Φ अपना विषय खोजे

Tuesday, April 24, 2012

25 કરોડ લોકોના રોજગાર પર સંકટ

25 કરોડ લોકોના રોજગાર પર સંકટની કાળીછાયા




મલ્ટીબ્રાન્ડ રીટેલમાં સરકારે 51 ટકા વિદેશી મૂડી રોકાણને શરતી મંજૂરી આપી દીધી છે. જ્યારે સિંગલ બ્રાન્ડ રીટેલમાં 100 ટકા વિદેશી મૂડી રોકાણને શરતી મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય જી-20 દેશોના દબાણમાં લેવામાં આવ્યો છે. ભારતીય રીટેલ બજારમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની મર્યાદા વધારવા માટે જી-20 દેશો વડાપ્રધાન મનમોહન સિંહને બેઠકોમાં બોલાવી આનું દર વખતે દબાણ કરતાં હતા. જી-20 સમૂહના દેશોમાં રીટેલ કારોબારમાં પ્રત્યક્ષ મૂડી રોકાણને ખુલ્લી છૂટ આપવાનો કરાર પહેલા જ થઈ રહ્યો છે. એટલે કે દેશની નીતિનું નિર્ધારણ જી-20 સમૂહની બેઠકમાં મનમોહન પર દબાણ કરીને લેવડાવી દેવામાં આવ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં તેની માત્ર કેન્દ્રીય કેબિનેટ તરફથી મંજૂરી અપાવીને જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદામંત્રી સલમાન ખુરશિદે સંસદ બહાર કહ્યુ હતું કે રીટેલમાં એફડીઆઈનો મુદ્દો નીતિ વિષયક છે, તેની સંસદમાં ચર્ચાની જરૂર નથી. વળી જે રાજ્યો રીટેલમાં એફડીઆઈને મંજૂરી આપવા ન ચાહે તેઓ તેમ કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ યુપીએ સરકારના ઘટક દળના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સરકારની અંદરથી નારાજગીના સૂર વ્યક્ત કર્યા. તેની સાથે ડાબેરી મોરચો, ભાજપ, બીએસપી અને અન્ય તમામ રાજકીય પક્ષોએ રીટેલમાં એફડીઆઈને મંજૂરી સામે વિરોધના સૂર વ્યક્ત કર્યા.

ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ કહ્યું છે કે વોલમાર્ટના સ્ટોર ભારતમાં ખુલશે, તો તેને તેઓ ખુદ આગ લગાડશે અને તેના માટે તેઓ જેલમાં જવા માટે પણ તૈયાર છે. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કહ્યું છે કે તેઓ જ્યાં સુધી સત્તા પર છે, ત્યાં સુધી તેઓ ઉત્તર પ્રદેશમાં વિદેશી મલ્ટીબ્રાન્ડ રીટેલને ઘૂસવા દેશે નહીં. તેમણે રીટેલમાં વિદેશી રોકાણની છૂટને દેશને ગુલામ બનાવવાની સાજિશ ગણાવી છે. તેમણે કહ્યું છે કે રીટેલમાં વિદેશી મૂડી રોકાણ રાહુલ ગાંધીના વિદેશી મિત્રોને ફાયદો કરાવવા માટે કરવામાં આવી રહ્યું છે. જો કે માઝા મૂકતી મોંઘવારી કાબુમાં આવી જશે તેવા ઠાલા વાયદા કરતી સરકારને આશા છે કે રીટેલમાં એફડીઆઈની મંજૂરીથી મોંઘવારી છૂમંતર થઈ જશે.

જો કે વિશેષજ્ઞોનું એક જૂથ જણાવે છે કે દેશમાં સુપરમાર્કેટના કલ્ચરથી 1.2 કરોડ નાના દુકાનદારો, 4 કરોડ ફેરિયાઓ અને ઓછામાં ઓછા 20 કરોડ જેટલાં નાના ખેડૂતોની આજીવિકા જોખમમાં મૂકાશે. એટલે કે રીટેલમાં એફડીઆઈ અને સુપરમાર્કેટના આમંત્રણથી દેશના ઓછામાં ઓછા 25થી 26 કરોડ લોકોની રોજગારી પર પ્રશ્નાર્થ મૂકાઈ જશે. આવી સ્થિતિમાં દેશનું શું દ્રશ્ય હશે, તેનો વિચાર કરીને જ કોઈને પણ કંપકપી થઈ જશે. ભારતીય રીટેલ વેપારમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વધારે રોકાણને મંજૂરી ખેડૂતોના હિતમાં કરવામાં આવેલો નિર્ણય ગણાવવા વેપારી સરકારના એજન્ટ જેવાં મંત્રીઓ ઘણાં કથિત બૈદ્ધિક તર્કો આપી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે સૌથી વધારે સુપરમાર્કેટ ધરાવતા અમેરિકાના ખેડૂતો લાભ મેળવવામાં પાછા કેમ પડે છે? અમેરિકાની સરકારે તેમને ભારે ભરખમ સબસિડી કેમ આપવી પડે છે? જ્યારે દુનિયાનું સૌથી મોટું રિટેલર જૂથ વોલમાર્ટ અમેરિકામાં જ છે, તો તેનાથી ત્યાંના ખેડૂતો ખુશહાલ બની જવા જોઈતા હતા. પરંતુ વાર્ષિક 21 લાખ કરોડનો ધંધો કરતી વોલમાર્ટ કંપનીના હોવા છતાં અમેરિકાના ખેડૂતોને ત્યાં સુખનો સૂરજ ઉગી શક્યો નથી. અમેરિકાની સરકારે ખેડૂતોની પરિસ્થિતિ સુધારવા માટે 1995થી 2009ની વચ્ચે 12.5 લાખ કરોડ ડોલરની ભારે ભરખમ સબસિડી આપી છે. તેમ છતાં અમેરિકાનો ખેડૂત ખેતીવાડી છોડવા માટે મજબૂર બન્યો છે અને ગરીબી વધી રહી છે. પરિસ્થિતિ એ છે કે 28 કરોડની વસ્તીવાળા અમેરિકામાં ખેડૂતોની સંખ્યા 7 લાખથી પણ ઓછી થઈ ગઈ છે અને વર્ષ 2000 બાદની વસ્તીગણતરીમાં ખેડૂતોની અલગથી ગણતરી કરવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે.

