Φ अपना विषय खोजे

Tuesday, April 24, 2012

5 રાજ્યોની ચૂંટણીના પાણીપતથી મોદીના દૂર રહેવાના 7 કારણો

5 રાજ્યોની ચૂંટણીના પાણીપતથી મોદીના દૂર રહેવાના 7 કારણો


Why is the BJP’s ‘star campaigner’ Narendra Modi not campaigning for his party in the five poll-bound states?

ઉત્તર પ્રદેશ સહીત પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ છે, પરંતુ ભાજપના સ્ટાર કેમ્પેઈનર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હજી સુધી ચૂંટણી પ્રચાર માટે કોઈ જગ્યાએ ગયા નથી. જેના કારણે જુદી જુદી થિયરીઓ પ્રમાણે તેમના ચૂંટણી પ્રચારમાંથી ગેરહાજર રહેવાની ચર્ચા ચલાવાય રહી છે. આમ તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની દોડમાં સૌથી આગળ હોવાનો ભાસ થઈ રહ્યો છે. પરંતુ લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ જેવી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં મોદીનું પ્રચારથી દૂર રહેવું ઘણું બધું સૂચવી રહ્યું છે.

નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાંથી અત્યાર સુધી દૂર રહ્યા છે, તેની પાછળ જે થિયરી ચાલી રહી છે, તેમા ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ સાથે તેમનો અહમનો ટકરાવ, ગડકરી સાથેની નારાજગી, સંજય જોશીની ભાજપમાં વાપસી, બિહારમાં ચૂંટણી પ્રચારથી દૂર રખાયા, વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં અસમંજસતા, પાંચેય રાજ્યોમાં ભાજપનો હાથ નીચો રહેવાની શક્યતા જેવી અનેક થિયરીઓ પ્રમાણે ચર્ચા ચાલે છે.

ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ સાથે અહમનો ટકરાવ

ભાજપમાં નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ સાથે ઘમંડને જોડી દેવામાં આવ્યું છે. હાલ ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ અને મોદી વચ્ચે અહમનો ટકરાવ ચાલી રહ્યો હોવાની ચર્ચા જોરો પર છે. ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં 55 કલાકના ઉપવાસ વખતે મોદીની તરફેણમાં ભાજપના તમામ શીર્ષસ્થ નેતાઓ અમદાવાદ આવ્યા હતા. પરંતુ અડવાણી દ્વારા ભ્રષ્ટાચારના વિરોધમાં બિહારથી નીતિશ કુમાર દ્વારા લીલીઝંડી દેખાડીને જનચેતના યાત્રા થઈ ત્યારથી મોદી અને અડવાણીના સંબંધોમાં ખટાશના અહેવાલો આવતા રહ્યા છે. સદભાવના ઉપવાસના ઉદઘાટન બાદ અમદાવાદ ખાતેની પાર્ટીની રેલીમાં ભાજપના પ્રભારી સહીતના રાષ્ટ્રીય નેતાઓએ ગેરહાજર રહીને દાળમાં કંઈક કાળું હોવાના સંકેતો આપી દીધા હતા. છેલ્લે અડવાણી ગુજરાતની મુલાકાતે આવ્યા, પરંતુ મોદી સાથે યોગાનુયોગ તેમની મુલાકાત થઈ નથી. જેનાથી અડવાણી અને ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ સાથે મોદીનો અહમનો ટકરાવ ચાલી રહ્યો હોવાની વાત ચર્ચામાં છે.


ગડકરી સાથે નારાજગી


ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી સાથે મુખ્યમંત્રી મોદીના સંબંધો સુમેળભર્યા રહ્યા નથી. જો કે ગડકરીએ તાજેતરમાં નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન અને ભાજપના અધ્યક્ષ બંને બનવાની અસાધારણ ક્ષમતા હોવાની વાત કરી છે. જો કે બાદમાં તેમણે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું હતું. ગડકરી દ્વારા પાર્ટીમાં સંજય જોશીની વાપસીથી નરેન્દ્ર મોદીની નારાજગીથી પાર્ટી વર્તુળ વાકેફ છે. સંજય જોશીની ભાજપમાં વાપસી બાદ નવી દિલ્હીમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગ લીધો ન હતો. તેમના તરફથી કારણ આપવામાં આવ્યું હતું કે તેઓ નવરાત્રિમાં ક્યાંય બહાર જતા નથી. જો કે પોરબંદર ખાતે ત્યારે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો.

સંજય જોશી ઉત્તર પ્રદેશના પ્રભારી

સેક્સ સીડી કાંડને કારણે ભાજપમાંથી દૂર કરાયેલા સંજય જોશીને સીડી નકલી હોવાનું જણાતા પાર્ટીમાં પાછા લેવાના ચક્રો ગતિમાન થયા હતા. પહેલા ઉમા ભારતીની પાર્ટીમાં વાપસી થયા બાદ ગડકરી અને સંઘ મુખ્યાલયના સંયુક્ત પ્રયાસોથી મુખ્યમંત્રી મોદીના ઘોર રાજકીય પ્રતિસ્પર્ધી અને વિરોધી ગણાતા સંજય જોશીને પાર્ટીમાં પાછા લેવામાં આવ્યા. સંજય જોશીને ઉત્તર પ્રદેશના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે. ત્યારે માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં સંજય જોશીની હાજરીને કારણે ચૂંટણી પ્રચારમાં ઉતરવાનું ટાળી રહ્યા છે. કારણ કે યૂપીની સફળતા બાદ સંજય જોશીને પાર્ટી વધુ મહત્વની કામગીરી સોંપે તેવી શક્યતાઓ પાર્ટી વર્તુળોમાં ચર્ચામાં છે.


