સરકારી શિક્ષણમાં રાજકારણીઓ
શિક્ષણમાં સરકારી હસ્તક્ષેપ .....અંગ્રેજ રાજકીય ચિંતક એક્ટને કહેલું, 'કોઈ પણ સમાજ ખોટાં મૂલ્યોમાં માનતો હોય તો તે સમાજ સામેનું એક મોટું જોખમ છે જ, પરંતુ તેનાથી પણ વધારે મોટું જોખમ એ છે કે તે સમાજ સત્તાધારીઓના દરેક આદેશો, દાવાઓને સ્વીકારતો થઈ જાય.' અહીં
એક્ટનનો ઇશારો દરેક સમાજના વિકાસમાં વિરોધ અને વિદ્રોહની અનિવાર્યતા તરફ
છે. આપણા દેશમાં અત્યારે જે સ્થિતિ પ્રવર્તમાન છે તેની સાથે આ વિધાન
પૂરેપૂરું સુસંગત છે. રાજકારણીઓ આપણા જીવન સાથે જે કાંઈ રમતો રમી રહ્યા છે, રમતા
રહ્યા છે તેની સામે વિરોધનો સૂર ભાગ્યે જ સાંભળવા મળે છે. અખબારી અને
જાહેર પ્રસારનાં માધ્યમોની અભિવ્યક્તિની સ્વતંત્રતા છતાં અને આ બાબત આપણા
સમાજને સતત અધોગતિના માર્ગે લઈ જઈ રહી છે. લોકોનાં કલ્યાણ અને પ્રગતિના
નામે ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકોના જીવન અને જીવનરીતિ વિશેના
નિર્ણયો કરવાની જે લગભગ અમર્યાદ સત્તા આપવામાં આવી છે તેનો ઉપયોગ જુદા જુદા
રાજકીય પક્ષો ફક્ત પોતાના લાભાર્થે જ કરી રહ્યા છે. તે તદ્દન ઉઘાડું સત્ય
હોવા છતાં આવી સત્તાઓ સામે વિરોધ કે આક્રોશ ભાગ્યે જ જોવા અને સાંભળવા મળે
છે. આનો છેલ્લામાં છેલ્લો પુરાવો છે પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા
બેનર્જીએ કાર્લ માર્ક્સના વિચારોના શિક્ષણ પર મૂકેલો પ્રતિબંધ છે.
ભારતમાં દરેક રાજ્યના શાળાએ જતાં બાળકોએ શું ભણવું અને ન ભણવું તે
નિર્ધારિત કરવાની સત્તા રાજ્ય સરકારોને સોંપવામાં આવી છે. તેનો બેનર્જીએ
દુરુપયોગ કર્યો છે તેમ સ્પષ્ટ રીતે કહી શકાય, પરંતુ આની
સામે માર્ક્સના વિચારોનું શિક્ષણ ફરજિયાતપણે બાળકોએ કરવું જ પડે તેવો
નિર્ણય પણ બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ પક્ષના સરકારના પહેલાંના ભારતીય
સામ્યવાદી માર્ક્સવાદી પક્ષે જ કર્યો હતો તેવી દલીલ પણ કરી શકાય. આ આખાય
વિવાદની ચર્ચાને તાત્ત્વિક રીતે માર્ક્સના વિચારો ભણાવવાલાયક છે કે નહીં
તેવા મુદ્દા સાથે કોઈ જ સંબંધ નથી અને જો તેના વિશેની જ ચર્ચા કરવામાં આવે
તો મૂળ સમસ્યા જ બાજુ પર હડસેલાઈ જાય છે. મમતા બેનર્જીના નિર્ણય સામે
અખબારો, ટીવી ચેનલોમાં જે ચર્ચાઓ થઈ છે તેમાં આમ જ બન્યું છે.
મોટા ભાગના લોકોએ આમાં માર્ક્સના વિચારોની અત્યારની ઝડપથી જાગૃતિકીકરણ અને
આંતરિક ઉદારીકરણ તરફ આગળ વધી રહેલી દુનિયામાં પ્રસ્તુત છે કે કેમ તેના
વિશે જ ટીપ્પણીઓ કરી છે, પરંતુ દરેક રાજકીય પક્ષ ઓછા કે વત્તા
અંશે પોતાની વિચારસરણીનો પ્રસાર કરવા અને વિરોધીઓના વિચારોને દબાવી દેવા
માટે શિક્ષણનો દુરુપયોગ કરે છે તે મહત્ત્વના મુદ્દા તરફ ભાગ્યે જ કોઈએ
અંગુલિનિર્દેશ કર્યો છે. બીજા શબ્દોમાં, રાજ્ય સરકારોને
શિક્ષણનીતિ ઘડવાની સત્તા હોવી જોઈએ કે નહીં તે બાબતની ચર્ચા કરવામાં આવી જ
નથી. એટલે કે આનાથી આવી સત્તા રાજ્ય સરકારોને હોવી જોઈએ એમ બધા જ માને છે
તેમ ફલિત થાય છે અને એક્ટન જેને ક્રેડયુલિટી કહે છે તે આ જ છે. શિક્ષણની
બાળમાનસ પર જે અસર થાય છે તે ભવિષ્યના તેના વ્યક્તિત્વના ઘડતરમાં મોટો ભાગ