અમેરિકા જ નહીં, દુનિયાના ઘણાં દેશોમાં મોટા રીટેલરોની ઓછી કિંમતોને કારણે ખેતી ખરાબ થઈ છે અને સાથે સ્થાનિક નાના રીટલરોનો કચ્ચરઘાણ નીકળ્યો છે. યૂરોપમાં મોટા રીટેલરોના બજારમાં છવાયા બાદ દર મિનિટે એક ખેડૂત ખેતીથી અળગો થઈ રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે, ફ્રાંસમાં 2009માં ખેડૂતોની આવક 39 ટકા ઘટી છે. આ પહેલા 2008માં ફ્રાંસમાં ખેડૂતોની આવકમાં 20 ટકાનો ઘટાડો થઈ ચુક્યો હતો. સ્કોટલેન્ડમાં મોટી સંખ્યામાં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો પોતાનો ધંધો છોડી રહ્યા છે. આ બધાંનું કારણ સુપરમાર્કેટની ઓછી કિંમતોને ગણાવાય રહ્યું છે. ઉરુગ્વે, આર્જેન્ટિન અને કોલંબિયા જેવાં લેટિન અમેરિકી દેશોમાં પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ચલાવાય રહેલી સુપરમાર્કેટોથી ખેડૂતોની હાલત ખરાબ છે. આવી પરિસ્થિતિમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બહુરાષ્ટ્રીય રીટેલ ચેન ભારતીય કૃષિની કાયાકલ્પ કરી નાખશે. પરંતુ આ વાત અહીંના ખેડૂતો અને નાના રીટેલરો સાથે જ છેતરપિંડી નથી, પરંતુ સમગ્ર દેશ માટે વિશ્વાસઘાત છે.
ઉલ્લેખનીય છે કે ઉદારીકરણના તબક્કાની શરૂઆતથી દેશમાં ચાલેલી આર્થિક નીતિઓને કારણે કૃષિ પ્રધાન ગણાતા ભારતમાં ખેતી પર નભતી વસ્તી 80 ટકામાંથી ઘટીને 65 ટકાની આસપાસ પહોંચી ગઈ છે. કદાચ એક દશકા બાદ ભારતને કૃષિ પ્રધાન કહેવો કે નહીં તે પણ સવાલ ઉભો થશે. દેશમાં છેલ્લા દશ વર્ષમાં 12 લાખ જેટલાં ખેડૂતોએ ખેતીમાં ઉભી થતી વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી છે. આ સિલસિલો વત્તાઓછા પ્રમાણમાં ભારતના વિવિધ રાજ્યોમાં ચાલુ છે. ત્યારે મલ્ટીબ્રાન્ડ રીટેલમાં એફડીઆઈ ખેડૂતોની આત્મહત્યામાં વધારો નહીં કરે? પણ અમેરિકાના ઈશારે જી-20 દેશોના દબાણ નીચે નિર્ણયો કરનારા વડાપ્રધાન મનમોહન સિંહ આ બાબતે વધારે વિચારતા હોય તેવું હજી સુધી લાગ્યું નથી. જો કે મમતા બેનર્જીના દબાણ નીચે યુપીએ સરકાર સંસદમાં રીટેલમાં એફડીઆઈનો મુદ્દે ચર્ચા કરવા તૈયાર થઈ છે, તેટલો તેમનો પાડ માની શકાય.

કહેવામાં આવે છે કે સરકારે રીટેલ વેપારીઓના હિતને સંરક્ષણ આપવા માટે કેટલીક શરતો લગાવી છે. જેમકે કંપનીઓ મોટા શહેરોની આસપાસ જ કારોબાર કરશે અને 30 ટકા સામાન નાના ઉત્પાદકો પાસેથી ખરીદશે. પરંતુ અનુભવ એવો જ રહ્યો છે કે આ કંપનીઓને બોલાવતી વખતે કંઈક શરતો લગાવાય છે અને જ્યારે તેના વિસ્તરણ કરવાની વાત આવે છે, ત્યારે બીજી શરતો લગાવી દેવાય છે. પહેલા 30 ટકા સ્થાનિક લોકોને રોજગાર આપવાની વાત થઈ રહી હતી. પરંતુ હવે આવી શરત લગાવવામાં આવી નથી.

