Φ अपना विषय खोजे

Tuesday, April 24, 2012

ભારતનું રાજકારણ ચૂંટણીકારણ છે.

ભારતમાં ફરીથી વિકાસ-સમૃદ્ધિના ‘અમૃત મહામંથન’ની જરૂરિયાત


democratic formate of india should be formated there should be amrut manthan of development

લોકશાહીનું પ્રવર્તમાન સ્વરૂપ દેશને ચૂંટણીના ચક્કરમાં નાખીને સમાજના ભાગલા કરનારું સાબિત થઈ રહ્યું છે, નાના અને ક્ષુલ્લક રાજકીય સ્વાર્થોની પૂર્તિ માટે રાજકીય પક્ષો જુદીજુદી સમાજને તોડનારી નીતિઓને આગળ વધારે છે

સત્તા વેશ્યા જેવી હોય છે. આજે કોઈની જોડે તો કાલે કોઈ અન્યની જોડે હોય છે. સત્તા તેની પાસે જ હોય છે, જેનામાં તેને જિરવવાનો દમખમ હોય છે. કમજોરોની પાસે સત્તા રહેતી નથી. કમજોરોની પાસે રહેલી સત્તા વ્યવસ્થા, તંત્ર અને સમાજને નુકસાન કરે છે. અંતે કમજોર વ્યવસ્થામાંથી જન્મેલા કમજોર તંત્રને કારણે પેદા થનારી સત્તાની કમજોરીઓ દેશને લાંબાગાળાનું નુકસાન કરે છે. દેશમાં અત્યારે કહેવા માટે તો લોકશાહી પ્રવર્તી રહી છે. પરંતુ તેને બીજી રીતે જોવો તો લોકશાહીનું પ્રવર્તમાન સ્વરૂપ દેશને ચૂંટણીના ચક્કરમાં નાખીને સમાજના ભાગલા કરનારું સાબિત થઈ રહ્યું છે. નાના અને ક્ષુલ્લક રાજકીય સ્વાર્થો અને હિતોની પૂર્તિ માટે રાજકીય પક્ષો જુદીજુદી સમાજને તોડનારી, દેશને તોડનારી નીતિઓને આગળ વધારે છે. આ તમામ વાતોથી અંતે તો દેશને પુરી ન શકાય તેવું મોટું નુકસાન થાય છે.

ભારતનું રાજકારણ ચૂંટણીકારણ છે. ચૂંટણી જીતો જોડતોડ કરીને સંસદ-વિધાનસભાઓમાં બહુમતી સાબિત કરો અને દેશને બેહદ બેઅદબીથી લૂંટવાનો પરવાનો મેળવો. તેના માટે બકાયદા મૂડીપતિઓ, કોર્પોરેટ સમૂહો ચૂંટણીમાં ફંડફાળો આપીને ઈન્વેસ્ટમેન્ટ કરે છે. ચૂંટણીમાં પોતાના નાણાંની વસૂલાત માટે તેઓ પોતાના તરફી નીતિઓ બનાવવામાં સફળતા પણ મેળવી લે છે. બસ બસી ભ્રષ્ટાચારનું અવિરત ચક્ર સતત ચાલતુ રહે છે. આમ આદમીને ખબર પડતી નથી કે તે કેવી રીતે લૂંટાઈ રહ્યો છે, કેવી રીતે પિંખાઈ રહ્યો છે. પરંતુ મોંઘવારીના દાવાનળમાં આમ આદમી કકળી ઉઠે છે, સળગી ઉઠે છે. તેને ખબર પડતી નથી કે કાળાબજારિયા અને ભ્રષ્ટાચારીઓનું એક તંત્ર તેમના હકના રોટલા પર તરાપ મારી રહ્યા છે, તેમના હકની સંપત્તિ પોતાના કબજે કરી રહ્યા છે, તેમના હકની સુખસુવિધા અંકે કરી રહ્યા છે. આ દેશની બે તૃતિયાંશ સંપત્તિ અંદાજે માત્ર સાડા આઠ હજાર લોકો પાસે છે. વિચાર કરો આટલી સંપત્તિની વહેંચણીમાં અસમાનતા માટે ક્યું તંત્ર જવાબદાર છે, કઈ વ્યવસ્થા જવાબદાર છે?

