ગોધરાકાંડનો દાયકો: દેશની પાર્ટીઓને રાજકીય લાભ, મોદી માટે વૈશ્વિક નુકશાન
decade of godhra carnage cm narendra modi gets more political gain and tolerate most of the political disadvantages
10 વર્ષનો સમય આજના ઝડપી યુગમાં ઘણા પરિવર્તનો વાળો હોય છે. ગુજરાતમાં 10 વર્ષ પહેલા ગોઝારો ગોધરાકાંડ સર્જાયો અને તેની આગમાં રાજ્યની સદભાવના સળગી. પરંતુ આજે ખરેખર જાણે કે ગોધરાકાંડ અને ત્યાર બાદના રમખાણોના અઘોષિત પસ્તાવા સ્વરૂપે ગુજરાતના એક દાયકાથી સત્તાસીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સદભાવના મિશન હેઠળ 36 ઉપવાસો કર્યા. 2002માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂટનનો ત્રીજો નિયમ ક્રિયાની પ્રતિક્રિયા સમજવાતા હતા અને 2012માં તેઓ સદભાવના મિશન ચલાવી રહ્યા છે. આ ઘણું મોટું પરિવર્તન છે. પરિવર્તન માત્ર નરેન્દ્ર મોદીમાં આવેલુ પરિવર્તન નથી, પરંતુ દેશની રાજનીતિમાં આવેલું અને રાજ્યની રાજનીતિમાં આવી રહેલું મોટું પરિવર્તન છે.
2002માં ગુજરાતમાં ભાજપ અને કેન્દ્રમાં વાજપેયીના વડપણ હેઠળ એનડીએની સરકારો હતી. ગુજરાતની ગોઝારી ઘટનાઓ બાદ ભાજપે કડક હિંદુત્વના મુદ્દા ધીમે ધીમે છોડવાની શરૂઆત કરી અને પોતાના એજન્ડા વિકાસ અને વાજપેયીની આસપાસ સેટ કરીને ફીલગુડ તથા ઈન્ડિયા શાઈનિંગના કેમ્પેઈન કર્યા. ભાજપે 2002 પછીની ગુજરાતને બાદ કરતાં એકપણ ચૂંટણી કટ્ટર હિંદુત્વના મુદ્દાઓ પર લડી નથી. 2005 સુધીની ચૂંટણીઓમાં ગોધરાકાંડ અને તેના પછીની ગુજરાતની ઘટનાઓમાં હિંદુ હીરો બની ચુકેલા નરેન્દ્ર મોદીનો પ્રચારમાં ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારે ભાજપને જીતવા માટેના વોટ અપાવ્યા નથી. તેને કારણે 2007 પછીની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદીને પ્રચારમાં એક યા બીજી રીતે દૂર રાખવામાં આવ્યા. જ્યારે બિહારની વિધાનસભાની ચૂંટણી ટાણે નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને પ્રચારથી દૂર રાખવા માટેના સ્પષ્ટ સંદેશ ભાજપ હાઈકમાન્ડને આપી દીધા. તેના કારણે નરેન્દ્ર મોદીની બિહારની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા ન હતા, તેમ છતાં નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં એનડીએએ મોટી સફળતા મળી.
બિહારની ચૂંટણી વખતે પોતાની ઈમેજને લઈને ઉભા થયેલા વિવાદના સંકેતો નરેન્દ્ર મોદી સમજે નહીં તેવા નાસમજ નથી. ગુજરાતમાં સીએમ તરીકે ગોધરાકાંડ બાદની ઘટનાઓને કારણે મળેલી ઈમેજને કારણે નરેન્દ્ર મોદી પ્રસ્થાપિત અને સ્થિર થયા, તે ઈમેજ તેમના પીએમ બનવાની મહત્વકાંક્ષામાં મોટી અડચણ બની શકે છે. આનો અહેસાસ થયા બાદ જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સભાનપણે પોતાનો ઈમેજ મેકઓવર કરવાના જુદાંજુદાં પ્રયત્નો આદર્યા. ગુજરાતમાં મુસ્લિમો સુખી હોવાનો સચ્ચર સમિતિનો રિપોર્ટ દેશભરમાં પ્રચારીત કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે સચ્ચર કમિટીનો ભાજપે શરૂઆતથી વિરોધ કર્યો હતો અને તેને દેશવિભાજનના ષડયંત્રનો ભાગ પણ ગણાવ્યો છે.
