સેક્યુલર લોકતાંત્રિક ભારતમાં ધાર્મિક લઘુમતી કેવી?
-
ભારત એક સેક્યુલર દેશ છે. એવો દેશ કે જેનો કોઈ ધર્મ નથી. પરંતુ આ દેશમાં ધર્મ આધારીત અનામત આપવાનો ખેલ શરૂ થઈ ગયો છે. શું સેક્યુલર દેશમાં ધર્મ વિશેષના લોકોને અનામત હોઈ શકે? ભારતના બંધારણમાં પણ ધર્મ આધારીત અનામતની કોઈપણ જોગવાઈ નથી. તેના કારણે આવો કોઈપણ પ્રયાસ હાલના બંધારણ પ્રમાણે ગેરબંધારણીય છે. એટલે કે ધર્મ આધારીત અનામતની કોઈપણ જોગવાઈ કરવા માટે બંધારણીય સુધારો કરીને તેમા ફેરફાર કરવો આવશ્યક છે.
તાજેતરમાં લોકપાલ બિલની ચર્ચા દરમિયાન જોગવાઈ કરવામાં આવી કે એક અધ્યક્ષ અને આઠ સભ્યોવાળી લોકપાલ સમિતિમાં ઓછામાં ઓછું 50 ટકા અનામત આપવામાં આવે. આરજેડી અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે લોકપાલ બિલમાંથી લઘુમતી અનામત શબ્દ હટાવાયા સંદર્ભે હોબાળો કરીને કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારને ઢળવા માટે ઢાળ આપ્યો. લોકપાલ બિલમાં લઘુમતી શબ્દ દાખલ કરવામાં આવ્યો. જ્યારે લોકપાલ બિલમાં લઘુમતી અનામતને ભાજપે ગેરબંધારણીય ગણાવ્યું, ત્યારે કોંગ્રેસ તરફથી જવાબ આપવામાં આવ્યો કે લઘુમતીને અનામત ગેરબંધારણીય નથી અને સંસદને કાયદો બનાવવાની સત્તા છે, તે બંધારણીય કે ગેરબંધારણીય છે કે નહીં તે નક્કી કરવાનું કામ કોર્ટનું છે.
મુસ્લિમ વોટબેંકની રાજનીતિમાં આનાથી મોટી કોઈ બેશરમી હોઈ શકે નહીં. હકીકતમાં બંધારણ પ્રમાણે બંધારણીય પદો અને સંસ્થાઓમાં કોઈપણ પ્રકારનું અનામત નથી. વળી ધર્મ આધારીત અનામત પણ શિક્ષણ, નોકરીથી માંડીને કોઈપણ જગ્યાએ રાખવામાં આવ્યું નથી. જો કોઈ કાયદો બંધારણની જોગવાઈ સાથે બંધબેસતો ન હોય, તો તે ગેરબંધારણીય કહેવાય કે નહીં? વળી સંસદને કાયદો બનાવવાની અને બંધારણને બદલવાની પણ સત્તા છે. પરંતુ તેના સંદર્ભે બંધારણે તેમને અમુક શરતો અને જોગવાઈઓ હેઠળ આવી સત્તા આપી છે. શું કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકાર આવી જોગવાઈઓની શરતો પુરી કરે છે?
ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ લઘુમતી નક્કી કરવા માટે ચર્ચાની જરૂરત હોવાનું જણાવ્યુ છે, કારણ કે ધર્મનિરપેક્ષ લોકશાહીમાં ધાર્મિક લઘુમતીનો કોઈ મતલબ નથી. તેમણે કહ્યુ છે કે રાજકીય કારણો અથવા દપબાણને કારણે એક ધાર્મિક જનસમૂહ કોઈ એવા રાષ્ટ્રમાં વસેલો હોય કે જેનો પોતાનો ધર્મ હોય, માત્ર તેવી સ્થિતિમાં જ તે વર્ગને ધાર્મિક લઘુમતી કહેવો જોઈએ. એટલે કે ભારતમાં સેક્યુલર લોકશાહી છે. અહીં ધર્મ વ્યક્તિની અંગત બાબત છે. દેશનું શાસન ધર્મનિરપેક્ષે છે. માટે ભારતમાં કોઈ ધાર્મિક લઘુમતી નથી. જો કે પડોશી દેશ પાકિસ્તાન ધર્મના આધારે પેદા થયો છે. તે ઈસ્લામિક પ્રજાસત્તાક છે. માટે પાકિસ્તાનમાં રહેનારા બિનમુસ્લિમો ધાર્મિક લઘુમતી છે. તેમના હકીકતમાં લઘુમતી અનામતની જરૂરત છે.
જોશીએ પોતાના તાર્કિક દલીલમાં કહ્યુ છે કે ભાષાકીય લઘુમતી તો સમજમાં આવે છે, પરંતુ એ સ્પષ્ટ કરવું જોએ કે દેશનો ધર્મ ક્યો છે અને ક્યાં લોકોને બહુમતી કહી શકાય છે. જોશીએ એમ પણ કહ્યુ છે કે જૈનવાદનો એક ધર્મ તરીકે અર્થ છે, પરંતુ હિંદુત્વ માટે શું કહીશું ખુદ સુપ્રીમ કોર્ટ પણ કહી ચુકી છે કે આ જીવન જીવવાની રીત છે. એટલે કે શું ભારતમાં 80 ટકાથી વધારે લોકો હિંદુ પંથ-સંપ્રદાયના લોકો છે? પરંતુ શું તેમના પંથ-સંપ્રદાયને દેશનો પંથ-સંપ્રદાય ગણાવામાં આવે છે? જો તેમને દેશના પંથ-સંપ્રદાય ગણવામાં ન આવતા હોય, તો દેશમાં મુસ્લિમ, ખ્રિસ્તી અને અન્ય પંથ-સંપ્રદાયના લોકો લઘુમતીમાં કેવી રીતે ગણાય?