સીબીઆઈના નિદેશકે તાજેતરમાં કહ્યુ કે ભારતીયોના સાડા ચોવીસ લાખ કરોડ રૂપિયા એટલે કે પાંચસો અબજ ડોલર દુનિયાના ટેક્સ હેવન દેશોની બેંકોમાં જમા છે. આ સાડા ચોવીસ લાખ કરોડ રૂપિયા પર આ દેશના આમ આદમીનો અધિકાર છે કે નહીં? પરંતુ આ દેશની વ્યવસ્થા અને તેનું તંત્ર સમગ્ર રીતે કાળાબજારિયાઓ અને ભ્રષ્ટાચારીઓને બચાવવાની રીતો શોધતું ફરે છે. દેશની લોકશાહી લોકોની, લોકો માટે લોકો દ્વારા ચાલતી લોકશાહી રહી નથી. હવે આ લોકશાહી ભ્રષ્ટાચારીઓની, ભ્રષ્ટાચારીઓ માટેની અને ભ્રષ્ટાચારીઓ માટેની લોકશાહી થઈ રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં સામે આવેલા દેશના જુદાંજુદાં કૌભાંડોનો સરવાળો કરીએ તો અંદાજે સાડા પાંચ લાખ કરોડ રૂપિયાનો સીધો ભ્રષ્ટાચાર ચર્ચામાં રહ્યો છે. તેમાં 2જી સ્પેક્ટ્રમ કાંડ, સીડબલ્યૂજીનો ગોટાળો, આદર્શ હાઉસિંગ સોસાયટી કાંડ, કર્ણાટક માઈનિંગ કૌભાંડ, કેગ રિપોર્ટ પ્રમાણેની ગુજરાતની કેટલીક અનિયમિતતા, ઉત્તર પ્રદેશનું અનાજ કૌંભાડ અને એનએચઆરએમ ગોટાળો વગેરે વગેરે. હજુ આ સિવાય ભૂગર્ભમાં રહેલા કૌભાંડો અને ગોટાળાઓ અનેક હશે.

આજે દેશના 42 ટકા લોકો ગરીબી રેખાની નીચે છે. દેશના 24 ટકા બાળકોને રોજ ભૂખ્યા સુવું પડે છે. દેશમાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘણું ઉંચુ છે. દેશના વડાપ્રધાનને પણ કહેવુ પડયું છે કે કુપોષણ દેશની શરમ છે. પરંતુ દેશના આમ આદમીના હકની સંપત્તિ પર તરાપ મારીને ભ્રષ્ટાચારીઓ અને કાળાબજારિયાઓનું તંત્ર તેમની થાળીના રોટલા છીનવી રહ્યું છે. આ દેશના નાગરીકોને લૂંટવા માટે તેમને આ દેશના રાજકારણે ભારતીય રહેવા દીધા નથી. તેમને હિંદુ બનાવ્યા, તેમને મુસ્લિમ બનાવ્યા, શીખ, ખ્રિસ્તી બનાવ્યા. તો કોઈએ વળી પાછું અલગ રીતનું વિભાજન કરીને તેમને દલિત બનાવ્યા, તો કોઈએ મહાદલિત બનાવ્યા, કોઈએ ઓબીસી બનાવ્યા, કોઈએ સવર્ણ બનાવ્યા, કોઈએ બ્રાહ્મણ બનાવ્યા, તો કોઈએ ક્ષત્રિય બનાવ્યા. જેને જેવી રીતે દેશના નાગરીકને લૂંટવામાં સહૂલિયત મળી તેવી રીતે તેમણે દેશમાં રીતસરનું નવું વિભાજન ઉભું કર્યું. કોઈએ વંચિત, શોષિત અને સાધાનસંપન્નના ભેદ કરીને રાજનીતિ કરી. ભારતની કમનસીબી છે કે ભારતના લોકોને સમાન માનવીય હેસિયતથી જોનારી દેશની રાજનીતિ ક્યારે સામે આવી નથી.

