે પ્રગટ કરે છે.' તમે તમારા અવગુણોને દબાવી રાખવાનો પ્રયત્ન કરો તો તે બમણા વેગથી પ્રગટ થતાં હોય છે. જેની જેવી પ્રકૃતિ એવો એનો વ્યવહાર હોય છે. 'ભગવદ્ગીતા' (૩/૩૩)માં કહ્યું છે : 'જ્ઞાાની માણસ પણ પોતાની પ્રકૃતિ-સ્વભાવ પ્રમાણે જ આચરણ કરતો હોય છે. બધાં જ પ્રાણીઓ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ આચરણ કરતાં હોય છે. દમનથી શું થઈ શકે ?' જેનો જે સ્વભાવ છે એને તમે દબાવા જાઓ તો એ વધારે ઊછળતો હોય છે. 'વાલ્મીકિરામાયણ' (૩/૫૦/૧૧)માં કહ્યું છે : 'જેના સ્વભાવમાં કામની પ્રધાનતા છે, એના એ સ્વભાવને ધોઈ શકાતો નથી.' જે છે એ છે જ. સંસ્કૃતમાં કોઈએ કહ્યું છે : 'કાગડાનું શરીર ભલે સોનાથી મઢાવો, એની ચાંચમાં માણેક જડાવો અને એની દરેક પાંખમાં મણિ ગૂંથાવો છતાં તે કાગડો જ રહેશે, રાજહંસ બની શકશે નહીં.' એટલે તો સૂરદાસે કહ્યું છે : 'સૂરદાસ કારી કામરિ પૈ ચઢત ન દૂજો રંગ.' એ જ વાત મીરાંબાઈએ કરી છે : 'ઓઢું હું કાળો કામળો, દૂજો દાગ ન લાગે કોઈ.' તો બિહારીએ પણ ગાયું છે : 'કોટિ જતન કોઉ કરો, પરૈ ન પ્રકૃતિહિ બીય.' જે સ્વભાવ છે એ ક્યારેય બદલાતો નથી, ભલે ગમે તેટલા પ્રયત્ન કરો. જે માણસનો જેવો સ્વભાવ પડયો હોય તેનો તે જ રહે છે. સંસ્કૃતમાં કહ્યું છે કે, 'જો આજીવન દૂધના સમુદ્રમાં ડૂબેલો રહે તોય કાગડો કાળો જ રહે છે.' આ જે પ્રકૃતિ છે, એ ક્યાંથી મળે છે ? લક્ષ્મીનારાયણ મિશ્રે કહ્યું છે : ' સદાચાર માણસની રુચિથી પેદા થતો નથી. એ તો જે ધરતી ઉપર જન્મ્યો છે તે પેદા કરે છે. આ ધરતીના ગુણ અને સ્વભાવ પ્રમાણે જ આપણો સ્વભાવ બનતો હોય છે.' આપણને આપણી ધરતીએ જે સ્વભાવ ઘડયો છે એ કેવી રીતે ભૂંસી શકાય ? મરાઠીમાં તો લોકોક્તિ છે : 'જી ખોડ વાલા તી જન્મકાલા' એટલે કે 'બાલ્યકાળનો સ્વભાવ જન્મભર રહે છે.' એ સ્વભાવ બદલાતો નથી. પ્રેમચંદે 'સેવાસદન'માં કહ્યું છે : 'રૂપ-લાવણ્ય પ્રાકૃતિક ગુણ છે જેમાં કોઈ જ પરિવર્તન થતું નથી. સ્વભાવ એક મેળવેલો ગુણ છે, એમાં શિક્ષણ અને સત્સંગથી સુધારી શકાય છે.' હિન્દીમાં ઘણી લોકોક્તિઓ છે : 'કોયલ હોય ન ઊજલા, સૌ મન સાબુન લાય.' સો મણ સાબુથી ધોવા છતાં કોયલ ઊજળી થતી નથી. કૂતરાંની પૂંછડી બાર વર્ષ સુધી નળીમાં રાખો તોય વાંકી ને વાંકી જ રહે છે. 