વળી ભારતમાં ધાર્મિક લઘુમતીઓની એક મોટી વસ્તી એવા લોકોની છે જે ધર્માંતરણથી આ વર્ગમાં આવ્યા છે. અહીંના મૂળ નિવાસી ધર્મને બદલી નાખ્યા બાદ તેમને લઘુમતી કેવી રીતે કહી શકાય? ખુદ મહાત્મા ગાંધીએ પણ આ સવાલ ઉઠાવ્યો હતો કે ધર્મ પરિવર્તન બાદ નાગરીક પોતાના જ દેશમાં લઘુમતી કેવી રીતે કહી શકાય? ગાંધીજીએ પણ આવા લોકોને લઘુમતી ગણવાનો ઈન્કાર કર્યો હતો.
આ દેશની 121 કરોડની વસ્તીમાં મુસ્લિમો અંદાજે 14 ટકા છે. એટલે કે દેશમાં અંદાજે કુલ 18 કરોડ મુસ્લિમો છે. જ્યારે સામે હિંદુઓમાં સેંકડો પંથ-સંપ્રદાય, નાત-જાત છે. હિંદુ સમાજના કોઈપણ એક પંથ-સંપ્રદાય, નાત-જાતની સંખ્યા મુસ્લિમોના 18 કરોડના આંકડાની આસપાસ પહોંચતી નથી. જો લઘુમતીઓ ગણવી હોય તો તેઓ પણ એક રીતે લઘુમતી છે. આમ જોવો તો ભારત લઘુમતીઓનો જ દેશ છે. તો પછી મુસ્લિમોને લઘુમતી ગણીને અનામતના લાભ કેવી રીતે વહેંચી શકાય?
ભારતમાં ખરેખર ધાર્મિક લઘુમતી કોણ? તેની નવેસરથી ખુલ્લા મંચ પર ચર્ચા કરવાની જરૂરત છે. વોટબેંકના રાજકારણમાં મસ્ત રાજકીય પાર્ટીઓ લઘુમતીઓના નામે મુસ્લિમોના થોક વોટ પર કબજો જમાવવા રાજકીય તિકડમબાજી કરી રહ્યા છે. આ રાજકીય તિકડમબાજીનું જ ફરજંદ ધર્મ આધારીત અનામત છે. આ રાજકીય તિકડમબાજી કેટલી ખતરનાક છે, તેનો આ રાજકીય પાર્ટીઓ પોતાના નાના અને નજીકના રાજકીય હિતોને સાધવામાં વિચાર કરતાં નથી.
લોકપાલને બંધારણીય દરજ્જો આપવા માટે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પ્રયત્ન કરી રહ્યા છે. લોકપાલને બંધારણીય સંસ્થા બનાવવામાં કોંગ્રેસ કામિયાબ થશે, તો પ્રવર્તમાન બિલ પ્રમાણે તે કદાચ એવી પહેલી બંધારણીય સંસ્થા હશે કે જેમાં ધર્મ આધારીત લઘુમતી અનામત હશે. વળી કેન્દ્રીય કેબિનેટે ઓબીસીના 27.5 ટકા કોટામાં લઘુમતીઓને 4.5 ટકા સબકોટા આપ્યા છે. તેનો પહેલી જાન્યુઆરીથી અમલ થઈ રહ્યો છે.
શિક્ષણ, નોકરી સાથે બંધારણીય સંસ્થાઓમાં પણ લઘુમતી અનામત ઘુસાડવાનું ગંદુ વોટબેંકનું રાજકારણ આગળ જતાં ધર્મ આધારે સંસદ, વિધાનસભાઓ, વિધાનપરિષદો, મંત્રીમંડળો, સીવીસી, સીબીઆઈ જેવી બંધારણીય સંસ્થાઓ અને પદો માટે અનામતની માગણી કરશે. કદાચ ફરીથી દેશમાં સેપરેટ ઈલેક્ટોરેટ માટે પણ ચળવળ ચલાવવામાં આવે. આ બધી પરિસ્થિતિ ખંડિત ભારતના ઈતિહાસના પુનરાવર્તન જેવી હશે. ત્યારે સવાલ એ છે કે શું આપણે પાકિસ્તાનની માગણી કરનારાઓની ચાલો અને માગણીઓ ભૂલી ગયા? ફરીથી ખંડિત ભારતમાં આપણે નવી પાકિસ્તાન જેવી માગણીને જન્મ તો આપી રહ્યા નથી ને? પણ દૂરગામી પરિણામોને જોઈને દેશહિતમાં દેશહિતચિંતક રાજકારણીઓના દુકાળમાં આ વાત વિચારવાની કોઈને દરકાર નથી.
No comments:
Post a Comment