ભારતની રાજનીતિની અપરિપક્વતાએ ભારતની લોકશાહીને પણ પરિપક્વ બનવા દીધી નથી. આ અપરિપક્વતાનું પરિણામ છે કે ચૂંટણી વખતે રાહતો ઘોષિત કરવી પડે છે, ચૂંટણી વખતે કર્જા માફ કરવા પડે છે, ચૂંટણી વખતે અનામતના ગાજર લટકાવા પડે છે, ચૂંટણી વખતે હુલ્લડોની રાજનીતિ કરવી પડે છે, ચૂંટણી વખતે ગરીબોની ગરીબી યાદ આવે છે, ચૂંટણી વખતે રાજકારણીઓને દેશની જરૂરિયાત સિવાયની પોતાની રાજકીય જરૂરિયાતની તમામ વાતો યાદ રહે છે.

શું એવી વ્યવસ્થા શક્ય નથી કે જેમાં બધાંને બધી જ વસ્તુ મળી શકે? જેની અંદર બધાંને દરેક પ્રકારની સ્વતંત્રતા હોય અને તેની સ્વતંત્રતાની મર્યાદા જાણે તેટલો ભારતીય નાગરીક પરિપક્વ પણ હોય? દેશ વિભક્ત કુટુંબની જેમ નહીં, પણ સંયુક્ત પરિવારના ભાવથી એકબીજા સાથે જોડાય અને આ જોડાણો એટલા મજબૂત બને કે દુનિયાની ખરા અર્થમાં મહાશક્તિ બને. આ દેશમાં એવી વ્યવસ્થા લાવી ન શકાય કે જે પોતાનામાં જ સંપૂર્ણ હોય અને શક્તિશાળી હોય કે તેની સામે દુનિયા આપમેળે જ નતમસ્તક થઈ જાય, તેને કોઈને નતમસ્તક કરવા માટે જવાની જરૂર ન પડે.

પરંતુ ભારતના હાલના વામણા રાજકારણીઓમાં આટલી વિશાળ દ્રષ્ટિની અપેક્ષા કરવી રણમાં મીઠી વીરડીની અપેક્ષા સમાન છે. પરંતુ ભારતે હવે રાજકારણના ક્ષીરસાગરમાં પેદા થયેલા વિષનું કોઈ વાસુકી અને મેરુ પર્વત શોધીને મંથન કરવું જ પડશે. વિષના મહામંથન વગર અમૃત મળવાનું નથી અને આ અમૃત દેવત્વવાળા લોકો સુધી પહોંચે તે પણ જોવું પડશે. વિકાસ અને સમૃદ્ધિના અમૃતની ચાહતમાં નાના રાજકીય હિતસાધક રાજનેતાઓ અને દેશહિતચિંતક દેવત્વવાળા લોકો વચ્ચે ફરી એક દેવાસુર સંગ્રામની જરૂર છે. સોનાની ચીડિયા ભારતને પહેલા વિદેશીઓએ લૂંટ્યું પરંતુ વિદેશી સત્તાના કાળાપાણી છતાં તેમના સંસ્કારોથી સત્તામાં ગયેલા દેશી લોકોએ પણ લોકશાહીના રૂપાળા આંચળા નીચે લૂંટતંત્ર કાયમ કર્યું છે. વિદેશીઓના હાથે લૂંટાયેલો આ દેશ હવે દેશી દરિંદાઓ દ્વારા લૂંટાય રહ્યો છે. આ લૂંટ અને આ પીડામાંથી છૂટકારો મેળવવા માટે વિકાસ-સમૃદ્ધિના અમૃતનું મહામંથન અને ત્યાર બાદ રાજકીય હિતસાધકો અને દેશહિતચિંતકો વચ્ચેના દેવાસુર સંગ્રામની તાતી જરૂરિયાત છે.

No comments:

Post a Comment