સરકાર દાવો કરી રહી છે કે કંપનીઓ કૃષિ ઉત્પાદનોના સંસ્કરણ અને કોલ્ડ સ્ટોરેજની શ્રૃંખલાના માળખા પર મોટી રકમનું રોકાણ કરશે. બીજી તરફ સુપરમાર્કેટ તરફથી દાવો થઈ રહ્યો છે કે તેમને ત્યાં વચેટિયાં નહીં હોય, તેનાથી ખેડૂતોને વધારે ભાવ મળશે. પરંતુ હકીકતમાં તેનાથી ઉલ્ટું જ છે. સુપરમાર્કેટ ખુદ એક બહુ મોટા વચેટિયા કે દલાલની ભૂમિકામાં છે. તેઓ આ ધંધાની નાની માછલીઓને ગળી જાય છે. ધોતી-કુરતાવાળા પરંપરાગત શેઠિયાઓની જગ્યા સુપરમાર્કેટના ટાઈ-બેલ્ટવાળા દલાલો આવી જશે. તેમાંથી કેટલાંક મોટા વચેટિયા કમીશન પણ લેવા લાગ્યા છે. રિટેલરોના વચેટિયાઓના જૂથમાં ગુણવત્તા નિયંત્રક, સર્ટિફિકેશન એજન્સી, પેકેજિંગ ઉદ્યોગ, સંસ્કરણ ઉદ્યોગ અને હોલસેલ વિક્રેતાઓ સામેલ છે. આ નવા વચેટિયાઓને કારણે ખેડૂતોની આવક ઘટી જશે અને સુપરમાર્કેટનો નફો આસમાને પહોંચશે. તેના પરિણામે શક્યતા એવી છે કે ખેડૂતોનું નિકંદન નીકળશે અને તેમની આત્મહત્યાનો સિલસિલો થોભવાને સ્થાન વધશે. વળી મોંઘવારીથી ત્રસ્ત આમ આદમીને પણ કોઈ રાહત થશે નહીં, કારણ કે નફો સુપરમાર્કેટના ખિસ્સામાં જવાનો છે અને આમ આદમીને મોઢું વકાસીને જી-20 દેશો દ્વારા અમેરિકાની પ્રેરણાથી ભારતમાં લાગુ થનારી વ્યવસ્થાને જોયા સિવાય અને તેનો ભાગ બન્યા સિવાય કોઈ અન્ય વિકલ્પ રહેશે નહીં.

અમેરિકાના જુદાજુદા રાજ્યોમાં વોલમાર્ટના ફેલાવાને કારણે ગરીબી પર પડનારા અસર પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે. ‘વોલમાર્ટ અને ગરીબી’ વિષય પર અમેરિકાની પેનસિલવેલનિયા યૂનિવર્સિટીના કૃષિ અર્થશાસ્ત્ર અને ગ્રામીણ સમાજશાસ્ત્ર વિભાગના સ્ટીફન જે. ગોએત્જ અને હેમા સ્વામીનાથને 2004માં સંશોધન કર્યું છે. આ સંશોધન અભ્યાસ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે 1987માં જે અમેરિકી રાજ્યોમાં વોલમાર્ટના વધારે સ્ટોર હતા, ત્યાં 1999માં ગરીબીનો દર એ રાજ્યોની સરખામણીએ વધારે હતો, જ્યાં વોલમાર્ટના સ્ટોર ઓછા હતા. જે જિલ્લમાં 1987થી 1998ની વચ્ચે વોલમાર્ટના સ્ટોર ખુલ્યા છે, તે રાજ્યોમાં પણ ગરીબીનો દર વધારે રહ્યો હતો. અભ્યાસ પરથી એમ પણ નિષ્કર્ષ નીકળ્યો હતો કે આ ક્ષેત્રોમાં ગરીબી એ વખતે વધી, જ્યારે અમેરિકાના અન્ય ભાગોમાં ગરીબી ઘટી રહી હતી. વોલમાર્ટ જેવી વિદેશી રીટેલ કંપનીઓથી ભારતના રીટેલરોને પરસેવો છૂટી રહ્યો છે. કારણ કે વોલમાર્ટ સ્ટોર્સ કોર્પોરેશન દુનિયાની સૌથી મોટી રીટેલ કંપની છે. તેનો વાર્ષિક કારોબાર 21 લાખ કરોડ રૂપિયા છે. તે દુનિયામાં ખાણીપીણીના સામાનનું સૌથી વધારે વેચાણ કરનારી કંપની છે. દુનિયાના 15થી વધારે દેશોમાં વોલમાર્ટના સાડા આઠ હજાર જેટલાં સ્ટોર્સ છે અને તેમાં લગભગ 21 લાખ લોકો કામ કરે છે. 2010માં વોલમાર્ટમાં 770 કરોડ લોકોએ ખરીદી કરી હતી, જ્યારે દુનિયાની કુલ વસ્તી 700 કરોડથી વધારે છે. વોલમાર્ટનો વાર્ષિક કારોબાર વિશ્વની 23મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બરાબર થવા જાય છે. મનમોહન સરકારની મલ્ટીબ્રાન્ડ રીટેલમાં 51 ટકાની એફડીઆઈથી ભારતમાં વોલમાર્ટ જેવાં ઘણાં વાવાઝોડાં આવે તેવી શક્યતા છે. તેમાં ભારતના ખેડૂતો અને રીટેલરોનું શું થશે તે સંદર્ભે ઈશ્વર જ માલિક છે હવે!

ખેતીની સાથે રોજગારની સ્થિતિ પણ ભયાનક રહી છે. ઈંગ્લેન્ડમાં ટેસ્કોએ 11 હજાર અને સેન્સબરીએ 13 હજાર રોજગાર ઉભા કરવાનો વાયદો કર્યો હતો. બે વર્ષ બાદ ખબર પડી કે આ કંપનીઓએ કેટલાંક સો લોકોને રોજગાર આપ્યો છે. જ્યારે તેમના કારણે ઈંગ્લેન્ડમાં ઘણાં વધારે લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. વિશ્વના સૌથી વધારે ગરીબ ધરાવતાં ભારતમાં નાની ફેરી કરીને આજીવિકા કમાનારા 4 કરોડથી વધારે લોકો છે. તેમનું ભવિષ્ય આનાથી અંધકારમય બની જશે. દેશમાં કુલ 25 કરોડ લોકોના રોજગારને સુપરમાર્કેટોથી સીધી અસર પહોંચે તેવી સંભાવના રહેલી છે.
હકીકતમાં દેશમાં અત્યારે જરૂરત છે કે દેશભરમાં મંડીઓની સ્થાપનામાં સરકારી ખર્ચ વધારવામાં આવે, સરકારી ખરીદીના માધ્યમથી ખેડૂતોને બહેતર મૂલ્ય નિર્ધારણ કરવામાં આવે અને પાકના ભંડારણ અને વિતરણ માટે મજબૂત તંત્ર ઉભું કરવામાં આવે. પરંતુ અમેરિકા અને જી-20 દેશોની આંગળીએ નાચ નાચતા અર્થશાસ્ત્રી વડાપ્રધાન મનમોહન સિંહના મનમોહનોમિક્સમાં આવી કોઈ જોગવાઈ હવે રહી નહીં હોય!