બિહારના ચૂંટણી પ્રચારથી દૂર રખાયાનો ડંખ


બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતોના સમીકરણોને કારણે જેડીયૂના નેતા અને બિહારના હાલના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોદીને રાજ્યના ચૂંટણી પ્રચારથી દૂર રાખવા માટે ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ પર દબાણ કર્યું હતું. આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે બિહારમાં નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં ઉતરશે તો મુસ્લિમ મોત જેડીયૂ-ભાજપના ગંઠબંધનથી દૂર થશે અને આવી સ્થિતિમાં જેડીયૂ ભાજપ સાથે ગઠબંધન ચાલુ રાખશે નહીં. તેના કારણે ઘણાં ચઢાવ-ઉતાર વચ્ચે નરેન્દ્ર મોદીને બિહારની ચૂંટણીના પ્રચારમાં ઉતારવામાં આવ્યા ન હતા. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-જેડીયૂ ગઠબંધનને નીતિશ કુમારના નેતૃત્વમાં બે તૃતિયાંશ બહુમતી મેળવી હતી. તે વખતે સુષ્મા સ્વરાજે પણ મોદી વિરુદ્ધ ઘસાતા નિવેદન કર્યા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો. હાલ ઉત્તર પ્રદેશ 19 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતું રાજ્ય છે. આ રાજ્યમાં મોદીને પાર્ટી અને સંઘ નેતૃત્વ ચૂંટણી પ્રચારમાં ઉતારવા માંગે છે. ત્યારે મોદી ખુદ ચૂંટણી પ્રચારમાં નહીં ઉતરીને સંકેત આપી રહ્યા છે કે તેઓ અહીં પ્રચાર નહીં કરે તો શું ભાજપને મુસ્લિમ મતો મળી જવાના છે?

પાંચેય રાજ્યોમાં ભાજપનો હાથ નીચો રહેવાની શક્યતા

પંજાબ અને ઉત્તરાખંડમાં ભાજપ અથવા એનડીએની સરકારો છે. આ બંને રાજ્યોમાં એન્ટી-ઈન્કમબન્સીની અસર જોવા મળે તેવી શક્યતા ઓપિનિયન પોલમાં દેખાઈ રહી છે. ત્યારે નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં ઉતરીને પોતાના ખાતામાં હારની નામોશી લેવા માંગતા ન હતા. વળી ઉત્તર પ્રદેશમાં ભાજપને ઓપિનિયન પોલ ચોથા સ્થાન પર મૂકી રહ્યા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ ભાજપનો રકાસ થાય તેવું આકલન કરવામાં આવી રહ્યું છે. ગત કેટલીક ચૂંટણીમાં મોદીએ પુરજોર પ્રચાર કર્યો હતો. ત્યારે એવી થિયરી વહેતી કરવામાં આવી હતી કે મોદી જ્યાં પ્રચાર કરે છે, ત્યાં ભાજપની જીત થતી નથી. ત્યારે હવે નરેન્દ્ર મોદી યૂપીમાં ભાજપના રકાસની શક્યતા વચ્ચે પોતાના માથે કોઈ નામોશી લેવા માંગતા નથી.

વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મોદીને જાહેર કરવામાં અસમંજસતા

નરેન્દ્ર મોદીને કોર્પોરેટ લોબી અને પાર્ટીનો એક વર્ગ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાવવા માટે તલપાપડ છે. ખુદ મોદીની પણ આ મહત્વકાંક્ષા હોવાની વાત કોઈનાથી છુપી નથી. ત્યારે તેવા સંજોગોમાં હજીપણ નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા હોવાની વાત બધાં સ્વીકાર કરે છે, પરંતુ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં અસમંજસતાની સ્થિતિ રાખી રહ્યા છે. પાર્ટી નેતાઓ આ સંદર્ભે કહે છેકે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ સંદર્ભે નિર્ણય પાર્ટી કરશે. જેના કારણે નરેન્દ્ર મોદી પણ હુકમના પત્તા ધ્યાનથી ઉતરી રહ્યા છે. કારણ કે મોદીને અમુક કાર્યક્રમોથી દૂર રાખવા માટે ભાજપ નેતૃત્વ જે-તે કાર્યક્રમમાં કોઈ મુખ્યમંત્રીને બોલાવતું નથી. જેને કારણે મોદી પાંચેય રાજ્યોના ચૂંટણી પ્રચારથી દૂર રહીને ભાજપના હાઈકમાન્ડને સંકેત આપી રહ્યા છેકે તેમને પાર્ટી નેતૃત્વ રાષ્ટ્રીય નેતા તરીકેનું તેમનું સમ્માન જાળવતું નથી, તેથી તેઓ પ્રચારથી દૂર રહે છે.

પાર્ટીના કાર્યક્રમો અને બજેટ સત્ર

આમ તો ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 12 ફેબ્રુઆરી પછી નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર અભિયાનમાં ઉતરવાની અનુકૂળતા છે. હાલ સદભાવના ઉપવાસો અને ત્યાર બાદ ભાજપના પ્રદેશ કક્ષાના કાર્યક્રમોની ભરમાર છે. જેથી મોદી પ્રચાર માટે ઉપલબ્ધ થાય તેવી શક્યતા ઓછી છે. વળી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પણ શરૂ થશે, જેને કારણે પણ પ્રચારમાં ઉતરવાની તેમની શક્યતાઓ ઘણી ઓછી છે.

No comments:

Post a Comment