2002માં કમનસીબ ઘટનાઓ બાદ ગૌરવ યાત્રા થકી પાંચ-પચ્ચીસ અને મિયાં મુશર્રફના જુમલાથી પોતાના આગવા હિંદુત્વથી મોદીત્વ સુધીનું રાજકારણ ખેલનારા નરેન્દ્ર મોદીને તેમની હિંદુ ઈમેજે પક્ષ અને સંઘ પરિવારમાં જબરદસ્ત રીતે મજબૂત બનાવી દીધા. મહત્વપૂર્ણ છે કે 2002ની રમખાણો બાદ ગોવા મળેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં જ્યારે મુખ્યમંત્રી મોદીએ પદ છોડવા માટે રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે તેના વિરોધમાં ભાજપના નેતાઓ એકી અવાજે ઉભા થઈ ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પર ભારતના તત્કાલિન વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીએ મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ આપી. તેના પરથી ક્યાસ લગાવાય રહ્યા હતા કે ગુજરાતની ઘટનાઓથી અટલ બિહારી વાજપેયી ખુશ ન હતા અને તેઓ નરેન્દ્ર મોદીનું રાજીનામું લેવા ચાહતા હતા. ગોવા બેઠકમાં તેના માટેનો તખ્તો તૈયાર થઈ ગયો હતો. પરંતુ નરેન્દ્ર મોદીએ પોતે રાજીનામાનો પ્રસ્વાવ મૂકીને વાજપેયી જૂથનો ખેલ બગાડી નાખ્યો હતો. અડવાણીએ પોતાની આત્મકથા- માય કન્ટ્રી, માય લાઈફમાં કેટલેક ઠેકાણે મોદી ગુજરાત રમખાણો વખતે પુરજોર સમર્થન કર્યું હોવાની વાત છે. રાજકીય વર્તુળોના માનવા પ્રમાણે, નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદે ગુજરાતની કમનસીબ ઘટનાઓ પછી પણ ચાલુ રખાવવામાં અડવાણીની મોટી અને પ્રભાવી ભૂમિકા હતી.
ગૌરવયાત્રાના પ્રચાર કાર્ય નીચે નરેન્દ્ર મોદી 2002ની ચૂંટણી તમામ પ્રકારના તેમના વિરોધી પ્રચાર છતાં ભવ્ય રીતે જીતી ગયા. પરંતુ ખરો રાજકીય ખેલ ત્યાર પછી જ શરૂ થયો. ગુજરાતમાં કેશુભાઈ પટેલ જૂથના ગણાતા નરેન્દ્ર મોદીની સરકારમાં રહેલા મંત્રીઓને એક પછી એક સાઈડ લાઈન કરવાની શરૂઆત થઈ. તેને કારણે નરેન્દ્ર મોદીની સ્ટાઈલ ઓફ ફંક્શનિંગને કારણ બનાવીને અસંતોષનું વાતાવરણ પેદા થયું. તેને ગુજરાતના સંઘ પરિવારના જ કેટલાંક નેતાઓનો દોરીસંચાર હોવાનું પણ ચર્ચામાં આવ્યું. 2004 સુધીમાં તો નરેન્દ્ર મોદીની સામેનો વિરોધ ઘણો પ્રખર અને મુખર બન્યો. પરંતુ નરેન્દ્ર મોદીને તેમના વિરોધીઓ ડગાવી શક્યા નહીં. કારણ કે નરેન્દ્ર મોદીની જનતામાં હિંદુ હીરોની ઈમેજે તેમને ગુજરાતના રાજકારણમાં મોટી રાજકીય તાકાત આપી. ગુજરાતને હિંદુત્વની લેબોરેટરીમાં ફેરવવામાં સફળ થયેલો સંઘ પરિવાર મોદીની હિંદુ ઈમેજ સામે વામણો સાબિત થયો. તેના કારણે એક પછી એક કેશુભાઈ જૂથના ગણાતા ભાજપના મંત્રીઓ અને નેતાઓને અવગણીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી પદે ચાલુ રાખવા ભાજપ હાઈકમાન્ડ અને સંઘ પરિવારના શીર્ષસ્થ નેતૃત્વની મજબૂરી બની ગઈ.