ભ્રષ્ટાચાર બૂમબરાડા અને અનશન-આંદોલનથી નહીં ભાગે!

ભ્રષ્ટાચાર બૂમબરાડા અને અનશન-આંદોલનથી નહીં ભાગે!




ભ્રષ્ટાચાર સામે ભારત માતા કી જયના સૂત્ર સાથે અનશનવીર ગાંધીવાદી અણ્ણા હજારેએ આ વર્ષે બે વખત ઉપવાસ કર્યા. તેમણે દેશમાં ભ્રષ્ટાચારને કાબુમાં લાવવા માટે જનલોકપાલ બિલની પુરજોર માગણી કરી છે. સરકારે 22 ડિસેમ્બર સુધી ચાલનારા શિયાળુ સત્રમાં મલ્ટીબ્રાન્ડ રીટેલમાં 51 ટકા એફડીઆઈને મંજૂરી આપીને વિવાદના મધપૂડાને જાણીજોઈને છેડી દીધો છે. જેના કારણે શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી 11 દિવસ ચાલી શકી નથી. ત્યારે સરકારની મનસા કદાચ મજબૂત લોકપાલ બિલને શિયાળુ સત્રમાં લટકાવાની હોય તેવા પણ સંકેતો મળી રહ્યા છે. ખુદ અણ્ણાએ પણ આ સંદર્ભે આશંકાઓ વ્યક્ત કરી છે.

ભ્રષ્ટાચાર સામે અણ્ણા અલખ જગાવતા રહે તેની સામે કોઈને કોઈ વાંધો ન હોઈ શકે. ભ્રષ્ટાચાર દેશ માટે આફત છે, ધીમું ઝેર છે. તેનો ઈલાજ થવો જોઈએ. આ બાબતે કોઈ અસંમત નથી. પરંતુ અણ્ણા દાવો કરે છે કે લોકો જાગી ગયા છે અને 27 ડિસેમ્બરે તેમના પ્રસ્તાવિત અનશન માટે જનતા તૈયાર છે. પરંતુ તેની સામે ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ કરપ્શન ઈન્ડેક્સમાં ભારત દેશમાં અણ્ણાના આંદોલન છતાં 11 ક્રમાંક નીચે પછડાયું છે. ભારત કરપ્શન ઈન્ડેક્સમાં 95માં સ્થાને છે. એકથી દસ સ્કેલ પર રેન્કિંગના આધારે તમામ દેશોની વાર્ષિક યાદી બનાવનારી સંસ્થાએ ભારતને ઈન્ડેક્સમાં ચીનથી નીચે રાખ્યું છે, જ્યારે પાકિસ્તાનથી ભારત ઉપરના ક્રમાંકે છે. કરપ્શન ઈન્ડેક્સમાં ભારતથી વિકાસના મામલામાં કોસો દૂર રહેલા ચીનનું સ્થાન 75મું છે. જ્યારે પાકિસ્તાન કરપ્શન ઈન્ડેક્સમાં 134મા સ્થાને છે.

તાજેતરના ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના કરપ્શન ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ પરથી સ્પષ્ટ છે કે ભારતમાં ભ્રષ્ટાચારને ભગાડવો જોઈએ તેની વાત બધાં કરે છે. પરંતુ ભ્રષ્ટાચારને કોઈ ભગાડતું નથી. લોકો વધારેને વધારે ભ્રષ્ટાચારમાં ખૂંચતા જાય છે. તેનું પરિણામ છે કે ભારત ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કરપ્શન ઈન્ડેક્સમાં 11 ક્રમાંક નીચે ઉતર્યું છે. અણ્ણાના આંદોલન વખતે આંદોલનમાં ભાગ લેવા જતાં આંદોલનકારીઓએ ટ્રાફિકના નિયમના ભંગ બદલ થનારા દંડને ટાળવા માટે પોલીસને લાંચ આપી હોવાના કિસ્સા દેશમાં ઘણે ઠેકાણે બન્યા છે. ત્યારે સવાલ એ છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં ભાગ લેવા માટે જનારા લોકો લાંચ આપીને કેવી રીતે ભ્રષ્ટાચારને ભગાડી શકશે?

ભ્રષ્ટાચારને ભગાડવાની વાત કરતાં પહેલા સમજવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર શું છે? ભ્રષ્ટાચાર માનવીય આચાર સાથે સંકળાયેલી બાબત છે. આ એવો આચાર છે કે જે શિષ્ટાચાર નથી, સત્યાચાર નથી, પણ માનવીય સ્વભાવ વિરુદ્ધના રસ્તે લઈ જતો આચાર છે. માણસ પેદા થાય છે, ત્યારે તે પૂર્ણરૂપથી સત્યાચારી હોય છે. તે જેમ જેમ જીવનમાં આગળ વધે છે, તેમ તેમ તેના સત્યાચારી માર્ગ બદલાય છે અને તે ભ્રષ્ટાચાર તરફ આગળ વધે છે. દુનિયાના લગભગ 99 ટકા લોકો સાથે આવી ઘટના બને છે. ભ્રષ્ટાચારી એટલે માત્ર નાણાંની લાંચ આપવી એટલું જ ભ્રષ્ટાચારમાં સામેલ થતું નથી. જીવનમાં મૂલ્યવિહીન, અનૈતિક, સિંદ્ધાત વિરુદ્ધ કરવામાં આવતું દરેક આચરણ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર માનવતાની પણ વિરુદ્ધ છે. કારણ કે તે માનવીય મૂલ્યો, આચાર-વિચાર, સિદ્ધાંત વિરુદ્ધનું વર્તન છે.