'તૂમડી અડસઠ તીરથ કર આઈ / તઊ ન ગઈ કડવાઈ' કડવી તૂંબડી તીરથ કરે તો શું ફેર પડે ? તેલુગુમાં પાનુગંટિએ કહ્યું છે : 'વ્યક્તિના સ્વભાવને સ્પષ્ટ કરનારી એની વાણી છે, એનું રૂપ નહીં.' માણસની વાતચીત પરથી એના સ્વભાવનો ખ્યાલ આવતો હોય છે. બંગાળીમાં એક કહેવત છે : 'સાંબેલાને સ્વર્ગમાં લઈ જાઓ તો ત્યાં પણ એ અનાજ જ કૂટશે.' હવે એમાં આપણે શું કરી શકીએ ? જેની પાસે રૂપ છે, એ દેખાડશે જ, જેની પાસે ગુણ છે એ પ્રકાશમાં આવતાં જ હોય છે, જેના હૃદયમાં પ્રેમ છે, એ બીજાને પ્રેમ કરશે જ, એમાં આપણે શું કરી શકવાના ? કારેલું કડવું છે, એ એનો ગુણધર્મ છે, એને આપણે દૂધમાં નાખીએ કે, નવનીતમાં નાખીએ એ એનો સ્વાદ છોડશે ખરું ? જેનો જેવો ગુણ છે, એવું એ કરે જ છે. વિદ્યાપતિએ કહ્યું છે : 'અગ્નિની જ્વાળાઓ નીચે દોડતી નથી અને પાણીની ધારાઓ ઉપર જતી નથી. જેનો જે વ્યવહાર છે એ અવશ્ય કરે જ છે.' આપણે ગમે તે કરીએ, પણ એમાં કોઈ જ પરિવર્તન આવી શકતું નથી. સૂરદાસ ઢોલ વગાડીને કહે છે : 'કહા હોત પયપાન કરાએ વિષ નહિં તજત ભુજંગ' તમે ગમે તેટલું દૂધ પાઓ તોય સાપ પોતાનું ઝેર છોડતો નથી. રહીમને પણ કહ્યું છે કે, ગમે તેટલા ઉપાય કરો તોય સ્વભાવમાં કોઈ જ ફેરફાર કરી શકાતો નથી. ફેર્યા સ્ટાર્ડે કહ્યું છે : 'સારો સ્વભાવ ગણિતની શૂન્ય જેવો છે. તેની આમ કશી કિંમત નથી, પણ એ દરેક જણની કિંમત દસગણી કરી નાખે છે.' ત્યારે જ એની સાચી કિંમત સમજાય છે. એ. જી. ગાર્ડીનરે કહ્યું છે : 'ખરાબ વ્યવહાર અને ચિડિયો સ્વભાવ તરત જ તેનો પ્રભાવ દેખાડે છે.' સ્વભાવથી જ સંબંધો જીવે કે મરે છે. કોઈએ કહ્યું છે : 'મિત્રતાનું ગણિત દિવસોની સંખ્યા કરતાં સ્વભાવની ઊંચાઈ પર વધારે આધાર રાખે છે.' જેનો જેવો સ્વભાવ એવો જ એનો વ્યવહાર હોય છે. એક સુભાષિત છે કે, સિંહ બાળક હોવા છતાં મદથી મલિન થયેલા ગંડસ્થળવાળા હાથીઓ પર તરાપ મારે છે. સામર્થ્યશાળીઓનો એ સ્વભાવ જ હોય છે. નાની કે મોટી ઉંમર તેમનું કારણ બનતી નથી.' જે છે એ તો છે જ. એડમંડ બર્ડે યોગ્ય જ કહ્યું છે : 'આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ, એની ફરિયાદ કરવી, વર્તમાન શાસનકર્તાઓની આલોચના કરવી, ભવિષ્ય પર ફાલતુ આશાઓ રાખવી- એ માણસજાતનો આ સામાન્ય સ્વભાવ છે.' |
||
Tuesday, April 24, 2012
સ્વભાવ એ તો ગુણ છે. ગુણ આપણાથી અલગ કેવી રીતે થાય ?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment