Φ अपना विषय खोजे

Wednesday, April 18, 2012

ભગવાન પરશુરામ ભારતીય સમાજના પ્રેરક


ભારતીય સંસ્કૃતિના ગૌરવ, દાનવીર અને તેજની પ્રતિમૂર્તિ ભગવાન પરશુરામ 
ભારતીય સમાજના પ્રેરક મહાપુરુષોમાં અગ્રગણ્ય છે. તેમનું સ્વરૂપ તેમના વ્યક્તિત્વનું પરિચાયક છે. વૈશાખ માસની શુક્લપક્ષી તૃતીયાએ એક પ્રહર રાત્રિ વીતી જતાં પુનર્વસુ નક્ષત્રમાં શ્રી વિષ્ણુ જ રામ નામથી અવતરીત થયા.
શ્રીમદ ભાગવદ્માં વર્ણવાયેલ એક કથા અનુસાર પુરુરવાના વંશમાં જન્મેલ ગાધિ નામના રાજાને એક સુંદર કન્યા હતી, જેનું નામ સત્યવતી હતું. આ સત્યવતીને જોઈને ભૃગુવંશજ ઋચિક ઋષિએ રાજા ગાધિ સમક્ષ તેમની ગુણવતી પુત્રી સત્યવતીની સાથે લગ્ન કરવાની ઇચ્છા પ્રકટ કરી. રાજા ગાધિએ એક હજાર શ્યામકર્ણ ઘોડા ભેટ કરવાની શરત મૂકી. ઋચિક ઋષિ દ્વારા વરુણદેવની પાસેથી એક હજાર શ્યામકર્ણ (જે ઘોડાનું આખું શરીર શ્વેત વર્ણનું હોય અને એક કાન શ્યામ વર્ણના હોય તેવો ઘોડો) ઘાડાઓ મેળવીને ગાધિ રાજાએ પોતાની કન્યા સત્યવતીનો વિવાહ ઋષિ ઋચિક સાથે કર્યો. સત્યવતીએ પોતાના પતિ મર્હિષ ઋચિકની ઘણી સેવા કરી.
એક દિવસ ઋષિ ઋચિક પોતાની પત્ની સત્યવતીને કહેવા લાગ્યા, ‘પ્રિયે, હું તારી સેવાથી ખૂબ જ પ્રસન્ન છું. તું મારી પાસે ઇચ્છિત વરદાન માંગ.’ પતિનાં આવાં સુંદર વચનો સાંભળીને સત્યવતી ધન્ય બની ગઈ અને મધુર વચનોપૂર્વક કહેવા લાગી કે, ‘પ્રભો! આ સંસારમાં સ્ત્રીમાત્રનાં બે કર્તવ્ય છે એક છે પતિને પ્રસન્ન રાખવો અને બીજું છે વંશની વૃદ્ધિ કરવી.ઋચિક સમજી ગયા અને વરદાન આપ્યું કે તને શીઘ્ર સંતાનની પ્રાપ્તિ થશે. તેનાથી પ્રસન્ન થઈને સત્યવતીએ કહ્યું, ‘સ્વામી! મારે કોઈ ભાઈ નથી, તેથી મારી માતાને પણ એક પુત્ર પ્રાપ્ત થાય. જેથી મારી ઇચ્છા પૂર્ણ થઈ શકે. ઋચિક ઋષિએ સહર્ષ ‘તથાસ્તુ’ કહ્યું અને ખીર બનાવીને તેને મંત્રો થકી અભિમંત્રિત કરીને બે ભાગોમાં આ ખીર વહેંચીને કહ્યું, ‘આ તમારે માટે છે અને બીજો ભાગ તમારી માતાને માટે છે. આમાંનો તમારો ભાગ બ્રાહ્મણોચિત ગુણ સંપન્ન સંતાન માટેના છે તથા બીજો ભાગ ક્ષત્રિયોચિત ગુણ સંપન્ન સંતાન માટે તમારી માતાને માટે છે.’ આમ કહી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
ઇચ્છિત વર મેળવી સત્યવતી પ્રસન્ન થઈ ગઈ, પરંતુ માતાના કહેવા પર તેને પોતાના હિસ્સાવાળી ખીર પોતાની માતાને આપી દીધી અને માતાવાળી ખીર પોતે સ્વીકારી લીધી. ઋચિક ઋષિ પોતાના તપોબળે આ સઘળું જાણી બેઠા. તેમને સત્યવતીએ ખીરના વિનિમય માટે અનર્થ કર્યાનું કહ્યું અને તેની કૂખે ક્ષત્રિયોચિત કર્મ કરનાર અને તેની માતાની કૂખે બ્રાહ્મણોચિત કર્મ કરનાર પરમ તપસ્વી બાળક જન્મશે એમ જણાવ્યું. આ સાંભળી દુઃખી થયેલી સત્યવતીએ પોતાના પતિને આવા પુત્રની પોતે કામના કરી નથી એમ જણાવ્યું. મર્હિષએ આપેલા મંત્રની શક્તિ કદાપિ નિષ્ફળ જતી નથી એમ જણાવી તેની કૂખે બ્રાહ્મણત્વ ધારણ કરનારો સુપુત્ર થશે. એક જે પૌત્ર થશે તે મંત્રશક્તિ અનુસાર જ થશે એમ જણાવ્યું. આમ સત્યવતીની કૂખે જન્મનાર પુત્ર અવતર્યો તેનું નામ જમદગ્નિ રાખવામાં આવ્યું. તેની માતાની કૂખે જે પુત્ર અવતર્યો તેનું નામ વિશ્વામિત્ર રાખવામાં આવ્યું . ઋચિક ઋષિની પત્ની સત્યવતીની કૂખે જન્મ મેળવીને જમદગ્નિ બ્રાહ્મણોચિત સંસ્કારોથી તથા પોતાનાં જપ-તપના પ્રભાવથી તપસ્વી અને યશસ્વી પુરુષ થયા અને મર્હિષ જમદગ્નિએ રેણુકા સાથે વિવાહ કર્યા. આથી તેમને કેટલાયે પુત્રો થયા. જેમાં પરશુરામ એ સૌથી નાના હતા. પરશુરામનું નાનપણનું નામ રામ હતું. ભગવાન શિવની નિરંતર આરાધના કરી તેમણે નાનપણમાં જ ભગવાન શિવ પાસેથી વરદાનરૂપમાં પરશુ (કુદળી) પ્રાપ્ત કરી હતી. તેનાથી તેમનું નામ પરશુરામ થયું. પરશુરામજી ભગવાન વિષ્ણુના મુખ્ય દશાવતારોમાં છઠ્ઠા અવતારના રૂપમાં જાણીતા છે. તેમનું અવતરણ અત્યાચારી ક્ષત્રિયોના વિનાશને માટે થયું. તેમના પિતા જમદગ્નિનું પિતૃવંશ ભૃગુઋષિ સાથે સંલગ્ન હોવાના કારણે તેમનું નામ ભાર્ગવ પણ જાણીતું બન્યું. તેમનું માતૃવંશ કુશિક વંશ સાથે સંબંધિત હોવાના કારણે તેઓ કુશિક વંશના દોહિત્ર પણ થયા. તેમની માતા રેણુકા ઋષિ વિશ્વામિત્ર(કૌશિક)ની બહેન હતી.
શ્રી રામચરિત માનસમાં પરશુરામને સીતા સ્વયંવરના પ્રસંગમાં એક તેજસ્વી અને ઓજસ્વી ક્ષત્રિયવિરોધી બ્રાહ્મણના રૂપમાં ચિત્રિત કરવામાં આવેલ છે. તેઓ પરમ શિવભક્ત હતા. ભગવાન શિવે સ્વયં પ્રકટ થઈને તેમને અમોઘ પરશુ આપ્યું હતું. ત્યારથી તેઓ રામ મટીને પરશુરામ થઈ ગયા. દશરથ પુત્ર શ્રી રામ દ્વારા શિવધનુષને તોડવા બદલ તેઓ રામ પર ક્રોધિત થયેલા અને લક્ષ્મણ સાથે વિવાદ થયેલો, પરંતુ શ્રીરામ વિષ્ણુના અવતારની ખાતરી થતાં તેમનો ક્રોધ શાંત થયેલો.
મહાભારતની એક કથામાં વર્ણવાયા મુજબ પરશુરામે કર્ણને શસ્ત્રવિદ્યા શીખવી હતી અને પરમ પરાક્રમી ભીષ્મપિતામહ પણ તેમના શિષ્ય હતા. તેમને પોતાના પરાક્રમ દ્વારા ક્ષત્રિયોના રક્તથી પાંચ મોટા કુંડ ભરી દીધા હતા. જેનાથી તેમનું નામ સમનપંચક પણ પડયું હતું. તેમના જીવનમાં અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ ઘટી હતી.
જમદગ્નિ ઋષિએ પોતાની પત્ની રેણુકાના પતિવ્રત ધર્મના ઉલ્લંઘન બદલના અપરાધમાં પોતાના પુત્રોને રેણુકાનો વધ કરવાની આજ્ઞા આપી દીધી હતી, પરંતુ પરશુરામ સિવાય સઘળા પુત્રોએ વધ કરવાનો ઇન્કાર કર્યો. ફક્ત પરશુરામે પિતૃઆજ્ઞા માથે ચડાવી પોતાની માતાનો શિરચ્છેદ કર્યો હતો. વળી, ભાઈઓને પણ મારી નાખ્યા હતા. આવા આજ્ઞાપાલનથી જમદગ્નિ ઋષિએ ખુશ થઈ પરશુરામને વરદાન માગવાનું કહેતાં પરશુરામે પોતાની માતાને અને ભાઈઓને જીવતાં કરવાનું વરદાન માગ્યું. આમ પરશુરામે તેમની માતા અને ભાઈઓને પુર્નિજવિત કર્યાં હતાં. વળી પોતે અમર બને તેવું વરદાન માગતાં જમદગ્નિએ તેમને અમરતા પ્રદાન કરી હતી. વળી એક વખત પરશુરામ શંકરનાં દર્શન કરવા જતાં ગણેશજીએ તેમને અટકાવતાં પરશુરામે ગુસ્સે થઈ ગણેશજીનો એક દાંત તોડી નાંખતાં ગણેશજી તેમને મારવા દોડતાં, બચવા માટે પરશુરામે મા પાર્વતીને રક્ષા કરો, રક્ષા કરોની બૂમ મારતાં ભગવતી પાર્વતીએ પ્રસન્ન થઈ તેમનો બચાવ કરી તેમને અમર થવાનું વરદાન આપ્યું હતું.
હૈહય વંશના કાર્તિવીર્યોર્જુન (સહસ્ત્રબાહુ) નામના રાજાએ ઋષિ જમદગ્નિ પાસે તેમની કામધેનું ગાય માગતાં ઋષિએ તે ન આપતાં કાર્તિવીર્ય આ કામધેનું ગાયનું હરણ કરી ગયા. ત્યારે પરશુરામે તેમની સાથે યુદ્ધ કરી કામધેનુ ગાયને છોડાવી લાવી પોતાના પિતાને સોંપી હતી. પોતાના પિતા જમદગ્નિની કાર્તિવીર્યના પુત્રોની હત્યાના બદલામાં પરશુરામે પૃથ્વીને ક્ષત્રિયહીન કરવાની દારુણ પ્રતિજ્ઞા લીધી હતી.
સઘળા આતતાયીનાં (ત્રાસ આપનાર) મૃત્યુ થતાં પરશુરામના અવતારનું કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. અંતે પરશુરામના પિતાએ તેમને વધુ તપ કરવાની આજ્ઞા કરતાં તેમણે મહાન યજ્ઞાકર્મ અને પોતાની સઘળી સંપત્તિ બ્રાહ્મણોને દાન કરી દીધી. સર્વસ્વ દાન કરી ચૂક્યા પછી મર્હિષ ભારદ્વાજના પુત્ર તેમની પાસે આવ્યા. પરશુરામે શેષ અસ્ત્ર, શસ્ત્ર કર્ણને આપી દીધાં અને મહેન્દ્ર પર્વત પર તપ કરવા ચાલ્યા ગયા. કાલાન્તરમાં પરશુરામજી મહાયોગી સંવર્ત પાસેથી પ્રેરણા મેળવી મર્હિષ દત્તાત્રેય પાસે ગયા અને તેમનાથી દીક્ષિત થઈ શ્રી વિદ્યાના પરમ આચાર્યત્વને પ્રાપ્ત થયા. પરામ્બલી કૃપાળુ પરશુરામ આજે પણ અજર અમર છે.        

No comments:

Post a Comment