ભ્રષ્ટાચાર માનવીય માનસ સાથે સંકળાયેલી વસ્તુ છે. ત્યારે પ્રશ્ન એ છે કે એક લોકપાલ લાવી દેવાથી એટલે કે કોઈ તંત્રને દંડો લઈને વ્યવસ્થામાં રહેલા લોકોના વોચડોગ તરીકે બેસાડી દેવું ભ્રષ્ટાચારનો ઉકેલ છે? શું ભ્રષ્ટાચાર લોકોના ટોળા ભેગા કરવાથી, રેલીઓ કાઢવાથી, બૂમો પાડીને ભાષણો કરવાથી, ટેલિવિઝન પર ઉટપટાંગ દલીલો કરવાથી, તર્ક-વિતર્ક-કુતર્કની શ્રેણી ચલાવવાથી, ભારત માતા કી જયની ચીસો પાડવાથી અને દેશભક્તિના ગીતો પર નાચવાથી દૂર થવાનો છે? ભ્રષ્ટાચારનો ઉકેલ કોઈ કડક કાયદા ન હોઈ શકે. ભ્રષ્ટાચાર મૂલ્યો અને સિદ્ધાંતો જોડે સંકળાયેલી વસ્તુ છે. ભારતમાં મૂલ્યો અને સિદ્ધાંતોની શું સ્થિતિ છે? આજે ભારતમાં અનૈતિકતાને ઓજાર, મૂલ્યહીનતાને મિલ્કત અને સિદ્ધાંતહીનતાને સત્ય ગણીને પોતાના હિતો સાધવાને હોશિયારી ગણવાની નવી પરિભાષા સામે આવી છે. આ પ્રકારની પરિભાષા માનવીય માનસને ભ્રષ્ટાચારી બનાવે છે અને ભ્રષ્ટાચારનું મૂળ આ માનસિકતામાં રહેલું છે. અણ્ણા જનલોકપાલ લાવે કે જનતાલને લોકપાલ બનાવે, પણ તેઓ મૂલ્યહીનતા, સિદ્ધાંતવિહીનતા અને અનૈતિકતાને રોકવા માટે કોઈ એક્શન પ્લાન ધરાવતા નથી. ભારતમાં ભ્રષ્ટાચારને રોકવા માટે સેંકડો કાયદા છે. પણ તેમ છતાં ભ્રષ્ટાચારમાં દેશ નંબર વન બનવા તરફ આગળ જઈ રહ્યો છે. તેના કારણમાં ભારતનું માનસ પરિવર્તન છે. સ્વયંસંચાલિત સત્યાચારી ભારતીય વ્યક્તિ મૂલ્યહીનતા અને અનૈતિકાના માર્ગ પર પથભ્રષ્ટ બનીને ભ્રષ્ટાચારી બની ગયો છે. આજે દેશમાં એકપણ વ્યક્તિ એવો નહીં હોય કે જે પોતે 100 ટકા સત્યાચારી હોવાનો અને શૂન્ય ટકા ભ્રષ્ટાચારી હોવાનો દાવો કરી શકે. ખુદ ભ્રષ્ટાચાર ન કરવો તમને માત્ર ભ્રષ્ટાચારી નહીં બનાવે. ભ્રષ્ટાચાર થતો જોવો અને તેને રોકવા માટે કંઈ ન કરવું પણ તમને ભ્રષ્ટાચારી બનાવે છે.

ભારતના મૂલ્યો અને નૈતિકતાને તોડવાનું કામ 1200 વર્ષથી અવિરત ચાલી રહ્યું છે. ભારતના જીવન સિદ્ધાંતો બદલવા માટે જોર-જુલમ અને છેતરપિંડીનો 1200 વર્ષનો ઈતિહાસ છે. અંગ્રેજોએ ભારતના પરંપરાગત મૂલ્ય, સિદ્ધાંતો અને નૈતિકતા પર કુઠારાઘાત કર્યો. તેમના માનસિક ગુલામોએ આ બાબતને ભારતમાં આઝાદી પછી પણ આગળ વધારી. ઉદારીકરણના યુગમાં અંગ્રેજોના માનસિક ગુલામોએ દેશને વધારે પથભ્રષ્ટ કર્યો. દેશ ભોગવાદી બન્યો, દેશમાં પૈસો પરમેશ્વરના સ્થાને આવી ગયો. બસ કોઈપણ રીતે અને કોઈપણ ભોગે પૈસો પોતાની પાસે આવવો જોઈએ. ભોગવિલાસના સાધનો પોતાની પાસે અઢળક માત્રામાં હોવા જોઈએ. બસ આ માનસિકતા સાથેની પથભ્રષ્ટતા મંત્રીથી માંડીને સંત્રી સુધી વ્યાપક અને ઉંડી બની. તેના કારણે આજે 64 કરોડના કૌભાંડમાં હલબલી જનારો દેશ પોણા બે લાખ કરોડના કૌભાંડમાં પણ સંવેદનશીલતા બતાવવા માટે તૈયાર નથી. જે સંવેદનશીલતા દેખાય છે, તે માત્ર દેખાડો હોય તેવું વધારે લાગે છે. તેમા એ આગ નથી કે જે પરિવર્તનનો યજ્ઞ કરી શકે. જેપી આંદોલન જેવી આંચ હજી થઈ નથી. વીપી આંદોલન જેવો ઉભરો હજી આવ્યો નથી.

ભ્રષ્ટાચાર કોઈને હટાવવો નથી અને માટે તે હટતો નથી. પણ કોઈને ખુરશી પરથી ઉઠાડી પોતે ખુરશી પર બેસવા માટે ભ્રષ્ટાચારના નામે રાજકારણ ખેલનારા રાજકારણીઓ અને રાજકીય પક્ષોનો ખેલ બરાબર જામ્યો છે. ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સવાળી વ્યવસ્થા હોય તે સદા આવકાર્ય છે. પરંતુ તેનાથી આગળ વધીને વિચારવું પડશે કે ભારતીયોની માનસિકતા જ ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સવાળી બને. તેના માટેની કોઈ જનલોકપાલ કરતા મોટી વ્યવસ્થા વિચારવી પડશે.

તેના માટે સમાજમાં મૂલ્ય, સિદ્ધાંતો અને નૈતિકતાના ભારતીય મૂલ્યોની પુનપ્રતિષ્ઠા કરવી પડશે. તેમની પુનપ્રતિષ્ઠા માટે જો કોઈ પ્રયત્ન થઈ શકે તો તે બાળકના ઉછેરથી શરૂ થઈ શકે. બાળકના ઉછેરમાં સૌથી મોટી ભૂમિકા માતા-પિતા અને શિક્ષક ભજવી શકે છે. તેમની સૌથી મોટી જવાબદારી છે કે બાળક ભ્રષ્ટાચારમુક્ત માનસિકતા સાથે જીવનના મોરચે આગળ વધે. તેના માટે પડી ભાંગેલી ભારતની શિક્ષણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવી પડશે. ભારતની શિક્ષણ વ્યવસ્થામાં અત્યારે મૂલ્ય, સિદ્ધાંત અને નૈતિક વિચારોની બાદબાકી જેવી સ્થિતિ છે. પહેલાના વખતમાં શાળામાં બાળક માત્ર શિક્ષિત જ ન હતો બનતો પણ સંસ્કારી પણ બનતો હતો. પરંતુ હવે શિક્ષણ પદ્ધતિ અને વ્યવસ્થામાં શિથિલતા આવવાને કારણે બાળક શિક્ષિત તો બની જાય છે, પણ સંસ્કારી થઈ શકતો નથી. બાળકને શાળામાં ગણિત, વિજ્ઞાન અને ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે, પણ મૂલ્ય શીખવાડાતા નથી, સિદ્ધાંતો ભણાવાતા નથી અને નૈતિકતા દેખાડાતી નથી.

આનું પરિણામ શું આવ્યું છે, તે આપણે આઝાદીના માત્ર 64 વર્ષમાં જોઈ શક્યા છીએ. 1000 વર્ષના ગુલામી કાળમાં ભ્રષ્ટાચાર ચોક્કસ પ્રકારના ઉપરના સ્તરે હતો. પરંતુ આઝાદીના 64 વર્ષમાં આપણે ભ્રષ્ટાચારને એટલો વિકસવા દીધો છે કે તે છેક નીચલા સ્તરે મૂળ સુધી પહોંચી ગયો છે. તેનું એકમાત્ર કારણ શિક્ષણમાંથી ભારતીય જીવન મૂલ્યો અને તત્વચિંતનની બાદબાકી છે. વ્યક્તિમાં ભારતીય જીવનમૂલ્યો જીવતા હોત, ભારતીય તત્વચિંતન હિલોરા મારતું હોત તો શું તે ભ્રષ્ટાચારી બની શકત? આટલા ભ્રષ્ટાચાર છતાં ભારતમાં હજી સુધી કોઈ સરકાર, નેતા, પક્ષ, એનજીઓ, સમાજસેવકે મૂલ્ય આધારીત શિક્ષણ માટે પરિણામદાયક પહેલ કરી નથી. બાકી ભ્રષ્ટાચારને ભગાડવા માટે અત્યારે જે પ્રયત્ન થઈ રહ્યા છે, તે આભને થીંગડા મારવાની કોશિશ જ સાબિત થવાના છે. બાકી વેલ્યુ એજ્યુકેશન વ્યક્તિને ઢાળમાં પણ ગબડે નહીં તેવો બનાવશે.

આંદોલનને કોંગ્રેસી જવાબ લઘુમતી અનામતની ભ્રમજાળ!

અણ્ણાના આંદોલનને કોંગ્રેસી જવાબ લઘુમતી અનામતની ભ્રમજાળ!


-
લઘુમતી અનામતના કોંગ્રેસી કાર્ડથી અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો ફૂગ્ગો ફૂટી જશે. લોકસભામાં લોકપાલ બિલ રજૂ થવાનું હતું, ત્યારે તે કેવી રીતે ભ્રષ્ટાચાર વિરુદ્ધનું તંત્ર પેદા કરશે તેના પર ચર્ચા થઈ ન હતી. પરંતુ લોકપાલની સમિતિ અને સર્ચ કમિટીમાંથી એસસી, એસટી, ઓબીસી, મહિલા માટે ઓછામાં ઓછું 50 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી. પરંતુ કોંગ્રેસના વડપણ નીચેની યુપીએ સરકારે લોકપાલના અનામતની જોગવાઈમાંથી લઘુમતી શબ્દ હટાવી લીધો. લોકસભામાં લાલુપ્રસાદ યાદવે આ મુદ્દે તોફાન મચાવ્યું અને લોકપાલમાં લઘુમતીઓને અનામતની જોગવાઈ પાછી લેવડાવી. ભારતીય બંધારણ પ્રમાણે ધર્મ આધારીત અનામત ગેરબંધારણીય છે. પરંતુ ભારતીય બંધારણને સુપ્રીમ ગણવાની વાત કરનારી ભારતીય લોકશાહીની સુપ્રીમ સત્તા સંસદમાં બંધારણની ભાવનાને દરકિનાર કરવામાં આવી. લોકસભામાં રજૂ કરવામાં આવેલા સરકારી લોકપાલ બિલના નવા ડ્રાફ્ટમાં અનામતની જોગવાઈમાં લઘુમતી શબ્દ ફરીથી દાખલ કરવામાં આવ્યો.

લોકસભામાં ભાજપના નેતા સુષ્મા સ્વરાજે ધર્મ આધારીત લઘુમતી અનામતને ગેરબંધારણીય ઠેરવ્યું છે. ભાજપ લોકપાલમાં ધર્મ આધારીત લઘુમતી અનામતનો વિરોધ કરી રહ્યું છે. વળી બંધારણમાં પણ ધર્મ આધારીત અનામતની કોઈ જોગવાઈ નથી. આથી જો લોકપાલમાં લઘુમતી અનામત દાખલ કરવું હોય તો બંધારણીય સંશોધનની જરૂરત પડશે. આ બંધારણીય સંશોધનને પારીત કરવા માટે ગૃહમાં બે તૃતિયાંશ બહુમતીની જરૂર પડશે. પરંતુ ભાજપ લોકપાલમાં લઘુમતી અનામતના મુદ્દે વિરોધ પર કાયમ રહે તો બંધારણીય સંશોધન પારીત થશે નહીં અને લાલુ, મુલાયમ, બીએસપી, ડાબેરીઓ લઘુમતી અનામત વગરનું લોકપાલ પારીત થવા દેશે નહીં. આવા સંજોગોમાં કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારને માટે સાપ પણ મરી જશે અને લાઠી પણ નહીં તૂટે તેવી પરિસ્થિતિ પેદા થશે. એટલે કે અણ્ણાનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન નબળું પડશે અને ભાજપને લઘુમતી અનામતની ભ્રમજાળમાં ફસાવીને કોંગ્રેસ વિરોધી વાતાવરણને તરફેણમાં ફેરવવાની તક મળશે.

ભ્રષ્ટાચારથી ભ્રમિત બનેલી યુપીએ સરકારે હાલ દેશને દિગ્ભ્રમિત કર્યો છે. યુપીએ સરકારના ભ્રષ્ટાચારના પાપનો ઘડો હવે ભરાઈ ચુક્યો છે. અણ્ણા હજારે યુપીએ સરકારના પાપના ઘડાને ફોડવા માટે જનલોકપાલનો પાણો ફેંકી ચુક્યા હતા. પરંતુ યુપીએ સરકારની શાતિર વકીલ મંત્રી ત્રિપુટીએ અણ્ણા હજારેના જનલોકપાલના પાણાનું નિશાન લોકપાલમાં લઘુમતી અનામતના કીડીના ચટકાથી ચુકવી દીધું છે. કોઈપણ પરિસ્થિતિમાં સરકારની લોકપાલનો ભાજપ અથવા અન્ય પક્ષો દ્વારા વિરોધ થવાનો છે અને તેવા સંજોગોમાં લોકપાલ બિલ પારીત થશે નહીં અથવા મહામુશ્કેલીએ પારીત થશે. વળી બે તૃતિયાંશ બહુમતીથી ધર્મ આધારીત લઘુમતી અનામતને લોકપાલમાં દાખલ કરાવવાની કોંગ્રેસની મનસા પૂર્ણ થશે નહીં. પરંતુ તેઓ રાજકીય રીતે કહી શકશે કે તેમણે લોકપાલમાં લઘુમતી અનામત માટે લાલુ, મુલાયમ, બીએસપી અને ડાબેરીઓના દબાણમાં પ્રયત્ન કરી જોયો પણ લઘુમતી વિરોધી ભાજપે તેને સફળ થવા દીધો નહીં. આ સ્થિતિમાં જીત યુપીએ સરકારની થવાની છે. તેની સાથે મુસ્લિમોના ઉત્થાન માટેની સચ્ચર કમિટીની ભલામણો અને રંગનાથ મિશ્રા પંચની લઘુમતી અનામતની જોગવાઈ લાગુ કરવાનો મુદ્દો પણ કોલ્ડ બોક્ષમાંથી ગરમ થઈને બહાર આવ્યા છે.

જેના આધારે કોંગ્રેસ ઉત્તર પ્રદેશની આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે લઘુમતી અનામતના કાર્ડનો ઉપયોગ કરી શકશે. ઉત્તર પ્રદેશમાં દેશના કુલ મુસ્લિમોના 50 ટકા મુસ્લિમો રહે છે. જ્યારે ઉત્તર પ્રદેશની કુલ વસ્તીમાં મુસ્લિમોની ટકાવારી 20 ટકા છે. મુસ્લિમ મતો યૂપીની 403માંથી 100થી વધારે બેઠકો પર નિર્ણાયક સ્થિતિમાં છે. તેવા સંજોગોમાં કોઈપણ પક્ષને મુસ્લિમ વોટની લાલચ જાગી શકે છે. આવી સ્થિતિમાં સમાજવાદી પાર્ટી પહેલા જ જાહેરાત કરી ચુકી છે કે તેઓ સંસદમાં આવનારા લઘુમતી-મુસ્લિમ અનામતના કોઈપણ બિલને ટેકો આપશે. માયાવતીએ પોતાની અનામતની રાજનીતિ હેઠળ મુસ્લિમોને અનામત આપવા સંદર્ભે વડાપ્રધાનને પત્રો લખ્યા હતા. જો કે વડાપ્રધાને આ સંદર્ભે એક રાજ્ય તરીકે માયાવતી સરકાર નિર્ણય કરી શકે તેમ હોવાની વાત અન્ય રાજ્યોના મુસ્લિમ અનામતની વ્યવસ્થાને ટાંકીને કરી હતી. હાલ કેરળ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યો મુસ્લિમ અને/અથવા ખ્રિસ્તી અનામત આપી રહ્યા છે.

પરંતુ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુસ્લિમ મતોની ફસલ લણવા માટે કોંગ્રેસ પણ ટાંપીને બેઠી હતી. જેવો લોકપાલમાં લઘુમતી અનામતનો મુદ્દો ગરમ થયો કે તેમણે હથોડો મારી દીધો. 22મી ડીસેમ્બરે ક્રિસમસ નિમિત્તે સંસદની કાર્યવાહી 27 ડીસેમ્બર સુધી સ્થગિત રહેવાની છે, ત્યારે કેન્દ્રીય કેબિનેટે ઓબીસી ક્વોટામાંથી લઘુમતી-મુસ્લિમોને 4.5 ટકા અનામત આપવાની ઘોષણાને મંજૂરી આપી દીધી છે. વળી આ ટાઈમિંગનું પણ ઘણું મહત્વ છે. ઉત્તર પ્રદેશ સહીતના પાંચ રાજ્યોની ચૂંટણીની જાહેરાત પણ 23મી ડીસેમ્બરની આસપાસ થવાની છે. ચૂંટણીની જાહેરાત બાદ આચાર સંહીતા લાગુ થઈ જાય તો તેવી સ્થિતિમાં મુસ્લિમ-લઘુમતી અનામતનું કાર્ડ ખેલી શકાય નહીં. આથી આચાર સંહીતા લાગુ થતાં પહેલા કેન્દ્રીય કેબિનેટે ઓબીસી ક્વોટામાંથી લઘુમતીઓને અનામત આપવાની જાહેરાત કરીને મુસ્લિમ મતોનો લાભ ખાંટી લેવાનો પેંતરો કોંગ્રેસના વડપણવાળી યુપીએએ કર્યો છે.

કોંગ્રેસના ઈશારે યુપીએ સરકાર દ્વારા શરૂ થયેલી લઘુમતી અનામતની રાજનીતિને કારણે ભાજપને પોતાના જૂના પથ પર જવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ભાજપ ધર્મ આધારીત અનામતને ટેકો આપી શકશે નહીં. જો તેઓ લઘુમતી અનામતને ટેકો આપશે, તો તેમની પરંપરાગત હિંદુ વોટબેંક ધોવાઈ જશે. જો તેઓ લઘુમતી અનામતને ટેકો નહીં આપે, તો મુસ્લિમ વોટો ભાજપને મળવાનો જે આભાસ પેદા થયો છે તે અદશ્ય થઈ જશે. પરંતુ ભાજપ પોતાની પરંપરાગત હિંદુ વોટબેંક ધોવાઈ જાય તેવું બિલકુલ ઈચ્છશે નહીં. તેવા સંજોગોમાં ભાજપ દ્વારા ધર્મ આધારીત અનામતની કોઈપણ જોગવાઈનો વિરોધ થશે. વળી સંઘ પરિવાર પણ આવી જોગવાઈના વિરોધ સંદર્ભે સક્રિય બનશે. વિશ્વ હિંદુ પરિષદે પણ લઘુમતી અનામતના વિરોધમાં 27-28 ડીસેમ્બરે દેખાવ કરવાનું એલાન કર્યું છે. આ એલાન એવા વખતે છે કે જ્યારે અણ્ણા હજારે મુંબઈના આઝાદ મેદાનમાં જનલોકપાલ બિલ માટે 27થી 29 ડીસેમ્બર સુધીના ત્રણ દિવસના અનશન કરવાના છે.

આને કારણે સંભાવના એવી પણ છે કે લોકપાલનો મુદ્દો લઘુમતી અનામતના ઉછાળાયેલા મુદ્દાથી અભરાઈ પર ચઢી જશે અથવા અણ્ણાનું આંદોલન કમજોર પડશે. આ સ્થિતિ કોંગ્રેસ અને યુપીએ માટે બેહદ હકારાત્મક રહેશે. હાલની પરિસ્થિતિમાં અણ્ણાના આંદોલનથી પેદા થયેલું કોંગ્રેસ વિરોધી વાતાવરણ એનડીએ માટે ફાયદાકારક છે. પરંતુ લઘુમતી અનામતની જોગવાઈઓ અને જાહેરાતથી કોંગ્રેસ તેની સામેની રાજકીય નકારાત્મકતાને સંતુલિત કરવામાં સફળ થશે. જો કે તેના કારણે દેશ માટે માઠી પરિસ્થિતિ ઉભી થશે. દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી વાતાવરણ મઝહબી અનામતના વિભાજનકારી પેંતરાઓથી ઘર્ષણ અને તણાવ પેદા થશે. જેના કારણે ભ્રષ્ટાચાર, મોંઘવારી, ચીનનું આક્રમક વલણ, પાકિસ્તાનનું પ્રોક્ષીવોર, આતંકવાદ અને અન્ય મહત્વની સમસ્યાઓ તરફથી જનતાનું ધ્યાન હટી જશે. દેશ મઝહબી અનામતના ભમ્મરિયા વમળમાં ફસાઈ જશે. આ પરિસ્થિતિ 2014ની લોકસભાની ચૂંટણી સુધી ચાલુ રહે તેવું કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકાર કદાચ ઈચ્છશે કે જેથી તેમની ભ્રષ્ટાચારની ભૂતાવળો કબરોમાંથી બહાર ન આવે.