ભજવે છે અને આ રીતે રાજકારણીઓ એક અર્થમાં બાળકોનું બ્રેઇનવોશિંગ કરે છે તેમ
સહજ રીતે કહી શકાય. એ પાયાનો પ્રશ્ન છે કે શું આવું બ્રેઇનવોશિંગ સમાજની
એક અનિવાર્ય જરૂરિયાત છે? પશ્ચિમ બંગાળમાં જેમ લાંબા સમય સુધી
સત્તા પર માર્ક્સવાદી સરકારે માર્ક્સના વિચારોનું શિક્ષણ બાળકોને આપીને
તેમનું બ્રેઇનવોશ કર્યું તે જ રીતે એ ભવિષ્યનાં બાળકોનું માર્ક્સવાદ વિરોધી
બ્રેઇનવોશિંગ બેનર્જીના નિર્ણયને કારણે શરૂ થશે. આમાં માર્ક્સવાદીઓ કે
બેનર્જી બંનેને બાળકોનાં માનસ કે ભવિષ્યની કોઈ પડી નથી અને તેઓ અત્યારથી જ
પોતાની ભવિષ્યની વોટબેંક ઊભી કરી રહ્યાં છે તેવો ઇરાદો સ્પષ્ટ રીતે દેખાય
છે. તો શું આ દેશનાં આજનાં બાળકો અને આવતીકાલના નાગરિકોનું અસ્તિત્વ અને
જીવન કોઈ ને કોઈ રાજકીય પક્ષના લાભ માટે જ છે? શિક્ષણ નિર્ધારિત કરવાની સરકારની સત્તા શું અનિવાર્ય છે? સરકાર શિક્ષણનીતિ ન ઘડે તો શું શિક્ષણની પ્રક્રિયા અટકી જાય? આ પ્રશ્નોની ચર્ચા જ વધુ મહત્ત્વની છે અને તેનાથી લોકોને વાકેફ, માહિતગાર કરવાની જરૂર છે તે પાયાની વાત ભાગ્યે જ કોઈ કરે છે. તે આપણા દેશના બૌદ્ધિકોની બૌદ્ધિકતાની નીચી કક્ષાને પ્રતિબિંબિત કરે છે.
હકીકતમાં શિક્ષણ કેવું હોવું જોઈએ કે શું હોવું જોઈએ તે સરકારી
નિષ્ણાતો કે અધિકારીઓ નક્કી કરે તે નાગરિકની વ્યક્તિગત સ્વતંત્રતાના
અધિકારનો હ્રાસ છે અને તેથી શિક્ષણના ક્ષેત્રમાં સરકારી હસ્તક્ષેપ પૂરેપૂરો
દૂર થાય તે જ પાયાની જરૂરિયાત છે. શિક્ષણનું સંપૂર્ણપણે ખાનગીકરણ થવું
જોઈએ. આ ખાનગીકરણનો વિરોધ કેટલાક લોકો એવી દલીલ સાથે કરે છે કે તેને
પરિણામે શિક્ષણ ખૂબ મોંઘું થઈ જાય છે. સરકારે ખાનગી શાળાઓને છૂટ આપી છે
તેથી શાળાઓના સંચાલકો ફક્ત નફો કમાવવા જ શાળાઓ શરૂ કરે છે તેમ કહેવામાં આવે
છે, પરંતુ ખાનગી શાળાઓને છૂટ આપવી તે સાચા અર્થમાં
ખાનગીકરણ છે જ નહીં. શિક્ષણનું ખાનગીકરણ તો ત્યારે થયું કહેવાય જ્યારે
દરેકે દરેક શાળાના સંચાલકને પોતાની શાળામાં શું ભણાવવું અને શું ન ભણાવવું
તે નક્કી કરવાનો અધિકાર હોય. ટૂંકમાં, શિક્ષણના ક્ષેત્રમાં પ્રવર્તમાન પરવાના કે લાયસન્સની પદ્ધતિ રદ કરવામાં આવે, જેને
જે ભણાવવું હોય તે ભણાવવાનો અધિકાર હોય અને જેને જે ભણવું હોય તે ભણવાનો
અધિકાર હોય અને તેને જ શિક્ષણનું ખાનગીકરણ કહેવાય. આવું ખાનગીકરણ કરવામાં
આવે તો જુદા જુદા પ્રકારનું શિક્ષણ આપતી સંસ્થાઓ મોટા પ્રમાણમાં
અસ્તિત્વમાં આવે અને તેમની વચ્ચેની સ્પર્ધાને પરિણામે શિક્ષણનો ખર્ચ પણ ઘટે
અને સાથે જ તેની ગુણવત્તા પણ સુધરે તેવો વિચાર ભાગ્યે જ કોઈને આવે છે.
શિક્ષણ ભવિષ્યના નાગરિકોના વ્યક્તિત્વના પાયામાં રહેલું હોય તો રાજકીય
પક્ષો દ્વારા તેનો ઉપયોગ ભવિષ્યની વોટબેંકો ઊભી કરવા માટે ન જ થવો જોઈએ અને
તે ત્યારે જ શક્ય બને જ્યારે શિક્ષણમાં રાજ્યની ભૂમિકાને સંપૂર્ણપણે નાબૂદ
કરવામાં આવે. અત્યારે આવા આઉટ ઓફ ધ બોક્સ થિન્કિંગની તાતી જરૂરિયાત છે, પરંતુ સરકાર વિના કોઈ પણ કામ થઈ જ ન શકે તેવી આપણી માનસિકતાને પરિણામે આપણે આ બધો અનર્થ થવા દઈએ છીએ, ચાલવા દઈએ છીએ અને તે અર્થમાં આપણો સમાજ ક્રેડયુલસ છે.
No comments:
Post a Comment