2007ની ચૂંટણી ટાણે પણ ઘણાં જ્ઞાતિ સંમેલનો થયા. નરેન્દ્ર મોદીથી અસંતુષ્ટ નેતાઓમાં મોટાભાગે પટેલ સમુદાયના નેતાઓનો સમાવેશ થતો હતો. તો સંઘ પરિવારના પટેલ નેતાઓ પણ મોદીથી ખાસા નારાજ હતા. તેને કારણે પટેલ સંમેલનો અને ઝડફિયા દ્વારા નવી મહાગુજરાત જનતા પાર્ટીએ મોદી વિરોધી મુહિમની રાજકીય ફ્રન્ટ ખોલી નાખી હતી. તેમ છતાં ગોધરાકાંડના અંડર કરંટ, મોદીની તે સમયની ભૂમિકામાં ઉછળેલી હિંદુ ઈમેજ અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ સંદર્ભે મોતના સોદાગર જેવો સોનિયા ગાંધીનો બફાટ ફરીથી મોદીને ચૂંટણી જીતવા માટેની સફળતા આપી ગયો. ગુજરાતમાં નરેન્દ્ર મોદી ભાજપ અને સંઘ પરિવારના અન્ય નેતાઓને વામણા સાબિત કરવામાં સફળ થયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રદેશ સ્તરના નેતાઓને એક પછી એક ગુજરાત બહાર ખસેડવામાં આવ્યા અને ગુજરાતના નેતાઓને સાઈડ લાઈન કરવામાં આવ્યા. મોદીએ ભાજપ અને સંઘ પરિવાર પર પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ ગુજરાતમાં સ્થાપી દીધું. આ બધી વાત એટલા માટે શક્ય બની કારણ કે મોદીની પ્રજામાં અંકિત થયેલી હિંદુ હીરોની ઈમેજે તેમને ખૂબ પ્રભાવી રાજકીય સ્થિરતા આપી.
પરંતુ નરેન્દ્ર મોદીની આ જ હિંદુ હીરોની ઈમેજ તેમને રાષ્ટ્રીય રાજકારણમાં મોટી ભૂમિકાથી હજી સુધી વંચિત રાખી રહી છે. નીતિશ કુમારનો મોદી માટેનો રાજકીય અણગમો તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે. ખુદ નાગપુરમાં નગરપાલિકામાં સત્તા પર કાબિજ થવા માટે ભાજપે મુસ્લિમ લીગનો ટેકો લીધો છે. નાગપુર ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીનું વતન અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક છે. એટલે કે ભાજપ મુસ્લિમ લીગની મદદ લેવા માટે તૈયાર થાય છે, પરંતુ મોદીની મદદ લેવા માટે હવે 2005 જેવી ઉત્સુકતા દાખવતું નથી. તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી અને મહારાષ્ટ્ર-મુંબઈની નગરપાલિકાઓની ચૂંટણીના પ્રચાર અભિયાનથી નરેન્દ્ર મોદી દૂર રહ્યા છે. જો કે તેના માટે જવાબદાર નરેન્દ્ર મોદીને ગણવામાં આવી રહ્યા છે અને તેમના ગડકરી અને યૂપી ચૂંટણી પ્રભારી સંજય જોશીના પાર્ટીમાં પુનર્પ્રવેશને કારણ ગણવામાં આવે છે. પરંતુ નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોડવા માટે કોઈ ગંભીર પ્રયત્નો થયા હોય તેવું હજી સુધી બહાર આવ્યું નથી.
ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ નરેન્દ્ર મોદી ભાજપ અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવતા હોવાના નિવેદનો કરે છે. તેમનું નિવેદન છે કે નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના છ ઉમેદવારોમાંના એક છે. તેના સ્પષ્ટ સંકેત છે કે 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક અઠવાડિયા પહેલા જ 2009ની ચૂંટણી માટે ભાજપે પોતાના તરફથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દીધા હતા, તેવી કોઈ વાત નરેન્દ્ર મોદી માટે 2014ની ચૂંટણીમાં થવાની નથી. ભાજપ અધ્યક્ષે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટીમાં 2014ની ચૂંટણી વખતે વડાપ્રધાન પદના 6 ઉમેદવારો હશે. સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીની બની ગયેલી ઈમેજને કારણે બધાં તેમનામાં વડાપ્રધાન પદે પહોંચવાની ક્ષમતા જોઈ રહ્યા છે, પરંતુ પાર્ટીના કોઈ નેતા એવું નથી કહી રહ્યા કે 2014ની લોકસભાની ચૂંટણી વખતે માત્ર નરેન્દ્ર મોદી જ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. તેની પાછળ એનડીએનું રાજકારણ અને અન્ય ઘટકદળોના રાજકીય ગમા-અણગમાની મોટી ભૂમિકા રહેલી છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રમખાણોમાં ગુલમર્ગ હત્યાકાંડ સંદર્ભે સુપ્રીમ કોર્ટના એક ચુકાદા બાદ સદભાવના મિશનની શરૂઆત કરી હતી. તેઓ હવે ગુજરાતમાં સદભાવના મિશન અંતર્ગત હિંદુત્વના રાજકારણ પરથી આગવા મોદીત્વના સેક્યુલર રાજકારણ પર સ્વિચ ઓવર કરવા માગતા હોવાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર, 2011થી અત્યાર સુધી માત્ર સદભાવનાના નામે સેક્યુલર રાજકીય દ્રષ્ટિકોણની વાત જ કરી છે. તેમણે ભારતમાં ક્રિકેટ મેચ જોવા આવનારા પાકિસ્તાનીઓને અજમેરના વિઝા આપવાની વાત પણ કરી. તેમણે કરાચીના મુસ્લિમ પ્રતિનિધિમંડળ સાથે ખૂબ ઉત્સાહથી ફોટા પણ પડાવ્યા. ગોધરાકાંડ વખતે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આના માટે જવાબદાર લોકો અને તેમના આકાઓને નહીં બક્ષવાની વાત કરી હતી. પરંતુ સદભાવના મિશન અંતર્ગત ગોધરા ખાતે યોજાયેલા ઉપવાસના કાર્યક્રમના ભાષણમાં મોદીએ એકપણ વખત ગોધરાકાંડને યાદ કર્યો ન હતો. તેમણે ખૂબ સિફતપૂર્વક ગોધરાકાંડનો ઉલ્લેખ ટાળ્યો હતો. આ સદભાવના ઉપવાસ ગોધરાકાંડની 10મી વરસીના લગભગ સવા માસ પહેલા જ ગોધરામાં યોજાયા હતા.
આમ જોવો તો ગોધરાકાંડ અને તેના પછીના રમખાણોનો સૌથી વધારે રાજકીય ફાયદો મેળવનાર એક જ વ્યક્તિ છે અને તે હિંદુ હીરો બનેલા નરેન્દ્ર મોદી છે, કારણ કે તેમની મુખ્યમંત્રીની ખુરશીના પાયા ત્યાર પછી વધારે મજબૂત થયા છે. તો આ ઘટનાઓનું સૌથી વધારે નુકસાન ભોગવનાર વ્યક્તિ પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે, કારણ કે ગુજરાતમાં રમખાણોમાં માર્યા ગયેલાઓમાં મોટાભાગે મુસ્લિમો છે. તેને કારણે દેશભરમાં તેમની મુસ્લિમ વિરોધી છબીને ઉપસાવામાં આવી છે. જેને કારણે તેઓ ગઠબંધનની મુસ્લિમ વોટબેંકની રાજનીતિમાં અસ્પૃશ્ય બની ગયા છે. જેને કારણે તેમનું તમામ ક્ષમતાઓ છતાં વડાપ્રધાન પદે પહોંચવું હાલ અઘરું લાગી રહ્યું છે.
No comments:
Post a Comment